પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 27


(૧) “રી-મેક”

નવીન ભાઈ પત્ની સાથે એંશીના દાયકાની જાણીતી ફીલ્મની “રી-મેક” જોવા જવા નીકળ્યા. મલ્ટીપ્લેક્ષ સુધીના રસ્તામાં પ્રેમલગ્નથી જોડાયેલું આ દંપતી ત્રીસ વર્ષ પહેલાનાં તેમનાં સંવનન કાળ દરમિયાન જોયેલી “ઓરીજીનલ” ફીલ્મ, થિયેટર બહાર નીકળતા બન્નેનું નવીનભાઈના પિતા પાસે પકડાઈ જવું, અને પછી અસંમત કુટુંબોથી કંટાળીને – ભાગીજઈને પરણી જવું …. એવી તમામ ઘટનાઓ વાગોળી રહ્યું.

એક યુવતી સાથે આગળ ઉભેલા પુત્ર સંદીપને જોતાં નવીનભાઈ પીઠ ફેરવી લાઈનની બહાર નીકળી જઈ, દૂર બેઠેલી પત્નીને કહેવા લાગ્યા, “”રી-મેક” જોઇને શું કરવું છે? ચાલને કોઈ નવી ફિલ્મ જોઈએ.”

(૨) ઉઘરાણી

“હરામખોરને આજે તો એના ઘરવાળા પાસે ઉઘાડો પાડું ..”

આજે પણ ટપાલમાં રાકેશભાઈ પાસેથી લેણી નીકળતી રકમનો ચેક ન આવતા, માર્કેટની નબળી પરિસ્થિતિ ભૂલી જઈને અરૂણભાઈ ઉકળી ઉઠ્યા.

રાકેશભાઈના ઘરની ડોરબેલ દબાવવા જતાં, એમની નજર ઓસરીમાં હીંચકા પર બેઠેલા રાકેશભાઈ અને એમના ખોળામાં નવા રમકડાનાં હેલીકોપ્ટર સાથે બેઠેલાં તેમના પુત્ર પર પડી. પુત્ર રમકડું જોતો, રાકેશભાઈને જોતો અને ખુશીનો માર્યો હસતો, રાકેશભાઈને અહોભાવથી કહી રહ્યો હતો. “ડેડ, યુ આર ધ બેસ્ટ.”

અને અરૂણભાઈ…… ઝાંપાને અવાજ ન થાય એમ, બંધ કરીને રાકેશભાઈના ઘરની બહાર નીકળી ગયા.

(૩) ઈંડા

નીતાબેને વેન્ટીલેટર પાછળ ચકલાંએ કરેલો માળો દાઝ સાથે બાલ્કનીમાંથી બહાર ફેંક્યો. માળામાંના બે ઈંડા જમીન પર પટકાઈને ચકનાચૂર થઇ ગયા.

કોલેજથી આવવામાં મોડી પડેલી દીકરીની રાહ જોતા ચિંતિત નીતાબેનને વેન્ટીલેટર પર બેઠેલા બે ચકલાં વ્યાકુળ નજરે જોઈ રહ્યા હતા.

(૪) ઘા

મંદિર અને મસ્જીદ વચ્ચેની તાજી ચણેલી દીવાલ પર પ્લાસ્ટરનો છેલ્લો હાથ મારીને થાકેલા કાળુએ ઊંડો શ્વાસ લીધો. નાકનાં ફોયણામાં મસ્જીદના લોબાનની ખુશ્બૂ અને મંદિરની અગરબત્તીની સુગંધ એક સાથે પ્રવેશી ગઈ જેને પ્રયત્ન છતાં કાળું એક બીજાથી અલગ તારવી શક્યો નહી.

કંઇક વિચારીને કાળુએ કોદાળી ઉપાડીને દીવાલની બરાબર વચ્ચે ઘા કરી દીધો.

(૫) ખાલીપો

અલ્ઝાઇમરના રોગથી પીડાતા અનસૂયાબેને આજે દાળની ભરેલી વાડકી ડાઈનીંગ ટેબલ પર ઉંધી વાળી દીધી અને છેલ્લા ત્રણ વર્ષથી ધીરજપૂર્વક તેમની સારવાર કરી રહેલા શિરીષભાઈ પહેલી વાર મિજાજ ગુમાવીને તાડુકી ઉઠ્યા. બીજી જ ક્ષણે ભૂલ સમજાતા તેઓ શરમીંદગી સાથે પત્નીની છાતીમાં માથું છુપાવીને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા. અનસૂયાબેનનો હાથ પતિનાં માથા પર, અને આંખોમાં ભેંકાર ખાલીપો. દૂર રેડીઓ પરથી સુર વહેતા હતા… “કતરા કતરા પીઘલતા રહા આસમાં, રૂહ કી નર્મ વાદીયોમે ન જાને કહાં..”

– હેમલ વૈષ્ણવ

હેમલભાઈ વૈષ્ણવ આ પહેલા પણ માઈક્રોફિક્શન વાર્તાઓ પર હાથ અજમાવી ચૂક્યા છે અને અક્ષરનાદના વાચકવર્ગ સમક્ષ પ્રસ્તુત પણ થયા છે. આજે ફરીથી પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ લઈને તેઓ આવ્યા છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

27 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