અભિવ્યક્તિ Vs પ્રેમ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 19


બપોરની શરૂઆત થઈ રહી હતી ત્યારે મુંબઈના એક નાનકડાં પરાથી થોડેક દૂર, લગભગ સૂમસામ દરિયાકિનારે પહોંચેલા એ બંને એક બીજાના હાથમાં હાથ – આંખોમાં આંખ પરોવીને કોઈક સહજ આનંદનો અનુભવ કરી રહ્યા હતાં, થોડાક કોલેજીયન યુગલો સિવાય કિનારો લગભગ ખાલી હતો. અને એમ ન હોય તો પણ બીજાઓની નજરમાં એમનું મૂલ્ય શું અંકાય છે એવી આ બે માંથી કોઈને પણ ચિંતા નહોતી, અન્યોના અસ્તિત્વ વિશે થોડોક તુચ્છકારનો ભાવ પણ ખરો – છતાંય લોકો ક્યાં બીજાની કિંમત આંકવાનું વલણ છોડી શકે છે?

પાસે જ એક ટીનએજ યુગલ મસ્તી કરી રહ્યું હતું, બંનેના થેલા અને વર્તન પરથી જણાતું હતું કે કોલેજમાંથી પીરીયડ બંક કરીને એક બીજાની સાથે સમય ગાળવા જ તે અહીં આવ્યા હતાં. ગુસપુસ વાતો ચાલી રહી હતી ત્યાં શરમાઈ રહેલી છોકરીના ચહેરાને પોતાના હાથે ચિબુકથી ઉંચુ કરીને તેને ચૂમવાનો પ્રયત્ન કરી રહેલ યુવક પર રેતી ઉડાડીને ભાગી રહેલી પેલી યુવતિ અને તેને પકડવા દોડી રહેલો પેલો યુવક – બંને તોફાની મૂડમાં હતા. પેલી યુવતિના નામની બૂમો પાડીને એ યુવક તેને પકડવા દોડ્યો અને બંને થોડેક દૂર જઈને રેતીમાં આળોટતા મસ્તી કરતા પડ્યાં.

પણ અભિવ્યક્તિ સિવાયનો નિશ્ચલ પ્રેમ માણી રહેલા આ બંને તદ્દન નિ:શબ્દ હતા. કાંઈ કહેવાનું, સાંભળવાનું કે સમજવાનું જાણે બાકી રહ્યું નહોતું, હ્રદયની લાગણીઓના પૂરની શબ્દોના મોજા પર મૂકીને અભિવ્યક્તિ કરવાની કોઈ જરૂરત નહીં, પણ ઉંડાણથી શરૂ થયેલ સફર અને એમાં એકઠા થયેલા સ્વત્વને કિનારા પર વિખેરાવીને સમર્પિત થવાનો અનુભવ અહીં સહજ હતો. બંનેને એકમાત્ર નિર્ભેળ આનંદ હતો એક બીજા સાથે હોવાનો. એ સમયની – તેની પ્રત્યેક ક્ષણને જીવી લેવાની અદમ્ય વૃત્તિ એ બંનેના ચહેરા પર દેખાઈ આવતી. આંખોમાં અને સ્મિતમાં અભિવ્યક્ત થતા પ્રેમને શબ્દોમાં બાંધવાની જરૂરત એ બંનેમાંથી કોઈને જાણે લાગતી નહોતી.

કિનારે આવીને વિખેરાઈ જતા પાણીમાં ચાલતા ચાલતા, દરિયાના એ ઘેઘૂર અવાજમાં ખોવાઈ ગયેલ બંનેનું ધ્યાન શીંગચણાવાળાની બૂમથી તૂટ્યું, એ કિનારે જૂજ ગ્રાહકો હોવાથી દરેક પાસે જઈને આજીજી કરીને વેચાણ કરવા મથી રહ્યો હતો. યુવકે પેલી યુવતિના ચહેરા તરફ જોયું, પ્રશ્નસૂચક આંખોએ ઉત્તર આપતી આંખોની વાત માની અને જરૂરત ન હોવા છતાં શિઁગચણા ખરીદાયા, પેલો છોકરો આગળ વધ્યો. બંનેએ ચપ્પલ કાઢીને કિનારે જ બેઠક લીધી, એક બીજાને ફક્ત સહેજ અડીને બેઠા, પણ વૃત્તિઓ તો એ જ રહી, નિ:શબ્દ, નિર્ભેળ, નિરાંત.

