ત્રણ ગઝલો – અમૃત ઘાયલ 11


૧. જીવ રોકે

નીકળવા કરું તો મને જીવ રોકે,
અને દ્વાર મૃત્યુ મ્રુત્યુ લગાતાર ઠોકે.

થશે ના કશો ફાયદો એમ જોકે
એ જાણું છતાં કંઠી ઘાલું છું ડોકે.

કરી મેલ્યું છે આવું વરસોથી કોકે,
હસું ના હસું ત્યાં જ છલકાઉં શોકે.

કહેવું બઘું બાંધે ભરમે કહેવું,
મને કોણ તારા વિના એમ ટોકે?

મને એમ છે એ હશે દ્વાર તારું,
જતાં આવતાં અન્ય તો કોણ રોકે!

મને થાય આ મસ્ત ચંદા નિહાળી,
ચટાઈ લઈ હું ય આળોટું ચોકે.

નથી માત્ર પથ્થર કે ઇંટે નવાજ્યો,
મને અન્યથા પણ નવાજ્યો છે લોકે.

પછી આપણી યાદ આવે ન આવે
લઈ નામ નિજનું રડો પોકેપોકે.

પછી દોસ્તોની શિકાયત શું ‘ઘાયલ,’
નથી કામ આવ્યો મને હું ય મોકે.

૨. એમ પણ નથી

દરવાજો ઊઘડ્યો જ નથી – એમ પણ નથી,
ને ઊઘડી ખડ્યો જ નથી – એમ પણ નથી.

પગ મારો ઊપડ્યો જ નથી – એમ પણ નથી,
ને ખુદ મને નડ્યો જ નથી – એમ પણ નથી.

સાચું પૂછો તો જોયાં છે મેં એને દૂરથી,
પણ એમને અડ્યો જ નથી – એમ પણ નથી.

સામે મળ્યો તો મેં જ મને ઓળખ્યો નહીં,
ખોવાઈ હું જડ્યો જ નથી – એમ પણ નથી.

ઐયાશીમાંય ભાંગી પડ્યો છું ઘણી વખત,
પીધા પછી રડ્યો જ નથી – એમ પણ નથી.

જોયો છે મેં અનેક વાર ઘૂળ ચાટતાં,
પાછો પવન પડ્યો જ નથી – એમ પણ નથી.

‘ઘાયલ’ જે સાચવે છે મને આમ કેફમાં,
કેફ એમને ચડ્યો જ નથી – એમ પણ નથી.

૩. શું કરું?

શુષ્ક છું, બટકું નહી તો શું કરું!
અધવચે અટકું નહીં તો શું કરું!

રાફડા કોળ્યા છે રજના પાંપણે,
પાંપણો ઝટકું નહી તો શું કરું!

ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું?
શબ્દ છું છટકું નહી તો શું કરું!

કૈંક ખૂટે છે ‘-નો ખટકો છું સ્વયં,’
હું મને ખટકું નહી તો શું કરું?

બેસવા દે છે ન બેચેની કશે,
આમ હું ભટકું નહી તો શું કરું!

જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર હવે,
લાશ છું, લટકું નહી તો શું કરું!

ઊંચક્યું જાતું નથી ‘ઘાયલ’ જરી,
શીશ જો પટકું નહી તો શું કરું!

– અમૃત ઘાયલ

અમૃત ઘાયલ સાહેબની રચનાઓના પરિચયમાં તો શું લખવું! તેમની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત છે, ૧. નીકળવા કરું તો મને જીવ રોકે.. ૨. દરવાજો ઊઘડ્યો જ નથી – એમ પણ નથી… અને ૩. શુષ્ક છું, બટકું નહી તો શું કરું! આપ સૌ આ ગઝલોને માણી શકો એ માટે અહીં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચનાઓ લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘અમૃત ઘાયલ’ ના ચૂંટેલા કાવ્યો -એ કાવ્યકોડિયાંમાંથી સાભાર લેવામાં આવ્યા છે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ત્રણ ગઝલો – અમૃત ઘાયલ