વિષાદ (વાર્તા) – નિમિષા દલાલ 17


રસોઇ પતાવી અલકાબહેન બેઠકરૂમના સોફા પર પ્રકાશભાઈની રાહ જોતાં બેઠાં. આ એ જ સોફા હતાં જે ધ્રુવને લેવા એક સપ્તાહ માટે જ આવેલા નીલે આગ્રહ કરી કરીને લેવડાવ્યા હતાં. નીલ, પ્રકાશભાઈ અને અલકાબહેનનો એકનો એક પુત્ર. બાળપણથી જ રૂપિયાની અછતમાં મોટો થયો. પણ ભણવામાં હોંશિયાર એટલે સ્કોલરશિપ મળતી રહી અને એનો અભ્યાસ આગળ વધતો રહ્યો. આજે અમેરિકાની એક કંપનીમાં સારા પગારની નોકરી કરતો હતો. વર્ષોથી રૂપિયાની અછતમાં કરકસરથી જીવેલા, દરેક સગવડથી વંચિત રહેલા પોતાના માતાપિતાને તે બધી જ સુખસગવડ આપવા માગતો હતો. નીલ દર મહિને અમેરિકાથી રૂપિયા મોકલી પુત્રધર્મ બજાવતો હતો અને અલકાબહેન અને પ્રકાશભાઈ એ રૂપિયાની ફીક્સમાઁ મૂકી તેમનો વડીલધર્મ બજાવતા. તેમને વર્ષોથી ફાવી ગયેલી જીવનશૈલી બદલવાની ઇચ્છા થતી નહીં એટલે જ જ્યારે પણ નીલ ભારત આવતો ત્યારે તે ઘરમાં કંઈક ને કંઈક સગવડ કરાવીને જ જતો.

અલકાબહેનને આજે સવારે જ નીલ સાથે થયેલી વાત યાદ આવી. ધુવના જન્મ પછી પહેલી વાર તેનો આખો પરિવાર લાંબા સમય માટે અમેરિકાથી અહીં આવવાના હતાં. અને તે પણ દિવાળીના તહેવાર પર! અલકાબહેનનાં મનમાં તો દિવાળી પહેલા જ દીવાઓ ઝગમગી ઊઠ્યાં હતાં. આ સમાચાર પ્રકાશભાઈને આપવા તે ખૂબ ઉત્સુક હતા ને પ્રકાશભાઈ હતા કે આવતા નહોતા. આજે પ્રકાશભાઈનું સમયસર આવવું પણ તેમને મોડું લાગી રહ્યું હતું. તેમના આવવાના કલાક પહેલા તો રસોઈ તૈયાર પણ થઈ ગઈ હતી. અલકાબહેન પ્રકાશભાઈની રાહ જોતા જોતા ભૂતકાળમાં સરી પડ્યા.

પ્રકાશભાઈની સામાન્ય કારકાનૂની નોકરી. બાંધી આવકમાં હંમેશા પૈસાની અછત રહેતી. નીલના જન્મ પછી થોડીક આર્થિક સ્થિતિ સુધરી તો ખરી પણ એ રૂપિયા નીલના અભ્યાસ પાછળ ખર્ચી અલકાબહેન અને પ્રકાશભાઈ કરકસરથી જ જીવતા. નીલ ભણવામાં હોંશિયાર નીકળ્યો એટલે તેને સ્કોલરશીપ મળતી રહી ને… નીલે ઊચ્ચત્તમ ડીગ્રી મેળવી. મોટી કંપનીમાં સારા પગારની નોકરી અને અમેરિકા ટ્રેનીંગ માટે જવાનું થયું. એની કાર્યદક્ષતા જોઇ ત્યાંની એક કંપનીએ તેને બમણા પગારની સાથે બધી જ સગવડ આપતી જોબની ઓફર કરી અને નીલે તે સ્વીકારી ત્યારે અલકાબહેન ખૂબ રડ્યાં હતાં. એકનો એક પુત્ર આમ પોતાનાથી દૂર થઈ જાય તે એમને ગમતું નહોતું. બંને પતિ-પત્ની માટે તો નીલ જ તેમનું ધન હતું.

“મમ્મી, આ યુવાનીના દિવસો છે. અત્યારે હું મહેનત કરી શકું એમ છું. વધારે કલાક કામ કરી રૂપિયા કમાઈ શકું છું….” પણ અલકાબહેનનાં આંસુ રોકાતા નહોતા.

“આજ સુધી તમે મને ઉછેરવામાં જે સગવડોથી વંચિત રહ્યા છો તે દરેક સુખસગવડ મારે તમને આપવી છે. મમ્મી તું આમ રડશે તો મારું મન ત્યાં કામમાં કેવી રીતે લાગશે ?”

“તો નહીં જા ને દીકરા. તું અહીં જે કમાઈશ તેમાં અમે આનંદથી રહેશું. તું અમારી નજર સામે રહેશે.” અલકાબહેને ગળગળા સ્વરે કહ્યું.

“ના મમ્મી, મને મળેલી આ તક હું ગુમાવવા નથી માગતો. તમે મારા અભ્યાસ માટે જે મહેનત કરી છે તકલીફો વેઠી છે તેનું વળતર ચૂકવવાનો મોકો મને ભગવાને આપ્યો છે. પપ્પા, તમે મમ્મીને સમજાવો ને પ્લીઝ.”

પ્રકાશભાઈને પોતાને જ આ વાતથી આંચકો લાગ્યો હતો, તે પોતે જ નીલની વાત સાથે સહમત નહોતા. ત્યાં અલકાબહેનને તે શું સમજાવે? નાનપણમાં ભાઈ-બહેનો અને માતા-પિતા સાથેના પોતાના પરિવારને ગુમાવી ચૂકેલા પ્રકાશભાઈ એકદમ અંતર્મુખી બની ગયા હતા. પોતાનું મનનું દુઃખ કોઇને પણ જણાવતા નહોતા. અલકાબહેનને પણ નહીં. બસ પોતાના મનની દરેક વાત એક ડાયરીમાં લખતા રહેતા અને ધ્યાન રાખતા કે એ ડાયરી કોઇના હાથમાં ન આવે અને પોતાના જખ્મો કોઇની સામે જાહેર ન થાય. તેમના સદા હસતા ચહેરા પાછળ બાળપણની યાદોનું દર્દ છુપાયેલું રહેતું. પોતાના ગુમાવેલા પરિવાર પછી હવે અલકાબહેન અને નીલ જ તેમનો પરિવાર ગણો કે તેમની દુનિયા. તે બંને જ તેમનું સર્વસ્વ હતાં અને હવે નીલ દૂર જવાની વાત કરતો હતો ત્યારે તેમનું હ્રદય ચિરાઈ જતું હતું. પપ્પા તરફથી કોઇ પ્રતિભાવ ન મળતા નીલ ફરી મમ્મીને આજીજી કરવા માંડ્યો, “મમ્મી થોડાં થોડાં વર્ષે હું અહીં આવતો રહીશ. ત્યાંથી રૂપિયા પણ મોકલતો રહીશ. ખુશી ખુશી હા પાડી દે ને મમ્મી, પ્લીઝ.”

“પણ દીકરા, અહી હું ને તારા પપ્પા એકલા…”

“થોડા રૂપિયા ભેગા કરી લેવા દે. પછી અહીં મોટો બંગલો બાંધી બધા સાથે રહીશું.”

બાજુમાં રહેતા કરસનકાકાએ તેમને સમજાવ્યું કે દીકરાનું પોતાનું ભવિષ્ય બને છે ત્યાં લાગણીના બંધન શા માટે તેને બાંધો છો તેને તેનું ભવિષ્ય બનાવવા દો.

આઠ આઠ દિવસની સમજાવટ પછી તેમણે રજા આપી. પણ અલકાબહેનને નીલની ચિંતા રહેતી. તેમણે નીલ પાસે અનેક વચનો લીધા. તબિયતના ભોગે વધારે કલાક કામ કરી રૂપિયા કમાવાની લાલચ નહીં રાખે, સમયસર ખાઈ લેશે, સમયસર ને પ્રમાણસર ઊંઘ લેશે.. વગેરે વગેરે… બે વરસ રહીને જ્યારે નીલ એક મહિના માટે ભારત આવ્યો ત્યારે તેને દબાણ કરી સામાન્ય ઘરની સમજુ ગ્રીષ્મા સાથે તેનાં લગ્ન કરાવ્યા. થોડા જ સમયમાં ગ્રીષ્મા પણ અમેરિકા ઉડી ગઈ. પણ હવે તેમને નીલની ચિંતા નહોતી.

