બે લઘુકથાઓ.. – દુર્ગેશ ઓઝા 14


૧. અભિનય

‘નહિ….. દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરા રખડી પડશે…. સાહેબ, મારી ભૂલ થઇ ગઈ….’

‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિં” આ રીતે બોલવાનું છે ?’ દિગ્દર્શક શર્માસાહેબ બરાડી ઊઠ્યા. હા, તેનો ગુસ્સો અકારણ તો નહોતો જ… અસરરહિત ઉચ્ચારણ… ભાવશૂન્ય ચહેરો..! શર્માંસાહેબે રમણલાલ તરફ એક કરડી નજર ફેંકી, જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જ જવાબદાર હતા. હા, રમણલાલે જ મોટે ઉપાડે આ માણસની ભલામણ કરતા કહેલું કે, ‘માણસ ગરીબ છે, પણ છે ભારે હોશિયાર. એને તક આપવા જેવી છે. એનુંય કામ થઇ જશે ને તમારી ફિલ્મના છેલ્લા સીનનો “વટેય” પડી જશે.’

પણ એને બદલે આ તો માથે પડ્યો’તો ! સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશમાત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો. ‘આ રમણલાલે પણ ઠીક મને ભેખડે ભરાવ્યો…. ગરીબ પરંતુ કલાના ‘ખાં’ કહીને કોક લેભાગુને ઉપાડી લાવ્યા ! લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કારવ્યંઉ બધું ધૂળમાં જ મળી જાય ને ?’ શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા, શૂટિંગ કરનારાને પણ કશીક છાની સૂચના આપી પોતાનો નિર્ણય જાહેર કર્યો:

‘સોરી, યંગમેન, તમને ઘણી તક આપી. મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો… વચ્ચે બોલવાની કોશિશ ન કરો… પહેલાં મારી વાત પૂરી સાંભળી લો… એક વાક્ય પણ તમે બરાબર બોલી નથી શકતા. એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે… ને રમણલાલ, આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા’તા એ પાછા લઇ લેજો…’

‘નહિ……..! દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરા રખડી પડશે સાહેબ, મારી ભૂલ થઇ ગઈ…!’ પેલા કલાકારે દર્દભરી ચીસ નાખતા અપીલ કરી, ને દિગ્દર્શક સાહેબ ટહુકી ઊઠ્યા, ‘ઓ.કે. કટ…. વેલડન યંગમેન વેલડન.’

૨. દ્રષ્ટિ

‘છેલ્લા ત્રણ ત્રણ વરસથી તમે રાકેશને તમારે ત્યાં જ રહેવા-જમવાની સગવડ કરી આપી છે એ સારી વાત છે. પણ આ સમયગાળામાં લગભગ દરેક ચીજ-વસ્તુના ભાવમાં બે-ત્રણ ગણો વધારો થઇ ગયો છે. તમે રહ્યા ખરા કેદારનાથ… સાવ ભોળા, પાછા મનના સાવ મોળા. એટલે મારું કહેવું એમ છે કે તમે ઘરભાડું ભલે એનું એ જ રાખો, પણ જમવાના તમે જે માસિક રૂ. છસો લ્યો છો તેમાં સો-દોઢસો વધારો. ને આમ જુઓ તો આ વધારો જ ન કહેવાય, કારણ કે તમે પહેલેથી જ બીજા બધા કરતા ઓછા લીધા છે. હું જાણું છું કે રાકેશના બાપની લગભગ બાંધી આવક. સ્થિતિ સામાન્ય ને તમે રહ્યા લાખોના માલિક.. પણ થોડુંક તો વહેવારિક બનવું જોઇએ ! જો તમે કહી ન શકતા હો તો.. જો કે આ તમારો અંગત મામલો છે. મારાથી કાંઇ અજુગતું બોલાઇ ગયું હોય તો…’

‘ના જયંતભાઇ, તમારી વાત કદાચ ખોટી હોય તોય એમાં તમારી અમારા પ્રત્યે જે સાચી લાગણી દેખાય છે એ જ મોટી વાત છે. ને પહેલો સગો પાડોશી, શું સમજ્યા?’

સાંજે પતિ-પત્નીએ નિર્ણય લઇ લીધો. કેદારનાથે કહ્યું, ‘સરિતા, આ વાત રાકેશને નહીં ગમે. ને મને કહેવાનું ફાવશે નહીં. એટલે તું જ સીધેસીધું કહી દેજે.’

….બીજે દિવસે દલીલબાજીમાં રાકેશનો અવાજ ઊંચો લાગતા દોડી આવેલા પડોશી જયંતભાઇને રાકેશે કહ્યું, ‘સારું થયું તમે આવ્યા. આ બંનેને જરા સમજાવો ને ?’

‘સમજવાનું તારે છે; એમને નહીં. ને વડીલોની વાત કડવી લાગે તોય માનવી પડે, શું સમજ્યો ?’

‘પણ એ મોંઘવારી-વધારાનું બહાનું કાઢે છે ! એ નહીં ચાલે. હું એમની વાત કોઇ કાળે…..’

‘તને એમ કે આ બંને સીધાંસાદાં ને એકલા છે એમ ? મેં ઝાઝી દિવાળી જોઇ છે શું સમજ્યો ? કાં એમની વાત માન, કાં પછી…..?’

‘જયંતભાઇ તમે પણ !! જુઓ,સો વાતની એક વાત. હું જે આપતો’તો એ જ ભાડું આપીશ.’ કહી રાકેશ એ પછી જે બોલ્યો એ સાંભળી જયંતભાઇ વારાફરતી દંપતી તથા રાકેશ… એમ બંને સામે જોઇ રહ્યા; અહોભાવપૂર્વક. રાકેશ સો તો શું, એક રૂપિયો પણ ઓછો આપવા તૈયાર ન્હોતો.
પતિ-પત્નીએ વધતી મોંઘવારીને ધ્યાનમાં લઇ સો રૂપિયા ભાડું ઘટાડવાનો નિર્ણય લીધો હતો !

(અખંડ આનંદ, સપ્ટે ૨૦૧૦)
લેખક-દુર્ગેશ બી.ઓઝા
૧, જલારામનગર, નરસંગ ટેકરી, હીરો હોંન્ડા શો રૂમ પાછળ ડો.ગઢવીસાહેબની બાજુમાં, પોરબંદર 360575
મો. ૯૮૯૮૧૬૪૯૮૮ ઈ-મેઈલ – durgeshoza@yahoo.co.in


14 thoughts on “બે લઘુકથાઓ.. – દુર્ગેશ ઓઝા

  • Kalidas V. Patel { Vagosana }

    બહુ સરસ લઘુકથાઓ. મજા આવી ગઈ.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • durgesh oza

    વાંચકો. સહ્રદયી મિત્રોને મારી લઘુકથાઓ ગમે છે એનો આનંદ છે. જાણીતા-અજાણ્યા આપ સૌનો આભાર.ને હવે એ અજાણ્યા નથી. મારા આપણા પોતાના છે. અક્ષરનાદમાં સ્થાન-માન આપવા બદલ શ્રી જીજ્ઞેશભાઈનનો પણ ઋણસ્વીકાર..

  • M.D.Gandhi, U.S.A.

    લાંબા લપસીંદર અને લાંબા લાંબા અર્થહીન સંવાદોવાળી વાર્તાઓ કરતાં તો આવી નાની-ટુંકી વાર્તા વધારે અસરકારક વાત કહી જાયછે. બહુ સુંદર…….

  • harish thanki

    દુર્ગેશભાઈની લઘુકથા પરની માસ્ટરી સ્વયંસ્પષ્ટ છે. થોડામાં ઘણું કહી દેવાની, છતાં પણ ક્યાંય મુખર નહિ થઇ જવાની તેમની આવડત તેમને ગુજરાતના ઉત્તમ લેખકોની હરોળમાં બેસાડે છે. બન્ને વાર્તાઓ એકદમ સચોટ અને વેધક..અભિનંદન દુર્ગેશભાઈ…

  • Rajesh Vyas "JAM"

    બંને લઘુકથા માં બહુ મોટો સાર છુપાયેલો છે. દુર્ગેશભાઈ ધન્યવાદ.

  • ashvin desai

    ભઐ દુર્ગેશ ઓઝા આપના સિધ્ધહસ્ત લઘુકથાલેખક
    તરિકે એમનિ ચ્હાપાનિ કોલમથિ વિખ્યાત થયા ચ્હે
    એમનિ પાસે આ વાર્તા પ્રકાર માતે આગવિ હથોતિ ચ્હે
    અને એમનિ શૈલિ સરલ અને ધારદાર ચ્હે તેથિ એઓ
    ખુબ જ થોદા શબ્દોમા ધારિ અસર ઉપજાવિ શકે ચ્હે
    ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા .