રજાઇ – ઇસ્મત ચુગતાઇ, અનુ. રવીન્દ્ર પારેખ 5 comments


ઠંડીમાં જ્યારે હું રજાઇ ઓઢું છું તો બાજુની દીવાલ પર એનો પડછાયો હાથીની જેમ ઝૂમતો લાગે છે અને એકદમ મારું મગજ વીતેલા જમાનાનાં પડદાઓમાં દોડવા ભાગવા લાગે છે. જાણે કેટલુંય યાદ આવવા માંડે છે.

માફ કરજો, હું કંઈ મારી રજાઈની કોઇ રોમાન્ટીક વાર્તા સંભળાવવા નથી બેઠી, ન તો રજાઇ જોડે કોઇ પ્રકારનો રોમાંસ પણ જોડી શકાય તેમ છે. મારા મતે તો ધાબળો ઓછો આરામદાયક હોય તો પણ એનો પડછાયો એટલો ભયંકર નથી હોતો જેટલો…. જ્યારે રજાઈનો પડછાયો દીવાલ પર ડગમગતો હોય. આ એ જમાનાની વાત છે જ્યારે હું નાનકડી હતી અને આખો દિવસ ભાઈઓ અને એના દોસ્તો જોડે મારપીટમાં વિતાવતી હતી. ઘણીવાર તો મને એમ થાય છે કે હું કમ્બખ્ત આટલી લડાક કેમ હતી ! આ ઉંમરે જ્યારે મારી બીજી બહેનો પોતાના પ્રેમીઓ એકઠા કરતી હતી ત્યારે હું પારકા-પોતાના દરેક છોકરાઓ અને છોકરીઓ જોડે બાથંબાથમાં મશગૂલ હતી.

એ જ કારણે અમ્મા જ્યારે આગ્રા જવા નીકળી ત્યારે અઠવાડિયા માટે મને એક મોંબોલી બહેનને ત્યાં મૂકતી ગઈ. અમ્મા જાણતી હતી કે એમને ત્યાં ચકલુંય નથી ફરકતું એટલે હું કોઇ જોડે લડી-ઝગડી નહીં શકું. બરાબરની સજા હતી મને – હં ! તો અમ્મા મને બેગમજાનને ત્યાં મૂકી ગઈ. આ એ બેગમજાન હતી જેની રજાઈ મારા ભેજામાં તપાવેલા લોખંડના ડામની જેમ અકબંધ છે. આ એ બેગમજાન હતી જેના નિર્ધન માબાપે નવાબ સાહેબને એટલે જમાઈ બનાવ્યા હતા કેમ કે પાકટ ઉંમરના હોવા છતાં તેમને ત્યાં કોઇ વૈશ્યા કે બજારુ સ્ત્રી દેખાતી ન હતી. પોતે હાજી હતા અને પોતાની બહેનોને ય હજ કરાવી ચૂક્યા હતા.

પણ એમને એક વિચિત્ર પ્રકારનો શોખ હતો લોકોને કબૂતર પાળવાનો શોખ હોય છે, બટેર (તેતર) લાવે છે, મરઘાબાજી કરે છે. આવી બેકાર રમતોની નવાબસાહેબને ઘૃણા હતી. એમને ત્યાં તો બસ વિદ્યાર્થીઓ રહેતા હતા. નવયુવાન ગોરા-ગોરા પાતળી કમરવાળા છોકરા જેમનો ખર્ચ સ્વયં એ ઉપાડતા હતા અને બેગમજાન જોડે શાદી કરીને એમને સઘળા સરસામાન સાથે ઘરમાં રાખીને જાણે ભૂલી જેવા ગયા હતા – અને બિચારી નાજુક નમણી બેગમ એકાંતમાં ઓગળવા લાગી. ખબર નહીં એમની જિન્દગી ક્યાંથી શરૂ થઈ હતી – જનમ લેવાની ભૂલ કરી હતી ત્યાંથી કે નવાબની બેગમ થઈને અને છત્તરપલંગ પર જિન્દગી વિતાવવા લાગી ત્યારથી કે પછી નવાબસાહેબને ત્યાં છોકરાઓનું જોર વધ્યું એમને હલવા-માંડ (ભાતનું ઓસામણ) અને લેહજતદાર ખાવાનું જવા લાગ્યું અને બેગમજાન દીવાનખાનાના પડદેથી એ લચકતી કમરવાળા છોકરાઓની તંગ પિંડીઓ અને અત્તરમાં ઝબોળાયેલ ઝીણા શબનમી કુર્તા જોઇ જોઇને ભડકો થઈ ગઈ ત્યારથી કે પછી ત્યારથી જ્યારે એ બાધા આખડીથી થાકી ગઈ. દોરા-ધાગા ટુચકા અને રાતની ઈબાદત પણ ફોગટ ગઈ. એમ કંઈ પાણીમાં ભડકો થવાનો હતો ? કંઈ નવાબસાહેબ એકના બે ન થયા. પછી બેગમજાનનું મન મરી ગયું અને એ પુસ્તકોમાં માથા મારવા માંડી. પણ અહીંયે રાહત ન થઈ. ઈશ્કી નોવેલ અને ભાવસભર ઊંઘ પણ ગઈ અને બેગમજાન તનમનથી એકદમ જ હતાશાથી ઘેરાઈ ગઈ.

ચૂલામાં જાય આવાં કપડાં-લત્તાં ! કપડાં પહેરવા માટે છે, કોઈ પર રૂઆબ છાંટવા નહીં, અહીં ન તો નવાબસાહેબને ફુરસદ હતી કે શબનમી કુર્તાઓ સિવાય આ તરફ જુએ, કે ન તો બેગમસાહિબાને ક્યાંક આવવા-જવાની છૂટ ! જ્યારથી બેગમજાન પરણીને આવી હતી, સંબંધીઓ મહિનો માસ આવતા અને જતા રહેતા પણ એ તો કેદની કેદ જ રહેતી.
આ સંબંધીઓ જોઇને એનું લોહી વધારે ફૂંકાતું હતું કે બધા જ મોજથી માલ ઝાપટવા, અસલી ઘી ચાટવા, ઠંડીનાં કપડાં વગેરે બનાવવા જ અહીં ઘસડાઈ મરતાં હતાં અને એ નવા રૂની રજાઈ નવાં નવાં ચિત્રો ઉપસાવીને દીવાલ પર છાયા નાખતી હતી. પણ કોઇ છાયા એવી નહતી જે એને જીવવાનો આધાર બને. પછી શું કામ જીવે કોઇ ? પણ જિન્દગી ! બેગમજાનની જિન્દગી બાકી હતી. ભાગ્યમાં જીવવાનું બાકી હતું એટલે જીવવા લાગી – અને ખૂબ જીવી.

રબ્બૂએ એને નીચે પછડાતાં પહેલાં સંભાળી લીધી અને પછી તો જોતજોતામાં એનું સુકલકડી શરીર ભરાવા લાગ્યું. ગાલ ચમકી ઊઠ્યા અને સુંદરતા ફૂટી નીકળી અને એ અજબ પ્રકારના તેલની માલિશનો ચમત્કાર હતો – માફ કરજો એ તેલનો નુસખો તમને કોઇ પત્ર-પત્રિકામાં નહીં મળે.

જ્યારે મેં બેગમજાનને જોઇ ત્યારે એ ચાળીસ – બેંતાળીસની હતી. કેવા ઠાઠથી એ મસૃણ તકિયાને આધારે સુતી હતી અને રબ્બૂ એની પીઠ પાસે બેસી માથું દબાવી રહી હતી. એક ધૂપચાંવ શાલ એના પગ પર પડી હતી અને એ કોઇ મહારાણી જેવી શાનદાર લાગતી હતી. મને એના રૂપ-રંગ ખૂબ ગમતાં હતાં. થતું હતું કે કલાકો સુધી એનું મોઢું જોયા કરું. એની રંગત બિલકુલ સફેદ હતી. લાલી નામ માત્ર પણ ન હતી. એના વાળ કાળા ભમ્મર અને તેલમાં ડૂબેલા રહેતા હતા. મેં આજ સુધી એમાં સેંથી વાંકી નહોતી જોઇ. શી મજાલ કે એક પણ વાળ આમતેમ થાય. એની આંખો કાળી હતી અને ભ્રમરના વધારાના વાળ કોતરી નાખવાથી કમાનો જેવી ખેંચાયેલી રહેતી હતી. આંખો જર તંગ હતી. ભારી-ભારી ફૂલેલી કીકીઓ અને મોટી પાંપણો. એના ચહેરા પર જે સૌથી આશ્ચર્યજનક સૌથી આકર્ષક ચીજ જણાતી હતી તે એના હોઠ જેના પર હંમેશ લાલાશ લીંપાયેલી રહેતી હતી. ઉપરના હોઠ પર આછી આછી મૂછ જેવું હતું અને કાનપટ્ટીઓ પર લાંબા લાંબા વાળ ક્યારેક ક્યારેક તો એનો ચહેરો જોતાં જોતાં વિચિત્ર લાગવા માંડતો- નાની ઉંમરના એના શરીરની ત્વચા પણ શ્વેત અને મુલાયમ હતી. લાગતું હતું જાણે કોઇએ કસીને ટાંકા લગાવી દીધા છે. જ્યારે એ પિંડીઓ ખજવાળવા ચણિયો સરકાવતી તો હું ચૂપચાપ એની ચમક જોયા કરતી. એ ખૂબ ઊંચી હતી અને એમાં માંસલતા ઉમેરાવાને લીધે એ ખૂબ જ લાંબી – પહોળી જણાતી હતી – હં તો રબ્બૂ એની પીઠ ખંજવાળ્યા કરતી હતી. પળ બે પળ માટે નહીં કલાકો સુધી એ તેની પીઠ ખંજવાળ્યા કરતી જાણે પીઠ ખંજવાળવી પણ જીવનની મૂળભૂત આવશ્યકતાઓમાંની એક છે બલ્કે એથી પણ જરા વધારે. રબ્બૂ પાસે બીજું કોઇ કામ ન હતું. બસ એ તો આખો દિવસ એના છત્તરપલંગ પર ચડીને ક્યારેક પગ ક્યારેક માથું અને ક્યારેક શરીરનાં બીજાં અંગો દબાવ્યા કરતી. ક્યારેક તો મારું મન બોલી ઊઠતું હદ થઈ ગઈ જ્યારે હુઓ ત્યારે રબ્બો કંઈ ને કંઈ દબાવે છે કે માલિશ કરતી રહે છે. બીજું કોઇ હોત તો શું નું શું થતે મારી વાત કરું તો કોઇ જરા અડકી પણ લે તો મારું શરીર સડી-ગળીને ખતમ થઈ જાય !

અને આ રોજની માલિશ પણ પૂરતી નહોતી. જે દિવસે બેગમ નહાતી યા અલ્લાહ બે કલાક પહેલાં તેલ અને સુગંધીદાર ઉપટણની માલિશ શરૂ થઈ જતી અને એટલી ચાલતી કે મારી કલ્પના બહેર મારી જતી. ખંડનો દરવાજો બંધ રાખીને અંગેઠીઓ સળગતી અને ચાલતો તેલ માલિશનો ક્રમ. હાજર તો ઘણુંખરું રબ્બૂ જ રહેતી અને બીજી નોકરાણીઓ બબડાટ કરતી દરવાજા પર જરૂરી ચીજવસ્તુઓ આપી જતી.

વાત એમ હતી કે બેગમજાનને ખૂજલીનો રોગ હતો. બિચારીને એવી ખૂજલી હતી કે હજારો તેલ ને ઉપટણ મસળવા છતાં ખંજવાળ ઘટતી ન હતી. ડોક્ટર-વૈદ કહેતા, “કંઈ નથી શરીર તો સાફ છે. હા ચામડીની ભીતરનો કોઇ રોગ હોય તો હોય.”

“ના, ભઈ, આ ડોક્ટરમૂઆઓ તો પાગલ છે, અલ્લાહ સલામત રાખે, લોહીમાં જરા ગરમી છે, એટલું જ.” રબ્બૂ હસીને કહેતી અને આંખો મીંચીને બેગમજાનને ઘુરકતી. ઉફ ! આ રબ્બૂ ! બેગમજાન એટલી ગોરી હતી તેટલી જ આ કાળી. જેટલી બેગમજાન શ્વેત હતી, એ એટલી જ લાલ – જાણે તપાવેલું લોઢું. આછા આછા શીતળાના ડાઘ, ગઠીલું ઠોસ શરીર. સ્ફૂર્તિલા નાના નાના હાથ, કસાયેલું નાનકડું પેટ. મોટા મોટા ફૂલેલા હોઠ જે સદા ભીના રહેતા અને શરીરમાંથી અજબ પ્રકારની ગભરાવનારી વાસની ચિનગારીઓ ફૂટતી રહેતી – અને આ નાના નાના હાથ કેટલા સ્ફૂર્તિલા હતા – હમણાં કમર પર ને આ જુઓ લપસીને ગયા કૂલા પર, ત્યાંથી લપસ્યા, જાંઘો પર અને દોડીને ગયા ઘૂંટી પર. હું તો જ્યારે પણ બેગમજાન પાસે બેસતી તો એ જ જોતી કે એના હાથ ક્યાં છે અને શું કરી રહ્યા છે ?
ગરમી-ઠંડીમાં બેગમજાન હૈદરાબાદી જાળીવાળા કુરતા પહેરતી. ઘેરા રંગનો પાયજામો અને શ્વેત ફીણ જેવો કુરતો. અને પંખો ચાલુ હોય તો પણ એ હળવું કપડું શરીર પર નાખી રાખતી. એને શિયાળો બહુ ગમતો હતો. શિયાળામાં મને પણ ત્યાં ગમતું. એ હાલતી ડોલતી ઓછું- ગાલીચા પર પડી છે પીઠ ખંજવાળી રહી છે. સૂકો મેવો ચાવી રહી છે ને બસ ! રબ્બૂથી બીજી નોકરાણીઓ બળતી હતી. ચૂડેલ બેગમજાન સાથે જમતી, સાથે જ ઊઠતી-બેસતી અને માશા અલ્લાહ સાથે જ સૂતી હતી. રબ્બૂ અને બેગમજાન દરેક આલતુ-ફાલતુની દિલચશ્પ વાતચીતનો વિષય હતી.જ્યાં એ બંનેની વાત નીકળી કે ફુવારો ગૂંજે. લોકો ન જાણે કેવા કેવા ટુચકા બિચારી પર ચગાવતા હતા પણ એ કોઇને જગતમાં મળતી ન હતી. ત્યાં તો બસ એ હતી અને એની ખંજવાળ.

મેં કહ્યું ને કે એ વખતે હું ખૂબ નાની હતી અને બેગમજાન પર મુગ્ધ. એ પણ મને ખૂબ પ્રેમ કરતી હતી. સંજોગવસાત અમ્મા આગ્રા ગઈ એને ખબર હતી કે એકલી ઘરમાં ભાઈઓ જોડે મારપીટ કરશે.
મારામારી કરશે. એટલે જ અઠવાડિયા માટે મને બેગમજાનને ત્યાં મૂકી ગઈ. હું પણ ખુશ અને બેગમજાન પણ ખુશ. આખર એ અમ્માજાનની ભાભી થતી હતી. સમસ્યા એ ઊભી થઈ કે હું ઊઘું ક્યાં ? દેખીતું છે કે બેગમજાનના ઓરડામાં મારે માટે પણ એના છત્તરપલંગને અડીને નાનકડી પલંગડી નખાઈ. દસ અગિયાર વાગ્યા સુધી તો વાતો કરતાં રહ્યાં. હું અને બેગમજાન પત્તાં રમતાં રહ્યાં. અને જ્યારે હું ઊંઘી ત્યારે રબ્બૂ એમ જ બેસીને એની પીઠ ખંજવાળતી હતી. લુચ્ચી ક્યાંની મને થયું. રાત્રે અચાનક મારી આંખો ખૂલી તો મને વિચિત્ર પ્રકારનો ડર લાગવા લાગ્યો. ઓરડામાં અંધારુંધૂંપ હતું અને એ અંધારામાં બેગમજાનની રજાઈ એમ હાલતી હતી કે મ જાણે એમાં હાથી ન પુરાયો હોય બેગમજાન મેં ડરેલો અવાજ કાઢ્યો. હાથી હાલતો બંધ થઈ ગયો. રજાઈ નીચે દબાઈ ગઈ.

“શું છે – પડી રહે,” બેગમજાને ત્યાંથી જ જવાબ આપ્યો.

“બીક લાગે છે.” મેં ઉંદરડા જેવા અવાજે કહ્યું

“સૂઈ જા – ડરવાનું શું છે ? આયતુલકર્સી (ભય ભગાડવાનો જાપ) બોલી જા.”

“એમ !” હું જલદી જલદી આયતુલકર્સી બોલવા લાગી પણ બીક ન ભાંગી.

“તમારી પાસે આવી જાઉં બેગમજાન ?”

“ના બેટી-સૂઈ રહે”, જરા કડકાઈથી કહ્યું.

અને પછી બંનેની ગુસપુસ સંભળાઈ હાય રે ! આ બીજું કોણ છે ? હું વધારે બીધી.

“બેગમજાન કોઈ ચોરબોર તો નથી ને ?”

“સૂઈ જા…. છોકરી…. ચોર કેવો ને વાત કેવી ” રબ્બૂનો અવાજ આવ્યો.

હું ઝડપથી માથે રજાઈ ઓઢીને સૂઈ ગઈ.

સવારે મારા મગજમાં ભયાનક દ્રશ્યનો ખ્યાલ પણ ન રહ્યો. હું તો હંમેશની વહેમી છું. રાતોનું બીવું- ઊઠી ઊઠીને ભાગવું અને બબડવું એ તો નાનપણમાં રોજનું હતું. બધાં એમ જ કહેતાં હતાં કે મારા પર ભૂતની છાયા પડી છે એટલે મને ખ્યાલ પણ ન રહ્યો સવારે રજાઈ તો મોટી થઈ હોય તેવી લાગતી હતી, પણ બીજી રાતે મારી આંખ ખૂલી તો રબ્બૂ અને બેગમજાન વચ્ચે કોઇ ઝગડો ખૂબ ખાનગીમાં છત્તરપલંગ પર જ પતાવાતો હતો અને જરાય ન સમજાયું કે શું નિકાલ આવ્યો. રબ્બો ડૂસકાં લેતી રહી. પછી બિલાડીની જેમ લપક લપક પ્લેટો ચાટવા જેવા અવાજો આવવા લાગ્યા- ઊંહ ! હું તો ગભરાઈને સૂઈ ગઈ.

આજે રબ્બૂ પોતાના દીકરાને મળવા ગઈ હતી. એ ખૂબ ઝગડાળુ હતો. બેગમજાને એને માટે બહુ કર્યું એને દુકાન ખોલી આપી. પછી ગામમાં કામે લગાડ્યો પણ એ કોઇ રીતે માનતો જ ન હતો. નવાબસાહેબને ત્યાં થોડા દિવસ રહ્યો. ખૂબ કપડાં –લત્તાંય ગયાં પણ કોણ જાણે કેમ એવો ભાગ્યો કે રબ્બૂને મળવાય ન રહ્યો. છેવટે રબ્બૂ જ પોતાના કોઈ સંબંધીને ત્યાં એને મળવા ગઈ હતી. બેગમજાન તો શાની જવા દે પણ રબ્બૂએ એને પટાવી લીધી.

આખો દિવસ બેગમજાન પરેશાન રહી. એની નસેનસ તતડતી રહી. કોઈનું અડકવું ય એને ગમતું નહતું. એણે ખાધું ય નહીં ને આખો દિવસ ઉદાસ પડી રહી.

“હું ખંજવાળી આપું બેગમજાન ?”મેં બહુ ભાવથી પત્તાં વહેંચતાં કહ્યું. બેગમજાન મને ધ્યાનથી જોવા લાગી.

“હું ખંજવાળી આપું- સાચુ કહું છું.” મેં પત્તાં મૂકી દીધાં.

હું થોડીવાર ખંજવાળતી રહી અને બેગમજાન ચુપચાપ પડી રહી. બીજે દિવસે રબ્બૂનું આવવાનું હતું-પણ એ આજેય અલોપ હતી. બેગમજાનનો સ્વભાવ ચીડિયો થતો ગયો- ચા ઢીંચી ઢીંચીને એણે માથું દુખાડી લીધું.

હું ફરી ખંજવાળવા લાગી એની પીઠ – લીસા ટેબલની સપાટી જેવી પીઠ, એનું કામ કરતાં કેવો આનંદ થતો હતો !

“જરા જોરથી ખંજવાળ – બંધ ખોલી નાખ,” બેગમજાન બોલી, “અહીં – અંહં જરા ખભા નીચે- હં- બરાબર – હં –હં ” એ નશામાં ઠંડા ઠંડા શ્વાસ લેવા લાગી.

“તને કાલે બજાર મોકલીશ – શું લેશે ? પેલી જાગતી-ઊંઘતી ઢીંગલી ?”

“ના બેગમજાન – ઢીંગલી હું નહીં લઉં. હું શું હજી બાળક છું ?”

“બાળક નહીં તો શું બુઢ્ઢી થઈ ગઈ ?”એ હસી. “ઢીંગલી નહીં તો ઢીંગલો લેજે. જાતે કપડાં પહેરાવજે. હું આપીશ તને ખૂબ બધાં કપડાં, સમજી !” એણે પડખું ફેરવ્યું.

“સારું “મેં જવાબ આપ્યો.

“અહીં…” એણે મારો હાથ પકડી જ્યાં ખંજવાળ આવતી હતી ત્યાં મૂકી દીધો. જ્યાં એને ખંજવાળ આવતી ત્યાં એ મારો હાથ મૂકી દેતી અને બેધ્યાનપણામાં ઢીંગલાની કલ્પનામાં ખોવાયેલી મશીનની જેમ ખંજવાળતી રહી અને એ સતત વાતો કરતી રહી.

“સાંભળ- તારાં ફરાક ઘટી ગયાં છે. કાલે દરજીને કહીશ, નવાં સીવી લાવે. તારી અમ્મા કપડું આપી ગઈ છે.”

“એ લાલ કપડાંનું ન જોઇએ – મોચી જેવું છે…” હું બકબક કરી રહી હતી અને હાથ ક્યાંનો ક્યાં જઈ પહોંચ્યો વાતોમાં મને ખબર પણ ન પડી. બેગમજાન તો ચત્તી સૂતી હતી – અરે – મેં ઝડપથી હાથ ખેંચી લીધો.

“ઓ મા છોકરી – જોઇને નથી ખંજવાળતી ? મારી પાંસળી તોડી નાંખશે.” બેગમજાન લુચ્ચું હસી અને હું લજવાઈ ગઈ.

“આવ, મારી પાસે સૂઈ જા.” એણે મને બાજુ પર માથું મૂકી સુવડાવી દીધી.

“ઓ રે કેટલી સુકાઈ ગઈ છે તું – પાંસળીઓ નીકળી આવી છે.” એણે મારી પાંસળીઓ ગણવાનું શરૂ કર્યું.

“ઉ..” હું ગણગણી.

“ઓહો ! હું શું તને ખાઈ જવાની છું ? કેવું તંગ સ્વેટર ગૂંથ્યું છે – ગરમ બનિયન પણ નથી પહેર્યું તેં તો.” હું અકળાવા લાગી.

“કેટલી પાંસળી હોય છે ?”એણે વાત બદલી.

“એક તરફ નવ અને એક તરફ દસ.” મેં નિશાળમાં ગોખેલા હાઈજિનની મદદ લીધી – તે પણ આશરે.

“હાથ હટાવ જોઉં – હં ! એક – બે – ત્રણ.”

મને ત્યાંથી ભાગી જવાનું મન થયું – પણ એણે જોરથી ભીડી દીધી.

“ઓહ !” હું ટળવળી ઊઠી.

બેગમજાન જોરજોરથી હસવા લાગી. આજે ય જ્યારે એના એ વખતના ચહેરાની કલ્પના કરું છું તો ગભરાટ થઈ આવે છે. એની આંખોની કીકીઓ વધારે ભારે થઈ ગઈ. ઉપરના હોઠ પર કાળાશ લીંપાઈ ગઈ હતી. ઠંડી હોવા છતાં પરસેવાનાં નાનાં નાનાં ટીપાં હોઠ અને નાક પર ચમકી ઊઠ્યાં હતાં. એના હાથ ઠંડા હતાં, પણ એટલા નરમ કે જાણે ઉપરની ચામડી ઊતરડાઈ ગઈ હોય. એણે શાલ કાઢી નાંખી હતી અને જાળીવાળા ઝીણા કુરતામાં એનું શરીર ગૂંદેલા લોટની જેમ ચમકતું હતું. ભારી, જડાઉ સોનાનાં બટન ગળાની એક બાજુએ ઝૂલી રહ્યાં હતાં. સાંજ પડી ગઈ હતી. ઓરડામાં અંધારું ઘૂંટાઈ રહ્યું હતું. હું એક અજાણ ભયથી ડરવા લાગી. બેગમજાનની ઘેરી – ઊંડી આંખો- હું મનમાં રડવા લાગી. એ મને માટીનાં રમકડાંની જેમ ભીંસી રહી હતી. એના ગરમ ધધકતા શરીરથી મારો જીવ ગૂંગળાવા લાગ્યો. પણ એના પર તો જાણે ડાકણ સવાર હતી અને મારા મગજના હાલ તો એ કે ન ચીસ પાડી શકે કે ન રડી શકાય. થોડીવાર પછી એ ઢગલો થઈને સૂઈ ગઈ. એનો ચહેરો ફિક્કો પડી ગયો અને એ હાંફવા લાગી. મને થયું કે આ મરી હવે – અને ઊઠીને હું સડસડાટ ભાગી બહાર.

ઉપકાર કે રાત્રે રબ્બૂ આવી ગઈ અને હું ડરીને ઝડપથી રજાઈ ઓઢીને સૂઈ ગઈ. પણ ઊંઘ ક્યાં ? કલાકો સુધી ચૂપચાપ પડી રહી.

અમ્મા કોઇ રીતે ય આવતી જ ન હતી. બેગમજાનથી મને એટલો બધો ડર લાગતો હતો કે આખો દિવસ હું મામાઓ પાસે બેસી રહેતી. કોને કહેતે ? અને કહેતે તો ય શું કે બેગમજાનની બીક લાગે છે – એ બેગમજાનની જે મારે માટે જીવ રેડતી હતી !

આજે રબ્બૂ અને બેગમજાન વચ્ચે ફરી ચડભડ થઈ ગઈ – મારા નસીબનો દોષ કહો કે કંઈ પણ મને એમના અણબનાવની બીક લાગી. કારણ તરત જ બેગમજાનને ખ્યાલ આવ્યો કે હું ઠંડીમાં બહાર ભટકું છું એટલે પડીશ ન્યુમોનિયામાં.

“છોકરી અપજશ મને અપાવવો છે ? કંઈ કરતાં કંઈ થશે તો જવાબ મારે આપવોપડશે” એણે મને નજીક બેસાડી દીધી. પોતે કૂંડીમાં હાથ – મોં ધોઈ રહી હતી. ચા ટિપોય પર મૂકેલી હતી.

“ચા તો બનાવ – એક કપ મને પણ આપજે.” બોલતાં ટુવાલથી મોં લૂછવા લાગી. “હું જરા કપડાં બદલી લઉં.”

એ કપડાં બદલતી રહી અને હું ચા પીતી રહી. બેગમજાન હજામડી પાસે પીઠની તેલ માલિશ કરાવતી વખતે મને કોઇ કામથી બોલાવતી તો હું ગર્દન ઝુકાવીને જતી ને તરત ભાગી આવતી. એણે જ્યારે કપડાં બદલ્યાં તો મારું મન ચકરાવા લાગ્યું. મોં ફેરવીને હું ચા પીતી રહી.

“રે અમ્મા ….” મારું મન બેહોશીથી પોકારી ઊઠ્યું. “આખર ભાઈઓ જોડે એવું તે હું શું લડતી હતી કે તેં મારે માટે આ મુસીબત…” અમ્માને મારું છોકરાઓ જોડે રમવાનું પહેલેથી નાપસંદ છે. કહો તો, છોકરાઓ શું વાઘ-વરુ છે કે એની છોકરીને ખાઈ જાય ! અને છોકરાઓ પણ કોણ ? ભાઈ પોતે અને બેચાર સડિયલ-મરિયલ એમના જ નાના નાના દોસ્ત. પણ નહીં, એ તો સ્ત્રી જાતને સાત તાળામાં બંધ રાખવાના મતની છે અને અહીં બેગમજાનનો દુનિયાભરના ગુંડાઓથી ન લાગે તેવો ડર ! મારું ચાલતે તો સડક પર દોડી જતે પણ ત્યાં ન રહેત. પણ લાચાર હતી, છાતી પર પથ્થર મૂકીને બેસી રહી.

કપડાં બદલાયાં, સોળ શણગાર થયા ને અત્તરની તીવ્ર-ભડક સુગંધે એને જરા વધારે અંગાર બનાવી દીધી અને એ આવી મારા પર હેત વરસાવવા…

“ઘરે જવું છે….” મેં એની દરેક સૂચનાના જવાબમાં કહ્યું અને રડવા લાગી.

“મારી પાસે તો આવ. હું તને બજારે લઈ જઈશ-સાંભળતો-” પણ હું ખોળની જેમ ફેલાઈ ગઈ-બધાં રમકડાં, મીઠાઈઓ એક તરફ ને ઘરે જવાની જીદ એક તરફ.

“ત્યાં તો ભાઈઓ મારશે ચૂડેલ..” એણે પ્રેમથી મને થાપટ મારી.

“ભલે ભાઈઓ મારે.” મેં મનમાં વિચાર્યું અને રિસાયેલી અકળાયેલી બેસી રહી.

“કાચી કેરી ખાટી હોય છે બેગમજાન !” બળેલી – જળેલી રબ્બૂએ સલાહ આપી અને એ પછી બેગમજાન બેફામ થઈ ગઈ. સોનાનો હાર જે એ થોડીવાર પહેલાં મને પહેરાવતી હતી તે ટુકડે ટુકડા થઈ ગયો. ઝીણો જાળીવાળો દુપટ્ટો લીરેલીરા ! ને એ સેંથી જે મને ક્યારેય વાંકી નહોતી દેખાઈ ઝાડીઝાંખરી થઈ ગઈ.

“ઓહ-ઓહ-ઓહ” એ ડચકાં ખાતી ખાતી બરાડવા લાગી. હું દોડી બહાર. બહુ પ્રયત્નો પછી બેગમજાનને ભાન આવ્યું. જ્યારે મેં સૂવા માટે ઓરડામાં ચોર પગલે ડોકિયું કર્યું તો રબ્બૂ એની કમરને અડીને શરીર દબાવી રહી હતી..-

“મોજડી કાઢી નાખો-” એણે એની પાંસળીઓ ખંજવાળતાં કહ્યું અને હું ઉંદરડીની જેમ રજાઈમાં ઘૂસી ગઈ.

સર્ર-સર્ર-ફટ-કચ- બેગમજાનની રજાઈ ફરી હાથીની જેમ ઝૂલતી હતી. “ઓ મારા અલ્લાહ !” મરિયલ અવાજે હું બોલી. રજાઈમાં હાથી ઉછળ્યો અને બેસી ગયો. હું ચૂપ થઈ ગઈ. હાથી ફરી આળોટ્યો. હું રૂંવે રૂંવે થથરી ઊઠી. આજે મેં ગાંઠ વાળી હતી કે હિંમત કરીને માથા આગળની લાઈટ સળગાવી જ દઈશ. હાથી ફરી ફફડતો હતો અને ઉભડક બેસવાની કોશિશ કરી રહ્યો હતો. લપકલપક કંઈ ખાવાના અવાજો આવતા હતા. જાણે કોઇ મજેદાર ચટની ચાખી રહ્યું છે. હવે સમજી ! આજે બેગમજાને કંઈ ખાધું ન હતું અને રબ્બૂ તો મૂઈ છે જ સદાની ચટુરી. ચોક્કસ તરમાલ ઉડાવી રહી છે. મેં નસકોરાં ફુલાવીને “સૂં-સૂં” હવાને સૂંઘી. અત્તર, સુખડ અને મહેંદીની ગરમ ગરમ સુગંધ સિવાય બીજું કંઈ અનુભવાયું નહીં.

