શૈશવથી શબ્દ સુધી.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક 20


પીળું કપડું પાથરી, કંકુના છાંટા કરી, ગોળધાણાની સાથે શીરો ધરાવી, જમણા હાથે નાડાછડી બાંધી, કપાળે ચાંલ્લો કરીને કદાચ પહેલી વાર બંદાને શાળાએ મૂકવા પપ્પા સ્કુટર પર આવ્યા હશે. શાળામાં પગ મૂકતાં જ હસતા હોઇશું કે રડતા એ તો ઇશ્વર જાણે, પણ એક ગજબની લાગણી જન્મી હશે, જે આજેય અકબંધ છે. આજેય શાળાની બહારથી પસાર થતા “મારી સ્કુલ” શબ્દો નીકળી જ જાય છે. બાલમંદિર, પહેલા કે બીજામાં પડતાં આખડતાં અને ગરબડ ગોટાળા કરતા જીવનનો એકડો ઘૂંટતા શીખ્યા. રોજ રોજ એક જ રંગનો યુનિફોર્મ પહેરવાની ફરજ એકબીજામાં સમાનતા અને ભાઈચારાની ભાવના પ્રગટાવવા હતી એની જાણ કેટલાય ઉંમરથી મોટા થઇ ગયેલાઓને આજેય કદાચ નહી હોય.

“કર્મણ્યેવાધિકારસ્તે” નો સિદ્ધાંત ન જાણતા આપણે વિદ્યાના (એ નામની વનસ્પતિના) પાંદડાને નોટબુકના બે પાનાંની વચ્ચે મૂકીને A ગ્રેડની રાહ જોતા એ યાદ કરીને ચહેરો મલકી જાય છે નહીં?

સવારથી લાવેલા અને સાથે બેસીને ખાધેલા એ નાનકડા નાસ્તાના ડબ્બામાં રહેલા સેવમમરા જેવો સ્વાદ આજે ફાઈવસ્ટારના થ્રી કોર્સ લંચમાં શોધવા જઈએ તોય જડતો નથી. અનેક નાસ્તાના ડબ્બાઓ ભેગા થઈને એક અજબનો શંભુમેળો રચતાં, વિવિધતામાં એકતાનો સાચો સિદ્ધાંત ત્યારે કોઈ પણ ફીલસૂફી વગર તદ્દન પ્રેક્ટિકલ રીતે સાચો થતો. અને આજે.. !

આજના સમયમાં, ‘હાયજીનીક સેન્સ’માં જીવવાની જાતને ટેવ પાડતા આપણને નાનપણમાં વાગતું અને મોંનું થુંક તેના પર લગાડીને મુઠ્ઠી માટી તેના પર ચોપડી દેતા અને પાછું એ મટી પણ જતું, એ માન્યામાં નથી આવતું ને! નાના મોટા ઘા ને તો ગણકારતાંય નહીં અને સાઈકલ ચલાવતા કે ગિલ્લી દંડા રમતા વાગેલા ‘ઘા’ તો એની મેળે રુઝાઈને ખરી જતાં, આજે એક છીંક આવે તો પણ ડૉક્ટરને ‘વાઈરલ ઈન્ફેક્શન થયું લાગે છે’ કહેતાં આપણે ત્યારે કેટલાં ‘અનહાયજીનીક’ હતાં ! તોય આજ કરતા ત્યારે શરીરમાં વધુ સ્ફૂર્તિ રહેતી, અને મનમાં અજબનો ઉત્સાહ. ફાટેલ ચડ્ડી અને ડાઘા પડેલ શર્ટ આપણને અજબના ‘કમ્ફર્ટેબલ’ લાગતાં, આજે સૂટ બૂટ અને ફોર્મલ્સ પણ જે સુખ નથી આપી શક્તા એ સુખ ત્યારે ચડ્ડી શર્ટ આપતાં, કદાચ સુખ વસ્ત્રોમાં નહીં વસતું હોય, હાયજીનીક સેન્સમાં નહીં વસતું હોય… કોને ખબર !

એ શૈશવમાં ખાધેલ માર પાછળ છુપાયેલી સદભાવનાનો હવે થયેલો અહેસાસ હશે કે પછી એમના જ સિંચેલા સંસ્કાર – આજે પણ સામે મળેલા શાળાના શિક્ષકોને જોઇ, રસ્તાની વચ્ચે પણ તેમની પાસે દોડી જઈને તરત જ તેમને પગે લાગીએ છીએ, ચહેરા પર એક અનોખો ઉત્સાહ અને આનંદ છવાઈ જાય છે. આપણી અત્યારની ઉપલબ્ધીઓ, મોભો અને સંપત્તિ – એ બધુંય ક્ષણભરમાં ખસી જાય છે. અને આપણને જીવનમાં આગળ વધેલા જોઇને જયારે તેમની આંખો હર્ષથી ભીની થઇ જાય ત્યારે એ જ શિક્ષકની આપણે પાડેલી “પોપટ” કે એવી જ અન્ય ખીજ યાદ કરીને કયારેક પોતાના પર પણ આપણને ધિક્કાર થતો અનુભવાયો છે, નહીં ? આપણાં જીવન ઘડતરમાં પાયાની ઈંટો ગોઠવનાર એ શિક્ષકના વર્ગમાંનો સમય જીવવાનું મન આજે પણ થાય, ખરું ને?

એક હાથમા સાઇકલનુ હેન્ડલ અને બીજા હાથેથી, પાસેથી પસાર થતા ટ્રેકટર કે ટ્રકની સાંકળ પકડીને પેન્ડલ મારવાના થાકમાંથી બચવાના પ્રયત્નો કરવાના અને પાછા એ વાત પર મિત્રો સામે “સીન” મારવાનું યાદ આવતા રોમાંચ તો થાય જ છે પણ એ વખતે હાથ છૂટી ગયો હોત તો ? જેવી કલ્પનાથી હવે ધ્રુજારી પણ છૂટી જાય છે. પણ ત્યારની તો વાત જ કાંઈક અનોખી હશે, એ ઉત્સાહ અને ઉમંગની વચ્ચે લીધેલું જોખમ માતા પિતાના જીવ અધ્ધર કરી દેતું એ વાતનો અહેસાસ આજે સ્વયં માતા પિતા બન્યા પછી જ સમજાય છે.

બાળપણમાં કોઇપણ વ્યક્તિના લગ્નનાં વરઘોડામાં મન મૂકીને નાચી શકતા આપણને આજે કોઇ જાણીતાના લગ્નમાં હાથ પકડીને પણ ખેંચવામા આવે ત્યારે સાલ્લુ પેલું સ્ટેટસ નામનું આપણને વળગેલ ભૂત રોડ ઉપર ધૂણવા દેતું નથી. સમયે આપણને આપણા બાળપણથી જ દૂર કરી દીધાં હોય એવું નથી અનુભવાતું?

નિતાંતને નિરાંતમાં અનુભવવાનું સિદ્ધો કહી ગયા છે, પણ કદાચ કોઇપણ જાતના સ્વાર્થ વગર બસ ઢોળાતા રહેતા એ શૈશવમાં પરમાત્માને શોધવો નહોતો પડતો. આજે એરકન્ડિશન બેડરૂમમાં આળોટીને ઉંધ બોલાવવા મથતા આપણે શાળાથી ઘરે આવીને આખો દિવસ ખૂબ રમતાં, સાંજ પડે મમ્મી હાથ પકડીને ઘરે લઈ જતી, કપડાં બદલાવતી ને હાથ પગ ધોવડાવતી, જમતાં ન જમતાં અને ત્યાં તો આંખો એવી મીંચાતી કે સ્વપ્નોને પણ થતું કે આજે રહેવા દઈએ, આ સંતોષની નિંદરમાં દખલ નથી કરવી.

આજે કદાચ સદભાગ્ય મળ્યું કે શબ્દોથી વળી પાછા પેલા શૈશવ સુધી પહોંચી શકાયું, બે ઘડીમાંતો વીતેલા કંઇ કેટલાય સંસ્મરણોને અનુભવવા મળ્યું. કદાચ આ વાંચી શૈશવની કોઈ મીઠી યાદ તમને પણ આવી જાય તો જીવેલા એ શૈશવનો જન્મારો સફળ….

– હાર્દિક યાજ્ઞિક

આપણું પોતાનું કહી શકાય એવું અત્યારે શું છે? તમે કહેશો ઘર, ઘરમાં ટીવી, ફ્રિજ, એ.સી, ગાડી, બેંક બેલેન્સ, ઘરેણાં…. પણ શું એ ખરેખર તમારું છે? યાદ અને એમાંય શૈશવની યાદથી વધુ આહ્લાદક આપણું શું હોઈ શકે? હાર્દિકભાઈ યાજ્ઞિક આજે દરેકનાં હકીકતમાં પોતાનાં એવા ‘સંસ્મરણો’ લઈને આવ્યા છે. જાણે બાળપણની એક ‘ટાઈમ મશીન’ નાનકડી સફર. હાર્દિકભાઈએ આ લેખ વર્ષો પહેલા લખ્યો હતો, તો શૈશવને શબ્દોમાં મઢવાનો તેમનો પ્રયાસ માણીએ. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “શૈશવથી શબ્દ સુધી.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક