જીવનમાં નિયમનું મહત્વ – સંજય દોશી 2


દરેકના જીવનમાં નિયમનું ખૂબ જ મહત્વ છે. નિયમ વિનાનું જીવન એ સાચું જીવન નથી એમ મનાય છે. જીવનના દરેક ક્ષેત્રે નિયમોનું પાલન થાય તો જ પોતાના નિર્ધારીત ધ્યેયને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. જીવનમાં નાના-મોટા, થોડા-ઘણાં પણ નિયમોની આજે ખૂબ આવશ્યકતા છે. જ્યાં સુધી આપણે પોતાના જીવનમાં નિર્ધારીત ધ્યેય-લક્ષ્યાંક-હેતુને સિધ્ધ કરવા સફળતા મેળવવા અને પોતાની મંઝિલને મેળવવાના પ્રયત્નો કરતા રહીએ છીએ ત્યાં સુધી આપણે પોતાના જીવનમાં અમુક નિયમોને પાળવા જ પડે છે. ચોક્કસ નિર્ધારિત નિયમ જ સફળતા અપાવે છે. નિયમો એટલે જીવનમાં અમુક પ્રકારની મર્યાદા, બંધન અને પાપ કાર્યોને અટકાવવા માટેની લક્ષ્મણ રેખા.. નિયમો દ્રારા જ આપણે પોતાના જીવનમાં ખરાબ કૃત્યો કરતા અટકીએ છીએ. આપણાં પોતાના જીવનમાં આવતી બદીઓ, વ્યસનો અને પાપકર્મોને નિયમોની વાડ મારફતે તેને વધતા અટકાવી શકીએ છીએ. મિત્રો, દરેકના જીવનમાં કંઈક અંશે નિયમોનું પાલન ખૂબ જરૂરી છે. જ્યાં આપણે કોઈ નિતી-નિયમોનું પાલન થતું જોતાં નથી ત્યાં કેટલી બધી અવ્યવસ્થા સર્જાય છે તે આપણને ખબર છે..!

નિયમોનું જ જીવનનું સાચુ ઘડતર છે. આપણે પોતાના જીવન વ્યવહારના ઘડતર માટે જન્મથી શરૂ કરીને મોટા થતાં જઈએ છીએ તેમ તેમ આપણને પોતાના જીવન વ્યવહારના દરેક તબક્કે અમુક નિયમોનું પાલન કરવાની ફરજ પડતી હોય છે. અમુક વખત આપણને મનથી સવાલ થાય છે કે આપણું જીવન તો બહુ જ સુંદર રીતે આરામદાયક રીતે પસાર થઈ રહ્યું છે તો પછી નિયમો ન પળીએ તો પણ ચાલે..! પરંતુ આવું વિચારવું યોગ્ય નથી. કાલની કોને ખબર છે? આજની ધડી જ આપણાં હાથમાં છે. પાપ કર્મો તો છૂપા ચોરોની માફક આપણી નજર રાખીને જ બેઠા છે. જેવાં આપણે પોતાના નિયમોમાંથી ચલિત બન્યા કે તરત જ પાપકર્મો નો પ્રવેશ થઈ જાય છે, તેની આપણને પછીથી જ ખબર પડે છે, ત્યારે આપણે ખૂબજ પસ્તાઈએ છીએ. જીવનમાં પસ્તાવાનો સમય ન આવે તે માટે આપણે દરેકે સત્વરે જાગી જવાની જરુર છે. નિયમો જ વ્યક્તિની સાચી શોભા છે. તે ચારિત્ર્યધડતર ની જનેતા છે. દરેક માતા-પિતા ની ફરજ છે કે પોતાનાં સંતાનોમાં ઉત્તમ સંસ્કારોના સિંચનની સાથે તેમના જીવનમાં નિયમોનું કડક પાલન કરવાની પણ ફરજ પાડે કે જેનાથી સંતાનોનું ભાવિ વધુ ઉજ્જવળ અને સફળતાભર્યુ બનશે.

“નિયમથી કરેલું કાર્ય ત્વરાથી-ઝડપથી થાય છે. આપણાં આનંદનું કારણ બને છે અને આપણને આત્મસંતોષ આપે છે.”

