પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧) 3


૧. ફૂલ જશે કરમાઈ શ્યામ.. – હરીન્દ્ર દવે

ફૂલ જશે કરમાઈ, શ્યામ,
લ્યો મોરપિચ્છ નિત તાજું.
નીલ રંગમાં સોનેરી મુજ
વર્ણ જોઈ નહીં લાજું.

મધુર મુરલીનો સૂર
લઈને ફૂલ ગૂંથાતો કેશે,
ક્વચિત તમારું રૂપ
મને આલિંગે પરિમલ-વેશે.

યમુનાને જળ બોળી અંગુલિ
નયન મહીં હું આંજું… ફૂલ જશે.

કદી ઝૂકતા ગગન મહીં
ને કદી ધેનુની આંખે,
કદીક તમારું રૂપ નિહાળ્યું
પંખીની બે પાંખે.

ચોખ્ખો હો અણસાર એટલે
સ્મરણ સ્મરણને માંજું… ફૂલ જશે.

૨. મોરલીવાળો – મકરન્દ દવે

મને આજ સાંભરે વ્હાલો
મારો મીત મોરલીવાળો.

શામળી કાઠી, શીતળા-છાંટી
ઘૂઘરિયાળા કેશ;
નમણાં દેહમાં દીપતા રૂડા
ઘેર ઘૂમરિયા વેશ.. મને.

ગામને ગોંદરે ગંગાજળિયો
ઝાડવે ઢબૂરેલ;
મોરલી તાને જાય મલપતી
પનિયારીની હેલ.. મને.

ડુંગર ઢાળું ધણ આઢે ને
પાછલી રાતનો ચંદ;
સેજમાં શીળી ભાત પડે ત્યાં
રમતા આવે છંદ.. મને.

સાંજ સવારે, ગામ કે સીમે
મનના મણિધર;
સૂરને સગડે જાય દોડ્યા ભાઈ !
ભાન ભૂલ્યા ભીતર.. મારો.

શે’રના સેંથક રાગ સૂણું ત્યાં
તોડતું બધા બંધ;
મન મારું લઈ ખડિયો ખભે
પહાડનો લેતું પંથ.. મને.

૩. હજી કેમ ના’વ્યા – મૂળદાસ

હજી કેમ ના’વ્યા મારો નાથ
આશા અમને દૈને રે!

ગિરધારી ગિયા છે ગોપાળ
અંતરની અમુંને કૈને રે

શોકલડી તણો સંતાપ
કે’જો રે મોરી સઈને રે.

અબોલે ગિયો છે મારો નાથ,
આંયાં રે ભેળા રૈને રે.

જોઉં હું વાલીડા તારી વાટ
વેરાગણ થૈને રે.

વન વન ફરું હું ઉદાસ
હાથે જંતર લૈને રે.

જીવીએ જુગના ઓધાર,
તમું શરણે રૈને રે.

મેલીને જાજો માં મા’રાજ
જાજો ભેળા લૈને રે.

સંદેશા લખું મારા શ્યામ
જાજો કોઈ લૈને રે.

મૂળદાસ કહે છે મા’રાજ,
રે’શું રે દાસી થૈ ને રે.

૪. સંદેશો – સંત દેવિદાસ

કે’જો સંદેશો ઓધા કાનને રે
તમે છો માયલા ઓધાર રે.- કેજો.

રળું પાલટીયું વન કોળિયાં રે
બોલે બાપૈયા ઝીણા મોર રે
પિયુ પિયુ શબ્દ સુણાવતાં
હૈયું રિયલ નૈ મારું ઠોર રે.- કેજો.

આપે કાળા ને વળી કૂબજા રે
જોતાં મળી છે એને જોડ રે
તાળી દૈને તરછોડિયાં રે
તુંને ઘટે નૈ રણછોડ રે.- કેજો.

આવું જાણું તો જાવા દેત નૈ
રાખત ગોકુળિયા મોજાર રે
મુવલને નવ મારી રે
મોહન મનથી વિચાર રે.- કેજો.

એટલી અરજ વ્રજ-નારની
વાંચીને કરજો વિચાર રે.
દરશન દેજો દેજો દેવિદાસને
હરિવર રે’જો પાસ રે.- કેજો.

૫. કાનુડાને કોઈ સમજાવો રે.. – મીરાબાઈ

ઓધાજી ! કાનુડાને કોઈ સમજાવો રે
એક વાર ગોકુળમાં આવો !

મેં જાણ્યું રે કાનો જનમસંગાથી રે
ઓધાજી ! પ્રીતું કરીને પછતાણાં રે.- એક વાર.

એક દીને સમે કામ પડશે અમારું રે
અણવાણે પાર્યે અથડાશો રે.- એક વાર.

હૈડાનાં દઃખડાં વાલા હૈડે સમાણાં રે
દજડેં સુકાણી મોરી દેવું રે.- એક વાર.

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા
ઓધાજી ! ધુતારાને કોઈ સમજાવો રે.- એક વાર.

  • મીરાંબાઈ

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે…


Leave a Reply to ASHVIN DESAICancel reply

3 thoughts on “પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧)