ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – ભાવિન મીરાણી 6


૧. ઘોડીયું

વૈશાખ મહીનાની બપોરના ધોમધખતા તડકામાં સીમાબેન આરામથી પોતાના એરકન્ડિશન્ડ ડ્રોઈંગરૂમમાં એકલા બેઠા હતા ત્યાંજ ગેટ પર કોઈકનો અવાજ સંભળાયો. તેમણે ગેટ પર જઈને જોયું તો એક ભિખારણ ગંદા કપડામાં એક હાથમાં વાટકો અને બીજા હાથમા ગંદા ચીંથરામાં લપેટેલ કુમળી કળી જેવા બાળકને લઈને ઉભી હતી, ‘કંઈક આલોને શેઠાણી, બે દી’ થી કંઈ ખાધુ નથી ને છોડીય ભૂખી છ.’

નિસાસો નાંખતા સીમાબહેને બે રોટલી આપી, પછી કંઈક વિચારીને લગ્નના બાર વર્ષે પણ વણવપરાયેલું રહેલું ઘોડીયું પણ આપી દીધું.

૨. ત્રાજવું

‘પ્રામાણિક જનરલ સ્ટોર’ માં આમ તો દરરોજ ગ્રાહકોની ભીડ રહેતી પણ આજે વિશેષ હતી ઘણાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. એક બહેને દુકાનના જૂનવાણી ત્રાજવા નીચેથી ચુંબકનો એક ટુકડો પકડી પાડ્યો હતો, એ બાબતે આજે સ્ટોરના માલિક સંતોષભાઈ અને ગ્રાહકો વચ્ચે તકરાર જામી ગઈ.

‘ચુંબકનું વજન ભલે વીસગ્રામ કરતા વધારે નહીં, પણ ગ્રાહકોની રોજની સંખ્યા જોતા ઘણું કહેવાય, આ ઝઘડાનો લાભ લઈને દુકાનના જૂના નોકરે કાજુ અને બદામના બે મુઠ્ઠા ભરીને રોજની જેમ ખીસ્સામાં નાખી દીધા, એની વર્ઓથી બીમાર પત્નીને ખવડાવવા.

૩. પ્રેમ

‘પોતાના ઘરે’ ફ્રેન્ડ્સ સાથે ગૃપસ્ટડીનું કહીને પ્રેમીને ગેસ્ટહાઉસમાં મળવા આવેલી પ્રેમિકાએ પૂછ્યું, ‘તું મને કેટલો પ્રેમ કરે છે?’

‘હું આ આખા શહેરના એક એક જણને પકડી પકડીને કહેવા માંગુ છું કે હું તને મારા જીવથી પણ વધુ પ્રેમ કરું છું.’ પ્રેમીએ જવાબ આપ્યો, બારમાં ધોરણમાં ભણતો પ્રેમી અને અગીયારમા ધોરણમાં ભણતી પ્રેમીકાના તનમન એક થઈ ગયા.

બે મહીના પછી આખા શહેરના લોકોની સાથે સાથે દુનિયાના અઢળક લોકોને પણ એમના પ્રેમની ખબર પડી ગઈ, પ્રેમીને કંઈ કહેવાની પણ જરૂર ન પડી. બસ એક એમ.એમ.એસ થી જ કામ થઈ ગયું.

અક્ષરનાદની માઈક્રોફિક્શન પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ રહી છે અને આ વિશેષ સ્વરૂપને પ્રોત્સાહન મળી રહે તે માટે અક્ષરનાદને નવોદિત લેખકો તરફથી પણ માઈકોફિક્શન વાર્તાઓ ખૂબ મળી રહી છે. એ જ શ્રેણીમાં આજે પ્રસ્તુત છે શ્રી ભાવિનભાઈ મીરાણીની વધુ ત્રણ માઈક્રોફિક્શન, આ પહેલા તેમની પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ આપણે અક્ષરનાદ પર માણી ચૂક્યા છીએ. તેમની માઈક્રોફિક્શન સ્પષ્ટ અને સચોટ સંદેશ આપી શકવામાં સફળ રહે છે. વૈવિધ્યપૂર્ણ વિષયોને તેઓ સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે એ બદલ ભાવિનભાઈની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – ભાવિન મીરાણી

  • ડો. મનીષ વી. પંડ્યા

    ભાવિન ની ત્રણેય વાર્તાઓ ઘણી જ ગમી. ચોટદાર અને હૃદયસ્પર્શી. ‘ઘોડિયું’ સંવેદનશીલતાનો પરિચાયક બની છે. તો ‘ત્રાજવું’ આપણી માનસિકતાને ઉજાગરકરે છે. ‘પ્રેમ’ હાલના સંજોગોને લક્ષ્યમાં રાખીને ICT યુગનો સમજણપૂર્વકનો અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનું સૂચવી જાય છે.
    ભાવિન પાસે બીજી વાર્તાઓની અપેક્ષા રાખવાનું અસ્થાને નહીં ગણાય.

  • purvi

    ઉપરની બંને વાર્તાઓ સુંદર રહી ભાવિનભાઈ, પણ પ્રેમ મને ઓછી ગમી. કોઈક એવું યાદ આવી ગયું જેને પ્રેમ કરવો ભારી પડી ગયેલો તેથી એમ જ લાગે છે કે આ વાર્તામાંથી કોઈક પોઝિટિવ સાર મળ્યો હોત તો સારું થાત.