મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા 11


આવશે જરૂર વ્હાલમ લઈને ઉલ્લાસ મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ.
ઓસરીની પગથારે ચિતરી લીલાશ મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ.

ખરબચડા અંદેશા ઘૂંટી ઘૂંટીને મેં તો કીધા છે સાવ રે સુંવાળા,
દોમ દોમ તડકાને હળવેથી પંપાળી, ટાઢા કરે છે ગરમાળા,
છલકાતી આતુરતા આંજી મેં આંખમાં ને સંગોપી દીધી ભીનાશ.. મેં તો ખુલ્લાં મૂક્યાં…

બારસાખ મોભ સાથે વાતું કરે છે, એવો રેશમી અહેસાસ મને થાતો,
બારી કે નળિયા પર બેસીને કાગડો, ગમતીલા વાવડ દઈ જાતો,
રણઝણતી ઝાંઝરીયે ગાતી સંભળાય છે, ને મહોર્યા છે ગુલમ્હોરી શ્વાસ.. મેં તો ખુલ્લાં મૂક્યાં…

– પ્રતિમા પંડ્યા

જેમના બે સંગ્રહો, અનુક્રમે કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસું ‘(ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ) અને ‘ઝાકળનું સરનામું’ (લઘુકાવ્યોનો સંગ્રહ) પ્રસિદ્ધ થયા છે તેવા કવયિત્રી પ્રતિમાબેન પંડ્યા એક ઋજુહ્રદય રચનાકાર છે. પ્રસ્તુત રચના ‘ખુલ્લાં મૂક્યાં છે કમાડ…’ આતુરતા, વ્હાલભીની લાગણી, આગમનની પ્રતીક્ષા અને ઉલ્લાસને સુપેરે વ્યક્ત કરતાં તેઓ કુદરતને અને ઘરને પણ એ લાગણીમાં એકાકાર થયેલાં અનુભવે છે. આવનારની રાહમાં ફક્ત ઘરનાં કમાડ નહીં પરંતુ હૈયાના દ્વાર પણ તેમણે ઉઘાડાં રાખ્યાં છે. ઉર્મિશીલ હ્રદયને ઝાંઝરી પણ ગાતી સંભળાય છે અને શ્વાસમાં પણ ગુલમ્હોર અનુભવાય છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.

બિલિપત્ર

‘શું હશે એ દેશનું ભાવિ કહો જ્યાં બાળકો
ટાઈ, દફતર, ટ્યુશનોમાં ખોઈ બેઠા બાળપણ’

– પ્રતિમા પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા