સાત માઈક્રોફિક્શન વાર્તાઓ – મિતુલ ઠાકર 12


૧. દહેજ

“આજે તને જોવા આવવાના છે” – રાધિકા બહેન તેની દીકરીને તૈયાર થવાનું કહી નીચે આવ્યા.

“આપણી પૂજા ને તે લોકો પસંદ તો કરશે ને ?” રાધિકા બહેને તેના પતિને આવનારા એન.આર.આઈ. મૂરતિયા માટે શંકા કરી, પંકજભાઈ તેને કેમ સમજાવે કે રૂપિયા પચ્ચીસ લાખના દહેજની ઓફર સ્વીકારી કે તરત પૂજાને વગર જોયે તે લોકોએ પસંદ કરી લીધી હતી.

*****

૨. ખરસા

“પાંચ રૂપિયા તારે કરવા સે હું?” જીવલાએ તેના નાના છોકરાને તતડાવ્યો

“નિશાળમાં અંગ્રેજીની નવી સોપડી વેસાયસે, ઈ લેવી સે.”

“ઝા હવે, આ નેહાળ્ય વાળા માળા નવા નવા ખરસા કરાવ્યે જાય સે.”

તેનો દીકરો નિરાશ થઇ ઝૂંપડાની બહાર રમવા જતો રહ્યો, પછી જીવલાએ એની ધણીયાણી પાસેથી માંડ બચાવેલા દસ રૂપિયા જબરદસ્તીથી આંચકી લઇ પીઠા તરફ રવાના થયો…

*****

૩. લાખ રૂપિયાની ઈજ્જત

“કેટલું બ્લડ ભેગું કર્યું ભાઈઓ?” હોન્ડા સીટીમાંથી ઉતરી બિમલશેઠે ત્યાં ઉભેલા તેની ઉંમરના યુવાનોને પૂછ્યું.

“કદાચ ટાર્ગેટ પૂરો ન પણ થાય.” તેના એક બીજા બીઝનસમેન લગતા મિત્રે મોંધા ચશ્માં ઉતારતા કહ્યું.

“જો મિત્રો, આપણી ક્લબની ઈજ્જતનો સવાલ છે, ટાર્ગેટ પૂરો ન થાય તો મારા ગોડાઉનમાં ધાબળા પડ્યા છે, કાઢી લો અને બાજુની ઝૂપડપટ્ટીમાં જઈને જાણ કરી આવો.. હમણા તમારો ટાર્ગેટ પૂરો.”

“આઈડિયા સારો છે બિમલ”

“હોય જ ને ? પચાસ રૂપિયાના ધાબળામાં લાખ રૂપિયાની ઈજ્જત બચાવી લેવી પડશે.”

આખું ગૃપ ખડખડાટ હસી પડ્યું.

*****

૪. પવિત્ર

“પવિત્ર મંદિરના પટાંગણમાં પ્રવેશ નહિ મળે તને.” પૂજારી એ આદેશ કર્યો.

“પણ બાપા, હું તો આંય કાલે મરેલા કૂતરાને ઢસડી જાવા આવ્યો છું.” પેલા ગરીબ હરિજને કહ્યું.

“તો ભલે, પણ મંદિર ની દીવાલને અડતો નહીં.”

“એ ભલે બાપલીયા, પણ પેલા નગારામાં જી સામડું સે, ઈ મેં જ સડાવ્યું સે હોં!”

“બસ બસ હવે, ડાહ્યો થયા વગર તારું કામ કર.” કહી પૂજારી પવિત્ર થવા સ્નાનાગાર તરફ આગળ વધ્યાં.

*****

૫. તેવડ

“ડોક્ટર સાહેબ આવે, પછી તપાસશે.” કહી નર્સ ચટકમટક કરતી ચાલી ગઈ.

કલાકે સાહેબ બપોરની નીંદર કરી આવ્યા અને ઊંઘરેટી આંખે દર્દી પાસે ગયા, નાડ તપાસી, મોં ખોલાવી જીભ કઢાવી, આંખો ઉંચી નીચી કરી, એક ઇન્જેક્શન ઠોકી દીધું અને બસ્સો રૂપિયા કન્સલ્ટીંગ ફી માટે હાથ લંબાવ્યો. ચોળાયેલી નોટોમાં દસ રૂપિયા ઓછા હતા, તે ડોકટરે કમને સ્વીકાર્યા અને કહ્યું, “તેવડ ન હોય તો બીમાર ન પડાય.”

એ સાંજે ડોક્ટર સાહેબે માથાના દુઃખાવાથી ફિલ્મની સહકુટુંબની ટીકીટ કેન્સલ કરાવી અને રૂપિયા બસ્સો કેન્સલેશન ચાર્જ આપી બાકીના પૈસા પરત મેળવ્યા.

