માંદો પડ્યો તે મહાસુખ માણે.. – રમેશભાઈ ચાંપાનેરી 16


કામના સ્થળે ગુલ્લી મારવી હોય તો માંદગીનું બહાનું એટલે રામબાણ શસ્ત્ર, જે પેઢી દર પેઢીથી આપણને વારસામાં મળેલું છે. વિશ્વની ૧૦૦૮મી પેઢીના પરદાદા પણ આ જ કરતાં. એનાથી ભલભલા ધારેલા કામ ચોપટ હોય તો ઉભાં થઇ જાય. સત્યાગ્રહી બનવા જઈએ તો, મેળ જ ન પડે. આ તો એનાથી પણ ધારદાર અહિંસક શસ્ત્ર. બીજું કે, ૮૦ કિલોના પાવરપેક શરીરમાં ૧૯૯૯ રોગ પૈકી શું આપણને સમ ખાવાનો એક રોગ ના હોય…? તમને કયા રોગે ક્યાં ઉથલો માર્યો છે, એવું સામે વાળો ક્યાં પૂછવાનો છે? અને પૂછે તો પણ શું? આપણને જેમ રોગની અસર થતી નથી, તેમ એની પૂછણ પણ બિન અસરકારક જ રહેવાની. પછી ફેંકવામાં જાય છે શું? આખેઆખી ધરતી ઉપર એવો તો કોઈ જવલ્લેજ હશે કે, જેણે આ શસ્ત્રનો પાવરપેક ઉપયોગ ના કર્યો હોય. પાછી એમાં ખૂબી એ વાતની છે કે ઉંમરનો બાધ લાગતો નથી. બરાબર નિશાળે જવાના ટાઈમે આપણું ટાબેરીયું એમ કહે કે ‘મમ્મી, મને પેટમાં દુઃખે છે’, તો માની લેવું કે, આપણા ખાનદાની ગુણ એનામાં આવી ગયા છે. એ એમને એમ આવે…? કુવામાં હોય, તો જ હવાડામાં જાય ને બોસ….? બીજું કે પરણ્યા પછી પણ જેનામાં આવાં ગુણોનો ભંડાર ના હોય, તેમણે તો સંસારના લફરાંમાં પડીને સંસારી સાધુ થવાની જરૂર જ નહી. એમાં બાવાના બેઉ બગડે! જેનામાં સોળે કળાયે આ ગુણ ખીલેલા હોય, એમણે જ લગ્ન જેવા પવિત્ર સાહસમાં પડવું જોઈએ. ધારો કે પત્ની મહિલા સશક્તિકરણની મીટીંગમાં ગઈ હોવાથી, આજે છોકરાનું બેબી સીટીંગ તમારે કરવાનું છે, અને વાસણ અજવાળવાનો કાયદેસરનો વારો પણ આજે તમારો છે. પણ મર્દ માણસથી બોસને આપણી આવી નબળાઈ થોડી કહેવાય? એટલે બોસને તમારે એવું જ કહેવું પડે કે મારી પોતાની દાઢ દુઃખે છે. એટલે નોકરીએ અવાશે નહિ. અને ખરેખર તમારી દાઢમાં તમારી ઘરવાળી છે, એ માત્ર તમે જ જાણો છો.

માંદગી તો અતિથી છે બોસ! એ આવે તો એકલી પણ આવે નહિ તો ફેમીલી સાથે પણ આવે. પાડોશીના ઘરમાં દરરોજ દાળનો વઘાર જ આવે એવું નક્કી નહિ, ક્યારેક કણસવાનો અવાજ પણ આવે. એ વેળા આપણી ફરજ બને છે કે આપણે એમની ખબર લેવા જવું જોઈએ. ‘જો કે, આમ તો ‘ખબર લેવા જવું જોઈએ’, એમ જ બોલાય,. પણ સાચું પૂછો તો સરસ લાગ મળ્યો છે એમ માની આપણે એમની ખબર લઇ નાંખવા જ જતાં હોઈએ! આ રીતે…. ‘કેમ…? બહુ કહેતા હતા ને કે આપણને તો નખમાં રોગ નથી, કંઈ નહિ થાય, તો હવે….?’

અચાનક હાર્ટનો એટેક આવ્યો.

ચાલો, એ બહાને જાણવા તો મળ્યું કે, તમારે હૃદય છે! કેટલામો? પહેલો કે બીજો…..?

બીજો.

અચ્છા, તો હવે એક બાકી રહ્યો. આ બીડી-ફીડી બંધ કરો હવે….!!

બીડી તો ભાઈ આજે બે મહિનાથી બંધ કરી દીધેલી.

એમ….? તો પછી આ શાનું બોકસ છે…?

એ તો સિગરેટ છે, કંઇક તો પીવા જોઈએ ને…..?

એટલે, બીડી છોડી ને સિગારેટને ચોંટયા…? કોઈના સારા કામ કરો, તો માંદગીની શું તાકાત કે આપણું સરનામું લઈને ઘરમાં ઘૂસે! એ તો સારું છે કે કેન્સરના લફરાં નથી, નહિ તો તમે આખેઆખા ઘરને ચકરાવે ચઢાવી દીધું હોત. જો કે, આ એટેક પણ બહુ સારો તો નહિ જ. ક્યારે ફટાકો ફૂટી જાય એનું કાંઈ કહેવાય નહિ. એટલે સગા-વ્હાલાને કહી રાખવું સારું. બાજુવાળા ચંપકભાઈને તો એક જ એટેક આવેલો અને ત્રણ જ દિવસમાં લાકડા ભેગો થયેલો. ચાલ ત્યારે દવા-દારુ બરાબર કાળજી રાખીને લેજે.

બંને ચાલુ જ છે……!!!

આપણે જાણીએ છીએ કે, આપણે માત્ર વ્યવહારિક રીતે જ ખબર લેવાની છે. છતાં જાણે લાગમાં આવ્યો છે, એમ માની આપણો એક પણ દાવ ચૂકતા નથી અને એ વેળા પેલાને એવું તો ખુન્નસ ચઢે કે સાલાને નળી સાથે આ ગ્લુકોઝનો બાટલો માથામાં મારી દઉં. પણ….. પેલો મારતો નથી. એ જાણે છે કે સિંહ માંદો હોય તો સસલા પણ કાન આમળી જાય!

જે લોકો માંદગીનું હસતાં-હસતાં સ્વાગત કરે છે, એ બુદ્ધિમાન છે. કારણ એ લોકો જાણે છે કે, ડોક્ટરનું લાંબુ લચક બીલ આવે ત્યારે રડવાનું જ છે. જ્યારે કેટલાક તો જાણે માંદગી એની ગર્લફ્રેન્ડ હોય, અને પત્નીની હાજરીમાં વળગી પડવાની હોય, એમ બીતાં-બીતાં જીવતા હોય છે. છતાં અમસ્તો કોલર ચઢાવતાં પાછાં ફેંક મારતા કહેતાં હોય કે આપણે આવી બીમારીથી ગભરાતા નથી. આવી એક બીમારી તો વરસો પહેલા મારા સસરાએ ગળે વળગાવેલી તે લઈને હજુ ફરું છું. હવે તમે જ કહો, પત્નીને બીમારી માનનારા ઘરમાં શોભે? એવાં ખૂંટા હોસ્પીટલમાં જ સારા લાગે કે નહિં? પણ આપણો આ સાજન હોસ્પીટલમાં પણ સખણો નહિ રહે. ધોળું લૂગડું જોયું નથી કે ચશ્માં ચઢાવ્યા નથી. એમાં કેટલાક તો હોસ્પિટલને ફાઈવસ્ટાર હોટલ માનીને રહેતાં મેં જોયા છે. બંદા…. જે માંગે તે હાજરાહજૂર થઇ જાય. ઘરમાં તો ચાર વાગ્યેની ચા માંગી હોય તો સાત વાગ્યે પણ નહી આવે. જ્યારે અહીં તો પત્ની કાલાવાલા કરે, “થોડોક ચા સાથે નાસ્તો કરી લો, શરીરમાં તાકાત આવશે.” આવું પત્નીના મોંઢે સાંભળવા મળે ત્યારે તો એને ખુદને શંકા જાય કે, ખરેખર આ એની જ વાઈફ છે?

પરણ્યાના પહેલા વર્ષમાં ચંદ્રમુખી લાગતી પત્ની, બેચાર વર્ષ પછી સુર્યમુખી, જ્વાળામુખી અને કાળમુખી ભલે લાગતી હોય, એ જ પત્ની, હોસ્પીટલમાં દાખલ થઈએ ત્યારે “તું હી દાતા તું હી વિધાતા” લાગવા માંડે. જેને પત્ની પૂંઠા જેવી લાગતી હોય, એને માંદા પડીએ ત્યારે મુલાયમ કાગળ જેવી લાગવા માંડે. આને કહેવાય આ પ્રકૃતિ અને સંજોગોનો પ્રભાવ. યુ વૉન્ટ બિલીવ, પણ જે કામ ભાગવત સપ્તાહ ના કરી શકે એવું બ્રહ્મજ્ઞાન હોસ્પીટલમાં દાખલ ત્યારે આપોઆપ લાધે. કર્યા વિના જેની સાથે ઝગડો કર્યા વિના એક દિવસ ગયો ના હોય એ લલ્લુ…… સોઈવાળા હાથે પત્નીનો હાથ પકડીને આંસુ ભીના અવાજમાં એની પત્નીને કહે, “આજે તારા વિના મારું કોણ છે? ખરેખર, નરસિંહ મહેતાએ સાચે જ કહ્યું છે કે,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીમતિ
જૂજવે રૂપે અનંત ભાસે…

અને આ સાંભળીને પેલીનું જબદસ્ત છટકે. બે-ઘડી તો એને એમ જ થાય કે લાવ એની ઓક્સિજનની નળી ઉપર પગ મૂકી દઉં. જુઓ ગમે તેમ લવારા નહિ કરો. નરસિંહ મહેતાએ “એક તું શ્રીમતિ” નહિ, “એક તું શ્રી હરિ” એમ કીધેલું…..!!

પણ ભારતની આર્યનારી પતિને પરમેશ્વર માનતી હોવાથી એ ઓક્સીજન બંધ નથી કરતી, પણ જરૂર પડે ત્યારે ઓક્સીજન આપીને પતિને જીવાડે છે! અને એટલે જ પત્નીની ખરી કસોટી પતિ માંદો પડે ત્યારે થાય છે. જાણે ઘરનું છોકરું બોર્ડની પરીક્ષા ના આપતું હોય.

અને, તેમાં ખબર લેવા આવનારના ચહેરા જોજો. એ ભલે મીઠું-મીઠું બોલતા હોય, પણ એના ચહેરા વાંચો તો જાણે એવું કહેતા હોય કે માંડ હાથમાં આવ્યો છે તો, જીવતો છોડતા નહિં. કેટલાક તો અમસ્તા જ આંટા મારતા હોય. જો ખબર લેવા આવનાર માટે ચાર્જ રાખ્યો હોય તો પેલાની માંદગીનો ખર્ચ નીકળી જાય. જાણે કે આતંકવાદી ને હોસ્પીટલમાં દાખલ ન કર્યો હોય એમ ટોળાની સંખ્યા ઘટે જ નહિં, જ્યારે કેટલાક તો ‘નેલ્શન મંડેલા’ ની કે ‘અટલ બિહારી બાજપાઈ’ ની ખબર લેવા આવતા હોય એમ પાછા ખાલી હાથે તો આવે જ નહિ. ઝભલા થેલી લઈને જ આવે. જેમાં મોસંબી-સફરજન-આલુ-કીવી-તરોપા જોઇને તો બે-ઘડી આપણને પણ એમ થાય કે, પ્રભુ…. આપણને આવી ઉજળી તક કેમ નથી આપતો? એમાં બે-ચાર તો ચીમળાયેલા ચીકુ પણ હોય. પાછો લલ્લુ……. આ બધાં ફ્રુટને હોસ્પીટલમાં એવી રીતે ગોઠવે કે, જાણે હોસ્પીટલમાં ફ્રૂટનું એક્ઝીબીશન છે, એમાં ખરી હ્યુમર તો ત્યારે આવે કે, કોઈ લુખેશ છૈયા-છોકરાં સાથે એની ખબર લેવા આવ્યો હોય, અને પેલા ટબેરીયા જયારે ફ્રુટ ઉપર તૂટી પડે, એ સીન જોઇને પેલા લલ્લુની હાલત તો એવી થઇ જાય કે જાણે કોઈએ એની ઓક્સિજનની નળી ના કાઢી નાંખી હોય. એ વેળા એનો બાપ પાછો ખાનદાની અવાજમાં કહેતો હોય, “બેટા… વેરી બેડ… વેરી બેડ…! શું પોલીસના છોકરાની જેમ તૂટી પડ્યા? જાણું છું કે, બાળકો પ્રભુના અવતાર છે, પણ પ્રભુ થઈને આ રીતે તૂટી પડવાનું? ચાલો લેવા જ બેઠા છો તો એકેક સફરજન લઇ લો. કેળા જોઈએ તો બબ્બે લઇ લો. પછી અંકલ શું ખાશે? આ કેળાની છાલ અંકલની પથારી પર કોણે મૂકી? સાલા સાવ સરકારી છે. ગાંધીજીએ શું કહેલું ? જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાંજ પાછી મૂકવાની. સમજ્યા? મૂકો અંકલની થેલીમાં!

કોઈપણ માણસના ઓરિજનલ સ્વભાવને જાણવો હોય ને, તો એ માંદો પડે એની રાહ જોવી. એની માંદગી એ એના સ્વભાવની બ્લ્યુ પ્રિન્ટ છે. આપણે આખી જીંદગીમાં કયા ડોક્ટર પાસે કેટલીવાર ગયા, એમ માથું ખજવાળવું પડે. કારણ આપણો સ્વભાવ છે કે આપણને શરીર કરતાં બહાર ફાંફા મારવામાં ફાવટ વધારે હોય. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે કે નહિ, સંજય દત જેલમાં શું કરતો હશે….. રાહુલ ગાંધીની સાસુ કોણ બનશે, એ બધાના ઇતિહાસમાં શરીરની ભૂગોળ ભૂલી જવાય એ સ્વાભાવિક છે.
ખૂબીની વાત બીજી એ છે કે હોસ્પીટલમાં પ્રત્યેક દર્દીનો પાડોશી સહનશીલ-પરોપકારી અને સમાજવાદી હોય છે. એટલા માટે કે એ પોતાનું દુઃખ તો સહન કરે સાથે પડોશના દર્દીનું દુખ પણ સહન કરે. આપણે ભલે વેતાળ જેવાં લાગીએ, પણ આપણા માટે એ પરોપકારી વિક્રમાદિત્ય હોય. આપણા ઘરના સ્થાવર પાડોશી કરતાં હોસ્પીટલનો આ પડોશી આપણને અનેક દરજ્જે સારો લાગે. કારણ એ લોકો પોતાની દવા ઘટી જાય તો, પાડોશીની દવા ઉછીની માંગતા નથી. એટલું જ નહિ, આપણી માંદગી બદલ ભેટમાં આવેલા ફળો ઉપર પણ દાનત બગાડતા નથી. હું તો કહું છું કે, એ લોકો આપણી એટલી કાળજી લે છે કે, બે ઘડી આપણને જ થાય કે, આપણો બાજુવાળો પ્લોટ ખાલી છે, તો એમને ભેટ આપી આપણો પાડોશી બનાવી દઈએ. અને આપણા વરદી વગરના સ્થાવર પડોશીથી હાશ થઈએ!

આટલી વાત પછી, મારે એટલું જ જાણવું છે કે, ઓછામાં ઓછા ચાર-પાંચ રોગ વારસામાં અને બે-ચાર આપણે ઉભાં કર્યા હોય, તો જિંદગી ભરેલી-ભરેલી લાગે કે ના લાગે. આપણે જાતે માંદા પડીએ તો જ ખબર પડે કે, બીજાને આપણી વેલ્યુ કેટલી છે? રોજ આપણી ચા ઢીંચીને જતો હોય, અને માંદા પડ્યા તો બે સફરજન લઈને તો ના આવે, આપણું સફરજન ખાઈ જાય, એનો એકાઉન્ટ ક્લોઝ કરવાની આપણને સમઝ પડે. સંબંધોના સરવૈયા જોવા માટે પણ બે ચાર વાર માંદા તો પડવું જ જોઈએ. કારણ, આપણી માંદગી ઉપર તો કેટલાય લોકોના રસોડા ચાલતાં હોય છે.

(સંપૂર્ણ) ૧૬-૭-૧૩

– રમેશ ચાંપાનેરી ‘રસમંજન’

જેમ ચોમાસુ એટલે વરસાદમાં તરબોળ થવાની અને એને માણવાની મૌસમ, એમ જ ચોમાસું એટલે અનેકવિધ બીમારીઓ અને અસુખનો પણ સમય. માંદગીના સમયમાં અનેક અસુખ ભોગવતા બીમાર વ્યક્તિને પણ કેટલીક વાતોએ એ માંદગીને લઈને સુખ હોય હે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરતો પ્રસ્તુત હાસ્યલેખ શ્રી રમેશભાઈ ચાંપાનેરીએ અક્ષરનાદને પાઠવ્યો છે. માંદગી પણ કેટલાક સુખ આપી શકે એવી વાત પ્રસ્તુત કરતો આ લેખ વાંચીને સહજ મરકી જવાય. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “માંદો પડ્યો તે મહાસુખ માણે.. – રમેશભાઈ ચાંપાનેરી

  • જયેન્દ્ર પંડ્યા

    માંદો પડ્યો તે મહાસુખ પામે……રેમેશભાઈ ચાંપાનેરીએ સરસ મજાની હાસ્ય રચના લખીને આનંદ આપ્યો તે માટે ધન્યવાદ. આ મોસમમાં માં એકાદ વાર તો નાની સુની માંદગીને લઇ ઘરે રહેવાનું થાય ત્યારે આવી નાની રચના નો સ્વાદ કાંઇક અલગ લાગે. રોજીંદા જીવનમાં જે ઘટે અને તેમાંથી હાસ્યાસ્પદ સંવાદ ને ઉપાડી લેવો તે આ રચનાની વિશેષતા છે.
    ફરી એક વાર અક્ષરનાદ અને રમેશભાઈ ને ધન્યવાદ.

  • ashvindesai

    રમેશ્ભઐ ચામ્પાનેરિ સમયોચિત – સુન્દર હાસ્યલેખ લૈ આવ્યા . એમનિ શૈલિ જ્યોતિન્દ્ર દવે સાહેબનિ યાદ અપાવે ચ્હે . એમનુ નિરિક્ષન બારિક અને કતાક્ષ ધારદાર ચ્હે . મઝા આવિ ગઈ . ધન્યવાદ .
    અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • virendra bhatt

    માનવસ્વભાવની સહજ પણ સહુને આનન્દ આપતી રજુઆત માટે રમેશભાઈને અભિનન્દન સાથે આભાર.

  • gajanand j. trivedi

    ખુબ સુન્દર્ .રમેશ્ ભૈ.અભિનન્દન અભિનન્દન અભિનન્દન્

  • Rajesh Vyas "JAM"

    પુજ્ય શ્રી જ્યોતિન્દ્ર દવે કહેતાં કે હું તો દરેક વાતમાં થી હાસ્ય શોધી લઊં એ રીતે શ્રી રમેશભાઈએ માંદગી માં પણ હાસ્ય પ્રગટ કરી ને માંદા પડવાની ઊતાવળ કરાવી દીધી.