વહેમોથી વીંટળાયેલું વિશ્વ – વંદિતા દવે 8


આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને બિલાડી આડી ઉતરે તો આપણા પગ ચાલતા થંભી જશે, ઘરની બહાર નીકળતા હોઈએ અને છીંક આવે એટલે પણ થોડીવાર માટે અટકી જઈએ. અમુક અગત્યના કામે જતા હોઈએ અને સામું કોણ મળે એ પરથી જ પરિણામની અટકળ કરી લઈએ. અમુકવાર અમુક રંગના કપડાં જ પહેરાય, દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજે લીંબુ-મરચાં લટકાવાય, ક્યાંક કામે જતા હોઈએ અને કોઈક પાછળથી ટોકે તો કામ પૂરું ન થાય, બહાર જતી વેળા ચા નાસ્તાની વાત અવાણી ન શકાય…. આવી માનસિકતાને શું કહેવાય?

દરેક દેશ કે પ્રદેશમાં લોકોના મન-મગજ પર આ પ્રકારની ઘણી જ માન્યતાઓ (માનસિકતાઓ) હાવી થયેલી હોય છે. આપણે ત્યાં આવી માન્યતાઓને આપણે ‘વહેમ’ તરીકે ઓળખીએ છીએ. વહેમ આમ જોઈએ તો અમુક વિસ્તારમાં કે અમુક દેશોમાં સરખી રીતે વ્યાપ્ત હોય છે, હા, એનું પ્રમાણ ચોક્કસ ઓછા વધુ હોઈ શકે છે પરંતુ કહેવાય તો વહેમ જ ! જેમ કે બિલાડીને લઈને ઘણા બધા વહેમો ઘણાં બધા દેશોએ પાળી રાખ્યા છે. ક્યારેક બિલાડી શુભ તો ક્યારેક અશુભ મનાય છે. અમેરિકામાં કાળી બિલાડી જોઈને હથેળીમાં અંગૂઠો દાબીને ઈચ્છા વ્યક્ત કરાય તો પૂરી થાય એમ મનાય છે. બ્રિટનમાં બિલાડી તેના કાનની પાછળ સફાઈ કરતી નજરે ચડે તો સારો વરસાદ થશે એમ મનાય છે. ઈટાલીમાં જે બિલાડી છીંક ખાય તેને સારી આત્મા મનાય છે, ફ્રાંસમાં નદી આસપાસ બિલાડી ફરતી દેખાય તો નદીમાં નહાવા જવાનું લોકો ટાળે છે. તુર્કીમાં એવી વિચિત્ર માન્યતા એ કે બિલાડીને જોતા આપણે જ આપણા વાળ પકડી લેવાથી આફત ટળી જાય છે. નેધરલેન્ડ્સમાં તો એથીય વધુ અજીબ વહેમ છે કે વાતચીત દરમ્યાન બિલાડીને નજીક ફરકવા ન દેવી નહીં તો વાતો ગપ્પા અથવા અફવા બનીને ફેલાઈ જશે. આમ બિલાડીને લગતાં વહેમ વિશ્વના લગભગ તમામ દેશોમાં વ્યાપ્ત છે. આવા વહેમો માત્ર બિલાડી સુધી જ સીમિત નથી, આવી તો અસંખ્ય માન્યતાઓ વહેમ સ્વરૂપે દેશવિદેશમાં ફેલાયેલી છે. ખરતા તારાઓને જોઈને જે ઈચ્છા વ્યક્ત કરવામાં આવે તે પૂરી થાય, આંખની પાંપણનો ખરેલો વાળ બંધ મુઠ્ઠીની ઉપર મૂકી ફૂંક મારી ઉડાડતી વખતે વ્યક્ત કરવામાં આવે તે ઇચ્છા પૂરી થાય. એ જ રીતે આંકડાઓને લઈને પણ ઘણાં બધા વહેમ છે. ૧૩ ની સંખ્યા વ્યાપક રીતે વિભિન્ન દેશોમાં અશુભ ગણાય છે. તો જાપાન જેવા દેશમાં ૪ નો આંકડો અશુભ છે, તાઈવાનમાંય ૪ નો આંકડો અશુભ મનાય છે એ જ રીતે અલગ અલગ દેશોમાં અમુક ચોક્કસ આંકડાને શુભ કે અશુભ માનવામાં આવ્યો છે.

જાપાનીઓ સફેદ કાગળમાં અપાતી ભેટ સ્વીકારતા નથી, પરંતુ સફેદ સાપના દર્શનને બહુમૂલું માને છે, અને એટલે જ તેઓ દિવાલો પર કે ઘરમાં સફેદ સાપની તસ્વીરો રાખે છે. યુરિપિયનો ફૂલોની ભેટને શુકનવંતી માને છે, પરંતુ ફૂલોની સંખ્યા બેકી હોવી જોઈએ. આ વહેમો માત્ર આટલેથી અટકતા નથી, પણ હજુ વધુ ને વધુ વિસ્તરે છે જેમ કે સ્વપ્નોને લઈને પણ અસંખ્ય વહેમ પ્રવર્તે છે. વહેલી સવારે આવેલું સ્વપ્ન સાચું પડે છે, તો વળી દિવસે આવેલ સ્વપ્ન પૂરા થતાં નથી એટલે જ તેને ‘દીવાસ્વપ્ન’ કહેવાય છે. સ્વપ્નમાં સાપ દેખાય તો તે અશુભ ફળ આપે, પરંતુ થાઈલેન્ડમાં સ્વપ્નમાં સાપ વ્યક્તિને કસીને પકડી લે તો તેને જીવનસાથી તરત મળી જાય. અરીસાને લઈનેય અનેક વહેમો વ્યાપેલા છે, ઘણાં લોકો રાત્રે અરીસામાં જોતા નથી તો વળી ઘણાં રાત્રે અરીસામાં જોઈને વાળ ઓળતા નથી. રશિયન માન્યતા મુજબ તિરાડ પડેલા અરીસામાં જોવું અશુભ છે. તૂટેલા અરીસાના કટકામાં જોવું એ પણ એમ જ અશુભ ગણાય છે. ચિત્રો તસવીરોના વહેમ પણ એટલી જ હદે પ્રસરેલા છે. રડતી છોકરીનું ચિત્ર કે તસવીર ઘરમાં લગાવવાથી ઉદાસી છવાઈ જાય છે, ગર્ભવતી સ્ત્રીના બેડરૂમમાં ગોળમટોળ અને તંદુરસ્ત, હસતા બાળકની તસવીર લગાવવાથી આવનારું બાળક પણ એની જેમ સદાય તંદુરસ્ત અને હસતું રમતું રહે. તસવીરના કાચમાં તિરાડ પડી જાય એ અશુભ ફળની નિશાની મનાય છે. કાચ તૂટે તો શુભ થાય એવું તો લગભગ બધે જ કહેવાય છે પણ એથી વિપરીત કાચની તૂટેલી બરણી કે તૂટેલ અરીસો ઘરમાંથી દૂર કરીએ તો અશુભ થવાથી બચી જવાય એ.

આપણા દેશમાં દૂધ ઢોળાય તો લગભગ તમામ રાજ્યોમાં અપશુકન થતું હોવાનું મનાય છે તો દૂધ ઉભરાય એને શુકન ગણાય છે. મધ જમીન પર પડે તો શુભ ફળ મળે છે. આપણે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીયારું અને રસોડા વચ્ચેથી પસાર થવાતું નથી એટલે શક્ય હોય ત્યાં સુધી બંનેને એક જ હરોળમાં ગોઠવાય છે. રવિવારે કે મંગળવારે પાડોશીને ત્યાંથી છાસ-દહીં કે મેળવણ લેવા જવાય નહીં એવી માન્યતા છે. સારા કામે નીકળતી ગાય કે નાની બાળકી પ્રથમ સામે મળે તો કાર્ય સફળ થાય. અરે, ઘણી વાર તો નાની બાળકીને ચોકલેટ લેવા મોકલાય અને પછી એ પાછી વળતા સામે મળે એ રીતે ગણતરીપૂર્વક શુભ ફળ મેળવવા ઘરની બહાર નીકળાય છે. બહાર નીકળતી વેળા જો કોઈ કાળા રંગનો પોશાક પહેરેલી વ્યક્તિ સામે મળે તો પાઆ ઘરે આવીને થોડીવાર પછી નીકળે છે. નવા કપડા સીવડાવ્યા હોય કે ખરીદ્યા હોય તો તે અમુક વારે જ પ્રથમ વખત પહેરાય છે. અમુક લોકો લગ્ન-સગાઈ કે એવા કોઈ શુભ પ્રસંગે કાળો પોશાક પહેરવાને અશુભ માને છે.

એ જ રીતે બિલાડી સિવાય અન્ય પશુપક્ષીને લઈને પણ ઘણાં વહેમો વ્યાપેલા છે. કૂતરા રાત્રે રડે તો કંઈક આફત આવે, કલકલીયો ઘરની ઉપર અવાજ કરે તો ઘરમાં કંકાસ થાય, ટીટોડી રાત્રે બોલે તો ઝઘડો થાય, ટીટોડી ઈંડુ જેટલુ ઉંચુ મૂકે એટલો વરસાદ વધુ થાય અને જો નીચે જમીન પર મૂકે તો દુકાળ પડે, ચાલતા હોઈએ અને પક્ષીની ચરક માથે પડે તો શુભ ફળ મળે. પરીક્ષા વખતે અમુક પ્રકારનું વર્તન કરવાથી સારા ગુણ મળશે એવું માનીને દર પરીક્ષામાં એવું જ વર્તન કરવામાં આવે છે. ક્યારેય માતાપિતા પાસે નહીં ઝૂકનાર બાળક પેપર દેવા જતી વેળા ઘરના તમામ વડીલોના ચરણસ્પર્શ કરે છે. કદી ભગવાન સામે નહીં ઊભેલો વિદ્યાર્થી પરીક્ષા સમયે રોજ વહેલા ઊઠી, નાહી-ધોઈ, દીવાબત્તી અને પૂજાપાઠ કરે છે. અને જો ધાર્યું પરિણામ મળે તો પરીક્ષા પૂરતી સીમિત આ પ્રક્રિયા એ વિદ્યાર્થીની પરીક્ષાલક્ષી માનસીકતા બની જાય છે.

ઘણાં લોકો વહેમ અને અંધશ્રદ્ધાને એક જ માને છે પરંતુ વાસ્તવમાં એ બંને વચ્ચે મોટું અંતર છે, જેમ કે સાપ કરડ્યા પછી હોસ્પિટલને બદલે ભુવા કે સાપ ઉતારનારા પાસે જવું એ અંધશ્રદ્ધા છે, પણ જો ફલાણા પોશાકમાં બહાર નીકળ્યા હોત તો સાપ કરડત જ નહીં એવી માન્યતા એ વહેમ છે.

માત્ર આજ કે કાલથી નહીં, વર્ષોથી.. સદીઓથી.. યુગોથી દુનિયામાં કેવા કેવા વહેમો વ્યાપક રીતે ફેલાયેલા છે એની વાત તો કરી, પરંતુ વ્યક્તિગત વહેમ પણ ઘણીવાર ખૂબ તીવ્ર રીતે માણસના માનસમાં ઉંડે સુધી વ્યાપી જાય છે. સફળ થયા બાદ અને પ્રસિદ્ધિ મળવા છતાં પણ અમુક વહેમ એટલી હદે વ્યાપી જાય છે કે એનું અનુકરણ જીવનભર કરતા રહે છે. ઘણીવાર આવા વહેમ પછીથી ખૂબ ફેલાઈ જાય છે કારણ કે જે તે સેલિબ્રિટીના ચાહકો તેમનું અને સાથે સાથે તેમના વહેમોનું પણ અનુકરણ કરે છે અને આમ વહેમનો વહેમ ફેલાતો જ રહે છે.

– વંદિતા રાજ્યગુરૂ દવે


Leave a Reply to R.M.AmodwalCancel reply

8 thoughts on “વહેમોથી વીંટળાયેલું વિશ્વ – વંદિતા દવે

  • Vijay Solanki

    વ્હેમી માન્યતાઓ થકી અગણિત સકારાત્મક પરીણામો નોંધાયા છે જ્યારે અંધશ્રધ્ધા કેવળ હાનિકારક નિવડે છે. લેખકનું અવલોકન પ્રશંસનીય.

  • નિમિષા દલાલ

    વાહ… જુદા જુદા વહેમો વિશે ઘણી માહિતી મળી .. માન્યતા એવી હતી કે માત્ર ભારતમાંજ લોકો વહેમથી પીડાય છે.. પણ બધાજ દેશોમાં કોઇક ને કોઇક રીતે.. કોઇક ને કોઇક વહેમમાં માને જ છે… ઘણો આભાર વંદિતાબહેન સુંદર માહિતી આપવા બદલ…

  • Harnish Jani

    ઉપર જરા ખોટી કોમેંટ થઈ ગઈ છે. ભાષાની ભૂલ છે.
    ંમને નથી લાગતું કે આઈન્સ્ટાઈને માતા સરસ્વતીનું નામ સાંભળયું હોય.”

  • Harnish Jani

    બહુ સરસ લેખ બન્યો છે. અમેરિકામાં બિલ ગેઈટસ કે ડોનાલ્ડ ટ્રંપ મહુરત જોયા વિના માર્કેટને થ્યાનમાં રાખીને બધી ડીલ કરે છે. મને નથી લાગતું કે આઈન્સ્ટાઈને માતા સરસ્વતીનું નામ પણ સાંભળ્યું નહીં હોય.
    વંદિતાજીને અભિનંદન.