નીલને હવે એક જીવનસંગીની મળી ગઈ હતી. તેણે પોતાના માતા-પિતાને સુખી કરવાના સપના વિશે ગ્રીષ્માને જણાવી દીધું હતું ને ગ્રીષ્માએ પણ તેને સાથ આપવાનું વચન આપ્યું હતું. બંને અમેરિકામાં સખત મહેનત કરતા અને રૂપિયા બચાવતા. થોડા સમય પછી ગ્રીષ્માને સારા દિવસો રહ્યા અને ધ્રુવનો જન્મ થયો. નાનકડા ધ્રુવને ભારતમાં મૂકી નીલ અને ગ્રીષ્મા ફરી રૂપિયા કમાવાની દોડમાં સામેલ થઈ ગયા. વર્ષે બે વર્ષે દસેક દિવસ માટે બંને વારાફરતી ભારત આવી જતા હતા. તેમણે નક્કી કર્યું હતું કે પાંત્રીસ વર્ષની ઉમર સુધી સખત મહેનત કરી રૂપિયા કમાઈને કાયમ માટે ભારત પાછા ફરી જવું. ત્યાં સુધીમાં ધ્રુવ શાળાએ જતો થઈ જાય અને તે બંને તેના અભ્યાસ પાછળ ધ્યાન આપી શકે. ધ્રુવને એ લોકો ભારતીય સંસ્કૃતિ વચ્ચે જ ઉછેરવા માગતા હતા. આજે નીલનો ફોન આવ્યો….

ડીંગ ડોંગ .. બેલ વાગતા જ અલકાબહેન વર્તમાનમાં પાછા ફર્યા. પ્રકાશભાઈ ઘરમાં આવતાં જ અલકાબહેન તેમના પર વરસી પડ્યા.

“વહેલા ન અવાય? હું ક્યારની તમારી રાહ જોઉં છું.” ને બીજું કેટલુંય. તેમના ગુસ્સાનો જવાબ આપ્યા વિના પ્રકાશભાઈ હાથ મોં ધોવા જતા રહ્યા. એ પ્રકાશભાઈનો સ્વભાવ હતો. ગુસ્સાનો કદી પ્રતિભાવ ન આપતા. અલકાબહેને ધૂંધવાતા ધૂંધવાતા રસોઈ ગરમ કરી અને બે થાળી પીરસી. થાળીમાં કંસાર બટાકાવડા ને પુરી જોઇ પ્રકાશભાઈને નવાઈ લાગી.

“સવારથી વાત પેટમાં લઈને તમને કહેવા શોધું છું ને તમારો કોઇ પત્તો જ નથી.”

“હા, આજે જરા મોડું થઈ ગયું.” કહેતા પ્રકાશભાઈએ રસોડાની ઘડિયાળમાં જોયું તો રોજના સમય કરતાં દસ મીનીટ તે વહેલાં હતાં.

“અરે શું મોડું થયું ? જરા ઘડિયાળ તો જો. દસ મીનીટ વહેલો છું. હું ય તારી વાતમાં આવી ગયો !” પ્રકાશભાઈએ ફરી થાળી પર નજર કરી. હવે અલકાબહેને ઘડિયાળમાં જોયું. પ્રકાશભાઈની વાત સાચી હતી. એમણે પોતાનો બચાવ કરતા કહ્યું, “વાત જ એવી છે કે મને એક એક પળ એક એક યુગ જેવડી લાગી.”

“અરે પણ શી વાત છે એ તો કહે.” પ્રકાશભાઈએ ભાવતો કંસાર ચમચીમાં લીધો.

“આ દિવાળી પર નીલ, ગ્રીષ્મા અને ધ્રુવને લઈને ત્રણ મહિના માટે ભારત આવવાનો છે.” અલકાબહેને ખુશી ખુશી સમાચાર આપ્યા.

“શું વાત કરે છે ! ?” પ્રકાશભાઈના મોં પર પણ ખુશીની ચમક આવી ગઈ.

“લે .. લે.. તું ગળ્યું મોં કર.” હાથમાંની ચમચીનો કંસાર તેમણે અલકાબહેનને ધર્યો અને અલકાબહેને પોતાની થાળીમાંથી કંસાર પ્રકાશભાઈને ખવડાવ્યો.

