મૂળુભાની પુત્રવિદાય (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ 42


‘તો ભા, હાસમને શું કે’વું છે?’

મોટા દીકરા રમણે કંઇક અચકાતા ફરી એક વાર પિતાને પૂછવાનો પ્રયત્ન કર્યો. મૂળુભા અણગમતા જવાબને ગળી જવા માંગતા હોય તેમ આંગણની લીંપણ કરેલી ભોંય તરફ જોઈ રહ્યા… કાશ, જિંદગીની દરેક સમસ્યા ઉપર ઉપેક્ષાનું લીંપણ થઇ શકતું હોત તો ?

ડેલીના કમાડ ખખડયા અને મૂળુભાનો શહેરમાંથી સ્નાતક થયેલો નાનો પુત્ર સુરેશ દાખલ થયો. નાકા પરની પાનની દુકાનેથી પોતાનું સ્પેશીયલ પાન અને મોટા ભાઈ માટે ગુટખો લઈને એ ચાલ્યો આવતો હતો. સુરેશને જોતા જ રમણને કંઇક રાહત થઈ અને એણે આંખના ઈશારાથી સુરેશને પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું. ઓછું ભણેલો રમણ એટલું તો સમજતો જ હતો કે ભા સાથે દલીલમાં પોતાના કરતા સુરેશનો જ ગજ વધારે વાગશે.

શહેરમાં રહેલો સુરેશ પણ બિનજરૂરી સમય બગાડવામાં માનતો ન હતો. અર્થશાસ્ત્રના સ્નાતકને મન દરેક ચીજનું એક નિશ્ચિત મૂલ્ય હતું અને જયારે વસ્તુની કિંમત ઘટવા લાગે ત્યારે એની પાછળ વધારે જફા ન કરવી એવું તેનું સ્પષ્ટ માનવું હતું. તકલીફ એટલી જ હતી કે ભણવામાં હોશિયાર એવો સુરેશ શહેરના ચાર વર્ષના વસવાટ દરમિયાન સંવેદનશૂન્ય થઇ ગયો હતો. વસ્તુ, માનવ અને પ્રાણીને માપવા માટે તેની પાસે એક જ માપદંડ હતો અને એ માપદંડમાં લાગણીના આંકા એટલા ઘસાઈ ગયા કે લગભગ અદ્રશ્ય હતા.

‘જો ભા, હીરો જયારે આપણા ખેતરે કામ કરતો ત્યારની વાત જુદી હતી, પણ આપણું ખેતર વેંચી નાખ્યે આજે વરહ થયા ત્રણ… શું ક્યો છો મોટા ભાઈ ?’ સુરેશે આદત મુજબ લાગલી જ શરૂઆત કરી.

‘હા રે.. અને આ સરલા વહુની નોર્મલ સુવાવડ હોત તો આ વાત વિચારત નહીં, પણ ડોક્ટર ક્યે છે કે ઓપરેશન કરવું પડશે. પૈસાની તાણ તો માથે ઉભીને ઉભી… એમાં પાછું આ લાગલગાટ દુકાળે કમર ભાંગી નાખી હોં.’ હવે રમણની પણ જીભ છૂટી થઈ.

‘એલા ઘોલકીના પેટના, હીરો જયારે ધુંહરિયે જોડઇને છેતરમાં મારી હાર્યે ને હાર્યે રેતો ત્યારે તું શેરમાં લેર્યું કરતો’તો ને આજે ઈ નકામો થઇ ગ્યો કેમ ? એક વાત હમજી લે.. તારી ને રમણની જેમ જ ઈ આ ઘરમાં રયો છે.’ મૂળુભા એ બંને પુત્રોનો ભેગો ગુસ્સો સુરેશ પર ઉતાર્યો.

‘સારું તો પછી, બાળે રાખો ઘાસની ગંજી પર ગંજી ઈ નકામા હીરાને, હું ને સરલા પાછા શહેરમાં જતા રહેશું. તમને પોતરા કરતાં હીરાની ચિંતા વધારે છે તો પછી એમ.. સુવાવડમાં સરલા કે પોતરો બચશે તો મોઢું બતાવવા આવી જાશું.’ સુરેશ ધીરે ધીરે બાપની આમન્યા ભૂલવા લાગ્યો હતો.

‘રમણ.. તારો ભાઈ તો નઘરોળ છે, પણ તેં તો ખેતરમાં મારી અને હીરા હાર્યે મજૂરી કરી છે, તું તો ઈ દા’ડા યાદ કર્ય. હીરાએ હળ જોતર્યું તંઇં હાથ હાથ ઊંચેરા મોલ થ્યાતા. શેરીનું કુઇતરુ પણ રોટલીના ટુકડાનો ગણ ભૂલતું નથ, તો હીરાને લીધે તો વરહુ ના વરહું આપણે રોટલાનું મોં જોવા પામ્યા, બે પાંદડે થ્યા ને આજે ઇને જ જાકારો ?’ ગળે બાઝેલો ડૂમો ડોસાના બાકીનાં શબ્દો ગળી ગયો.

‘બાપુજી, મેં તો પાંજરાપોળમાં પણ તપાસ કરી હતી, પણ દુકાળને કારણે મલક આખાનાં ઢોરા ત્યાં ખડકાયા છે. ત્યાં જગ્યા નથી ત્યારે તો હાસમ ખાટકીનું વિચાર્યુંને ? પૂરા પાંચ હજાર આપવાને રાજી છે પણ આપણે કાલે જવાબ આપી દેવો જોઈએ. આ મોંઘવારીમાં આજ નહીંને છ મહીને આપણે હીરાને નીરણ નહીં આપી શકીએ તો આપણી નજર સામે ભૂખ્યો મરશે. હાસમ આને લઇ જાશે તો આપણે એને રીબાતો જોવો મટશે અને એના માંસથી….’ કેટલાય લોકોનું પેટ ભરાશે એવી વાહીયાત દલીલ સુરેશે કરી હોત પણ મૂળુભાની તીક્ષ્ણ નજરે એની જીભ સૂકવી નાખી.

રાત ઘણી થઇ ચૂકી હતી. ડોસા ઉભા થઈને સૂવા જાતા ઉંબરા ઉપર લગભગ ઠેબું ખાઈ ગયા. ‘હાં.. હાં.. ભા, સંભાળીને…’ રમણ હાથ પકડીને વિધુર પિતાને એમના ખાટલા સુધી લઇ ગયો.

‘જો રમણ, મને આ ઠીક લાગતું નથી. એક પાંચહજાર રૂપરડી માટે મૂંગા જાનવરના નિહાકા લેવાનું રેવા દ્યો, મારો રામદેપીર પાંચના પચ્ચા હજાર આપી રે’શે. સરલાવહુની સુવાવડ હાટું થઈને આ તારી બાની છેલ્લી નિશાની એવા આ કાનના બૂટીયા ગિરવે મૂકી દેહું, પણ તું ગમે ઈમ સુરાને હમજાવ, ઈ હજી સોરું છે.’ ડોસાએ ખાટલામાં લંબાવતા એક છેલ્લો પ્રયત્ન કરી જોયો.

‘વારુ ભા, ઈ ને કાલે વાત્ય કરી જોઉં, લ્યો તમે બાપુ હવે જીવને હાંઉ કરો, હાલો ત્યારે દીવો રામ કરી દઉં’ રમણે મૂળુભાના ઓરડાનાં બાર ઠાલા વાસ્યા. જતા જતા વિચાર્યું, ‘બુટીયાની વાત સુરાને કોઈ કાળે કરવી નહીં, ઈ બુટીયા પર તો એની ઘરવાળી મોંઘીની, બા પાછાં થયા ત્યારની – અરે બા હતાં એ પહેલાંની નજર હતી. જે રીતે મૂળુભા બુટીયા પોતાની પાસે જ રાખતાં એ વાત પર એ રમણને લાગ મળે સંભળાવવાનું ચૂકતી નહીં. હવે એ બુટીયા મળવાની તક પાસે આવતી દેખાઈ ત્યાં વળી આ ડોસા…’

આ તરફ ઠાલા વાસેલાં બારણા સામે જોતાં જોતાં મૂળુભાએ વિચાર્યું, ‘રમણના શબ્દો પણ ઠાલા જ હતા ને, ઇ નાનકાને સમજાવે એ વાતમાં બહુ માલ હતો નહીં, ઉલટું સુરીયાના આવ્યા પછી તો જાણે રમણ પણ એનાં રંગે રંગાયો હતો, પહેલા તો સવારે એક અડારી ચા સિવાય એને બીજું કોઈ વ્યસન હતું નહીં પણ હવે સુરીયાની સોબતમાં દિ’ માં ચાર વાર પાનનાં ગલ્લે આંટો મારતો થઇ ગયો હતો. કપાતરું પાહેં પાન બીડાના પૈહા છે પણ હીરા માટ્યે નીરણ કાળજે વાગે છે. હીરાને હાસમ ખાટકીના હાથમાં વેચી પૈસા માટે તેના ગળે કરવત મૂકાવવા તૈયાર થયેલા દીકરાઓને જોઈને મૂળુભાને જીવતર અકારું લાગ્યું, મનમાં વિચાર્યું કે સારું જ થયું, જીવી ભાગશાળી કે વેલ્લી પરવારી. પોતાના પેટે આવા પથરા પાકેલા ભાળીને ઈ તો જીવતે જીવ મરી ગઈ હોત.’

મૃત પત્ની જીવકોરને યાદ કરતાં કરતાં મૂળુભા ભૂતકાળમાં સરતા ગયા.

યાદ આવી ગઇ એમને દોઢ દાયકા પહેલાની વાત જયારે ખેતી લુમ્મેજુમ્મે હતી. અષાઢની એક સાંજે એમણે કાગળીયાનો એક વીંટો જીવકોરને આપ્યો હતો. ‘આ લ્યો, તિજોરીમાં સાચવીને મેલી દ્યો, આ તમારા એરુનો ઈલાજ છે, હવે ચંત્યા નહીં.’ જીવકોર કાંઈ સમજ્યા ન હતાં. મૂળુભાએ ફોડ પાડતા કહ્યું હતું, આ હું છેતરે જાઉં ને તમે કાયમ જીવ ઊંચો રાખો છો કે મને એરુ આભડી જાશે તો તમારું શું થાશે, તો ભલું થાજો સરપંચનું… શે’રમાંથી કોઈ સા’બ આવ્યા’તા તે સરપંચે સંધાય ખેડુઓને હમજાવીને ઓલ્યું શું ક્યે છે, વીમો કે ઇવું જ ક્યાંક લેવરાયું છ. આપણે તો વરહે દાડે ખેતીની આવકમાંથી દહ વરહ સુધી થોડા પૈહા ભરવાનાં પછ્યે નિરાંત. આ હું મોટા ગામતરે જાતો રહું તો પણ આ કાગળમાં લખ્યા છે એટલા પૈહા ઓલ્યા શેરવાળા શાયેબ તમને આપી દેહે, તમારે આ રમણ ને સુરિયાને મોટા કરવાની ચંત્યા નહી.’

‘એરુ આભડે તમારાં દશમનોને, રાંડ્યનો મુઓ સરપંચ, તમારાં ગયા કોર્યે મારે શું પૈહાને બાળવાસે ? તમતમારે જો જો ને, તમારી મોર્ય તો હું જ પૂગી ગઈ હોઈશ. એઈને મજાની રાતી ચુંદડી ઓઢીને…’ જીવકોર મીઠો છણકો કરીને વીમા પોલીસીના કાગળિયાં ખાટલાની પાંગથે જ રહેવા દઇને ચૂલો સળગાવવા જતા રહ્યાં અને મૂળુભાએ જ કાગળિયા કબાટમાં મૂકવા પડ્યા.

બારીમાંથી આવતા પાછલી રાતનો વાયરો ગમાણમાં બાંધેલા હીરાની ગંધ લઈને આવ્યો. હવે તો આ વાયરો પણ હીરા વીના લુખ્ખો જ આવવાનો ને ? આ વિચાર માત્ર ભા ને બેચેન બનાવવા માટે પૂરતો હતો. જો પોતે પણ એમનાં બે દીકરાને આવો કાળો કામો કરતા વારી ન શકતા હોય તો ઉપર જઈને જીવકોરને શું મોઢું બતાવશે ? ગમાણની ભીંત સાથે હીરાના શીંગડા ઘસવાના અવાજે ભા ના દિલમાં શૂળ ઉભું કર્યું. શું વાયરો પડી ગયો ? પરસેવાથી મૂળુભા ને પોતાનું અંગરખું ભીનું થતું લાગ્યું. હળવે રહીને ભા ઉભા થયા. કબાટ ખોલીને આછા પ્રકાશમાં ખાંખા ખોળા કરવા લાગ્યા, એક બે દવાની શીશી હાથ લાગવાથી નીચે પડી ગઈ, બહાર હીરો સહેજ ભાંભરતો હતો કે પછી ઈ તો મનનો વહેમ ? ભા નક્કી ન કરી શક્યા. પડી ગયેલી શીશીઓને યથાવત રહેવા દઈને ડોસા ધીમા પગલે ગમાણ તરફ વળ્યા.

ઘાસનો છેલ્લો એક પૂળો બાકી વધ્યો હતો. ભા એ વાંકા વળીને હીરાની પાસે એને નીરી દીધો અને જ્યાં સુધી હીરો એને ચાવતો રહ્યો ત્યાં સુધી ભા એની કાંધ ઉપર પ્રેમથી હાથ ફેરવતા રહ્યા. ટપકતી આંખ ક્યારે પોતાનો કરચલીયાળો હાથ અને પછી હીરાની કાંધ પલાળવા લાગી એનો ભા ને ખ્યાલ સુધ્ધાં ન રહ્યો. તો આ તરફ દુષ્કાળી ધરા ભલે સુકીભઠ્ઠ હોય પણ હીરાની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વહેતા હતા. ડોસાએ એક છેલ્લી વાર હીરાની ડોકે વળગીને વહાલ કરતા કરતા ગળગળે સાદે કહ્યું, ‘લે હવે આપણે જીવ્યા મર્યાના ઝાઝા જુહાર, આવતા ભવે જીવીની કુખે દીકરો થઈને જલમજે હોં.’ અને..

ઝડપથી ડોસા હીરાને ખીલેથી છોડીને ગમાણની બહાર દોરી ગયા ‘જા, હડી કાઢ્ય, સીમની ઓરો વહી જા.. ઓલ્યા હરામખોરૂં જાગે ઈ પે’લા…’ ભા એ હીરાને ધક્કો મારતા કહ્યું. હીરો પણ જાણે ભા ની વાત સમજ્યો હોય તેમ ધીરા પગલે સીમ ભણી ચાલવા લાગ્યો. મળસ્કાના આછેરા અંધકારમાં હીરાની વિશાળ કાંધ ધીરે ધીરે એક નાના ટપકામાં પરિવર્તિત થતી ભા જોઈ રહ્યા અને પછી તો…

મોતિયા વાળી આંખે સાથ આપવાનું પણ છોડી દીધું કે શું ? આ આંખે અંધારા કાં આવે? ને ગઈ રાતનો ઓલ્યો ગળામાં બાજેલો ડૂમો… આ છાતીમાં જઈને કાં ગુડાણો ? આ જીવકોર પણ રાતીચોળ ચૂંદડી ઓઢીને ઉભી ઉભી શું દાંત કાઢે છે ?

એક છેલ્લો છાતી સોંસરવો સબાકો, અને ભા ગમાણના બારણાં વચ્ચે જ ઢગલો થઈને પડી ગયા.

વહેલી સવારે રમણ અને સુરેશ ગામના લોકોની સાથે પિતાના નિશ્ચેતન ખોળિયા પાસે ઉભા હતા. ભાનું અંગરખું સહેજ છાતી આગળથી ઉપસેલું કેમ લાગતું હતું એ તપાસવા રમણ નીચો વળ્યો અને અંગરખા નીચેથી એણે કાગળનો વીંટો ખેંચી કાઢ્યો. વીંટાના બહારનાં ભાગમાં વીમા કંપનીનું ચિહ્ન અને નીચે લખેલી પચાસ હજાર રૂપિયાની રકમ સ્પષ્ટ વંચાતી હતી. સહેજ ઉપર નજર કરતાં રમણની આંખો ભા ની સ્થિર થઇ ગયેલી આંખો સાથે મળી.

મૂળુભાની ફાટેલી આંખો રહી રહીને જાણે એક જ વાત કહી રહી હતી કે… ‘દીકરા, મૂંગા જાનવરના નિહાકા લેવાનું રે’વા દયો.. મારો રામદેપીર પાંચના પચ્ચા હજાર આપી રે’શે…’

– હેમલ વૈષ્ણવ

અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક, વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવની અક્ષરનાદ પર એક સર્જક તરીકે આ ત્રીજી વખત પ્રસ્તુતિ છે. માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈ આજે અનોખી હ્રદયસ્પર્શી ટૂંકી વાર્તા સાથે ઉપસ્થિત થયા છે જેને માણીને ધૂમકેતુની હ્રદયસ્પર્શી ‘જુમો ભિસ્તી‘ યાદ આવી જ જાય, સુંદર કૃતિ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

42 thoughts on “મૂળુભાની પુત્રવિદાય (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ

 • M.D.Gandhi, U.S.A.

  એક બહુ હૃદયસ્પર્શી વાર્તા….નાની વાર્તા એક મહામુલો સંદેશો આપી જાય છે, “મુંગા પ્રાણીઓ પણ તમારા સંતાનો જેવા છે”, “તમારી આખી જીંદગીમાં તમારી સેવા કરી, તેને કસાઈવાડે ન જવા દેવાય….”
  બહુ સુંદર વાર્તા છે.

 • hemal vaishnav

  TO ALL THE READERS:
  A big thanks from the bottom of my heart. It means a lot to me that you all spent your valuable time in reading and commenting on my story.
  Frankly speaking, I never thought that I will get such a big response.This will only encourage me to give my best on next time .
  Special thanks to Aksharnaad/Shri Jignesh bhai to give me this platform.

 • KAUSHIK DAGHA

  હુ ખેડુત પુત્ર છું. વાર્તા વાચીં ને હ્રદય દ્રવી ઉઠ્યુ.
  ૨૨/૫/૧૯૯૧ માં જયારે અમારી હાથી જેવી ગાય “‘ગોરલી” અચાનક મ્રુત્યુ પામી ત્યારે મારી બા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી હતી….
  ૧૯૮૬-૧૯૮૮ વખતે સૌરાષ્ટ્ર માં પડેલા કારમા દુકાળ માં મુંગા પશુઑ ની વેદનાા અને ખેડુત ની લાચારી જાતે અનુભવી છે…..
  અમારો “માકળો” બળદ ૧૨ વરસ ની સેવા આપી ની નિવૃત થયો ત્યારે એનું સંપુર્ણ ઘડપણ મારા પિતા એ પાળ્યુ હતુ…
  આ કૃતિ બદલ હેમલભાઈ ને અભિનંદન….

 • Arun Sidhpura

  રાજકપુર નેી કાર નં રેીવા ૩૪૭૧ બહુ જુનેી થયેી ત્યારે તે ભન્ગારમા વેચતા તે નારાજ થયેલો અને કહેલું કે કાલે હું બુડ્ડો થઈશ ત્યારે મને પણ આમજ….
  જ્યારે આ તો જિવતો જેીવ કેમ મરવા મુકાય.
  હું હચમચિ ગયો વાંચેીને…
  અભેીનંન્દન હેમલભાઈને…

 • Bhavyesh Mankad

  ખુબ સરસ વાર્તા … એક ખેડૂત ના મન માં ચાલતું વિચારો નું મનોમંથન, તેનું મુંગા જીવ કે જેને લીધે તેના કુટુંબ નો જીવન નિર્વાહ શક્ય બન્યો છે ,તેના પ્રત્યેની અદમ્ય લાગણી અને દીકરાઓ ની જીદ આગળ કશું ન કરી શકવાની અવ્યક્ત વેદના અને અન્ય પાત્રો નું આલેખન ખુબ સુંદર રીતે અને હ્રદય સ્પર્શી રીતે વ્યક્ત થયું છે, અને તળપદી ભાષા નો ઉચિત પ્રયોગ આ વાર્તાનું જમા પાસું છે,જેને લીધે વાર્તા એકદમ જીવંત લાગે છે, અને છેલ્લે આવતી ચમત્કૃતિ આ વાર્તા ને એક ઉંચાઈ આપે છે.-હેમલભાઈ ને આ સુંદર ટૂંકી વાર્તા બદલ ખુબ ખુબ અભિનંદન અને આવું જ સુંદર સર્જન કરતા રહો અને ગરવી ગુજરાતી ભાષા ની લોકપ્રિયતા વધારતા રહો તેવી શુભેચ્છા.

 • Suketu Trivedi

  સુંદર ટૂંકી વાર્તા, જોરદાર સંદેશ. સ્થાનિક તળપદી ભાષા અને વાક્યપ્રયોગો અસરકારક રહ્યા. પતિકૂળ સંજોગોમાં પણ મૂલ્યો, લાગણીઓ અને પરંપરાગત માન્યતાઓને કોઈ પણ ભોગે વળગી રહેતી જૂની પેઢી અને બદલાતી પરિસ્થિતિઓની વાસ્તવિકતાઓ અને મજબૂરીઓ સામે નમી જતી નવી પેઢી, એ બે વચ્ચેનો સંઘર્ષ સરસ જમાવ્યો. હેમલભાઈ ને અભિનંદન.

 • Rajesh Vyas "JAM"

  એકદમ લાગણી સભર અને હ્રદય દ્રાવક લેખન એ જ બતાવે છે કે હેમલભાઈ અમેરીકામાં રહીને આજે પણ સંવેદના જાળવી શક્યા છે. એવું લાગેછે કે કદાચ આ ઘટના કાલ્પનિક નહીં પરંતુ તેઓએ જોયેલી કે જાણેલી હશે. વાર્તા રજુ કરવા બદલ કોટી કોટી ધન્યવાદ.

 • shirish dave

  ગૌ શાળાઓ સિવાય ઉદ્ધાર નથી. ઢોર જેટલું ખાય તેટલું ખાતર આપે છે. વિલાયતી ખાતર નું રૉ મટીરીયલ, ફેક્ટરીનો સ્ટાફ, જમીન, ટ્રાન્સ્પોર્ટ, પેકીંગ, અને જમીનની ખરાબી, વિગેરે જેવા ફેક્ટરોને લક્ષમાં લઈએ તો દેશી ખાતર હજાર ગણું સારું. ગૌશાળાઓમાં સાજા સાથે માંદા ઢોર પણ સચવાઈ જાય.

 • Gaurang

  મને ધૂમકેતુની જુમો ભીસ્તી વાર્તા યાદ આવી ગઈ. માણસ અને પશુ વચ્ચેની આત્મીયતા જુમા ભીસ્તીમાં અંને હેમલ વૈષ્ણવની વાર્તામાં હ્રુદય હચમચાવી દે એટલી અસરકારક રીતે દર્શાવવામાં આવી છે.

  વાર્તાનું પોત સબળ છે અને કાલ્પનિક પણ નથી. 1980ના દાયકામાં ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે ઘણા ખેડૂતો અને માલધારીઓએ લાચારીથી પોતાના વ્હાલસોયા પશુઓને કસાઈવાડે મોકલ્યા હતા. મને ધોરજીસ્થિત મારા દિવંગત કાકાએ, આર્થિક મદદ કરવાની જરૂરત સમજાવતા આ વાત દ્રવિત હહૃદયે કરેલી.

  અમારે અમેરિકામાં તો પશુપ્રેમ જેવું છે જ નહિ (સિવાય કે પાળેલા કુતરા-બિલાડા માટે) એટલે પશુની ઉપયોગીતા પુરી થાય એટલે તરત જ તેને કતલખાને મોકલી દેવાય છે. એ વાતને ધ્યાનમાં રાખતાં, આપણી સંસ્કૃતિનો દીપક પ્રજ્વલિત રાખવા માટે પણ હેમલભાઈની લઘુવાર્તા ઉપયોગી છે. અભિનંદન!

 • Mitul Thaker

  અંત્યંત સુંદર અભિવ્યક્તિ, ભાષા ને સુડનાર રેઈતે રજુ કરી આપે, પરંતુ ‘છેતર ‘ અને ‘જીવને હાઉ કરો’ અને ‘દીવો રામ કરું ‘ તે ગુજરાત ના પ્રદેશ અલગ અલગ પ્રાંત ની ભાષા છે એવું મને લાગે છે પરંતુ તેનાથી વાર્તા ની રજૂઆત અને હાર્દ માં કશો ફર્ક પડતો નથી . હું હજી મારે ગામડે જાઉં છું ત્યારે ત્યાના ગરીબ ખેડૂતો નું મૂંગા ઢોર પરનું વ્હાલ નજરે માણી શકું છું અને આ વ્હાલ અત્યારે શહેરી જીવન માં સદંતર નામશેષ તો ના કહેવાય પરંતુ ઓછપ તો આવી ગઈ છે ….. સમય સમય ને માન આપીએ છીએ આપણે બધા અને એટલે જ આ વાર્તા આપને સ્પર્શે છે, બાકી તો ગામડા ના ભોળા મનુષ્યો માટે તો આ વાર્તાનું હાર્દ સામાન્ય ઘટના છે !!!! ફરી વાર ખુબ ખુબ અભિનંદન

 • KANTILAL VAGHELA

  ગ્રામ્ય જીવનને આલેખતી આ વાર્તા વાંચવી ગમી સુંદર

  મજાનું નિરૂપણ કરવામાં સર્જક સફળ રહ્યા…..nipraben

  vyas ની સૂચના સફળ રહી સર્જક્ને અભિનંદન

 • નિમિષા દલાલ

  સુંદર વાર્તા હેમલભાઈ… ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ હાથ અજમાવતા રહેશો.. અને અમને સારુ વાંચન આપતા રહેશો…

 • maheshkant vasavada

  અતિ સન્વેદન શેીલ વાર્તા- સુક્ષ્મ અવ્લોકન …હવેતો વાય રો પન હિરા વિના લુખો આવ્વાનોને …મા વ્યકત થતિ વેદના નુ આલેખન અદ્ભુત ! દો હેમલ ને અભિનન્દન્