૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ.. (ભાગ ૪) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 12


(૧) છેલ્લા સાત વર્ષથી વિદેશ જઇને વસેલા દીકરાએ ભારતમાં એકલી રહેતી માને ફોનમાં પૂછ્યું, “મમ્મી, મજામાં છે ને?”

મા સહેજવાર મૂંગી રહી અને પછી બોલી “હોઉં જ ને…”

(૨) એક પ્રખ્યાત રાજકીય પાર્ટીએ આગામી ચૂંટણીના પોતાના પ્રતિનિધિને સત્કારવા સાચા રેશમના તાકાની મોતી મઢેલ રૂપિયા ૫૦,૦૦૦ની કાશ્મીરી શાલ અર્પણ કરી.

અતિશય ઠંડી સહન ન થતા ગઇકાલે એ જ મત વિસ્તારની ફુટપાથ પર રહેતા એક ગરીબ કુટુંબના ૩ સભ્યો મૃત્યુ પામ્યા.

(૩) પોતાના દીકરાના દીકરાએ પોતાનાથી મોટી ઉંમરની એક આફ્રિકન સ્ત્રી સાથે લગ્ન કરી, તેના ઘરે સામેથી રહેવા ગયાનું જાણીને અપર્ણાબહેને દીકરા નિમેશને ફોન કર્યો.

“ઈન્ડિયામાં શું રાખ્યું છે” એમ કહીને વર્ષો પહેલા અમેરીકા આવી વસેલા નિમેશભાઇએ સિફતથી ડુસકું છુપાવતા અપર્ણાબહેનને કહ્યું “મા, તું સમજીશ નહીં, અહીં તો આવું જ હોય.”

(૪) સ્વામી અભ્યુદાનંદજી આવતીકાલે “ભારતીય સંસ્કૃતી પર થતી ટેકનોલોજીની ખરાબ અસર” પર ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ દ્વારા વકતવ્ય આપવાના છે. આશ્રમ સંવાદદાતા જણાવે છે કે સેટેલાઇટ્સ દ્વારા ૩૭ દેશોમાં તેનું લાઇવ ટેલીકાસ્ટ થશે. સ્વામીજી ‘ટેકનોલોજી હટાવો, સંસ્કૃતી બચાવો’ અભિયાન પર ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

(૫) શિક્ષણ વિભાગ તરફથી ચાલતા પરિસંવાદમાં “ગુજરાતી ભાષાની શુદ્ધતાને અક્ષત રાખવાના પરિપેક્ષ્યમાં ગુજરાતીઓનો નીતિધર્મ અને શિક્ષકોની ફરજ” વિષય પર રાજ્યના ભાષા શિક્ષકોને ફરજીયાત ભાગ લેવડાવામાં આવ્યો.

એક માસ્તરે ધીમેથી બાજુવાળાને પૂછ્યુ “મારુ હાળુ, ઓંય કંઈ ખવરાવસે કે પછ ખાલ ખાલ ભાહણ જ આલે રાખસે?”

(૬) શાળાની પ્રતિજ્ઞામાં નાનપણથી જ ‘બધા ભારતીયો મારા ભાઈબહેન છે’ ગાનાર એક માણસ ગઇકાલે માણસથી અભડાઇ ગયો. કોઇ જ્ઞાતિબંધુ દ્વારા જણાવવામાં આવ્યું કે એક ડોલ પાણીથી નહાઈ લેશે અને પાંચ માળા કરશે એટલે એ પાછો શુદ્ધ થઈ જશે.

(૭) ઘરડાઘરના વિઝિટીંગ અવર્સમાં બાપને મળવા ગયેલા રાકેશે સહજતાથી કહ્યું, “આજકાલ ટોમી સહેજ બારણું ખુલ્લું જુએ કે તરત દોડીને ભાગી જાય છે. માંડ માંડ પકડીને લાવવો પડે છે. ઘણીવાર તો લાગે છે કે ટોમી નહીં હોય તો હું કેમ કરીને જીવી શકીશ.”

બાપાએ રાકેશના ખોળામાં બેઠેલ ટોમીના માથા પર હાથ ફેરવતા કહ્યું “લકી ડોગ.”

(૮) એક દેશના નેતાને ખરેખર હ્રદયથી દેશસેવા કરવાનું મન થયું. ખૂબ વિચારીને આખરે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

(૯) સંપૂર્ણ અહિંસામાં માનનારા સુમનલાલે કાચબાછાપ મચ્છર અગરબત્તી ખરીદી, તેના વગર એ શાંતીથી સૂઈ પણ શક્તા નહોતા.

(૧૦) છાપામાં મોટા અક્ષરે સમાચાર હતા, “દેશમાંથી બાળમજૂરી દૂર કરવા સરકાર કટિબદ્ધ છે.” છાપામાંથી મોં ઉંચું કર્યું તો ગેલેરીની નીચેથી લગભગ ૫ કિલોનુ વજનવાળું દફતર લઇને નિશાળ તરફ જતાં બે છોકરાઓ દેખાયા.

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈની આજની આ દસ માઈક્રોફિક્શન સાથે તેમણે અક્ષરનાદ પર કુલ સિત્તેર માઈક્રોફિક્શન આપી છે. આજની આ દસ અતિલઘુકથાઓ, દરેક પોતાનામાં એક અનોખી કહાની લઈને આવે છે. માઈક્રોફિક્શન વાર્તા ફોર્મેટને વધુ વ્યાપ આપવાના પ્રયત્નરૂપે અક્ષરનાદ ટૂંક સમયમાં એક અગત્યની જાહેરાત કરવાનું છે, ત્યાં સુધી માણીએ હાર્દિકભાઈની કલમની આ દસ માનસકૃતિઓ.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

12 thoughts on “૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ.. (ભાગ ૪) – ડૉ. હાર્દિક યાજ્ઞિક