ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ : ચાંચુડા મહાદેવ – જીજ્ઞેશ અધ્યારૂ 12


Picture by Vipul Laheri

Aerial Picture by Vipul Laheri

ગુજરાતના અફાટ સમુદ્રકિનારે કેટલાંય એવા સ્થળો આવેલાં છે જે પ્રસિદ્ધિ અને પ્રવાસીઓની જાણકારીથી દૂર છે અને કદાચ સાધારણ લોકપહોંચથી દૂર હોવાને લીધે જ તેમની સુંદરતા અને ઈતિહાસ જળવાઈ રહે છે, ત્યાં સુધી જ ગંદકી અને પ્રદૂષણથી બચીને સંસ્કૃતિની ધરોહરને જાળવીને એ સ્થળો આવતી પેઢીઓ સુધી ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ પહોંચાડતા અડીખમ ઉભાં છે. આવું જ એક મંદિર ‘ચાંચુડેશ્વર મહાદેવ’ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા ગામની નજીક, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ પાસે ધાતરવડી નદીના અરબ સાગર સાથેના સંગમસ્થળે ટેકરી પર આવેલું છે. પક્ષીની ચાંચ જેવો ભૌગોલિક આકાર હોવાને લીધે ચાંચુડા નામ પડ્યું હશે એમ માનવામાં આવે છે.

મનોરમ સ્થળે આવેલું અને લોકભાષામાં ‘સાંસુડેશ્વર’ ના નામે ઓળખાતું શ્રી ચાંચુડા મહાદેવનું અનોખુ, ઐતિહાસિક અને પૌરાણીક શિવાલય પિપાવાવ – કોવાયા અને આસપાસના વિસ્તાર માટે ભક્તિ, શ્રદ્ધા અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ છે. પ્રાકૃતિક સંપત્તિ અને સૌંદર્યથી ભરપૂર એવા આ વિસ્તારમાં આસપાસ અનેક ઔદ્યોગિક સંસ્થાનો જેવા કે અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ અને જેટ્ટી, ગુજરાત પીપાવાવ પાવર કંપનીનો પાવર પ્લાન્ટ, જહાજોની આવન-જાવનથી ધમધમતુ પિપાવાવ પોર્ટ તથા વિશાળકાય જહાજોના બાંધકામ કરતું પિપાવાવ શિપયાર્ડ વગેરે આવેલા છે. આવા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે પણ શિવાલય કુદરતની અફાટ કૃપા અને સમુદ્રદેવના સાન્નિધ્ય વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય અને આસ્થાને પ્રસરાવતું અનેક વર્ષોથી અહીં ઉભું છે. અલ્ટ્રાટેકની જેટ્ટી પર જવાના માર્ગેથી ડાબી તરફ એક ફાંટો પડે છે, જે ગીચ ઝાડીઓ અને કાચા રસ્તે ચાંચુડા મહાદેવના મંદિર સુધી પહોંચે છે. વળાંક પછી સુંદર કુદરતી વાતાવરણ અને વન્ય પશુ પક્ષીઓની વચ્ચે થઈને મંદિર સુધી પહોંચવાની અનેરી મજા પ્રવાસી ભક્તોને મળે છે. તેતર, પોપટ, સસલાં, હરણ, નીલગાય, રોઝડાં વગેરે અહિં લખલૂંટ જોવા મળે છે તો ક્યારેક સિંહ – સિંહણ અથવા તેમનાં બચ્ચાઓ પણ દેખાઈ જાય છે. આસપાસના વિસ્તારનાં યુવાનો અહીં ઘણી વખત રાત્રીભોજનના કાર્યક્રમો યોજે છે.

Chanchuda Templeઅનેક સો વર્ષોના ઈતિહાસ, અનેક દંતકથાઓ અને કિવદંતિઓની વચ્ચે ઉભેલું આ ઐતિહાસિક મંદિર તાજેતરમાં જ જીર્ણોદ્ધાર પામ્યું છે. શિવાલયના હાલના મહંત શ્રી મનુ મહારાજ મંદિરનો વિશેષ પરિચય આપતા કહે છે, ‘આ શિવાલય આશરે ૧૨૦૦ વર્ષથી વધુ પુરાણું છે અને શિયાળબેટના શેઠ બંગાળશાએ ઈ.સ. ૮૩૧માં બંધાવેલું. આ બંગાળશા શેઠના પુત્ર એટલે શેઠ સગાળશા જેઓ ભક્તરાજ ચેલૈયાના પિતા હતા. ચેલૈયાનું જન્મસ્થાન ચાંચુડા મહાદેવની સામે સમુદ્રમાં આવેલ શિયાળબેટ ગણાય છે. ભક્ત ચેલૈયાની વાતો તો આપણા લોકગીતો અને વાર્તાઓમાં પણ અમર થયેલી છે.’

સ્વામીનારાયણ સંપ્રદાય માટે પણ આ શિવાલય અનેક રીતે મહત્વનું છે, ભગવાન શ્રી સ્વામીનારાયણ જ્યારે બાલ્યાવસ્થામાં ગૃહત્યાગ કરીને નીકળ્યા ત્યારે ‘નીલકંઠવર્ણી’ નામે ઓળખાતા હતાં, બાલ્યાવસ્થાના સમગ્ર ભારતના એ વિચરણ દરમ્યાન ઈ.સ. ૧૭૯૯ની આસપાસના અરસામાં તેઓ અહીં ચાંચુડા મહાદેવના દર્શને આવ્યા હતાં એવું માનવામાં આવે છે. તો શ્રી સ્વામીનારાયણના ગુરુજી રામાનંદ સ્વામી, અને તેમના ગુરુ શ્રી આત્માનંદ સ્વામીનો દેહોત્સર્ગ અહીં થયેલો, એ સ્થાન પણ અહીં મંદિરની બાજુમાં આવેલું છે. તેમની અંતિમ ઈચ્છા હતી કે મૃત્યુ પછી તેમનું શરીર સમુદ્રમાં પધરાવી દેવામાં આવે. આ મંદિર વીતેલા અનેક વર્ષોથી આસપાસના ગામના ગોવાળીયાઓ માટે એક વિસામો હતું, પોતાના

Neelkanth Visited this place

ધણને લઈને ચારવા નીકળેલા આહીર યુવાનો અહીં ટેકરી પર જ આરામ કરતા અને સાથે સાથે મંદિરમાં સેવા પણ આપતા. વાયકા છે કે આવા જ એક ગોવાળીયાએ એ પછી જોયું હતું કે આત્માનંદ સ્વામીનો દેહ સમુદ્રમાં પધરાવી દેવાયો અને બધાં જતાં રહ્યાં એ પછી તે ઉભા થઈને સમુદ્રના પાણી પર ચાલી નીકળ્યા અને જળસમાધિ લીધી. શ્રદ્ધા અને આસ્થાને કોઈ પુરાવાઓની જરૂર નથી હોતી. આવી વાયકાઓને અહીં લોકો અનેરી શ્રદ્ધાથી કંઠઃસ્થપણે આગલી પેઢીઓ સુધી પહોંચાડે છે.

મંદિરની સામે થોડેક દૂર સમુદ્રમાં આવેલ શિયાળબેટ પર જવા માટે ફક્ત દરીયાઈ રસ્તો જ છે. અનેક કુટુંબો વસતા હતાં અને આજે પણ વસે છે. અન્ય એક વાયકા એવી છે કે વર્ષો પહેલાં અહીં મંદિર પાસે એક ભભૂતિયો બાવો રહેવા આવ્યો હતો. શિયાળબેટથી અહીં નદીકાંઠે ઈંધણાં વીણવા આવતી સ્ત્રીઓમાંથી એક એ ભભૂતિયા બાવા તરફ આકર્ષાઈ હતી. તે રોજ તુંબડાની મદદથી રાત્રે સમુદ્રનો એ પટ્ટો તરીને અહીં આવતી અને વહેલી સવારે પાછી જતી રહેતી. કહેવાય છે કે તેની આ આવન-જાવન તેના ઘરવાળાઓની આંખે ચડી અને એક વાર રાત્રે તુંબડાને બદલે કાચી માટીનો ઘડો મૂકી દેવામાં આવ્યો જેને લીધે તે સમુદ્રમાં ડૂબી ગઈ.

મંદિરની નીચે વર્ષો જૂની એક ગુફા આવેલી છે જેનું નદી તરફના ટેકરીના ભાગ તરફ ખુલતું દ્વાર આજે પણ જોઈ શકાય છે અને અંદર થોડેક સુધી જઈ શકાય છે, આગળ વધતાં દિવાલો અને ગુફાનો ભાગ તૂટી પડ્યો છે, એ કારણે તથા દરિયાનાં ભરતી ઓટને લીધે મુશ્કેલ બનેલ એ રસ્તો થોડે આગળ જતાં જ બંધ થઈ જાય છે. પુરાતન સમયમાં આ ગુફા દ્વારકા સુધી પહોંચતી હોવાનું અને એક સો ગાડાં એક સાથે તેમાંથી પસાર થઈ શકે એવી મોટી હતી એવું કહેવાય છે.

River and sea meeting pointશ્રી પ્રતિમાબેન પંડ્યા તેમની એક રચનામાં કહે છે,

‘ધર્મસ્થળના દરેક પથ્થરની
રામાયણ કે મહાભારતમાં
પ્રવેશવાની
પૂરેપૂરી શક્યતા છે.’

સદીઓથી અસ્તિત્વ ધરાવતા આવા દરેક સ્થળ વિશે એ વાત લાગૂ પડે છે, કિવદંતિઓની અને વાયકાઓને તર્કની એરણે મૂકીએ તો તેમની હકીકતના પુરાવા કદાચ ન મળે તો પણ તેમના પ્રત્યે લોકસમૂહની આસ્થા અને ઐતિહાસિક મહત્વને જોતાં આવા સ્થળોની સુયોગ્ય જાળવણી અને વિકાસ થવો જ જોઈએ.

– જીજ્ઞેશ અધ્યારૂ

મહંત શ્રી મનુ મહારાજ –

Bapu at the temple


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ : ચાંચુડા મહાદેવ – જીજ્ઞેશ અધ્યારૂ