ગોટમભાઈ વરસાદમાં.. (બાળવાર્તા) – મીનાક્ષી ચંદારાણા 4


ગોટમભાઈ એ જીદ પકડી, ‘હું તો જઈશ.’

મમ્મી કયે,’ના ગોટમભાઈ, હું તમને નહીં જવા દઉં…’

ગોટમ તો હાથપગ પછાડે, આળોટે… પણ મમ્મી તો મક્કમ. કોઈ રીતે એકની બે ન થાય.

બહાર કેવો સરસ મજાનો વરસાદ આવે છે! ગોટમભાઈના દોસ્તો સૂંઢમાં પાણી ભરીભરીને એકબીજા પર છાંટતા ગેલ કરે…. પણ મમ્મી તો ગોટમભાઈને મચક નથી આપતી!

‘યાદ છે ને, ગયા વર્ષે વરસાદમાં તમને ન્હાવા દીધા એટલે કેવી શરદી થઈ હતી! મારો તો જીવ જ ઊડી ગયો હતો, બાપ રે…! એક સો પાંચ ડીગ્રી તાવ..! અને પાછાં પોતાં મૂકીએ તો ઠંડી લાગવા માંડે, બોલો! ના….આ ફેરી તો નહીં જ જવા દઉં…’

ગોટમભાઈ તો ગુસ્સામાં જે હાથમાં આવ્યું તે ઉપાડીને ફેંકવા માંડ્યા ઘરની બહાર! ગોટમભાઈને તોફાને ચડેલા જોઈને મમ્મી તો દોડીને એક દોરડું લઈ આવી, અને ગોતમભાઈને એક મોટા વડના ઝાડ સાથે બાંધી દીધા..! ગોટમભાઈ તો દોરડેથી છૂટવા આમ મથ્યા બે તેમ મથ્યા. છેવટે રડ્યા, બહુ રડ્યા. અને છેવટે રડતાં રડતાં જ ઊંઘી ગયા!

આ બાજુ ગોટમભાઈને બાંધી દીધા પછી મમ્મીને પણ ક્યાંય ચેન નથી. ઘરમાં જઈને સાડીના છેડાથી વારેવારે આંસુ લુછ્યા કરે! ત્યાં તો ગોટમભાઈના પપ્પા ઑફિસેથી પલળતાં પલળતાં આવ્યા. એમની પાસે તો છત્રી હતી, તોયે એ તો પલળી ગયેલા! આવતાવેંત એ તો ચમક્યા! અરે, આ શું!? આપણા ગોટમભાઈને બાંધી કેમ રાખ્યા છે? અને આ ગોટમભાઈના મમ્મીની આંખો તો આંસુઓથી ચમકે છે ને કાંઈ!’

મમ્મીએ તો ગોટમભાઈના પપ્પાને માંડીને વાત કરી. પપ્પા કયે, ‘અરે…! એમાં શું? એનોય ઉપાય થશે. ચાલે હું જ ગોટમભાઈને ઉઠાડું, ઉઠાડીને સમજાવું. અરે ગોટમભાઈ! બહાર વરસાદ આવે છે. ન્હાવા નથી જવું કે શું?’ કહેતાં કહેતાં પપ્પાએ તો ગોટમભાઈને દોરડેથી છુટ્ટા કર્યા.

ગોટમભાઈ તો ઝટ દઈને બેઠા થઈ ગયા. ઘડીક મમ્મી સામે જુએ, તો ઘડીક પપ્પા સામે જુએ. ‘પણ પપ્પા, મમ્મી તો શરદીની બીકે ના પાડે છે…’ ગોટમભાઈ તો પપ્પા સામે રડવા લાગ્યા.

‘કંઈ વાંધો નહીં! ભલે શરદી થા…ય. આપણે તો વરસાદમાં ન્હાવાના તે ન્હાવાના જ… પણ ગોટમભાઈ, વરસાદમાં પલળ્યા પછી આવીને મરી-આદુવાળી ચા તો પીવાના ને..?’ પપ્પાએ ચાલાકીથી ગોટમભાઈને પશ્ન કર્યો.

