પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ભાવિન મીરાણી 18


૧. એઈડ્સ

“અરે શૈલેશભાઈ, તમે વાત સાંભળી? આપણી ઑફીસના રવિને એઈડ્સ થયો છે. મને તો કાલે જ ખબર પડી, ને આજે એ મને લિફ્ટમાં મળ્યો. બધાં એક તરફ થઈ ગયા અને હું તો લિફ્ટની બહાર જ નીકળી ગયો, આખરે સીડી ચડીને આવ્યો.”

“હા, સાચી વાત છે તમારી, પણ આપણી ઑફીસમાં ઘણાંને એઈડ્સ થયો છે, અમુકને તનથી, અમુકને મનથી.”

૨. મૃત્યુ

“ચાલો સાહેબ, જલ્દી કરો, હાઈવે પર જવાનું છે, એક એક્સિડન્ટ થયો છે. હવાલદારે ઈન્સ્પેક્ટરને માહિતી આપતા કહ્યું.

“ફોન આવ્યો કોઈનો?” ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

“ના સાહેબ, વોટ્સએપ પર ફોટો અને વિડીયો આવ્યો છે.” હવાલદારે કહ્યું.

“કોઈનું મૃત્યુ થયું છે?”

ઈન્સ્પેક્ટરનો અભાવ જોઈને હવાલદારે કહ્યું, “સાહેબ મૃત્યુ તો થયું છે, માણસનું થયું છે કે માણસાઈનું એ ખબર નથી.”

૩. પાપીયો

મંદિરની સીડીઓ પરથી ભૂખ્યા ભીખારીઓ અને તેમના બાળકોને ગાળો બોલતા અને હડસેલતાં શેઠ ધન્વન્તરાય હાથમાં ચોખ્ખા ઘીના લાડુનો થાળ અલઈને મંદિરમાં દાખલ થયા જ હતાં ત્યાં ભીખુ, દારુડીયો તેમને અથડાયો અને લાડુ બધા નીચે પડી ગયા.

“પાપીયા… સા…” જેવી ગાળો બોલતા બોલતા શેઠને પૂજારી બંનેએ ભીખુને લાકડીથી માર્યો, અને જમીન પર પડેલા લાડુ ભગવાનને ન ધરાવાય એટલે ભિખારીઓને નાંખી આવ્યા.

પાપીયો આજે એક પુણ્યનું કામ કરી ગયો…

૪. એક દિવસનો રાજા

ઝૂંપડપટ્ટીના અંધારા ગંદા ખૂણે આવેલી પોતાની ઝૂંપડી સુધી મંગુ દોડતો દોડતો આવ્યો ને દરવાજે બેસેલા બે ભૂંડને દૂર ભગાડી અંદર ગયો.

“હાલો બાપા, હાલો માડી, વાટકો, થાળી, તપેલું.. જે મળે ઈ લઈને મારી હારે હાલો, કોક માણસો નાકે ખાવાનું, મિઠાઈ ને કપડાં ને રૂપિયા દેવા આવ્યા છે.” એણે એક શ્વાસે કહ્યું.

“કોણ આવ્યું છે?” દીવાને અજવાળે ડોશીએ પૂછ્યું

“ચૂંટણી આવી છે.” ડોસાએ જવાબ આપ્યો.

૫. પ્રકૃતિપ્રેમી

વિશ્વ ચકલી દિવસના રોજ ઘટતી જતી ચકલીની સંખ્યા વિશે છાપામાં, નેટ પર અને ટીવી પર – લેખ અને કાર્યક્રમો વાંચી, જોઈ અને સાંભળીને પ્રવીણભાઈનો પ્રકૃતિપ્રેમ જાગી ઉઠ્યો અને તેમણે તરત જ સમાજ સેવા સંસ્થામાં જઈને ચકલીના દસ કૃત્રિમ માળા લઈ લીધા.

ઘરે આવીને પોતાના આંગણામાં દિવાલ પરથી લંબાતી લીમડાની ડાળો કાપીને તેમણે એ દિવાલ પર એ માળા લગાવી દીધા.

– ભાવિન મીરાણી

અક્ષરનાદની માઈક્રોફિક્શન પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ રહી છે અને આ વિશેષ સ્વરૂપને પ્રોત્સાહન મળી રહે તે માટે અક્ષરનાદ તરફથી હવે કેટલાક વિશેષ પ્રયત્નો પણ કરવામાં આવશે જેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આજે પ્રસ્તુત છે શ્રી ભાવિનભાઈ મીરાણીની પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. ભાવિનભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે અને છતાંય તેમની પાંચેય માઈક્રોફિક્શન સ્પષ્ટ અને સચોટ સંદેશ આપી શકવામાં સફળ રહે છે. ‘એઈડ્સ’, ‘ચૂંટણી’, ‘પ્રકૃતિ’, ‘માણસાઈ’ જેવા વિષયોને તેઓ સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે એ બદલ ભાવિનભાઈની કલમને શુભકામનાઓ અને અક્ષરનાદમાં તેમનું સ્વાગત.


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ભાવિન મીરાણી