બધાના આવવાથી ઘર ભર્યું ભર્યું થઈ ગયું. અલકાબહેન તો જાણે હવામાં ઉડતાં. ધ્રુવ સાથે રમવા માટે પ્રકાશભાઈને સમય ઓછો પડતો હતો. પણ જેમ જેમ દિવાળી નજીક આવતી ગઈ તેમ તેમ પ્રકાશભાઈના મન પર એક છાનો વિષાદનો છાયો ઘેરી વળ્યો જેની જાણ તેમણે ઘરમાંથી કોઇને થવા દીધી નહોતી.

“દાદા, આ કોનો ફોટો છે ?” પ્રકાશભાઈ એક ફોટો જોતાં જાણે તેમાં ખોવાઇ ગયેલા એમને ધુવ રૂમમાં આવ્યો તે ખબર જ નહીં પડી. પણ ફોટા વિશે ધ્રુવ સાથે વાત કરવાનું એમને મન થયું. જાણે વર્ષોની એમની અકળામણ દૂર કરવાની ઇચ્છા થઈ.

“બેટા, જેમ આ તારા મમ્મી-પપ્પા છે ને તેમ આ મારા મમ્મી-પપ્પા છે.” પ્રકાશભાઈએ સાથે તેમના હયાત પરિવારનો ફોટો બતાવી ધ્રુવને કહ્યું. ધ્રુવ દાદાના મમ્મી-પપ્પાનો એ ફોટો જોઇ રહ્યો.

“આ બધામાં તમે ક્યાં છો?” ચાર બાળકોમાં ધ્રુવને દાદાની ઝલક જોવા ન મળી.

“આ મમ્મી-પપ્પાની વચ્ચે ઊભો છે ને તે તારો દાદો છે.” પ્રકાશભાઈએ હસતા હસતા ઓળખ આપી.

“અને આ બીજા બધા કોણ છે દાદા?” ને પ્રકાશભાઈની આંખો ભીની થઈ ગઈ.

“એ મારા ભાઈ-બહેન છે.” પ્રકાશભાઈ ગળગળ સ્વરે બોલ્યા. પોતે નાના હતા ત્યારે એક વાર નજીકના મેળામાં આમ જ તેમના પિતા બધાને ફરવા લઈ ગયેલા ને ત્યાં ગજવામાં જે થોડી રકમ હતી તેમાં ફોટાવાળાને આજીજી કરી તેમના પિતાએ આ સપરિવાર ફોટો પડાવ્યો હતો. પ્રકાશભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં જાણે કંઈક યાદ આવી ગયું.

“હવે તો એ પણ મોટા થઈ ગયા હશે ને? એ બધા ક્યાં છે? અને તેમના શરીર પર આ બધા ડાઘા શાના છે? એમણે કપડા કેમ નથી પહેર્યા ?” ધ્રુવના સવાલો પૂરા થતાં નહોતાં ને જવાબમાં પ્રકાશભાઈ રડી પડ્યાં. ધ્રુવ ગભરાઈ ગયો.

“મમ્મી.. મમ્મી.. આ દાદા રડે છે..” તે રૂમમાંથી બહાર જવા દોડ્યો.

“અરે ધ્રુવ ઊભો રહે.” પણ ધ્રુવને પકડવાનો પ્રકાશભાઈનો પ્રયત્ન નિષ્ફળ ગયો. તેમણે જલ્દી જલ્દી આંખો લૂછી અને ફોટો તેની જગ્યાએ મૂકી ખાનાને ચાવી મારી દીધી. પણ એ ધ્રુવની બૂમથી ઘરના બધાં એ રૂમમાં ભેગા થઈ ગયા અને તેમણે પ્રકાશભાઈને ખાનું બંધ કરતા જોયા.

“શું થયું?” અલકાબહેન ગભરાતા પ્રકાશભાઈ પાસે ગયા અને કપાળે હાથ મૂક્યો.

“શું થયું પપ્પા?” નીલ અને ગ્રીષ્મા સાથે જ બોલી પડ્યા.

“અરે કંઈ નહીં આંખમાં કચરું ગયું ને આ ધ્રુવ સમજી બેઠો કે હું રડ્યો.” બધાથી નજર છુપાવીને તે રૂમની બહાર નીકળી ગયાં. કોઇને વિશ્વાસ તો ન આવ્યો પણ નીલ સિવાય બધા પ્રકાશભાઈની પાછળ પાછળ રૂમમાથી નીકળી કામે વળગી ગયા પણ નીલની નજર એ ખાના પર સ્થિર થઈ. તેણે ખાનું ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે લોક હતું. નીલે પપ્પા પર નજર રાખવા માંડી ને એક દિવસ તેને મોકો મળી ગયો. ઘરમાં કોઇ નથી સમજી પ્રકાશભાઈ તેમની જૂની ડાયરીઓનું કબાટ ખોલીને સાફ કરવા બેઠા. નીલે છાનાંમાનાં તે જોયા કર્યું ને ચાવી પપ્પા ક્યાં મૂકે છે તે ધ્યાનમાં રાખી લીધું. પપ્પાની એ બધી ડાયરીઓ પોતાના રૂમમાં મૂકી કબાટ પાછો જેમ હતો તેમ બંધ કરી ચાવી તેની જગ્યાએ મૂકી દીધી.

રાતે એ બધી ડાયરીઓ લઈ નીલ વાંચવા બેઠો. પહેલી ડાયરી નોટ સ્વરૂપે હતી ત્યારે પ્રકાશભાઈ પંદર વર્ષના હતાં અને ઘરેથી ભાગીને શહેરમાં આવ્યાં હતાં. એ ડાયરીમાં તેમણે પોતે સમજણા થયા પછીની વાતો લખી હતી. તેમના પિતા અત્યંત ગરીબ હતા. પોતાના સંતાનોને પૂરતા કપડાં પણ પહેરાવી શકતા નહોતા તો શાળાએ મોકલવાની તો વાત જ ક્યાં. તેમના પ્રદેશમાં બધા જ એટલા ગરીબ હતાં. બાળકોને ફટાકડા બનાવવાના કારખાનાઓમાં કામે મોકલતા. ત્યાં ન તો હવાની અવરજવર રહેતી ન તો કુદરેતી હાજતની સગવડો. ત્યાં ગંધકની વાસથી કેટલાક શ્વાસના રોગના રોગી બની જતા તો કદીક વિસ્ફોટ થતાં દાઝી પણ જતા. તેમના શરીર પર દાઝી જવાના અનેક ડાઘાઓ રહેતા. કેટલીક વાર તો વિસ્ફોટ એટલા ભયંકર થતા કે બાળકોના ફુરચે ફુરચા ઉડી જતા અને કેટલાયે અપંગ બની જતા. પણ ગરીબી જ એટલી હતી કે દરેક માતા-પિતાને આવું જોખમ લેવું જ પડતું. પ્રકાશભાઈના ભાઈઓ આવી જ એક વિસ્ફોટની ઘટનામાં મૃત્યુ પામ્યા હતાં. એમના દેહ જોઇને પછી પ્રકાશભાઈ એટલા ગભરાઈ ગયા હતા કે ઘર છોડીને શહેરમાં ભાગી આવ્યા હતા. એમણે વેઠેલી તકલીફો અને કારખાનામાં કામ કરતાં બાળકોની મજબૂરી વાંચતા વાંચતા નીલની આંખોમાંથી આંસુઓ નીકળી આવ્યાં. બધી ડાયરીઓ વાંચી ત્યારે પપ્પાના મનમાં કેટલું દર્દ છૂપાયેલું છે તેનો ખ્યાલ નીલને આવ્યો. ડાયરીમાં પિતાએ વ્યક્ત કરેલી તેમની ઇચ્છા જે રૂપિયાની અછતને કારણે પોતે પૂરી કરી શક્યા નહતા તે પૂરી કરવાનું તેણે નક્કી કર્યું.

“પપ્પા તમે દિવાળી પર દસેક દિવસની રજા લઈ લેજો.”

“કેમ ?”

“મેં આપણા બધાની ટિકિટ બૂક કરાવી છે.”

“અરે દીકરા, અમે શું આ ઉંમરે ફરવાના ! તમારા દિવસો છે તમે ફરી આવો.”

“ના પપ્પા, આજ સુધી આપણે બધા સાથે જઇ શકીએ એવો મોકો જ નથી મળ્યો તો બધા સાથે જઇશું નહીંતો બધાની ટિકિટ કેન્સલ.”

“અરે પણ એમાં તમે શું કામ તમારી ટિકિટ કેન્સલ કરાવો ?”

“બસ મેં કહી દીધું તો કહી દીધું. તમારે રજા મૂકી દેવાની છે એટલે મૂકી દેવાની છે.”

“અરે પણ, દિવાળીના સમયે મને રજા નહીં આપે.”

“તો નોકરી છોડી દો.” નીલ તરત જ બોલી ઉઠ્યો.

“નીલ?”

“હા પપ્પા, આ તો તમારો સમય પસાર ન થાય એટલે તમને નોકરી કરવા દઉં છું. બાકી અમે એટલું કમાઈએ છીએ કે તમારે હવે મહેનત કરવાની જરુર નથી.” પ્રકાશભાઈ તો નીલની વાતોથી આંચકો ખાઈ ગયા.

“આટલા વર્ષો દિવાળીની રજા શું કોઇ પણ રજા લીધા વિના તમે કામ કર્યું છે અને હવે જો તેઓ રજા ન આપે તો…” આખરે પ્રકાશભાઈ હાર્યા અને નીલ જીત્યો.

“પણ જવાનું ક્યાં છે એ તો કહે.”

“ના પપ્પા એ સરપ્રાઈઝ છે.”

દિવાળીના ત્રણ દિવસ પહેલાં નીકળીને પ્રકાશભાઈના ગામની નજીકની હોટલમાં ઉતર્યા.

નવા વર્ષે પ્રકાશભાઈના આશીર્વાદ લઈ નીલ બધાને એક મોટા વિશાળ મંડપમાં લઈ ગયો. ત્યાં ઘણા બધા બાળકો હતાં. નવા કપડાં, નવા ચંપલ અને ખૂબ રમકડાં, ખૂબ મિઠાઈઓ ખાવાની અવનવી વાનગીઓ એક બાળકને જેનાથી ખુશી મળે તે બધી જ વસ્તુઓ નીલે આ બાળકોને આપી હતી. અને હા જે ફટાકડા તેઓ બનાવતા હતા તે પણ આજે એમને… પરંતુ પૂરા કપડાં પહેરવા છતાં ઘણાના શરીર પરના દાઝેલા ડાઘ જોઇ શકાતા હતાં. કેટલાક બાળકો અપંગ તો કેટલાક કદરૂપા પણ હતાં, પણ એ બધાના મોં પર ખૂબ ખુશી હતી.

“પપ્પા તમારી આ જ ઇચ્છા હતી ને કે આ કારખાનામાં કામ કરતાં બાળકોને એક દિવસ માટે પણ ખુશી આપી શકાય.” સાંભળીને પ્રકાશભાઈ નીલને ભેટી પડ્યા. તેમનો જીવનભરનો વિષાદ દૂર થઈ ગયો.

– નિમિષા દલાલ

અક્ષરનાદના સદાબહાર લેખિકા, વાર્તાકાર એવા નિમિષાબેન દલાલની આજની વાર્તા દોઢેક મહીના પછી આવેલી તેમની કૃતિ છે. અક્ષરનાદ પર કૃતિઓ આપતા મિત્રોનો એ હક્ક જોઈને આનંદ થયો કે તેઓ પૂછી શકે, ‘અક્ષરનાદ કોઇ બીજાને મેનેજ કરવા આપી દીધી કે મારી કૃતિઓનું પૂર્ણવિરામ આવી ગયું?’ આ એક સુખદ સંવાદ છે, દિવસને અંતે આવી હક્કપૂર્વકની ઉઘરાણી અને લેખક-વાચક મિત્રોનો આવો નિતાંત સ્નેહ જ અક્ષરનાદથી અમારી સાચી અને એકમાત્ર કમાણી છે. કૌટુંબિક સંવાદ, પિતા પુત્રની સમજણની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે, એ રીતે વાર્તા અંતે ફીલ ગુડ કરાવતી વાર્તા છે. આ ઉપરાંત એક ઉલ્લેખનીય પ્રયાસ તરીકે તેમણે સૂરતમાં લેખિકાઓનું ગ્રુપ બનાવ્યું છે.. જેમાં સ્થાનિક સાહિત્યકારોનું માર્ગદર્શન લઈ વાર્તાલેખનની કળાને વિકસાવવાનો પ્રયત્ન થાય છે, આ બહેનો દર રવિવારે નિયમિત મળે છે, તેમના આવા પ્રયાસને શુભેચ્છાઓ તથા અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા મોકલેલી આજની વાર્તા બદલ શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “વિષાદ (વાર્તા) – નિમિષા દલાલ

 • M.D.Gandhi, U.S.A.

  ખરી વાત છે, “વિષાદ” ગયો અને જેકબભાઈના સુચન મુજબ “આનંદની છાલક” આવી ગઈ….

  બહુ સુંદર અને ભાવવાહી વાર્તા છે. બાકી તો સંતાનો મોટા થાય પછી આજના જમાનામાં માબાપનું માન અને ધ્યાન રાખે છેજ તે મોટી વાત છે, અને પોતાના ભણતરનો ઉચ્ચ ઉપયોગ કરીને કમાવાની દરેકની ઈચ્છા હોયજ છે…

 • Chandrakant Lodhavia

  બેન નિમિષાબહેનની વાર્તા કરતા વાસ્તવિકતાનો અહેસાસ થાય છે. સુંદર વિચાર ને સારી રીતે રજૂ કર્યો છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા – ૧૪ જુલાઈ ૨૦૧૪

 • Umakant V.Mehta

  નિમિષાબહેન,તમારી શરતચૂક છે કે મારી સમજફેર છે તે નક્કી કરી શકતો નથી. “નાનકડા ધ્રુવને ભારતમાં મુકી રૂપિયા કમાવાની દોડમાં લાગી ગયા”વર્ષે બે વર્ષે ભારત આવી…..
  આવું કેમ ? ધ્રુવ ભારત્માં દાદા દાદી સાથે રહેવાથી પરિચિત છે. વાર્તા જો કે ઘનીજ સુંદર અને ભાવવાહિ છે તેમાં બીલકુલ શક નથી
  ઉમાકાન્ત વિ.મહેતા.ન્યુ જર્સી

 • jacob

  વાર્તાનું શિર્ષક મુજબ વિષાદના નહિ પણ આનંદની છાલક સાથે વાર્તા પુરી થાય છે, એટલે શિર્ષકમાં આનંદની અભિવ્યકિત હોવી જોઇએ. પોતાના આનંદ માટે સંતાનોને અહીં જ બાંધી રાખવાની માબાપની માનસિકતા બદલાવી જોઇએ.

 • MAheshchandra Naik ( Canada)

  સરસ વાર્તા માટૅ શ્રીંમતી નિમિષાબેન ને અભિનદન અને આપનો આભાર……..સુરતના,અમારી અનાવિલ જ્ઞાતિના અને મિત્રના ધર્મપત્નિ છે એટલે વિષેશ આનદ થાય છે……..

 • ashvin desai

  નિમિશા દલાલ નુ લેખિકા તરિકેનુ મોતુ બલ એમનિ પાસે નવિ નવિ વાર્તાઓના અસન્ખ્ય પ્લોત ચ્હે , તેથિ એમનિ દરેક વાર્તાના વિશય જુદા જુદા હોય ચ્હે
  આ કુદરતિ બક્ષિસ એમનિ પાસે વૈવિધ્યસભર વાર્તાઓ લખાવે ચ્હે , અને વાચક એમનિ વાર્તાનિ રાહ જોતો થઈ જાય ચ્હે
  ધન્યવાદ સાથે સદાબહાર લેખિકાને અનેક શુભેચ્ચ્હાઓ
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • નિમિષા દલાલ

   નમસ્કાર મુસ્તુફાભાઈ.. કોઇ પણ લેખક જ્યારે કોઇ કૃતિનું સર્જન કરે છે ત્યારે તેને એક ઇચ્છા સ્વાભવિક રીતે હોય જ છે કે મારું લેખન શક્ય એટલા વધુ વાચકો વાંચે.. અને એને માટે સામાન્ય વાતચીતમાં વપરાતા શબ્દોનો આધાર તેણે લેવો પડે છે.. ભદ્રંભદ્ર રીતનું લેખન વાચકોને હસાવવા માટે સારું જ છે એનાથી વ્યક્તિ હળવો થઈ જાય છે. પણ આપણી રોજિંદી જિન્દગીમાં તેનો પ્રયોગ આપણે કરતાં નથી. એક લેખકને વાચકોને ધ્યાનમાં રાખીને લેખન કરવાનું હોય છે..

   માનું છું મુસ્તુફાભાઈ તમારી શંકાનું સમાધાન થઈ ગયું હશે.. આ સિવાય મારી કૃતિમાં ખામી દેખાય તો એ પણ સંકોચ વિના જણાવી શકો છો..

   જિજ્ઞેશભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે મને મારા લેખનને આવા જાગૃત વાચકો આપ્યા..

   આભાર મુસ્તુફાભાઈ…