રજાઈ ફરી ઊછળવાની શરૂ થઈ. મેં તો બહુ યે ઈચ્છ્યું કે ચૂપચાપ પડી રહું, પણ આ રજાઈએ તો એવા ચિત્ર-વિચિત્ર આકારો બનાવવા માંડ્યાં કે હું થથરી ઊઠી. લાગતું હતું કે ડ્રોં-ડ્રોં કરતો કોઇ મસમોટો દેડકો ફૂલી રહ્યો છે ને આ ઊછળીને આવ્યો મારા પર : “ઓ-ઓ-” હું સાહસ કરીને ગણગણી પણ ત્યાં કંઈ પણ સંભળાયું નહીં અને રજાઈ મારા ભેજામાં ઘૂસીને ફૂલવા માંડી હતી. મેં ડરતાં ડરતાં પલંગની બીજી તરફ પગ મૂક્યા અને ખોળીને સ્વીચ ઓન કરી દીધી. હાથીએ રજાઈ નીચે કળા કરી અને બેસી પડ્યો. કળા કરવામાં રજાઈનો ખૂણો એકાદ ફૂટ ઊંચકાયો- યા મેરે અલ્લાહ!

ને હું ગપ્પ દઈને મારી રજાઈમાં!

– ઇસ્મત ચુગતાઇ, અનુ. રવીન્દ્ર પારેખ

(ઉત્સવ, દ્વિતીય દીપોત્સવ, ૧૯૯૦, રવીન્દ્ર પારેખની અનુદિત વાર્તાઓના સંગ્રહ ‘દેશવિદેશ’ માંથી સાભાર, ટાઈક અને કૃતિ પાઠવવા બદલ નિમિષા દલાલનો પણ આભાર)

ઉત્તરપ્રદેશમાં જન્મેલા અને મહદંશે જયપુરમાં ઉછરેલા ઇસ્મત ચુગતાઈ (ઑગસ્ટ ૧૯૧૫ – ઓક્ટોબર ૧૯૯૧), ઉર્દુ ભાષાના અદ્રુત ભારતીય લેખિકા, નારીવાદી વિચારધારા અને સમયથી આગળના નારી સ્વતંત્રતા અને એ પ્રકારની ક્રાંતિકારી વાર્તાઓ માટે તેઓ જાણીતા છે. ૧૯૪૨માં એક ઉર્દુ સામયિકમાં પ્રસિદ્ધ થયેલી તેમની વાર્તા ‘લિહાફ’ ને લીધે તેમના પર લાહોર કોર્ટમાં કેસ પણ કરાયો હતો. તેમણે ઘણી ફિલ્મોની પટકથા માટે પણ કામ કર્યું છે. આજે પ્રસ્તુત છે તેમની એક કૃતિ ‘રજાઇ’નો શ્રી રવીન્દ્રભાઈ પારેખ દ્વારા કરાયેલ અનુવાદ જે તેમના અનુદિત વાર્તાઓના સંગ્રહ ‘દેશવિદેશ’માંથી લેવામાં આવી છે.


5 thoughts on “રજાઇ – ઇસ્મત ચુગતાઇ, અનુ. રવીન્દ્ર પારેખ

 • harnish5

  મને ઉર્દુ નથી આવડતું એટલે અનુવાદ વિષે ન બોલી શકું પણ રજાઇ વાંચવાનું ગમ્યું.ઉર્દુ લિહાફ આવી જ હશે. લિહાફના મેં ઘણાં અનુવાદ વાંચ્યા છે. રવિન્દ્રભાઈને અભિનંદન– અને હા,જિજ્ઞેશ કુમારને પણ.

 • HEMAL VAISHNAV

  I had heard about this story, but never got to read this till today.
  She must have been very brave to write on such a controversial subject.(considering her time frame and area she was coming from…)
  Many thanks to Aksharnaad and Shri Ravindra bhai Parekh.

 • Maheshchandra Naik (Canada)

  સરસ અનુવાદ માટે અનુવાદક શ્રી રવિન્દ્ર પારેખને અભિનદન અને આપનો આભાર્……………………..

Comments are closed.