માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ 12


૧. કર્મણ્યેવાધિકારસ્તે

આજે યુવાનોને સંબોધવા આવ્યા હતા ખ્યાતનામ એક્શન ફિલ્મ દિગ્દર્શક અનમોલ પરિકર, પાયરસી પર ભાષણ આપતા એ સુપરહિટ ફિલ્મના દિગ્દર્શકે કહ્યું, “ઈલીગલ ડાઊનલોડને લીધે આપણી ઈન્ડસ્ટ્રીને વર્ષે કરોડો રૂપિયાનો ફટકો પડે છે, મારે તમારી પાસેથી એ વચન જોઈએ છે કે હવે તમે ઈન્ટરનેટ પરથી આવા પાયરેટેડ ગીતો કે ફિલ્મો ડાઊનલોડ નહીં કરો.”

સભાખંડે એક સૂરમાં ‘હા’ પાડી… સંબોધન પૂરૂ કરી તે પોતાની વૅનમાં પાછો ફર્યો અને હોલિવુડની એક પ્રખ્યાત એક્શન ફિલ્મની ડિસ્કમાંથી ફિલ્મનો બાકી રહેલો ભાગ જોવા લાગ્યો.

૨. મનભેદ

‘મૂશળધાર વરસાદે એ ગાડરિયો આનંદમગ્ન થઈ પોતાના ઘેટાં બકરાંની સામે જોઈને ગીત ગાવા લાગ્યો, ગાડર જાણે તેનું ગીત સમજતા હોય તેમ તેની તરફ દોડ્યા અને પોતાના નવજાત પુત્રને પિતા વ્હાલ કરે એમ એ ગાડરિયો પોતાના બકરાંને વ્હાલ કરવા લાગ્યો.’

રસ્તાની નીચે નદીના પાણીને પસાર થવા બનાવાયેલ કોરાકટ્ટ ગરનાળામાં બેસીને સૂકી ભેળ ખાધા પછી બચેલ કાગળમાં લખેલ આ ફકરાને તે વાંચી રહ્યો. શ્રાવણ પૂરો થવામાં હતો. તેના ધણમાં ફક્ત બે મુડદાલ બકરાં જ બચ્યા હતાં, જે ગરનાળામાં તેની પાસે જ પેલો કાગળ મેળવવાની રાહમાં બેઠા હતાં. એ બકરાંઓને જોઈ રહ્યો.

બકરાંઓના મનમાં શું રંધાઈ રહ્યું હતું એ તો રામ જાણે પણ તેના મનમાં આજે રાત્રે બકરાને રાંધવાની વાતની રંધાઈ રહી હતી.

૩. વ્યવહાર

‘..અને પછી એ હરણી, હરણ અને તેના બચ્ચાંને પારધીએ સાચું બોલવાને લીધે છોડી દીધાં..’ દાદીએ વાર્તા પૂરી કરી એટલે નાનકી કનિકાને તેના પપ્પાએ કહ્યું, ‘જોયું બેટા, સાચું બોલવાનો ફાયદો? ક્યારેય ખોટું…’ અને તેના મોબાઈલની રિંગ વાગી.

ફોન રીસિવ કરવા ઘરના દરવાજા પાસે જઈને, ફોન આડો હાથ ધરીને તેણે સાવ ધીમા અવાજે કહ્યું, ‘એક મીટીંગમાં છું… થોડી વાર રહીને ફોન કરું?…’

૪. સર્જન

પોતાના આદર્શ એવા ખ્યાતનામ શાયર અઝીમ સરકારને મળવા એ નવોદિત ગઝલકાર ગયો હતો, તેમના સર્જનની ભાવપૂર્વકની પ્રશંસા અને તેમની કલમ પ્રત્યેની ચાહતને – આદરને અભિવ્યક્ત કર્યાં પછી પોતાની શ્રેષ્ઠ ગઝલ બતાવીને તેમનો પ્રતિભાવ માંગ્યો.