પ્રભુશ્રી રામચંદ્રજી -શ્રી કૃષ્ણ – શ્રી મહાવીર સ્વામી એવા ધણાનાં જીવનમાં પણ નિયમોનું સ્થાન અવશ્ય જોવા મળે છે. જો પ્રભુ પણ પોતાના જીવનચરિત્રમાં નિયમોનું બહુ જ ગંભીરતાથી પાલન કરતા જણાય છે તેમજ નિયમો ની પ્રતિબદ્ધતા અને તેની આવશ્યકતા આપણને તેમના જીવનચરિત્રમાંથી જોવા મળે છે, તે આપણને નિયમોની ઉપયોગિતા વિશે ધણું બઘું કહી જાય છે. તેમના જીવનચરિત્રમાંથી આપણે નિયમ પાળવાની ટેક લેવી જોઈએ. પોતાના પ્રાણના ભોગે પણ લીઘેલ નિયમનું જીવન પર્યંત – શુદ્ધ આત્માની સાક્ષીએ પાલન કરવાની ખુમારી લાવવી પડશે. એક સમયે પ્રાણ જાય તો ભલે જાય પણ પોતાના લીધેલા નિયમોનું પાલન અવશ્ય કરવું – એ જ સંદેશો આપણને આવા ઉમદા જીવનચરિત્રો આપે છે અને તે સંદેશો જ આપણે ગ્રહણ કરવાનો છે.

જીવનમાં નિયમો હોવા જરુરી છે પરંતુ તે નિયમોથી કોઈના દિલને દુઃખ ન પહોંચે, ઠેસ ન પહોંચે, કોઈનું પણ કંઈ ખરાબ અને અનર્થ ન થાય તેવા જ નિયમો આદર્શ છે…. આપણે લીધેલા નિયમોથી બીજાને કંઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. દુનિયામાં બીજાને નીચા દેખાડવાની વૃતિથી, કોઈને સારું લગાડવાની વૃતિથી, એક – બીજાની હરિફાઈમાં જીતી જવાની ઈચ્છાથી, છૂપા સ્વાર્થભાવ અને ખોટા અહમ ને પોષવા માટે લીધેલા નિયમોનું કોઈ જ મહત્વ નથી. બીજાને દુઃખી કરીને આપણે જો નિયમ પાળી બતાવાનો હોય તો તે યોગ્ય ન કહેવાય….! આપણો ઉદેશ જીવનને વધુ સુખી – સરળ અને સંતોષી બનાવીને લોકપયોગી કાર્યો કરવાની ભાવનાંવાળુ જીવન બનાવવાનો હોવો જોઈએ. અન્યોને પણ તકલીફ ન પડે અને પોતાના લીધેલા નિયમો શુદ્ધતાથી જીવનપર્યંત નિભાવી શકીએ અને તેની મર્યાદામાં જ આપણાં જીવનની સુવાસ મહેંકતી રહે તેવા સાચા અને યોગ્ય નિયમોથી જ આપણું જીવન ધડતર સારી રીતે થયું ગણાય. બાકી અવિચારી રીતે લીધેલા નિયમોને જડતાથી વળગી રહેવું એ મૂર્ખામી જ ગણી શકાય.

– સંજય દોશી

સંજયભાઈ દોશીનો પ્રસ્તુત લેખ જીવનમાં નિયમનું મહત્વ અને એ વિશેના વિવિધ ચિંતન પ્રસ્તુત કરે છે. સંજયભાઈએ લેખની સાથે તેમનો પરિચય આપ્યો નથી. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને વધુ નિખાર મળતો રહે એવી શુભેચ્છાઓ સહ આભાર.


2 thoughts on “જીવનમાં નિયમનું મહત્વ – સંજય દોશી

  • R.M.Amodwal

    Personaly i also agree with content of your artical.Person always behave as per his likings may be wrong than he is only face the consequences of therof.every humanbeings has to decide as per natural justice.
    thanks

  • સુભાષ પટેલ

    સૌથી વધુ સ્વેચ્છાએ કોઇએ નિયમ-પાલન કર્યું હોય તો મહાત્મા ગાંધીજીએ. અને એટલે જ તેઓ મહાન બની શક્યા અને આદર પામે છે.