રવિનું ઓળખપત્ર – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૧) 11


ઝંખનાબેન ખૂબ વ્યાકુળ હતાં. મારા ક્લીનીકનાં વેઈટીંગ રુમમાં દસ મિનિટનું વેઈટીંગ પણ તેમને અકળાવતું હતુ. ઝંખનાબેન એમના ૮ વર્ષનાં દિકરા રવિ માટે ખૂબ ચિતિંત હતા. રવિનું વર્તન એમને સમજમાં નહોતુ આવતુ. છેલ્લા ૨-૩ મહિનાથી રવિ સ્કૂલમાં, ટ્યુશનમાં અને ઘરની બહાર સોસાયટીમાં બિલકુલ શાંત બેસી રહેતો. ક્લાસમાં પૂછે એના જવાબ ન આપતો, ઈતર પ્રવૃત્તિઓથી તદ્દન દૂર રહેતો, રીસેસમાં એકલો જ ટીફિન ખાતો, સ્કૂલના ગ્રાઉન્ડ પર પણ બીજા બાળકો સાથે રમતો નહી. ઘરની બહાર સોસાયટીમાં પણ રવિની ઉંમરના ૮-૧૦ બાળકો હોવા છતાં રવિ કોઈ સાથે રમતો નહીં અને એકલો જ બેસી રહેતો. સગા-સબંધીઓને ત્યાં કે બહારગામ લગ્નપ્રસંગે જતાં ત્યાં પણ રવિ બધાથી અતડો રહેતો. જ્યારે ઘરમાં આનાથી તદ્દન વિરુધ્ધ વર્તન કરતો. ઘરમાં ખૂબ તોફાન કરતો, ખૂબ બોલતો અને સતત રમતો. રવિથી બે મોટી બહેનો, ૧૦ વર્ષની શ્વેતા અને ૧૧ વર્ષની સુજાતાને તો રવિ પોતાના ઈશારા પર નચાવતો. રવિ કહે તેજ રમત રમવાની, રવિ કહે ત્યારેજ જમવાનું, રવિ કહે ત્યારેજ ભણવાનું અને જો એમ ન થાય તો રવિ આખુ ઘર માથે લેતો. જમવામાં પણ રવિની પસંદગીની વાનગી જ બનાવવાની. ટી.વી ગેઇમ, કોમ્પ્યુટર ગેઇમ કે અન્ય કોઇપણ રમત રવિ ન રમતો હોય ત્યારે જ અને તો જ શ્વેતા કે સુજાતા રમી શકતા. સ્કૂલ તથા ટ્યુશનનું હોમવર્ક રવિ નિયમિતપણે અને સમજપૂર્વક કરી લેતો. સ્કૂલ કે ટ્યુશનમાં જે પણ ભણાવ્યું હોય તે રવિને ઘરે પૂછો તો આવડતું જ હોય. રવિની બધી જ તકલીફ એ જેવો ઘરની બહાર નીકળે એટલે જ ચાલુ થતી. ઘરની બહાર બોલવાનું, રમવાનું, બીજા સાથે ભળવાનું… બધું જ બંધ! ઝંખનાબેન પાસે આટલું જાણ્યા પછી મેં એકાંતમાં રવિ સાથે વાત કરી.

રવિ સાથે વાત કર્યા પછી જે હકીકત જાણવા મળી તે આ પ્રમાણે હતી. રવિ કે.જી માં ભણતો ત્યારે ઘરની નજીકની જ પ્રાયમરી સ્કુલમાં ભણતો. ત્યાં એના ઘણાં મિત્રો હતાં અને બધા ભેગા મળી ખૂબ તોફાન કરતા. આ બધાં મિત્રો રવિનાં ઘરની આસપાસ જ રહેતા એટલે સ્કૂલેથી આવીને પણ રવિ મિત્રો સાથે સોસાયટીમાં રમ્યાં કરતો. રમીને ઘરે આવ્યાં પછી રવિ જમીને થોડી વારમાં સૂઈ જતો. આમ રવિનો નિત્યક્રમ આ ઉંમરમા હોવો જોઇએ તેવો જ હતો. રવિ બીજા ધોરણમાં આવ્યો ત્યાં સુધી આ પ્રમાણે ચાલ્યું. પછી ઝંખનાબેનને રવિને મોટી સ્કૂલમાં ભણાવવાનુ મન થયું અને તે દરમિયાન એમનું નવું પણ ઘર તૈયાર થઈ ગયું હતું. નવું ઘર વધુ સારા વિસ્તારમાં હતું અને શહેરની ઉત્તમ સ્કૂલોમાંની એક સ્કૂલ આ નવા ઘરની નજીકમાં જ હતી. ઝંખનાબેને ઘરની સાથે સાથે રવિની સ્કૂલ પણ બદલવાનું નક્કી કર્યુ. અચાનક રવિના સ્કૂલ તથા ઘર બન્ને બદલાયા. નવી સ્કૂલમાં એડમીશન થોડી મુશ્કેલીથી મળ્યું એટલે ઝંખનાબેનને એવો ડર પેસી ગયો કે રવિએ અત્યાર સુઘી તો માત્ર તોફાન જ કર્યુ છે અને રમી જ ખાધું છે. હવે નવી સ્કૂલમાં પણ આજ પ્રમાણે કરશે તો મુશ્કેલીથી મળેલું એડમીશન રદ થશે. વળી નવી સ્કૂલ એના કડક શિક્ષકો તથા શિસ્ત માટે જાણીતી હોવાથી ઝંખનાબેન અસ્વસ્થ અને અધીરાં બની ગયાં. બીકમાં ને બીકમાં એમણે રવિનું એડમીશન થતાં જ પ્રિન્સિપાલને મળીને એવું જણાવ્યું કે, ‘મારો દીકરો થોડો તોફાની છે અને બીજા છોકરાઓ સાથે ભળીને કદાચ વધુ તોફાન કરશે એટલે તમે એના પર પહેલેથી જ જરા કડકાઈ રાખજો.’ પ્રિન્સિપાલે પોતાની સમજ પ્રમાણે રવિનાં ક્લાસ ટીચરને બોલાવીને કહી દીધું કે, ‘રવિ નામનાં છોકરાનું નવું એડમીશન થયું છે અને એને બીજા બાળકો કરતા થોડો અલગ રાખવાનો છે કારણકે એ ખૂબ તોફાની છે અને બીજા બાળકોને પણ તોફાન કરતા શીખવાડશે.’

રવિની તો જણે દશા બેઠી. હંમેશા મિત્રો સાથે રહેવા અને રમવા ટેવાયેલા રવિને ટીચરે છૂટ્ટો પોતાની બાજુમાં જુદી બેન્ચ પર બેસાડ્યો. ક્લાસમાં બાકીના બાળકોને પણ જાણે મજાક કરવાનું સાધન મળી ગયું. રીસેસમાં તથા ફ્રી સમયમાં બાળકો રવિને ચીડવવા લાગ્યાં. ધીરે ધીરે કરતા ‘તોફાની’નું લેબલ રવિ પર એવી રીતે ચીપકી ગયું કે બિચારા રવિને શું બન્યું એની પણ ખબર ન હોય છતાં દરેક તોફાનમાં નામ એનું આવવા લાગ્યું. રવિએ આસપાસની દુનિયામાં રસ લેવાનું બંધ કરવા માંડ્યુ. રવિ સૌથી અલગ, અતડો, ચૂપચાપ અને એકલો રહેવા લાગ્યો પણ અંદર ને અંદર ખૂબ ધૂંધવાતો. મનમાં ને મનમાં ખૂબ ગુસ્સે ભરાતો. ઘરમાં સૌથી નાનો હતો અને મોટી બન્ને બહેનો ડાહી અને પ્રેમાળ હતી એટલે મનમાં ભરાયેલો બધો ગુસ્સો એમના ઉપર દાદાગીરી કરી કાઢતો. સ્કુલમાં સાથે ભણતા બે છોકરા રવિની સોસાયટીમાં જ રહેતા હોવાથી રવિ ઘરથી બહાર નીકળી સોસાયટીમાં રમવા જવાનું પણ ટાળતો. રવિને સતત ડર રહેતો કે કોઈ મશ્કરી કરશે અથવા કંઈ થશે એમાં એનું નામ આવશે. આથી ઘરની બહાર નીકળતાજ એની તમામ ઈન્દ્રિયો સંકોચાઈ જતી. એનો ઉત્સાહ, આનંદ, ઈચ્છાઓ ઠરી જતા. ઘરની બહાર રવિ ડર અને અસલામતી અનુભવતો.

ઝંખનાબેનને સ્વપ્ને પણ ખ્યાલ નહી હોય કે એમનો ડર તથા અસલામતીની ભાવના અને વણવિચાર્યે ભરેલું એક પગલું રવિના હસતાં રમતા બાળપણને પીંખી નાખશે!

આપણે આ આખીયે ઘટના હવે વિગતે સમજીએ…

આવું શા માટે બન્યું?

આપણે દિવસ દરમિયાન અનેક વખત આપણાં બાળકોને આપણી સમજ, ઉંમર, અનુભવ, અપેક્ષા અને પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા ઓળખપત્રો આપતા રહીએ છીએ જેને LABELLING કહેવાય છે. ઓળખપત્રનો ખરો અર્થ IDENTITY CARD થાય પણ મેં અહીં વાપર્યુ છે કેમકે આપણા દૃારા અપાયેલા LABEL અજાણતાં બાળકનું ઓળખપત્ર બની જાય છે. છાશને વારે મા-બાપ બાળકોને ડાહ્યા, આળસુ, બેદરકાર, ધીમા, ડોબા, શાંત, ડરપોક, નરમ, હોંશિયાર, ચપળ, સાહસિક, ચબરાક વિગેરે વિશેષણોથી નવાજતા હોય છે. મોટેરાંઓને દરેક બાબતનું તારણ પોતાના અનુભવ અને સમજના આધારે કાઢવાની આદત પડી જતી હોય છે અને એ આદત ધીમે ધીમે માન્યતામા પરિણમે છે. બાળકે પોતાની સમજ અને ઉંમર પ્રમાણે કરેલા વર્તનનું તારણ મોટેરાઓ એમની સમજ, ઉંમર અને માન્યતા પ્રમાણે કાઢે છે. પરિણામે વિસંવાદિતા રચાય છે. બાળજગત એકદમ સરળ, નિર્દોષ અને ઉલ્લાસમય હોય છે જેને આપણે જટિલ બનાવીએ છીએ.

બાળકને સારું કે નરસું કોઇપણ લેબલ નુકશાન જ કરે છે. બાળકના માટે જે કોઇ વિશેષણ/લેબલ વપરાતુ હોય તે ધીરે ધીરે બાળકનુ ઓળખપત્ર બની જાય છે. બાળક કોઇપણ વર્તન કરતા પહેલા અજાણતા જ પોતાનું ઓળખપત્ર જોશે અને પછી આપણે આપેલા ઓળખપત્ર પ્રમાણે જ વર્તન કરશે. એટલેજ આપણે ઘણી વખત અનુભવીએ છીએ કે બાળક જે ન કરે એની અપેક્ષા રાખીએ તેજ વર્તન બાળક ધરાર કરતું હોય છે. ‘આળસુ’નું લેબલ પામેલું બાળક વધુ ને વધુ આળસુ થતું જાય છે. ‘ડરપોક’ નું લેબલ પામેલું બાળક વધુ ને વધુ ડરપોક થતુ જાય છે. ‘બેદરકાર’ નું લેબલ પામેલું બાળક વધુ ને વધુ બેદરકાર થતુ જાય છે. નકારાત્મક વિશેષણો તો બાળકને નુકશાન કરે જ છે પણ વખાણ કરવાના આશયથી અપાયેલા લેબલ પણ નુકશાન જ કરે છે. કોઇ બાળકને સતત હોશિયાર, ચપળ કે ચબરાક કહેવાથી તે બાળક પોતાના સ્વાભાવિક સ્વભાવથી દૂર જવા લાગે છે. સતત પોતાને મળેલા લેબલને સાર્થક કરવાના પ્રયત્નોમાં લાગી જાય છે. આવા બાળકો ધીમે ધીમે કરતા પોતાનાથી નબળાં બાળકોની સંગત શોધે છે જેથી એમને મળેલુ લેબલ જળવાય રહે. આખી રમત ‘હોવા’ કરતા ‘બતાવવા’ તરફી થઈ જાય છે. સતત વખાણ પામતા બાળકો હારવાના ડરથી ધીમે ધીમે ઈતર પ્રવૃત્તિથી દૂર થતા જાય છે. આગળ આવો એક કિસ્સો આવશે જેમા સતત વખાણ કરવાથી બાળકની શું હાલત થઈ હતી તેની ચર્ચા કરીશુ.

બાળકને લેબલ કરવાથી એવું તે શું બને છે જેની આટલી બધી આડઅસરો..

શું બાળક કંઈ અજુગતું કરે તો એને ટોકવાનું પણ નહિ?
શું બાળક કંઈ વખાણવા લાયક કાર્ય કરે તો એના વખાણ પણ નહિ કરવાના?
કરવાનું ચોક્કસ જ કરવાનુ. જરુર હોય ત્યારે જરુર પુરતું ટોકવાનુ અને સારા કાર્ય માટે પુરતા વખાણ પણ કરવાના.

પણ કોના? બાળકનાં કે બાળકની વર્તણુંકનાં?

બાળકની વર્તણુંકને વખાણવી કે ટોકવી, બાળકને નહિ. બાળકો બીનશરતી પ્રેમના હકદાર છે. આપણે બાળકના વર્તન અને વર્તણુંકને એક જ પલ્લાંમાં તોલિયે છીએ. બાળકનું અસ્તિત્વ બાળકના વર્તનથી ભિન્ન છે. બાળકનાં વર્તન પરથી એના વ્યક્તિત્વનું તારણ કાઢવું ભુલ ભરેલું છે. વર્તન હંગામી હોય છે આજે કોઈ કારણસર ચૂપ રહેલું બાળક બોલતું જ નથી એમ કઈ રીતે તારવી શકાય? બાળકના વર્તનને જ્યારે એનું વ્યક્તિત્વ બનાવી દેવાય છે ત્યારે બાળક મુંઝવણ અનુભવે છે. એની સેલ્ફ ઈમેજ ધુંધળી બને છે. બાળક આત્મવિશ્વાસ ગુમાવે છે.
રવિનાં કિસ્સામાં ઝંખનાબેને પોતાના ડર તથા અસલામતીને કારણે એક તારણ કાઢ્યું કે ‘રવિ તોફાની છે અને એને એના તોફાનના કારણે નવી સ્કુલમાંથી કાઢી મુકશે.’ રવિનાં તદ્દન બાળસહજ અને સામાન્ય તોફાનોને ઝંખનાબેને પોતાની સમજ પ્રમાણે મુલવીને રવિ પ્રત્યે એક માન્યતા બાંધી લીધી.એમની આ માન્યતા કોઇપણ જાતના અનુભવ વગર રવિની સ્કુલના શિક્ષકો તથા રવિના ક્લાસમા ભણતા અન્ય બાળકોની પણ માન્યતા બની ગઈ. મશ્કરીનાં ડરથી રવિ સ્કુલમાં ચૂપચાપ રહેવા લાગ્યો પણ ગુસ્સો અને બધાં તરફથી મળેલાં ‘તોફાની’ના લેબલને એ ઘરમાં તોફાન કરીને તથા દાદાગીરી કરીને સંતોષવા લાગ્યો પણ હકીકતમા અંદરથી એની સેલ્ફ ઈમેજ ધુંધળી થવા માંડી હતી. એની સાથે શું થયું અને કેમ થયું એ બધુ એના બાળમાનસની સમજથી કોસો દૂર હતું. એનો અત્મવિશ્વાસ ડગી રહ્યો હતો. એટલું સારું હતુ કે ભણવા તરફ હજી એને અણગમો ન્હોતો થયો. વાત ઘણી બગડે તે પહેલાં એના કારણ સુધી પહોચી શકાવાના કારણે રવિ 2-3 મહિનામાં ફરી બધાં બાળકો સાથે ભળતો થઇ ગયો અલબત્ત એકદમ સામાન્ય થતાં છએક મહિના જેટલો સમય લાગ્યો.

આપણે સૌએ જાતને પૂછવાના કેટલાંક સવાલો –

૧. તમારા બાળક માટે કયા વિશેષણો વાપરો છો?
૨. કેટલીવાર એનું પુનરાવર્તન થાય છે? (દિવસમાં / અઠવાડિયે / મહિને)
૩. ક્યારે ક્યારે વાપરો છો? (ઘણીવાર આપણે માનસિક રીતે અસ્વસ્થ હોઈએ ત્યારે બાળકની સહજ પ્રવૃત્તિઓને પણ ટોકતા હોઇએ છીએ)
૪. આ વિશેષણો વાપરવા પાછળ તમારો આશય શું છે? શું અસર થાય એવું ઈચ્છો છો?
૫. તમારો આશય પૂરો થાય છે? તમારી ધારેલી અસર થાય છે?

ઉકેલ –

૧. બાળક માટે તમારા દ્વારા વપરાતા વિશેષણનું કારણ શોધી એનું નિરાકરણ કરવું
૨. તમારું બાળક ટોકવા યોગ્ય વર્તણુંક ક્યારે અને કેટલીવાર કરે છે તેની નોંધ કરો, કારણ શોધો અને નિરાકરણ કરો.
૩. કોઇ ચોક્કસ સમયે કે કોઇ ચોક્કસ વ્યક્તિની હાજરીમા બાળક ગેરવર્તણુંક કરતું હોય તો તેની નોંધ લો, કારણ શોધો અને નિરાકરણ કરો.
૪. તમારા મનમાં ઘર કરી ગયેલા વિશેષણનાં દાયરામાંથી બહાર નીકળી બાળકની માત્ર વર્તણુંકનુ જ મુલ્યાંકન કરો.
૫. ‘આજનું તારું વર્તન વખાણવા યોગ્ય હતું’ અથવા ‘તારી આજની વર્તણુંક બરાબર ન હતી. તારે આવી રીતે નહી પણ આવી રીતે વર્તવાની જરુર હતી. બીજીવાર ધ્યાન રાખજે.’ એમ કહો.
૬. બાળકના અન્ય ગુણોને સરાહો અને એ વિશે બાળક સાથે સહજતાથી વાત કરો. બાળકના અસ્તિત્વને બીનશરતી પ્રેમ કરો.
બાળકની સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રથમ બાળક બની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરવો પડશે પછી એના મિત્ર બની ઉકેલ શોધવો પડશે. અંતમાં મા-બાપ બની પ્રેમપૂર્વક સમસ્યાનું સમાધાન કરવું પડશે.

– ડૉ. નીના વૈદ્ય


Leave a Reply to Harshad DaveCancel reply

11 thoughts on “રવિનું ઓળખપત્ર – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૧)

  • Harshad Dave

    બાળમાનસ વિષે આપણે વિચાર કે અભ્યાસ કર્યો નથી હોતો. અહીં તેમ કરવાની સમજ મળે છે. ખુદનું અને બાળકનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાની તક સાંપડે છે…તે પણ આપણા પૂર્વગ્રહોથી મુક્ત હોય તેવું નિરીક્ષણ. આથી બાળકોને, માતા-પિતાને અને આખરે આખા સમાજને ફાયદો થાય છે અને માનવજાત ઉન્નત અને આનંદમય જીવન જીવવા સમર્થ બને છે. -હદ.

  • Pinal

    નિના બેન્ ખુબ ખુબ ધન્ય્વાદ્, મારો બાબો ૬ વર્શ નો ચે. અને નાનો ૨ વર્શ નો. બેન મારો મોત્તો બાબો હજુ સુધેી એનેી જાતે ખાતો નથેી. હુ ખુબ સમ્જાવુ ચુ. મને માર્ગ્દર્શ્ ન આપો.

  • kiran

    Khoob useful mahiti, amuk behavior and actions child na hoy che j aap e janavya but karan aa article Thi samjaya…..thankyou author……

  • નિમિષા દલાલ

    ખૂબ જ સરસ આર્ટીકલ. કાશ આ વિષે પહેલા ખબર પડી હોત. મારા બાળકો આવા જ કેટલાક વિશેષણોથી મોટા થયા છે.. એકદમ દિલથી પસ્તાવો થાય છે.. બને એટલા લોકોને હું આ શેર કરીશ જેટલી વ્યક્તિના ધ્યાનમાં આવે ને સુધરે તો બાળકોને માટે સારું જ છે… આભાર નીનાબહેન અને જિજ્ઞેશભાઈ તમારો પણ…

    • Nina Vaidya

      ખુબ ખુબ આભાર નિમિષાબેન. ગીતાબેન સાથે તમારી વાત થઈ હતી. તમે ઍક ખાલી બહેનોનુ ગ્રુપ બનાવ્યુ છે અને દર રવિવારે સાહિત્ય વિશયક ચર્ચા કરો છો ઍ જાણી ઘણૉ આનંદ થયો. ઍકવાર જરુરથી આવવુ છે.