માદા ભૃણહત્યા : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં.. – ભવસુખ શિલુ 8


આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર થતા અત્યાચારો અને અમાનવીય વલણો વિષે ઐતિહાસિક સંદર્ભ તપાસવાનો એક પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ભૂતકાળની વાતોમાં કલ્પના અને તર્ક લડાવ્યો છે. પુરાવા શોધવાનું કામ સમાજ પર છોડી દીધું છે.

આખાય ભારત દેશમાં અને વિદેશોમાં વસતા ભારતીય કુટુંબો એક એવા પૂર્વગ્રહથી ખાસ પીડિત છે કે દરેક દંપતિને કમસે કમ એક પુરુષ સંતાન(દીકરો) હોવું જ જોઈએ. એક બાબો અને એક બેબી હોય તે સૌની સામાન્ય પસંદગી હોય છે. વળી તેમાં કેટલાક દંપતિઓ એક બાબો તો હોવો જ જોઈએ તેવી દૃઢ માન્યતામાં રૂઢ થયેલા હોય છે. આ ધાર્મિક માન્યતા છે, અહીં ગરીબ-તવગંર-શિક્ષિત-અભણ નો કોઈ ભેદ નથી. વળી આમાં પ્રાચીન અર્વાચીન વલણો મિશ્રિત થયા છે. એક તો મોટો પૂર્વગ્રહ પોતાનો વંશવારસ જાળવી રાખવા માટે એક પુત્ર અનિવાર્ય પણે જરૂરી છે, જે પિંડદાન કરે અને કુળના વારસાઈ ગુણો જાળવી રાખે. અર્વાચીન વલણ પ્રમાણે નાનું કુટુંબ હોય તો આર્થિક વિકાસ ઝડપી બને છે, અને વળી પાછા તમે જ્યારે બિઝનેસ મેનેજમેન્ટના ખર્ચાળ પાસાંઓનો અભ્યાસ કર્યો હોય ત્યારે તો દીકરી ઉછેરી મોટી કરવી, ભણાવી, ગણાવી, દહેજ આપી, લગ્ન કરાવી પારકે ઘરે મોકલી દેવાની અને જીવનભર ભેટ સોગાદો આપ્યા કરવાનો ‘આર્થિક બોજ’ ખૂબ વસમો ન લાગે.

શાસ્ત્રોની રીતે જોઈએ તો, અહીં જેને ‘આર્થિક બોજ’ કહ્યો તે અત્યંત રાજસી વૃત્તિનો દુષ્પ્રભાવ છે. રાજસીવૃત્તિ કામક્રોધ લોભમોહ વિકસાવે છે. શાસ્ત્રો કામ ક્રોધ લોભ મોહને નર્કના દ્વાર ગણે છે. ક્રોધ અહીં પરોક્ષ રૂપે જોવા મળે છે. કામ એટલે માત્ર શરીરસુખ નહીં પરંતુ વધુ ને વધુ લાભ-આનંદ મેળવવાની ઈચ્છા, જેમાં શરીરસુખ પણ આવી જાય, આમ વધુ ને વધુ મેળવ્યા પછી જરાય વપરાઈ ન જાય તેની ખાસ ચીવટ રાખવી તે લોભ, જુદી જુદી વસ્તુ મેળવવાનું આકર્ષણ સતત થયા કરે તે મોહ..

અહીં કામ, ક્રોધ, મોહની વાત એટલા માટે કરવી પડી કે, જે લોકો દીકરીને ‘આર્થિક બોજ’ રૂપે જુએ છે તે રાજસિક વૃત્તિના ખાસ લક્ષણો છે. આવા લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ લેવા સદાય તત્પર હોય છે. આધુનિક તબીબી યંત્રો ગર્ભપરીક્ષણ કરી આપી, જન્મનાર બાળકની જાતિ નક્કી કરી આપતું હોય તો માદા ભૃણનો ગર્ભપાત કરાવી આર્થિક બોજમાંથી સહેલાયથી મુક્ત થઈ શકાય૧ આવે વખતે કોઈ ધર્મ, દયા, લાગણી, પ્રેમ, માનવતા બધુંય શૂન્ય થઈ જાય છે. આ પ્રક્રિયા દરમ્યાન મૃત્યુ પહેલાની કોઈ ચીસ સંભળાતી નથી. તબીબી નિષ્ણાતો અને દંપતિ માનવહત્યાના અપરાધમાં નિર્ભય રીતે સંડોવાઈ જાય છે. ૠણમુક્તિની ભાવના અહીં સમૂળગી અગાઉથી જ નાશ પામી હોય છે. કોઈને યાદ નથી આવતું કે આખરે સૌ માનવોની જન્મદાત્રી સ્ત્રી જાત જ છે. તમામ સ્ત્રી પુરુષો કોઈ સ્ત્રીના જ સંતાન હોય છે. એવા સ્ત્રીભૃણની નિર્દયી હત્યા માત્ર આર્થિક લાભ ખાતર જ કરી નાખી છે. ઘણીવાર સ્ત્રી કુદરતી રીતે પોતાના સંતાનની ભૃણહત્યા ન થાય તેવું ઉંડે ઉંડે ઈચ્છતી હોય તો પણ ચારે તરફથી અસહ્ય માનસિક દબાણ અને બ્રેન વૉશિંગ થઈ ગયું હોવાથી, આવી ઈચ્છા પ્રગટ કરવાની હિંમત કરી શકતી નથી. સરકારે ભૃણપરિક્ષણ માટે રોક લગાવી છે તે ઈચ્છનીય છે.

આ સામ્પ્રત સ્થિતિ છે, પણ તેના ઉંડા અવશેષો, ઈતિહાસ-ધર્મ-રિવાજની પરંપરામાં અટવાઈ ગયા છે ભારતનો ઈતિહાસ હંમેશા વેદકાળથી શરૂ કરવામાં આવે છે કારણ કે, સૌ એવા પૂર્વગ્રહથી પીડિત છે કે વેદ સૌથી પ્રાચીન પુસ્તક છે, ઈશ્વર રચિત છે. પરંતુ આજે આપણે મોહેંજો દરોની સિંધુ સભ્યતાથી શરૂઆત કરવાના છીએ અને એ સમયગાળો છે ઈ.સ. પૂર્વે ૩૫૦૦થી ઈ.સ. પૂર્વે ૧૭૦૦ વર્ષ. ઈ.સ. પૂર્વે ૧૭૦૦માં આર્યોનું આગમન, ઈ.સ. પૂર્વે ૧૨૦૦ સુધી અનાર્ય – દ્રવિડ પ્રજા સાથે સંઘર્ષ અને છેવટે ઈ.સ. પૂર્વે ૧૨૦૦માં આર્ય-અનાર્ય સમન્વય.. સંસ્કૃતભાષાની રચના અને વેદોનું સંસ્કૃતમાં રૂપાંતર (આર્યોની મૂળ ભાષામાં રચાયેલા ગ્રંથોનું સંસ્કૃતમાં ભાષાંતર થયાનો સમય)

આ અનાર્ય કે દ્રવિડ સંસ્કૃતિએ પ્રકૃતિ પુરૂષના જ્ઞાનવાળું નીરીશ્વરવાદી સાંખ્ય દર્શન જેનું મૂર્ત સ્વરુપ લિંગ-યોનિપૂજામાં પરિણમેલ, યોગ અને તંત્રનું જ્ઞાન એ સમયે પણ ખૂબ વૈજ્ઞાનિક રીતે વિકસાવેલ, તેવી જ રીતે મહેશ્વર સ્વરૂપે શિવજીએ પોતાના ડમરૂમાંથી માહેશ્વર સૂત્રો (પાણિનિ વ્યાકરણ જુઓ) પ્રગટ કરી ભાષાની રચના કરી. નટરાજ સ્વરુપે નૃત્ય કરી સંગીત, નૃત્ય, નાટકવિદ્યા, સાહિત્ય, તંત્ર, યોગના જ્ઞાનથી માનવજાતને પરિચિત કરી.

ઈ.સ. પૂર્વે ૧૭૦૦ માં આજે જયાં ઇન્ડોયુરોપિયન અને ઈન્ડોઇરાનીયન ભાષા બોલાય છે તે પ્રદેશોમાંથી આર્યોનું આગમન થયું અને સ્થાનિક લોકો સાથે લગભગ પ૦૦ વર્ષોના સંઘર્ષ પછી એક સમન્વય કાળ આવ્યો જેમાં અનાર્યોના સહકારથી સંસ્કૃતભાષાનો ઉદય થયો અને એક સમાધાનકારી વલણ ઊભું થયું, છતાં કેટલીક બાબતો પર અંદરખાને રોષ ચાલુ રહ્યો અને આજે પણ તેના સ્પષ્ટ અંશો દેખાય છે.

બહારથી આવેલા આર્યો સામ્રાજયવાદી વિચારશ્રેણી ધરાવતા, ઈશ્વર કે દેવોને માનતા, યજ્ઞોની હિંસા વડે સમૃદ્ધિ-શત્રુનાશ-સ્વર્ગના સુખો પ્રાર્થતા, સમાજરચનામાં સ્ત્રીઓ પર પુરુષનો માલિકી હક્ક જમાવતી બહુપત્નીત્વ – એકપત્નીત્વ જેવી વ્યવસ્થા પાછળથી વિકસાવેલી. શ્યામવર્ણા અનાર્યો પ્રત્યેના અણગમાનો પ્રત્યાઘાત વર્ણવ્યવસ્થા રૂપે સ્ત્રીઓ અને ક્ષૂદ્રો પરના અમાનવીય નિયંત્રણમાં પરિણમ્યો.

સામે પક્ષે અનાર્યો નીરીશ્વરવાદી સાંખ્ય, યોગ અને તંત્રના વાસ્તવિક તત્વજ્ઞાનનો આગ્રહ રાખતાગણતંત્ર પ્રકારની શાસનપ્રણાલી અને બહુપતિત્વવાળી સમાજવ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતા. સમન્વય સ્વીકાર્યા છતાં બંને પક્ષો પોતપોતાની માન્યતાઓમાં બાંધછોડ કરવા બહુ તૈયાર નહોતા, પરંતુ વિજેતાઓ પાસે પરાજિતોનું કંઈ આવતું નથી. અનાર્યોના એક જૂથે તો પ્રથમથી જ આ સમન્વય સ્વીકારેલો નહીં, જે લોકો આજે (ઈ.સ. પૂર્વે ૮૦૦થી) જૈન તરીકે ઓળખાય છે. જૈન ધર્મનો આધાર નીરીશ્વરવાદી સાંખ્ય અને યોગ દર્શન છે. પાછળથી બૌદ્ધધર્મ પણ સાંખ્ય અને યોગના આધારે વિકસ્યો. આ બંને શ્રમણ ધર્મો અવૈદિક નીરીશ્વરવાદી માનવામાં આવે છે.

આર્ય અનાર્ય સમન્વયના એક ભાગ રૂપે મહાભારતની રચના થઈ જેમાં સાંખ્યદ્રષ્ટિ અને બહુપતિત્વપ્રથાને સમર્થન મળ્યું પણ તેને ઈશ્વર, પરલોક, પુનર્જન્મ અને અવતારવાદમાં ઝબોળવામાં આવ્યું. ગોવર્ધનધારી કૃષ્ણે મેઘરૂપી ઈન્દ્રનો વિરોધ કર્યો, યજ્ઞોનો વિરોધ જ્ઞાનરૂપી યજ્ઞને મહત્વ આપીને કર્યો, વેદોને ખાબોચીયા જેવા પણ કહ્યા. ગણતંત્ર તથા બહુપતિત્વપ્રથાની તરફેણ કરવામાં આવી. ફરી એક નવી લડાઈ શરૂ થઈ. રામાયણની રચના કરવામાં આવી, ક્રૌંચ પક્ષીઓ આજીવન એક પતિ-પત્ની વ્રત રાખી શક્તા હોય તો માનવજાત શા માટે નહીં, એ આધારે વાલ્મિકીએ રામ-સીતાના આદર્શોનું કાવ્ય લખ્યું. મહાભારત વાંચે તો ગામમાં આગ લાગે, યુદ્ધ થાય તેવો જબરદસ્ત પ્રચાર કરવામાં આવ્યો. ગીતા મહાભારતનો જ ભાગ છે, અત્યંત તાર્કિક અને જ્ઞાનમય છે એટલે એ ભાગ સ્વીકારવામાં આવ્યો અને બાકીના મહાભારતને ખાસ પ્રકારે અવગણવામાં આવ્યું.

પછીની વાતો આધુનિક ઈતિહાસે બરાબર સાચવી રાખી છે, વૈદિક ધર્મ જેના મુખ્ય લક્ષણો – ઈશ્વર, યજ્ઞો, કર્મફળ, સ્વર્ગ, નર્ક, પુનર્જન્મ, અવતાર, સામ્રાજ્યવાદ, પુરુષપ્રધાન, એકપતિપત્નીત્વપ્રથા, વર્ણવવ્યસ્થામાં સ્થિર થયેલા છે તેનો વિરોધ જૈનો અથવા જૈનોના પુરોગામી અનાર્ય લોકોએ કર્યો. ત્યારબાદ આર્યોમાંથી બુદ્ધે સાંખ્યદૃષ્ટિ અપનાવી વૈદિક પ્રણાલિનો વિરોધ કર્યો, પણ પાછળથી સ્ત્રીઓને પાપનું મૂળ ગણી સૌને સંસાર છોડી ભિક્ષુભિક્ષુણીઓ થઈ જવાનો પલાયનવાદી ઉપદેશ આપી પહાડ જેવડી ભૂલ કરી હવે સ્ત્રીઓ પોતાના એકના એક પતિના મૃત્યુ પાછળ સતી થઈ બળજબરીથી સ્વેચ્છામૃત્યુ સ્વીકારી લે એટલી હદે એકપતિત્વપ્રથા વિકસાવવામાં આવી. બુદ્ધે સ્ત્રીઓને આપેલા આધ્યાત્મિક અધિકાર જેમાં ધર્મની બાબતમાં પુરુષસમોવડી તેમ જ ભિક્ષુણિ થવાની પરવાનગી આપેલી, બસ આટલી વાતની પ્રતિક્રિયા રૂપે બ્રાહ્મણધર્મે સતી થવાના કડક નિયંત્રણો સ્ત્રીઓ પર લગાવી દીધા, કારણ કે બ્રાહ્મણધર્મે સ્ત્રીઓ અને શુદ્રો પર વેદ અને શાસ્ત્રોના અધ્યયનનો જે પ્રતિબંધ મુકેલો તેની આટલી બધી છૂટ બૌદ્ધો કેમ આપી શકે, અને પુરુષ સંતાન વિના પરલોકમાં પિતૃઓની સદગતિ ન થાય એ વાત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો. સંસાર રથના બે ચક્રો સ્ત્રી અને પુરુષ – પણ એક ચક્ર કાઢીને સાવ ફેંકી જ દીધું. સતીપ્રથાનો ખૂબ વિરોધ થયો તો સતીના મૃત્યુદંડથી ય બદતર વિધવાપ્રથાના નિયમો ઘડી કાઢવામાં આવ્યા કન્યાવિક્રય, વૃદ્ધપુરુષો સાથે યુવાન સ્ત્રીના લગ્ન, બહુપત્નીત્વ, બાળલગ્નો, દહેજપ્રથા, દીકરીઓને દુધ પીતી કરી દેવી અને હજી બાકી રહી ગયું હતું તે સોનોગ્રાફીમાં ગર્ભપરીક્ષણમાં જો દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખવાનો.

ભારતીય સ્ત્રીઓની સહનશીલતાને તો દાદ દેવી પડે પણ ભારતીય પુરુષ તત્વજ્ઞાનીઓ, પંડિતો, સમાજસેવકો, શાસકો એટલા જ ફિટકારને પાત્ર છે, સિવાય કે, બુદ્ધના સમયમાં સતીપ્રથા અમલમાં નહોતી. ઈ.સ. પૂર્વે ૧ર૦૦ થી ઈ.સ.૧૭૭૪ સુધી, રાજા રામ મોહનરાયના જન્મ સુધી રાહ જોવી પડી અને વિધવાના પુનર્વિવાહ બાળલગ્નોના વિરોધ માટે ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના જન્મ (૧૮ર૦)સુધી, ઈ.સ.૧૮ર૯માં બ્રિટિશ સરકાર પાસે સતીપ્રથા પર પ્રતિબંધ મુકાવવા, રૂઢિચુસ્તોના પ્રબળ વિરોધ છતાં રાજા રામ મોહનરાય સફળ થયા. ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના અથાક પ્રયત્નો બાદ ઈ.સ.૧૮પ૩માં વિધવાવિવાહને કાયદેસર ઠરાવતો કાયદો પસાર થયો.

આ ઈ.સ. પૂર્વે ૧ર૦૦ થી ઈ.સ. ર૦૧ર સુધીની કઠોર વિકાસયાત્રા છે. શું ૩ર૦૦ વર્ષોમાં દીકરીને મારી નાખી, આર્થિક બોજ હળવો કરી ગરીબાઈ દૂર કરતાં શીખ્યા છતાં ગરીબ જ રહ્યાં?

વાસ્તવમાં દરેક જીવ સુખ ઈચ્છે છે મનુષ્યો પણ…… મનુષ્ય સામાજિક પ્રાણી છે એટલે સમૂહમાં સુખેથી રહેવા માટે પરસ્પર પરોપકારી વલણનો સ્વીકાર અને પરપીડન વૃતિનો પ્રતિકાર જરૂરી બની રહે છે. બહુ મોટા ધર્મગ્રંથો ડહોળવાની ક્યાંય જરૂર નથી.

વૈજ્ઞાનિક માનવધર્મ એટલે?

अष्टादश पुराणेषु व्यासस्य वचनद्वयं। परोपकाराय पुण्याय पापाय परपीडनम्।
અઢારેય પુરાણોમાં વ્યાસજીના બે જ વચનો છે, પુણ્ય માટે પરોપકાર અને પાપ માટે પરપીડન

सर्वभूतहिते रता: (गीता ५.२५)
સર્વે સજીવ નિર્જીવ સૃષ્ટિના હિતમાં રત રહેવું. (સજીવ – નિર્જીવ સૃષ્ટિ પ્રત્યે પરોપકારી વલણ, ઈકોલોજીમાં વિક્ષેપ ન પાડવો પર્યાવરણ દૂષિત ન કરવું.

मैत्रीकरूणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चितप्रसादनम्। १-३३ । पातंजल योगसूत्र
સુખી મનુષ્યોની મૈત્રી, દુઃખી મનુષ્યો પ્રત્યે કરુણા, પુણ્યશાળી મનુષ્યો પ્રત્યે હર્ષ, પાપીઓ પ્રત્યે ઉપેક્ષા રાખવાથી ચિત્તની શાંતિ રહે છે.

કહેવાતા ઈશ્વર પાસે માનવોના પાપ પુણ્યનો હિસાબ રાખવાની કોઈ વ્યવસ્થા નથી, ઈશ્વર અપરિણામી અને અવિકારી હોઈ, ન્યાયી, દયાળુ, ઉદાર થઈ શકતો નથી. કર્મફળનો સિદ્ધાંત જેમાં પાપ, પુણ્ય, પરલોક, પૂર્વજન્મ, પૂનર્જન્મ, ઈશ્વર, ઈશ્વરના અવતારો, પયગંબરો, મસીહા, ગુરુઓની એક કાલ્પનિક શૃંખલા છે, તે સામાન્ય લોકોને સ્વર્ગની લાલચ અને નરકનો ભય દેખાડી, પરોપકાર તરફ વાળવા અને પરપીડન અટકાવવાના બહાના નીચે સત્તા અને સંપત્તિ એકઠી કરવાનું વિશ્વનું સર્વધર્મમાન્ય ષડયંત્ર છે. વાસ્તવમાં શૂન્ય.

વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકાશમાં ઝળહળતા આ માહિતિપ્રધાન યુગમાં આજે આપણે વિશ્વભરમાં સ્વીકૃત, કાયદાઓ વડે રક્ષિત, પુરુષપ્રધાન, એક પતિપત્નીવાળી સમાજવવ્યસ્થા અપૂર્ણ, અમાનવીય, અસમાન, સ્ત્રીની પરોક્ષ ગુલામી અને માદાભૃણહત્યાના માનસને પોષક નથી લાગતી? એના કરતાં સ્ત્રીપુરુષને સમાન આદર આપતી બહુપતિત્વપ્રથા ફરીથી ન અપનાવી શકાય? તે બાબતે પૂનર્વિચાર કરવા અને છળથી વીંધાયેલું ન હોય તેવું સત્ય શોધવા તમામ બૌદ્ધિકો સમાજશાસ્ત્રીઓ, કાયદાશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓને ખુલ્લુ આવાહન ન આપી શકીએ? પણ કોઈ પ્રતિભાવ જ નહીં મળે. વિદ્વાનો પોતાનો સ્ત્રીઓ પરનો માલિકી હક્ક જતો કરવા તૈયાર નથી અને કોઈ સ્ત્રી બહુપતિત્વની તરફેણમાં બોલવા જાય તો સમાજ તેને આપોઆપ વ્યભિચારીણી સ્ત્રી માની લેશે. સરકાર તો પ્રવાસન ઉદ્યોગ, એડવર્ટાઈઝીંગ એજન્સીઓ, એરલાઈન્સો વગેરે ઉદ્યોગોને ભવિષ્યમાં યુવાન સ્ત્રી કામદારોની અછત ન પડે તે માટે થયેલી ખાનગી ભલામણોનું રૂપકડું માનવીય સ્વરૂપ આપી, માદાભૃણહત્યા પર રોક લગાવી, ઈશ્વર જો ક્યાંય હોય તો સૌને સદબુદ્ધિ આપે.

उद्धरेत् आत्मना आत्मानम् | આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો.

– ભવસુખ શિલુ

બિલિપત્ર

વિશ્વની મોટી સમસ્યા એ છે કે, અજ્ઞાનીઓ અને અતિઉત્સાહી લોકોનો આત્મવિશ્વાસ ડગતો નથી અને વિદ્વાનોના સંશયો ખૂટતા નથી.
– Bertrand Russell


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “માદા ભૃણહત્યા : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં.. – ભવસુખ શિલુ

  • JANARDAN Shastri

    If one accepts equality between male and female genders,both sexes deserve to have equal right to have any no of mating partners.This was already practiced in Mahabharata time. While Draupadi had. five husbands,
    Arjun had Subhadra,Ulupi, Chitrangada(?),in addition to
    Draupadi.
    So,my suggestion has a basis fm.Mahabharat. I do not need to moderate.

  • JANARDAN Shastri

    The idea is worth to be implemented. But, let us accept that both
    Polyandry and polygamy need be simultaneously legalized and
    Accepted. Let both sexes have equal rights in marriage system.
    Many congrats for initiating a new idea for social revolution.