તમે એને શું કહેશો? – મુર્તઝા પટેલ 7


રમલીને સાતમો મહિનો બેઠો. તેનો ધણી રઘલો તો મદદ કરવાથી રહ્યો એટલે સમજોને કે તેની પડોશણ જમુકાકીએ જ રમલીના એ પાછલાં મહિનાઓ દરમિયાન પેટનો ખાડો મજબૂત કરવામાં મદદ કરી. એટલે તેનું પેટ હવે થોડું ઘણું પાણીદાર લાગતું હતું.

“રમલી ! હું કવ સુ ક…હવે તાહરે બવ ધ્યાન રાખવું પડશે. થોડું વધારે ખાવું પડશે હોં. તારી હારે આવનાર સોકરાનુંય વચાર કરવાનો કે નૈ! આતો હારુ સે ક કાલ્હ પાસુ ઓલી મોટી ઓફીશમોં મેરો થવાનો છ એટલે વાશણ મોંજવામાં મારા ભેગી તારું ય નોમ લખાઈ દીધું. નકર તુંય મુઈ પાછી ભૂખી રઇ જાત.” –જમુકાકીએ મીઠ્ઠું ઇજન મુક્યું.

પિયરેથી ઈમાનદારીની જનમઘૂટ્ટી પી આવેલી રમલીને પણ થોડો હાશકારો થયો. ને બીજે દિવસે રાતે જમુકાકીની ‘આસીસ્ટન્ટ’ તરીકે એ પણ કોર્પોરેટ કાર્નિવલના જમણવારમાં માંજવાની કામગીરીમાં મશગૂલ થઇ ગઈ.

પણ કોઈ એક પળે તેને થોડે ક જ દૂર રહેલી એક મોટી પણ અધુરી પડેલી (એંઠી) પ્લેટ દેખાઈ. થોડાંક અધૂરા દાળ-ભાત, કાજુ-કતરીનો પીસ, પાપડનો ભૂકા પર તેની નજર બહુ ન ટકી. પણ માત્ર એક જીભ-વ્હાલી વસ્તુ પર અટકી ગઈ.

‘લઇ લઉં કે રે’વા દઉં?….
કોઈ જોઈ જાશે તો શું કે’શે?…
‘અત્યારે તો બધાંય પોતાની તાનમાં છે. લઇ પણ લઉં તો કોના બાપનું હું જવાનું છે, હેં?’…
‘પણ બાપાએ તો ક્યારેય વગર પૂછે લેવાની વાતને ચોરી સાથે સરખાવી છે તો એના જીવને….?’
‘પણ પછી મારા પેટ્યા જીવનું શું??!?!?! એને ભૂખ્યો રાખીશ?’

…..ને આવા મહા-મનોમંથન યુદ્ધમાં પેટ્યું જીવ જીતી ગયું. માંજવાનું બાજુએ મૂકી ચીલઝડપે રમલી એક પ્લાસ્ટિકની થેલીમાં તેનું ‘ગમતું એંઠું’ ભરી આવી. તેની ઉભરેલી ઈચ્છા સાથે એ ચાર ‘ક(ચોરી)’નું પેકેટ’ પણ બ્લાઉઝની અંદર ઉતરી ચીટકી ગયું.

વાસણો હવે થોડાં ધીમેથી મંજાતા રહ્યાં…

બે મહિના પછીની એ ‘ડ્યુ-ડેટ’ પર સરકારી હોસ્પિટલમાં રમલીને ‘સોકરો’ તો આયો, પણ કરોડરજ્જુને છેડે નાનકડી પૂંછ સાથે. બચારા એ લોકો હજુયે આ પૂંછડીનું સિક્રેટ જાણતા નથી.

ખૈર, મેં તો તેને ‘ઈમાનદારીનું પૂંછડું’ નામ આપ્યું છે. દોસ્તો, તમે શું કહેશો?

– (મુર્તઝા પટેલની #પટેલપોથી માંથી…)

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, વાચકમિત્રોના પ્રેમને પામી છે. આજે તેઓ પોતાની પટેલપોથીમાંથી વધુ એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ‘ઈમાનદારીનું પૂંછડું’ નામનો આ પ્રસંગ પોતપોતાનાં દ્રષ્ટિકોણ પર અવલંબિત છે… પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “તમે એને શું કહેશો? – મુર્તઝા પટેલ