ચકલી ચકલાંનું અંગ્રેજીકરણ…- જીજ્ઞા ત્રિવેદી 21


ચકલી ચીડાઈને ચકલાંને કહે,
હવે અંગ્રેજી થોડું તો બોલ.

મનફાવે એમ હવે ઉડવાનું નહીં,
ટાઈમ વેસ્ટ ખોટો કરવાનો નહીં,
જાવું જે ઝાડવે, નદીએ કે ડુંગરે,
નેટમાં સર્ચ કરી લેવાનું સઈ.

મિત્રોને મળવા જાવું શું દૂર દૂર
ફેસબુક તારી તું ખોલ.. ચકલી.

ચીં ચીં કરીને જગાડશું ના જગને
ગુડમોર્નિંગ કહીને જગાડશું,
કલરવથી નહીં રેપ સોંગ ગાઈને જ
હવે સૌને ઘેલું લગાડશું.

બોલવાનું અંગ્રેજી સાચવીને જોજે
ઉઘડી ન જાય ક્યાંક પોલ.. ચકલી.

‘માળો’ નહીં હવે કહેવાનું કોઈ દી’
કહેવાનું બાંધ્યો છે ‘નેસ્ટ’
ગેસ્ટ કોઈ આવે તો કહેવાનું તારે
કે ડાર્લિંગ કરે છે ‘રેસ્ટ’

‘આવજો’ કહેવાનું છોડીને તું હવે
‘ગુડબાય, ‘ગુડબાય’ બોલ.. ચકલી.

નદીયુંના નીર નહીં સહેજે હું ચાખું
પેપ્સી પીવે છે મલક આખું,
દાણાં ને ફળ સાવ જૂનું છે ખાણું,
થાય છે પીઝાનો સ્વાદ હું માણું.

રોજ મારે ફાસ્ટફૂડ રાત્રે જોઈશે
એકાદી હોટલ તો ખોલ.. ચકલી.

બચ્ચાંને ઉડવાનું શીખવાડે એવી
ડે સ્કૂલ થઈ છે મસમોટી,
ડૉનેશન દેવું પડે તો દઈ દેવાનું,
વાત મારી સહેજે ના ખોટી.

બચ્ચાંને ઉડવાની રીતો શીખવાડવાનો
મારા જીવનનો છે ગોલ.. ચકલી.

– જીજ્ઞા ત્રિવેદી

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞાબેન ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્યરચના જેમાં તેઓ અંગ્રેજીના વધતા પ્રભાવને હાસ્યસભર રીતે ચકલા-ચકલીની વાતોમાં અભિવ્યક્ત કરી રહ્યા છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને તેમની કલમે આપણને આવી સુંદર, અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


Leave a Reply to dr nilesh trivedi Cancel reply

21 thoughts on “ચકલી ચકલાંનું અંગ્રેજીકરણ…- જીજ્ઞા ત્રિવેદી