વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3


વિશ્વશાંતિની ગુરુકિલ્લી કેમ?

સંહારવૃત્તિનો અવેજ સર્જનવૃત્તિ છે. આક્રમક વૃત્તિનો ઉપાય અંતર્તૃપ્તિ છે. જે સમાજ પોતાનાં બાળકો માટે તેમની વય, તેમની વૃત્તિ લક્ષમાં રાખીને સર્જનકાર્યની વ્યવસ્થા પોતાની શિક્ષણવ્યવસ્થામાં યોજે છે તેને કોર્ટો, જેલો, લશ્કરનું ખર્ચ ઓછું કરવું પડે છે.

બાળકો ભલે મલોખાના ઘોડા બનાવતા હોય, નથી તે ઘોડા કે નથી તે ટકવાના. પણ તેમને તે બનાવવા દો કારણ કે એ નાનાં નાનાં કામો દ્વારા તેમની આત્મશ્રદ્ધાનો બંધ બંધાશે, જે પછીનાં મોટાં પૂરમાં પણ નહીં તૂટે.

હવે આત્મતૃપ્તિનુ શું? માણસ જ્યારે મનગમતી પ્રવૃત્તિમાં રોકાયેલો હોય છે ત્યારે અંદરથી આનંદના ઘૂંટડા આવે છે… જેને આત્મતૃપ્તિ નથી, સર્જનનો સંતોષ નથી હોતો તે સત્તા દ્વારા રોફ બજાવી કે શક્તિને આક્રમક કરી સંતોષ મેળવવા મથે છે.

જમાનાઓથી સાધુ-સંતો, મહાપુરુષો શાંતિનો ઉપદેશ દેતા આવ્યા છે. તેનું પરિણામ શા સારુ આટલું ઓછું આવ્યું છે? હું ઉત્તર આપવાનું સાહસ કરું?

આ મહાપુરુષોએ પોતાનો ઉપદેશ પ્રોઢાને આપ્યો, તેમણે પોતાનું કાર્યક્ષેત્ર પ્રૌઢપરિવર્તન ગણ્યું… દુર્યોધનને એકવાર વિદુરજી સમજાવે છે કે ભાઈ ભાઈ વચ્ચેના યુદ્ધનું પરિણામ કેવું ભયંકર આવે. દુર્યોધન કહે છે, “जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति:।” આપણે દુર્યોધનની નાની-મોટી આઋત્તિ છીએ, કારણકે જ્ઞાન પછીથી આવે છે. આદતો, લાગણીનાં વલણો બાળપણમાં પડી ચૂક્યાં હોય છે… થોડાક સદભાગીઓ બાદ કરીએ તો (મોટાભાગે જીવનવ્યવહારમાં) બાળપણની આદતો અને લાગણીઓ જીતે છે.

– મનુભાઈ પંચોળી {સંકલન : રા. પંચોળી}

“વિશ્વશાંતિની ગુરુકિલ્લી” ઈ-પુસ્તક મૂળ પુસ્તકની જેમ જ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા અપાયેલા ચાર અદભુત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. શ્રી મોહનભાઈ દાંડીકર અને શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા સંપાદિત આ પુસ્તક બાળવિજ્ઞાન અને શિક્ષણની દિવાદાંડી છે. પ્રસ્તુત વ્યાખ્યાનો શ્રી દર્શકની એક નિખાલસ અને સ્પષ્ટવક્તા તરીકેની છાપને સુદ્રઢ કરે છે તો તેમના બાળશિક્ષણ અને યુવાસશક્તિકરણ વિશેના વિચારો પોતાનામાં જ સ્વયંસ્પષ્ટ રીતે જરૂરી દિશાનિર્દેશો કરે છે. પ્રસ્તુત પુસ્તક અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાના કૉપીરાઈટ્સ આપવા બદલ શ્રી રામચંદ્ર પંચોલીનો ખૂબ ખૂબ આભાર.

ઈ-પુસ્તક સ્વરૂપે “વિશ્વશાંતિની ગુરુકિલ્લી” પ્રસ્તુત કરતા હર્ષ થાય છે અને નિઃશુલ્ક ડાઊનલોડ માટે તે અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે. શિષ્ટવાંચન પીરસતાં આવાં જ પુસ્તકો ગુજરાતી વેબવિશ્વની આગવી જરૂરત છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઈ-પુસ્તક ડાઊનલોડ)