*****

૬. ભાઈ

ધંધામાં સગા મોટાભાઈ સામે પડી ને કેસ જીતેલા જીવનલાલ બહુ ખુશ હતા, ઘરે આપેલી ભવ્ય પાર્ટીમાં તે નવા કપડામાં મહાલી રહ્યા હતા અને તેના શુભેચ્છકો તેના ભાઈ માટે કડવી વાતો કહી રહ્યા હતા તે સાંભળી રહ્યા હતા. ભવ્ય ડીનર વખતે તેને પોતાનું બાળપણ યાદ આવ્યું, મોટાભાઈના લાડ યાદ આવ્યા…

અડધી કલાક પછી જયારે મોટાભાગનું શહેર જીવનલાલને ત્યાં અવનવી વાનગીની જયાફત ઉડાડતું હતું ત્યારે જીવનલાલ તેના મોટાભાઈના ઘરે ભાભીના હાથનો રોટલો અને ખીચડી આનંદથી ખાઈ રહ્યા હતા.

* * * * *

૭. કામ

“આજે કામ પર નહિ જાવ તો નહિ ચાલે?” રેણુકા તેના પતિને લાડ કરતી કહી રહી હતી અને પ્રતીકે ઓફિસે જવાનું માંડી વાળ્યું.

તેની કામવાળીએ આ જોયું અને ડૂસકું મૂકી રડી પડી. તેનો લાડકવાયો તાવમાં ધખધખીને બેભાન અવસ્થામાં તેની માને પાસે બેસવા બોલાવી રહ્યો હતો ને આ કામવાળી કામ છૂટી જવાના ડરે ચૂપચાપ કામ પર આવી ગઈ હતી.

– મિતુલ ઠાકર

માઈક્રોફિક્શન વાર્તાઓનું ક્ષેત્ર અક્ષરનાદના માધ્યમ દ્વારા અને મિત્ર લેખકો-વાચકો દ્વારા ખૂબ આગળ વધી રહ્યું છે. આ જ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અક્ષરનાદનો પ્રયત્ન રંગ લાવી રહ્યો છે. ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓના લેખકોની જેમ જ માઈક્રોફિક્શન ક્ષેત્રમાં પણ અનેક નવલેખકો ઉભરી રહ્યા છે. આ જ કડી અંતર્ગત આજે પ્રસ્તુત છે અક્ષરનાદના વાચકમિત્ર મિતુલભાઈ ઠાકરની સાત માઈક્રોફિક્શન વાર્તાઓ. માઈક્રોફિક્શન વિશે અક્ષરનાદના વાચકોનું પ્રોત્સાહન જે રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે એ ખૂબ આનંદપ્રદ છે અને નવા રચનાકારો તેમાં જોડાઈ રહ્યા છે એ ખરેખર સંતોષની વાત છે. મિતુલભાઈનો આ કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.


12 thoughts on “સાત માઈક્રોફિક્શન વાર્તાઓ – મિતુલ ઠાકર

  • M.D.Gandhi, U.S.A.

    Michrofiction કે Fast Food જેવી વાર્તાનું “ગુજરાતી” માટે જે પણ શબ્દ હોય તે, પણ આટલેી નાની નાની વાર્તા વંચવાની બહુ મજા પડે છે, લાંબી લચક અને સંવાદોથી ભરપુર વાર્તાઓને બદલે બે-ત્રણ લીટીમાં પતી જતી વાર્તાનું હાર્દ તરતજ પકડાય જાય છે.
    બહુ સુંદર…….

  • Harshad Dave

    સુંદર. સચોટ. લખતા રહો.
    ‘તમને માઈક્રો ફિક્શન વાર્તાઓ લખવી ફાવે?’
    ‘અરે એમાં શું? ફાવે જ ને?’
    ‘તો લખતા કેમ નથી?’
    ‘ગઈકાલ રાતથી કોશિશ કરતો હતો, આખી રાત વિચાર્યું
    અને લખ્યું અને…’
    ‘અને શું?’
    ‘મને ન ગમતાં તેણે મેં ડસ્ટબીનમાં નાખી દીધી અને તે છલકાઈ ગઇ પછી બીજી વાર્તા ન લખી શક્યો, ત્યારબાદ હું થાકી ગયો હતો એટલે સૂઈ ગયો!’

  • ચન્દ્રકાન્ત લોઢવિયા

    શ્રી અધ્યારૂભાઈ,
    ખુબ ખુબ અભિનંદન. માઈક્રોફિક્શન (ગુજરાતી શબ્દ?) વાર્તાઓ મુકવા બદલ અને પ્રોત્સાહન આપવા બદલ. સુંદર મર્મ વાળી વાતો થોડા સંવાદોમાં કહેવાય છે.
    આજ ના આ ફાસ્ટ ફુડના જમાનામાં સાહિત્ય શા માટે પાછળ રહે.

    ચન્દ્રકાન્ત લોઢવિયા – ૩૦.૦૪.૨૦૧૪.