ગોટમભાઈને તો વરસાદમાં પલળવાનું મળતું હતું એટલે પપ્પાની દરેક શરત માનવા તૈયાર થઈ ગયા ! ‘કેમ નહીં, કેમ નહીં..? ‘અને ગોટમભાઈ, પેલી સૂંઠવાળી રાબ..?’ મમ્મી એ પણ લાગ જોઈને પોતાની વાત કહી દીધી.

‘અરે હા મમ્મી, હા..’

અને ગોટમભાઈ, પેલો ગંઠોડાવાળો ઉકાળો… જેની તમે કાયમ ના પાડો છો, તે…’

‘ચોક્કસ પપ્પા… હવે હું જઉં?’

‘જાવ ને ગોટમભાઈ.. પણ પેલા અજમાવાળા પુડલા… જરા… તીખા…’

‘હા હા મમ્મી…. હું જઉં…’

‘જાવ ને ગોટમભાઈ…પણ પેલી લસણની ચટણી…’

‘હવે એ તો મને ભાવે જ છે ને… હું જઉં…’

‘તો ગોટમભાઈ, કહી દો મમ્મીને…’

‘મમ્મી! તું જરાય ચિંતા ન કરીશ. શરદીથી બચવા માટે તું જે કંઈ ખાવા-પીવાનું કહીશ તે બધું જ ખાઈશ-પીશ. પણ પ્લીઝ… હવે હું જઉં?’

‘ભલે ગોટમભાઈ… જાવ ત્યારે વરસાદમાં દોસ્તો સાથે ન્હાવા.. મજા કરવા..’

ગોટમભાઈ તો ખુશખુશાલ ચહેરે વરસાદમાં દોડી ગયા. ગોટમભાઈના દોસ્તો પણ ખુશ ખુશ થઈ ગયા. વરસાદમાં પલળતાં પલળતાં બધા નાચવા ગાવા લાગ્યા…

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક….

– મીનાક્ષી ચંદારાણા

(લેખિકાના બાળવાર્તાઓના પુસ્તક ‘વાર્તા રે વાર્તા’માંથી સાભાર.)

બાળમાનસને નાનપણથી જ જો સાહિત્ય પ્રત્યે રુચિ લેતું કરવું હોય તો બાળસાહિત્યથી સચોટ ઉપાય અન્ય કોઈ નથી. બાળકો માટે જ સરાળ ભાષામાં વિશેષ ઉપલબ્ધ કરાવાયેલ અધ્યાત્મિક કથાઓ, મહાનુભાવોના જીવનપ્રેરક ચરિત્રો, રોજબરોજની ઘટનાઓ અને સમજણને આવરી લેતી નાની વાર્તાઓ, એ બધું બાળકોના માનસ પર સચોટ અસર કરે છે. બાળહાથીની વરસાદમાં નહાવા જવાની ઈચ્છા અને તેની માતાનો તેના પ્રત્યેનો ચિંતાનો ભાવ પ્રસ્તુત વાર્તાના પાયામાં છે. સરસ મજાની આ વાર્તા બાળમિત્રોને ગમશે એવી આશા છે. પ્રસ્તુત બાળવાર્તા અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી બદલ મીનાક્ષીબેનનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ગોટમભાઈ વરસાદમાં.. (બાળવાર્તા) – મીનાક્ષી ચંદારાણા

  • ashvin desai

    ખુબ જ સરસ . મોતેરાને પન બાલક બનિને માનવિ ગમે એવિ વારતા લખવા માતે મિનાક્ષિ ચન્દારાના દિલિ અભેીનન્દાન્ના અધિકારિ ‘
    આપનામા રહેલો બાલક ફરિ પાચ્હેી એવિ ઝન્ખના કરે , કે બકોર પતેલ અને મિયા ફુસકિ ફરિ પાચ્હા સજિવન થાય યતો કેવુ સારુ ? ધન્યવાદ . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા