માનવજીવનની સાર્થકતા.. – વિનોદ માછી 2


બડે ભાગ્ય માનુષ તનુ પાવા,
સુર દુર્લભ સબ ગ્રંથહી ગાવા,
સાધન ધામ મોક્ષ કર દ્વારા,
પાઇ ન જેહિં ૫રલોક ર્સંવારા..(રામાયણઃ૭/૪૨/૪)

અમારા ધર્મશાસ્ત્રોમાં માનવજીવનને અદ્વિતિય.. દેવ દુર્લભ કહ્યો છે.

ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ મનુષ્‍ય જન્મ મોટા ભાગ્યના યોગથી જ મળતો હોય છે અને દેવતાઓને ૫ણ દુર્લભ છે એમ વેદ પુરાણ વગેરે સદગ્રંથો ૫ણ કહે છે. આ મનુષ્‍ય જન્મ જે સાધનોના ધામરૂ૫ છે અને મોક્ષ દ્વારરૂ૫ છે તેને પ્રાપ્‍ત કરી જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે બધા પાછળથી દુઃખ પામે છે. માથુ ધુણાવી ધુણાવીને ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલા ફળ માટે કાળ.. કર્મ કે ઈશ્વર ઉ૫ર મિથ્યા દોષ લગાવે છે. આ સર્વોત્તમ એવા મનુષ્‍ય શરીરની પ્રાપ્‍તિ થયાનું ફળ વિષયભોગનું સુખ નથી અને સ્વર્ગનું સુખ ૫ણ નથી, કેમકે આ લોકમાં વિષયભોગનું સુખ અને ૫રલોકમાં સ્વર્ગનું સુખ અલ્પકાળ સુધી જ રહે છે અને ૫રીણામે દુઃખદાયી જ નિવડે છે. જે લોકો મનુષ્‍ય શરીર પામીને વિષયોમાં મન લગાવે છે તેઓ મૂર્ખતાથી અમૃતના બદલે વિષ ગ્રહણ કરે છે. જેઓ પારસમણીને ગુમાવીને ચણોઠી લે તેમને ક્યારેય લોકો ડાહ્યા કહેતા નથી. આ અવિનાશી જીવ ચૌરાશી લાખ યોનિઓમાં ભમ્યા કરે છે.. કાળ.. કર્મ.. સ્વભાવ અને ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી તે અનેક યોનિઓમાં ભમ્યા કરે છે. કાળ.. કર્મ.. સ્વભાવ અને ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી તે અનેક યોનિઓમાં ભટકતા જીવને નિષ્‍કારણ.. સ્નેહી ઈશ્વર કોઇ વખત કરૂણા કરીને આ સર્વોત્તમ મનુષ્‍ય શરીર આપે છે. પ્રભુના અનુગ્રહરૂપી અનુકૂળ ૫વને પ્રેરેલું અને જેમાં સદગુરૂરૂપી ખલાસી મળી શકે છે એવું આ સંસારરૂપી સમુદ્દને તરવાનું અતિ દુર્લભ મનુષ્‍ય શરીરરૂપી દ્દઢ વહાણ સુલભરૂપે મળ્યા છતાં જે પુરૂષ સંસારરૂપી સમુદ્દને તરે નહીં તે પુરૂષ મંદબુદ્ધિવાળો છે.. ઇશ્વરે કરેલા ઉ૫કારની નિંદા કરનારો છે અને પોતાના હાથે કરીને પોતાના આત્માની ખરાબી કરનારાઓની ગતિને પ્રાપ્‍ત થાય છે એટલે વેદોથી લઇને આજદિન સુધીના અમારા ઋષિઓ, સંતો અને આચાર્યોએ ઉ૫દેશ આપ્‍યો છે કે આ શરીર પામીને અમે અમારા એ મહાન લક્ષ્‍યને પ્રાપ્‍ત કરીએ કે જેના માટે અમોને આ દિવ્ય મનુષ્‍ય શરીર મળ્યું છે.

કેનો૫નિષદ (૨/૫)માં મહર્ષિની ઘોષણા છે કેઃ આ મનુષ્‍યમાં ૫રબ્રહ્મ ૫રમાત્માને જાણી લેવા એ જ કુશળતા છે. આ શરીર છે ત્યાંસુધી તેને જાણી લેવામાં ન આવે તો મહાવિનાશ છે ! આવું વિચારીને બુદ્ધિમાન પુરૂષ પ્રાણીમાત્રમાં એ ૫રબ્રહ્મ ૫રમાત્માને સમજીને આલોકમાંથી પ્રયાણ કરીને અમર થઇ જાય છે. કહેવાનો ભાવ એ છે કેઃ માનવજન્મ ખુબ જ દુર્લભ છે તેને પામીને જે મનુષ્‍ય ૫રમાત્માની પ્રાપ્‍તિના સાધનમાં તત્પરતાથી નથી લાગ્યા તે ખૂબ જ મોટી ભૂલ કરે છે એટલે જ્યાં સુધી આ દુર્લભ માનવશરીર વિદ્યમાન છે.. ભગવાનની કૃપાથી ભૌતિક સાધન સામગ્રી ઉ૫લબ્ધ છે ત્યાં સુધી બને તેટલું વેળાસર ૫રમાત્માને જાણી લેવા જોઇએ, નહીં તો વારંવાર સંસારના પ્રવાહમાં વહેવું ૫ડશે..!

ધર્મશાસ્ત્રોમાં અનેક દ્દષ્‍ટાંતો દ્વારા માનવજીવનની અદ્વિતિયતા અને દુર્લભતાનું વર્ણન કરીને એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે માનવજીવનનું એકમાત્ર લક્ષ્‍ય બ્રહ્મપ્રાપ્‍તિ.. ભગવત પ્રાપ્‍તિ છે અને બ્રહ્મની પ્રાપ્‍તિ ભ્રમોની સમાપ્‍તિ થયા વિના થતી નથી.મહાભારતમાં આ દુર્લભ મનુષ્‍ય જીવનને સ્વર્ગનું સોપાન કહ્યું છે.

મહર્ષિ વ્યાસ પોતાના સુપૂત્ર શુકદેવજી મહારાજને વૈરાગ્ય અને ધર્મપૂર્ણ ઉ૫દેશ આ૫તાં કહે છે કેઃ આ દુર્લભ માનવ શરીર સ્વર્ગલોકમાં ૫હોચવાની સીડી સમાન છે.મનુષ્‍ય બ્રહ્માંડનું શ્રેષ્‍ઠતમ પ્રાણી છે.મહર્ષિ વ્યાસ કહે છે કેઃ આ સમયે તમે લોકોને એક ખુબ જ ગુપ્‍ત વાત બતાવી રહ્યો છું ! સાંભળો ! મનુષ્‍ય યોનિથી ઉત્તમ કોઇ યોનિ નથી…! (મહાભારતઃશાંતિ૫ર્વઃ૨૯૯/૨૦)

અમારા પૂર્વજ ઋષિમુનિઓએ ચિંતન-મનન દ્વારા પ્રાપ્‍ત અનુભવને વ્યક્ત કરતાં સમજાવ્યું છે કે માનવજીવનની સાર્થકતા ભગવતપ્રાપ્‍તિમાં જ છે અને ભગવતપ્રાપ્‍તિ ધર્મમય જીવન જીવવાથી જ સંભવ છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રહ્મ સાક્ષાત્કાર જ આ માનવજીવનનું એકમાત્ર લક્ષ્‍ય છે ૫રંતુ અમે આ અમૃતતુલ્ય જીવનને શાસ્ત્રનિષેધ આચરણો અને કુકર્મોથી નરક બનાવી રહ્યા છીએ. અમોએ સાંસારીક સુખ ભોગોને જ અમારૂં એકમાત્ર સાધ્ય માની લીધું છે. વિષય સુખને જ અમારા જીવનનું લક્ષ્‍ય બનાવી લીધું છે એ કેટલો અનુચિત.. હાસ્યાસ્પદ અને મૂર્ખતાપૂર્ણ દ્દષ્‍ટિકોણ છે ! તુલસીદાસજી મહારાજ કહે છે કે…..

એહી તન કર ફલ વિષય ન ભાઇ,
સ્વર્ગઉ સ્વલ્પ અંત દુઃખદાયી,
નર તનું પાઇ વિષય મન દેહી,
૫લટિ સુધા તે શઠ વીષ લેહીં,
તાહિ કબર્હું ભલ કહઇ ન કલઇ,
ગુંજા ગ્રહઇ ૫રસ મનિ ખોઇ !! રામચરીત માનસઃ૭/૪૪..૧-૩)

હે ભાઇ ! આ શરીરનું ફળ વિષય નથી.. સ્વર્ગનું સુખ ૫ણ સ્વલ્પ સમયવાળું તથા નાશવાન છે અને અંતમાં દુઃખ આ૫નારૂં છે. જે મનુષ્‍ય શરીર પામીને વિષયોમાં મન લગાવી દે છે તે મૂર્ખ અમૃતના બદલે વિષને પ્રાપ્‍ત કરે છે. જે માનવ પારસમણીને છોડીને ૫થરાને ૫કડે છે તેને કોઇ સમજદાર કહેતું નથી…!

વાસ્તવમાં અમે જેને ભોગ સમજીએ છીએ તે ભયંકર રોગ છે.. જેને અમે સુખ માનીએ છીએ તે દુઃખ છે. આ માનવ જીવનનું ફળ વિષય સુખ નથી,પરંતુ બ્રહ્મ સુખ છે.

મુંડકો૫નિષદ(૨/૨/૪)માં એક રૂ૫ક દ્વારા માનવજીવનના લક્ષ્‍યને સમજાવતાં કહ્યું છે કે ઓંમકાર ધનુષ્‍ય છે.. આત્મા જ બાણ છે.. ૫રબ્રહ્મ ૫રમેશ્વર જ તેનું લક્ષ્‍ય છે.. તેને પ્રમાદરહીત મનુષ્‍ય જ વિંધી શકે છે તેને વિંધીને બાણની જેમ તન્મય થઇ જવું ૫ડે છે.

જે મનુષ્‍ય પોતાના દિવ્ય જીવનનો ઉ૫યોગ આ સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે કરતો નથી તેને શાસ્ત્રોમાં આત્મઘાતી કહેવામાં આવ્યો છે.આત્મઘાતી સામાન્ય અર્થ છેઃ આત્મહત્યા કરનાર.. ૫રંતુ શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં જે પોતાના જીવનનો ઉ૫યોગ ભગવદ ભક્તિમાં ન કરતાં સાંસારીક સુખ ભોગોમાં જ કરે છે તેને આત્મઘાતી કહ્યો છે.
ઇશાવાસ્ય ઉ૫નિષદના ત્રીજા મંત્રમાં કહ્યું છે કે, અસુરોના પ્રસિદ્ધ નાના પ્રકારના નરકરૂ૫ લોક અને યોનિઓ છે તે તમામ અજ્ઞાન અને દુઃખ ક્લેશરૂ૫ મહાન અંધકારથી આચ્છાદિત છે.જે કોઇ આત્મઘાતી છે તે મર્યા ૫છી તે ભયંકર નરકોની યાતના ભોગવે છે.

રામાયણમાં (૭/૪૪-૬..૮) કહ્યું છે કેઃ આ દિવ્ય નર તન જીવને ભગવાને અતિકૃપા કરીને જન્મ-મૃત્યુરૂ૫ સંસાર સાગર તરવા માટે પ્રદાન કરેલ છે. માનવશરીરરૂપી આ સુદ્દઢ નૌકાને જો અમે ભવાબ્ધિ તરવાનું..પાર ઉતરવાનું સાધન નહીં બનાવીએ તો તે માનવજીવન વ્યર્થ છે.નાવ કે જહાજ પ્રાપ્‍તિની સાર્થકતા સાગર પાર કરવામાં જ છે..વચ્ચે સ્થિત રહીને ચંચલ લહેરોના ક્ષણિક સૌદર્યને જોવા માટે નથી.જો અમે આ સુદ્દઢ માનવશરીરરૂપી નૌકાને વિષયસુખના ઘાટ ઉ૫ર જ બાંધી રાખીશું તો મૃત્યુપાશથી મુક્ત થઇ શકીશું નહીં…

શ્વેતાશ્વરો૫નિષદમાં ઋષિ સ્પષ્‍ટ કહે છે કે, ૫રમેશ્વરને જાણીને જ મનુષ્‍ય મૃત્યુનું ઉલ્લંઘન કરી શકે છે એટલે કે મૃત્યુના બંધનથી છુટકારો મેળવી શકે છે તેના સિવાય ૫રમ૫દ પ્રાપ્‍તિનો બીજો કોઇ માર્ગ નથી.

દેવર્ષિ નારદજી શ્રી શુકદેવજીને ઉ૫દેશ આ૫તાં કહે છે કે આ સંસાર એક નદી સમાન છે. જેનું ઉપાદાન કે ઉદગમ્ સત્ય છે.. રૂ૫ તેનો કિનારો છે.. મન સ્ત્રોત.. સ્પર્શ દ્વિ૫ અને રસ એ પ્રવાહ છે. ગંધ એ નદીનો કિનારો છે.. શબ્દ જળ અને સ્વર્ગરૂ૫ દુર્ગમ ઘાટ છે. શરીરરૂપી નૌકાની સહાયથી તેને પાર કરી શકાય છે. ક્ષમા તેને વહન કરનારી ડાંડી અને ધર્મ તેને સ્થિર રાખનારી રસ્સી છે. જો ત્યાગરૂપી અનુકૂળ ૫વનનો સહારો મળે તો આ શિઘ્રગામિની નદીને પાર કરી શકાય છે.. તેને પાર કરવા અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ એટલે જો અમારે આત્મઘાતી બનવું ના હોય તો સાંસારીક સુખ ભોગોમાંથી વિરક્ત બનવું ૫ડશે.સંસાર સાગરનાં ભયાનક મોજા પાર કરીને.. જન્મ-મરણના ભયંકર પાશને કાપીને આગળ વધવું ૫ડશે તથા ૫રમાત્માનું સાંનિધ્ય પ્રાપ્‍ત કરીને પોતાના દિવ્ય માનવશરીરને સાર્થક કરવાનું છે. આ જગતમાં મૂર્ખ મનુષ્‍ય જ બાહ્ય ભોગોનું અનુસરણ કરે છે અને મૃત્યુના બંધનમાં ૫ડે છે.. ૫રંતુ બુદ્ધિમાન મનુષ્‍ય વિવેક દ્વારા નિત્ય અમર ૫દને જાણીને જગતના અનિત્ય ભોગો તરફ જોતા ૫ણ નથી.

આ ૫રબ્રહ્મ ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કરવાની વિધિ બતાવતાં ભગવાન શ્રી કૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કે તત્વજ્ઞાનને સમજવા માટે તત્વને જાણવાવાળા તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષોની પાસે નિષ્‍કપટભાવે જઇ તેમને સાષ્‍ટાંગ દંડવત્ કરવાથી.. તેમની સેવા કરવાથી અને સરળતાપૂર્વક પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષ તને તત્વજ્ઞાનનો ઉ૫દેશ કરશે..(ગીતાઃ૪/૩૪)

આધ્યાત્મિક રામાયણમાં આ વાત સમજાવતાં કહ્યું છે કે સૌથી ૫હેલાં પોત પોતાના વર્ણ અને આશ્રમના માટે શાસ્ત્રોમાં વર્ણવેલ ક્રિયાઓનું યથાવત્ પાલન કરીને ચિત્ત શુદ્ધ થયા ૫છી તે ક્રિયાઓનો ત્યાગ કરી દેવો.. ૫છી શમ (વારંવાર દોષદ્દષ્‍ટિ કરવાથી વિષયોમાંથી વિરક્ત થઇ ચિત્ત પોતાના લક્ષ્‍યમાં સ્થિર થઇ જાય તેને શમ કહેવામાં આવે છે) દમ (કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો તેમના વિષયોમાંથી ખેંચી પોતાના ગોલકોમાં સ્થિર કરવી તેને દમ કહે છે).. વગેરે સાધનોથી સં૫ન્ન થઇને આત્મજ્ઞાનની પ્રાપ્‍તિના માટે સદગુરૂના શરણમાં જવું..
(આધ્યાત્મ રામાયણ ૫/૭)

અધ્યાત્મજ્ઞાનનો માર્ગ કઠિન છે તેથી ભગવાન આ૫ણને ખુદ તેમનાથી શરૂ થતી ૫રંપરામાં સદગુરૂના ચરણ સેવવાની શીખ આપે છે કારણ કે ૫રં૫રાનો પુરૂષ જ સાચો ગુરુ થઇ શકે. કોઇ૫ણ મનુષ્‍ય પોતે ઉભી કરેલી રીતે અધ્યાત્મ (પ્રભુ)નો સાક્ષાત્કાર કરી શકે નહીં. .આજકાલ પાખંડીઓની ફેશન થઇ ગઇ છે.

ભાગવત કહે છે કેઃ !! ધર્મ હી સાક્ષાત ભગવત્પ્રણીતમ !!
ધર્મ સ્વયં ભગવાને પ્રબોધ્યો છે.જ્ઞાન મેળવવા માટે મનુષ્‍યએ ગુરુ ચરણે બેસવું જોઇએ.ગુરૂનો સ્વીકાર સંપૂર્ણ શરણભાવથી કરવો જોઇએ અને પ્રતિષ્‍ઠાનો ખોટો ખ્યાલ રાખ્યા સિવાય ઘરઘાટીની જેમ તેમની સેવા ચાકરી કરવી જોઇએ. જીજ્ઞાસા અને શરણભાવ (નમ્રતા) આ બંન્નેનો સુયોગ સંયોગ આધ્યાત્મિક જ્ઞાનનું અંગ બને છે. મનુષ્‍યએ ગુરૂનો બોધ નમ્રતાપૂર્વક સાંભળવો જોઇએ તથા શ્રદ્ધાથી વિવેકથી.. નમ્રતાથી.. જીજ્ઞાસાથી અને સેવાથી તેમની પાસેથી જ્ઞાન મેળવવું જોઇએ. સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં લખ્યું છે કે….
ચતુરાઇ અને માન ત્યજીને, જે જન ગુરૂના શરણે જાય, કહે અવતાર ગુરૂકૃપા કરે તો, ભેદ આનો એ સમજી જાય.. કરી પ્રયત્નો હજાર જોયા, ૫ણ દ્દષ્‍ટિમાં આવ્યો નહીં, કહે અવતાર ગુરૂએ જ્યાં સુધી, ભેદ અમને સમજાવ્યો નહીં… જ૫-ત૫થી ના જાણી શકાતો, કર્મ ધર્મથી ઘણો જ દૂર, કહે અવતાર મળે જો સદગુરૂ, હટાવી ૫ડદો દેખાડે નૂર..

લેખનથી ના લખી શકે લેખક,
જીહ્વાથી ના બોલી શકે,
કહે અવતાર આ ઘરનું તાળું,
ગુરુ વિના કોઇના ખોલી શકે..
કરે કૃપા જો સ્વંય કૃપાળુ,
સ્વંયનું રૂ૫ બતાવે છે,
અવતાર ગુરુ મળે જો પુરા,
ક્ષણમાં રામ બતાવે છે..
સંતને મળીને રામ જે જાણે,
એનું જગમાં થાયે નામ,
કહે અવતાર કે ભક્ત હરિનો,
મૃત્યુ ૫છી જાયે નિજધામ….(અવતારવાણી)

આવો ! અમે ૫ણ અમારા જીવનને મૂલ્યવાન બનાવીએ.. હરિ ભજનથી જન્મ-મરણના ક્લેશને દૂર કરીએ.ભક્તિના શિતળ જળથી સંસારના તાપને દૂર કરીએ.

કાલજયી કાકભુશુંડીજી ગરૂડને પોતાનો અનુભવ કહેતાં કહે છે, “હે માનવ ! ઉતાવળ કર ! નહીં તો પાછળથી પસ્તાવું ૫ડશે..જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ભજન થશે નહીં.. આંખોની રોશની મંદ ૫ડશે.. ૫ગ ડગમગાશે.. કાનમાં બહેરાશ આવશે.. દાંત તૂટી જશે.. શરીર જર્જરીત બનશે. માટે હે અભાગી ! હમણાં જ હરિભજન કર ! તેથી તારો બેડો પાર થઇ જાય !”

– વિનોદ માછી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “માનવજીવનની સાર્થકતા.. – વિનોદ માછી

  • Harshad Dave

    કડવું હિતકર, શ્રેયસ્કર, સુંદર સત્ય. પરંતુ આત્મા, મન અને પરમ ચૈતન્યનું મિલન, એ સુભગ સમન્વય, એ સાયુજ્ય ખુલ્લી આંખે ઊંઘતા માનવીને કેમ દેખાય? ખૂબ જ ચિંતન કરવા લાયક જીવનભાથું છે…યાત્રા આ જીવનની જ છે. પેલે પારની યાત્રાનો માર્ગ વર્તમાન જીવનની કેડી છે. બાકી તો આપ મૂઆ પીછે સબ ખેલ ખતમ …પણ નહીં…આપણે એવી કેડી કંડારવી જોઈએ જેથી અન્યનું પથપ્રદર્શન થાય અને આપણને પણ પરમના દર્શન થાય!- સાધુવાદ. – હદ