ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી 13 comments


૧. હોવો જોઈએ

આંસુ નહીં તો પછી પ્રસ્વેદ હોવો જોઈએ,
શેર મત્લાનો મારો અભેદ હોવો જોઈએ.

મારી જેમ શેરને પણ તું ચાહી ના શકે,
કમ સે કમ એનો તને ખેદ હોવો જોઈએ

અર્થને શોધ્યા કરીશ તો અનર્થ થઈ શકે,
અર્થ તો શબ્દમાં જ કેદ હોવો જોઈએ.

દાખલો અપૂર્ણાંકનો આવડે તો છે મને,
અંશ આનો ખરેખર છેદ હોવો જોઈએ.

શબ્દોની ગોઠવણી કંઈ એમ ના થઈ શકે,
યાર ગઝલમાં થોડો ભેદ હોવો જોઈએ.

તાકાત એક ગઝલની હોય વળી કેટલી?
સમજાવવા તને આખો વેદ હોવો જોઈએ.

૨. કહીશ તને…

જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને,
અને જે બની ના શક્યું, કોઈકવાર કહીશ તને.

આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ,
આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને.

તડ ને ફડ કાયમ હું કરતો રહ્યો છું તોય પણ,
કેમ હું ગમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

કોઈ જીવતદાન દેવા ત્યાં થોડા ઉભા હતા પણ,
કેમ હું રમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

પરિધ ઉપર તું ખોટો શોધી રહ્યો છે કેન્દ્રને,
કેમ હું અળગો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

આમ તો શ્રીકૃષ્ણએ કહી હતી ભગવદગીતા,
કેમ હું ભજતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

આનંદ આનંદ ભર્યો હશે કે આંસુઓ ખૂટ્યા હશે,
કેમ હું હસતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

ખુદ મારી ગઝલ પણ મને યાદ કંઈ હોતી નથી,
કેમ હું લખતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

૩. અમે…

આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે,
કોઈથી સહેવાય નહીં પણ સહી લીધું અમે.

શમણું ગણીને આંખમાં રોકી એ ક્યાં શક્યા?
આંસુ બનીને આખરે બસ વહી લીધું અમે.

કિનારો કઈ દિશામાં જલદી આવી મળે?
વિચારતાં મઝધારમાં પણ રહી લીધું અમે.

રાખીને યાદ કેવું, ભૂલકણું થવું પડ્યું,
હોઠે તો નામ હતું જ પણ નહીં લીધું અમે.

બીડું સભાની મધ્યે ફરતું થયેલું જોઈ,
લેવાનું મન હતું નહીં પણ લઈ લીધું અમે.

– ડૉ. મુકેશ જોષી

ઉપરોક્ત ત્રણ ગઝલ રચનાઓ અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની રચના છે. વિષયની સુંદર માવજત તેમની વિશેષતા છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


13 thoughts on “ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી

 • ashish trivedi

  Dr Saheb, bau saras, gajab….

  Superb punch lines…..
  Ghazal ni taakat samjavva aakho ved hovo joiye…
  Kem hu ghazal lakhto rahyo.. koikvaar kahish taney….
  Sabha ma bidu koiye na lidhu, atley mann na hova chhata upaadi lidhu…

 • dhaval soni

  ખુબ જ સુંદર રચનાઓ છે… માણવાની મજા પડી.. પહેલી અને ત્રીજી રચના તો અદભુત છે.

 • Rajesh Vyas "JAM"

  સુંદર ગઝલો ની રચના એવી થઈ છે કે જાણે પ્રત્યેક ક્રૂતિ એક – બીજાની સિક્વલ હોય. રજુ કરવા બદલ શ્રી જોષી સાહેબને ખુબ ખુબ અભિનંદન.

 • urvashi parekh

  સરસ રચનાઓ છે. અર્થ ને શોધ્યા કરિશુ તો અનર્થ થૈ જશે, અને કોઇક વાર કહીશ તને. યાદ રાખી ને ભુલી ગયા છીએ તેમ બતાવવુ પડે. સરસ.

 • ashvin desai

  ભઐ મુકેશ જોશિનિ ગઝલ્નિ મોતિ ખુબિ એ ચ્હે , કે આપ્ન્ને લાગે કે , આ ગઝ્લ

  તો આપ્ને પોતે જ લખિ ચ્હે !

  સર્વસામાન્ય સમ્વેદનાને કવિ જ્યારે સહજ રિતે વાચા આપિ શકે , ત્યારે એ
  આપ્નિ અન્દર ઉન્દે સુધિ ઉત્રિ જાય ચ્હે
  ભાઈ મુકેશ જેવો – ઉન્ચા દરજાનો શાયર ગુજરાતિ ગઝલ્ને મલ્યો , તે આપ્ના બધાના અહોભાગ્ય ચ્હે – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

Comments are closed.