ત્રણ લઘુકથાઓ.. – સંકલિત 7


બે નાનકડી વાર્તાઓ.. – ધવલ સોની

૧) બહેરા કાન..

ટ્રેનની છેલ્લી વ્હીસલ વાગી, એ એના ઉપડવાનો સંકેત હતો અને બહાર ઉભેલો ‘સંકેત’ ચહેરા ઉપરના ગભરાટના ભાવ સાથે બોલી રહ્યો, “સા’બજી પૈસા આપો, ગાડી ઉપડવાની છે.” અને એ સાથે જ ડબ્બાની અંદરથી ખડખડાટ હસવાના અવાજ ચાલુ થઇ ગયા.

દસ વરસનો એ છોકરો હવે રીતસરનો કરગરી રહ્યો હતો, “અરે સા’બ પૈસા આપી દો, મને મારો શેઠ મારવા લેશે, અરે સા’…..બ.” આંખમાં આંસુઓ સાથે એ હવે ટ્રેનની પાછળ દોડી રહ્યો હતો પણ એના રડતા ચહેરા સામે જોવાની કોઈને ક્યાં ફુરસદ હતી, ટ્રેનમાં બેઠેલા લોકો એની હાલત જોઈને ઉલટું હસી રહ્યા હતા. એનો રડતો અવાજ ટ્રેનની વ્હીસલમાં દબાઈ રહ્યો હતો પણ બહેરા કાનોને એની કશી પરવા ન હતી. એક હાથમાં ડોલ અને બીજા હાથમાં ગ્લાસ પકડીને એ દોડી રહ્યો હતો અને એક ઠોકર આવતા એ પડ્યો.

ટ્રેન હવે ગતિ પકડી રહી હતી અને બહાર ઉભેલો એ છોકરો પૈસા માંગી રહ્યો હતો. એને જોઈને પાકીટ સુધી ગયેલો હાથ અનાયાસે ત્યાંજ અટકી પડ્યો, ટ્રેનની બહાર એ છોકરા સામે નજર નાખીને એ થોડું હસ્યો ને પછી ખડખડાટ હસવા લાગ્યો. બારીની બહાર એ જ નિરાધાર ગરીબ સંકેત,એ જ ફાટેલા કપડાં અને એ જ પંદર વર્ષ જુનું દ્રશ્ય। ખડખડાટ હસતો સંકેત હવે પેલા છોકરાને જોઈ રહ્યો, એ છોકરો હવે ટ્રેનની પાછળ દોડી રહ્યો હતો, પૈસા માંગી રહ્યો હતો પણ હવે એનો અવાજ સંકેતના બહેરા થઇ ગયેલા કાનને સંભળાઈ નહોતો રહ્યો. ટ્રેનની અંદર ઉડી આવેલી ધૂળથી બચવા સંકેત રૂમાલથી આંખ લૂછી રહ્યો.

૨) રમકડાં

તેના હાથમાં રમકડા હતાં, બહુ બધાં ને છતાં એ એની સાથે રમતો નહીં, એને સાચવતો, એને વારેવારે ફૂંક મારીને એની ધૂળ ઉડાડતો જેથી કરીને એ જૂના ન લાગે, એકદમ નવાનક્કોર ને ચકચકાટ લાગે. એને એ બધા રમકડા બહુ જ ગમતા પણ છતાં એ એમની સાથે રમતો નહીં, એને એ રમકડાઓમાં એક રમકડું ખૂબ ગમતું, એ એક નાનકડું ટેડીબેર હતું, એની સાથે વાતો કરતો અને એને આખા દિવસની દિનચર્યા કહેતો, આવડે એવી વાર્તા કહેતો, રાત્રે પણ એને બાજુમાં જ સૂવાડતો, કદાચ એટલે એ થોડું જુનું થઇ ગયું હતું છતાં એ એને બહુ જ ગમતું. એને પોતાનાથી દૂર કરવું એને ગમતું નહોતું છતાંય મન અડધું – પડધુ ભરાયું હોય-ન હોય ત્યાં એ એને પાછુ બધા રમકડા વચ્ચે મૂકી દેતો. એને રૂમાલથી સાફ કરવાનું ભૂલતો નહિ. ક્યારેક દિવસે એની સાથે વાત કરવાનું મન થઇ જાય તો એની સાથે મસ્તી કરી લેતો, પણ છાનામાનાં, કોઈ જોઈ ન જાય એમ.

એ માંડ બારેક વર્ષનો હશે પણ એ ઉંમર કરતા કદાચ વધારે મોટો થઇ ગયેલો. એની ચકળવકળ આંખો સિગ્નલ ઉપર જ મંડાયેલી રહેતી ને પગ રસ્તા ઉપર દોડવા માટે તત્પર. એના ચહેરા પર ઉમંગ છલકાતો રહેતો. બે-એક મિનીટ માટે માંડ સિગ્નલ બંધ થતું પણ એ બમણી ઝડપે બધી ગાડીઓ ફરી વળતો, બધાને પોતાની પાસે રહેલા રમકડા બતાવી એને લેવા માટે આજીજી કરતો રહેતો. નિરાશા સાથે પાછો ફરતો, ફરી ઉત્સાહ સાથે એ પાછો રાહ જોવા માંડતો.

દરરોજની જેમ આજે પણ દિવસ ઢળી ગયો, એક પણ રમકડું વેચાયું નહીં. આજે પણ એ એના ટેડીબેર સાથે વાતો કરી રહયો. રમકડાં હોવા છતાં એ એમની સાથે રમી શકતો નહોતો – કદાચ જિંદગી એની સાથે રમી રહી હતી.

– ધવલ સોની

મા

“હેં બાપુ ! આ ભોલિયો, ભોપલો, ગોપીડો ને માધીયો, ઈ હંધાયને મા અને મારે જ નૈં? એમ કેમ હશે? હેં બાપુ, ક્યો તો ખરા હં.. અ?”

“કોણે કહ્યું નાનકા તારે મા નથી?”

“હંધાય કેચ્છ, કે તારે તો મા જ નથી.”

“અરે, હોય કાંય… મા તો તારેય છે, પણ ઇ બચાડી બોવ માંદી રેચ્છ, તે મોટે દવાખાને દવા કરાવવા ગઇ’ચ્છ… કાલ્ય હવારે આવી જાહે, પછી તુંય બતાવી દેજે ને… અને કહેજે, આ રૈ મારી મા’.”

પ્રત્યેક રાત્રે સાતેક વર્ષનો નાનકો દાદા પાસે મા વિષે ફરીયાદ કરતો અને દાદો એને ‘કાલ્ય હવારે આવી જાહે, પછી તુંય બતાવી દેજે ને, આ રૈ મારી મા.’ કહીને વાળી લેતો.

પણ મા બિચારી ક્યાં આવવાની હતી? એ તો ઘણાં સમય પહેલા આવેલા પ્રચંડ ધરતીકંપમાં ક્યારનીય દટાઈ ચૂકી હતી, નાનકો બચી ગયો… અને બહાર બેઠેલા ડોસા ઉપર પાણોય ન પડ્યો!

* * * *

“બાપુ, મા?”

“ક્યોંક, કાલ્ય હવારે….” કાલ્ય હવારે નૈ નાનકા, કાલ્ય હાંજે આવશે હાંજે… રીક્ષામાં”

“હં …… હાઊ હાચું ? હાસ્તો, હવે ઇ હાજી થઈ ગઈ છ, ‘તી કાલ્ય હાંજે રીક્ષામાં આવશે. પણ લે હેન્ડય હવે ખાય લે…. ભૂખ નથી લાગી?”

“લાગી છે ને, પણ મા કાલ્ય હાંજે આવતી હોય તો હવે તો હું મા હારે જ ખાઈશ.” અને આમ માના આવવાનો વિચાર કરતો નાનકો વૃદ્ધના લાંબા પહેરણની છાળ નીચે ઢબૂરાઈને સૂઈ ગયો.

સવાર પડતાં જ ગામને પાદર માની વાટ જોવા બેસી ગયો. આ આવી! હમણાં આવશે! હવે તો આવી જ હોં! દાદો એને દિલાસો આપ્યે રાખતા… છેક સાંજે એક રીક્ષા ગામ તરફ આવતી દેખાણી અને નાનકાએ દોટ મૂકી. બાપુ, મા આવી, હું જાઉં… પણ એ રીક્ષામાંથી ઉતરે કે દાદો એને રોકી શકે એ પહેલા તો નાનકાના માસૂમ દેહ ઉપર રીક્ષાનું પૈડું ફરી વળ્યું.
ડોસાને એણે જાણે જવાબ દીધો, ‘બાપુ! તમે કહેતા હતાને કે મા આવશે, મા આવશે, પણ ઇ’તો નો’ આવીતે નો’ જ આવી, ઈ ભલે નો આવી, હવે હું જ મા પાસે જાઉં છું.’

– કાંતિલાલ વાઘેલા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ત્રણ લઘુકથાઓ.. – સંકલિત