એરીઝોનાની ધરતીને.. યુનિવર્સિટીને.. (બે અછાંદસ) – ઉર્વશી પારેખ 10


૧. એરીઝોના યુનિવર્સિટીને

એરીઝોના યુનિવર્સિટીના
પથ્થરનાં દ્વાર પર મેં ટકોરા માર્યા,
મેં કહ્યું, તમે મને આવવા દેશો?
મારે તમને ઓળખવા છે, જાણવા છે.
કારણ
મારા દિકરાએ અહીં અમારા બધા વગર
એકલા એકલા, આટલા વરસો પસાર કર્યાં છે.

મારે જાણવી છે એ એક એક પળ, ક્ષણ
જ્યાં મારા દિકરાએ થોડા પૈસામાં
અજાણ્યા સ્થળમાં, અજાણ્યા લોકોમાં
પોતાને ટકાવી રાખી, સપનાંઓ સાકાર કર્યા છે.

મારે જાણવું છે કે કેવી રીતે
તેણે ટકાવી રાખ્યા છે લાગણીઓના વહેતા ઝરણાં,
આ સૂક્કા રણપ્રદેશમાં, પર્વતની હારમાળાઓમાં.

તારા વગર વરસાદના શહેરમાં
ભીનાશને સાચવી રાખી હ્રદયમાં
ગમે તેટલી મુશ્કેલીમાં
આંસુને આંખમાં ન આવવા દીધાં
અને હંમેશ
ચહેરા પર હાસ્યને રમાડ્યા કર્યું.

તમે અશક્યતાઓને
ઘણી શક્યતાઓ વડે ભરી દીધી
તેથી જ મારે તમને સ્પર્શ કરવો છે,
તમને જાણવા છે
તમે મને તમારામાં આવવા દેશો?
કારણ, મારા દિકરાએ
અહીં રહી ઘણું બધું શીખ્યું છે.

૨.

એરીઝોનાની ધરતીને.. યુનિવર્સિટીને

પરદેશમાંં જવાના સુંદર સ્વપ્નને સાકાર કરવા
તારા સોનેરી તડકાએ મારા દીકરાને
આપ્યો ચોખ્ખો પ્રકાશ અને દેખાડ્યા રસ્તાઓ.

તેના ઉંચે આભમાં ઉડવાના સ્વપ્નને
સાકાર કરવા આપ્યું ખુલ્લું આકાશ
જ્યાં તેણે પાંખો પ્રસારી
ઉંચે ઉભેલા અડગ પર્વતોએ, અડગ ઉભા રહી
કોઈ પણ સંજોગોમાં ટકતા શીખવ્યું.

ટાકોબેલ કે જ્યાં તેણે પહેલીવાર બહારનું ખાધું હતું,
યુનિવર્સિટીની બસને જેમાં તેણે ઘણી અવરજવર કરી હતી,
લાયબ્રેરી, જીમ્નેશિયમ, ક્લાસરૂમ અને લેબોરેટરી
અને એની આર.એ. ની કામ કરવાની કૅબિન
આ બધાંને સ્પર્શીને કહ્યું,

આભાર તમારો, ખૂબ ખૂબ આભાર.
મારા દિકરાને તમે ખૂબ સાચવ્યો.
માનસિક, શારીરિક રીતે અને સપનાંઓ સાકાર કરવા
જે હિંમત, વિશ્વાસ અને શ્રદ્ધા રેડી તે માટે.

મોટા કાંટાળા ઉભેલા થોરે કહ્યું,
ભલે રસ્તાઓ કાંટાળા હોય પણ તું મારી જેમ ઉંચે ઉગી શકીશ.
રણમાં, પાણી વગર ભીનાશ ટકાવી શકીશ.
તું તારી જાતને વિશ્વાસ અને હિંમત વડે ટકાવીશ
એવું જણાવવા માટે એ થોરનો પણ આભાર.
અને મિસ ડોરોથીનો પણ આભાર કે
તેણે પ્રેમ, લાગણીના ઝરણાં વહેતા રાખ્યાં.

આ બધા માટે,
માની કલમથી ટપકે છે આભારની લાગણી,
કારણ આ બધાંએ, તેના દિકરાને
એક સરસ મજાની એમ.એસની ડિગ્રી અપાવી છે.
ખૂબ ખૂબ આભાર…

– ઉર્વશી પારેખ

એરીઝોના યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ ખાતર ગયેલા યુવાનને તેની મહેનતના પરિપાક રૂપે એમ.એસની ડિગ્રી મળે છે, એ બદલ આભારની લાગણી વ્યક્ત કરવાનો એક ભાવ એ યુવકની માતાના મનમાં ઉદભવે છે, યુવકને એ સ્થળ, એ વસ્તુઓ અને લોકો સાથે લાગણી હોય એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ તેની આ સફળતા બદલ દૂર દેશાવરથી તેની માતા પણ એ સર્વેનો આભાર માને છે, એક ડાયસ્પોરા યુવકની સફળતાનો યશ તેની ભારતીય માતા સજીવ-નિર્જીવ વસ્તુઓને કેવી સુંદર રીતે આપે છે એવા મતલબની વાત પ્રસ્તુત બે અછાંદસ સુપેરે કહી જાય છે. પ્રસ્તુત અપ્રગટ અછાંદસ કાવ્યો અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

બિલિપત્ર

કૃપાથી તારી મા, દિવસ ઉગતો કાવ્ય થઈને!
તમારી ઈચ્છા એ ઉરની ધ્રુવપંક્તિ બની રહો.
– સુરેશ દલાલ (‘મોતીની ઢગલી ૧’ માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “એરીઝોનાની ધરતીને.. યુનિવર્સિટીને.. (બે અછાંદસ) – ઉર્વશી પારેખ

 • Harshad Dave

  જે પગથિયાં પર એક એક પગ મૂકીને શિખરે પહોંચીએ અને એ પગથિયાંનો આભાર ન માનીએ તો …
  અબોલને વાચા નથી હોતી કે તે આંસુ પણ નથી ટપકાવી શકતા પણ માનવ સહજ ભાવના વહે તો થોરનાં આશિષ પણ સહાયક બની શકે…
  આભારની અભિવ્યક્તિ માટે પણ કૃતજ્ઞતા અનુભવાય છે…હદ.

 • જયેન્દ્ર પંડ્યા

  ઉર્વશીબેહેને નાની એવી કૃતિમાં ખુબજ સુંદર રીતે અરિઝોના ની ધરતી અને ત્યાની વિશ્વવિદ્યાલય નો અભાર પ્રગટ કર્યો છે….
  પોતાના સંતાન નું જ્યાં ભણતર અને ગણતર થાય તેને સાધારણ રીતે આપણે ગૌણ ગણતા હોઈએ છીએ, અભાર પ્રગટ કર્યો હોય તેવું આ પહેલી વાર જોયું…

 • Drdeepak B Bhatt

  ઉર્વશીજી ,કેમ છો . અછાંદસ કવિતા વાંચી .કોઈ વિશ્વવિદ્યાલયને આ રીતે આદર મળે તે આનંદની વાત છે .પરદેશમાં વસતા ગુજરાતીઓ પોતાનું ગુજરાતીપણું થોડા ભૂલે! આપણે કૃતજ્ઞ છીએ .આપણને મદદ કરનારનુ હમેશ સમ્માન કરીએ .જય જય ગરવી ગુજરાત .