ગઝલ જોઈને સરકાર સાહેબ કાંઈ બોલ્યા નહીં, અતિશય લાંબા મીટર વાળી, પ્રલંબલયની ગઝલ હતી. તેમણે એ ગઝલને બે-ત્રણ વખત વાંચી અને પછી ‘વિષય ચવાઈ ગયેલો છે છતાં સારો પ્રયાસ છે… પ્રયત્ન કરતા રહો.’ એમ કહી તેને પાછી આપી. મુલાકાતને અંતે ઘરની બહાર નીકળતા તેણે ખિન્ન થઈ પોતાની ગઝલના કાગળનો ડૂચો વાળીને ફેંકી દીધો…

બારીમાંથી આ જોઈ રહેલ સરકાર સાહેબ તેના ગયા પછી બહાર આવ્યા અને એ ડૂચો ઉપાડી, કાગળ વ્યવસ્થિત ઘડી કરી ઝભ્ભાના ખિસ્સામાં મૂકી દીધો. પ્રલંબ લય ગઝલોના વિશેષાંકની આ પૂર્વતૈયારી થઈ ગઈ હતી.

Santa૫. ગિફ્ટ

ક્રિસમસ હતી, છોકરાઓને રાત્રે આપવાની ભેટ એકઠી કરવા સાંતાક્લોઝ સાદા વસ્ત્રોમાં નીકળ્યા હતા.

રસ્તાની પાસે સાંતાક્લોઝનો ગંદલો ટૂંકો પોશાક પહેરીને બેઠેલી એક ભિખારણ છોકરીને જોઈને તે ઉભા રહી ગયા, ચહેરા પર ભૂખની પીડા અને આંખોમાં આશાપૂર્વક તેમને જોઈ રહેલ છોકરીએ કહ્યું, ‘કુછ ખાને કો ચાહીયે, દસ રૂપિયા દો ના સાહબ…’ તેમની આંખમાંથી એક આંસુ નીકળીને રસ્તા પર પડ્યું. એ છોકરીને તેમણે ભરપેટ જમાડી, અને રસ્તા સુધી મૂકી આવ્યા.

રાત્રે એ જ રસ્તા પર કારની ટક્કરે એ છોકરી કચડાઈ ગઈ… કારનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.

– જીજ્ઞેશ અધ્યારૂ

 

ફિક્શન એટલે શું? ગુજરાતી લેક્સિકોન પર તેનો અર્થ છે, ‘ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત, કલ્પિત વાત કે કથન નવલકથા સાહિત્ય, માની લીધેલી (રૂઢ અસત્ય) વાત, જૂઠાણું, સાહિત્યની એક શાખા કે પ્રકાર તરીકે વાર્તાલેખન.’ શું બધી જ વાર્તાઓ આ માપદંડમાં બંધબેસતી હોય છે? સર્જનને જીવનના અનુભવો સાથે કેટલી હદે સાંકળી શકાય? ઉપરોક્ત પાંચેય વાર્તાઓમાંથી એક પણ ફિક્શન નથી, અને છતાંય એ ફિક્શન તરીકે જ ઓળખાય એવો સભાન પ્રયત્ન મેં કર્યો છે. ફક્ત પાંચમી વાર્તાના મૂળ વિશે કહું તો એ માટે સાથે મૂકેલ ફોટોગ્રાફ થોડુંક કહી શક્શે. આસપાસના લોકો, જીવન, સ્થળો અને પ્રસંગો પરથી સર્જાતી આ કથાઓ સદંતર ફિક્શન કઈ રીતે હોઈ શકે? માઈક્રોફિક્શન વાર્તાઓ અક્ષરનાદ પર ધમાકેદાર કાર્યસિદ્ધિ અને નોંધપાત્ર અસર ઉપજાવે છે, એ જ યજ્ઞમાં મારા તરફથી એક નાનકડી આહુતી…. આજે પ્રસ્તુત છે મારી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ…

બિલિપત્ર

અક્ષરોના આયખા સમ આ પ્રણયની વારતા
ને કતલના કાયદા જેવી ઉભયની વારતા.
એમને જોયાં અને તૂટ્યા સમયનાં બંધનો
હારના તોહફા સમી તેના વિજયની વારતા
– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