Indecent lifeસમય પસાર થતો રહ્યો, બપોર પૂરી થઈ અને સૂર્ય હવે પશ્ચિમ તરફ આગળ વધ્યો. દરિયાકિનારે ભીડ વધવા માંડી. એ ભીડની નજરમાં આ બંનેના અસ્તિત્વનું કોઈ મૂલ્ય નહોતું, અહીં એ બંને વણજોઈતી હસ્તી હતાં. થોડેક દૂર એક ફિલ્મનું શૂટીંગ શરૂ થઈ રહ્યું હતું, અભિનેત્રીને જોવા લોકોની ભીડ એકઠી થઈ રહી હતી, એનાથી તદ્દન અનભિજ્ઞ એવા બંને પોતાના નિઃશબ્દ એકાંતમાં જ મહાલી રહ્યાં, અને તેમના અસ્તિત્વને અવગણનારા – તેમના શું, પોતાના સિવાય અન્ય સર્વેના અસ્તિત્વથી કોઈ નિસબત ન હોય એવા સૂક્કા લોકોથી એ દરિયાકિનારો ઉભરાતો ચાલ્યો. આ બંનેને જાણે એ અવગણનાની પણ ટેવ પડી ગઈ હોય તેમ અન્ય લોકોને અવગણવાની વૃત્તિ જ એમણે પણ ધારણ કરી હતી, એ તો પોતાની અ-ક્ષર વાતોમાં જ મસ્ત હતાં. આંખોની વાતો કદી પૂરી થતી હશે? આખરે પેલી યુવતિએ યુવકના ખભે પોતાનું મસ્તક ટેકવ્યું અને આંખો બંધ કરી, કલાકો વીતતા રહ્યાં પણ બંને બેઠા રહ્યાં. એ સ્પર્શ સંવાદને વિરામ આપવાનો કોઈ પ્રયત્ન ન થયો. સૂરજ હવે અસ્તાચળ તરફ દોટ મૂકી, ને પશ્ચિમ તરફ ઉતરી પડ્યો, અંધારુ ઘેરાવાનું શરૂ થવા લાગ્યું એટલે બંને ઉભા થયા, મનની ઓતરાતી વાતોને ત્યાં જ ખંખેરી, રેતીની સાથે તેને પણ દરિયાને હવાલે કરીને બંને ચાલ્યા, જાણે અણગમતી સફરે નીકળી રહ્યા હોય તેમ ભારે ડગલે શહેર તરફ આગળ વધ્યા.

“આતા મી કાય સાંગતી તુલા, ખોલી ચા ભાડા દેણાર આહે… કાય કરાયચા?” જાણે કોઈ ઋષિનો સમાધિભંગ થયો હોય એમ પેલી યુવતિના શબ્દે અચાનક યુવક શ્રાપિત ગંધર્વની જેમ સ્વપ્નલોકમાંથી ધરતી પર આવી પડ્યો, હકીકતોના જંગલમાં તે આવી પહોંચ્યો હતો, પણ પેલા શબ્દો તો તેના કાન પર અથડાઈને જ પાછા ગયેલા.

“કાય?” એણે પૂછ્યું.

“ભાડા દેણાર આહે, રુપિયા ક્યાંથી કાઢીશું?”

“જોઈએ.” તે બોલ્યો.

“બાબા પૂછતા હતા પગાર ક્યારે થશે? મહાજન ઉઘરાણી કરે છે, બાબાની દવાના પણ પૈસા જોઈએ છે. હજી ગયા મહીને દસ હજાર મોકલ્યા હતા. આ વખતે વરસાદ સારો થશે એમ શંભુકાકાએ કહ્યું, એટલે વાવણી માટે પણ તેમને રૂપિયા જોઈએ છે.”

“ચા માયલા, આ તારો શંભુકાકો ખરેખર જ્યોતિષિ છે કે ? ત્રણ વર્ષથી તો પાક નિષ્ફળ ગયો છે, ફરીથી વાવણી? તારા બાબા પણ વગર વિચાર્યે…”

“ગિરવે મૂકેલા ખેતરને છોડાવવા, છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ નથી એટલે નિષ્ફળ ગયેલી ખેતીને બેઠી કરવાની – તેમની કોઈ પણ ઈચ્છા પર હું બંધન નાખવા માંગતી નથી. મોટી ઑફિસમાં ઉંચા હોદ્દા પર કામ કરતી દિકરી પાસે બાપને એટલી તો આશા હોય જ ને?”

એક અપંગ સ્મિત પેલા યુવકના ચહેરા પર ફરકી ગયું અને એ સ્મિતનો ઉત્તર એવા જ એક માયકાંગલા સ્મિતમાં તેને મળ્યો.

“કરજ અને નિષ્ફળ ખેતીને લીધે ગયા વર્ષે અમારા બાજુના ખેતરના વડ પર લટકતા નાયકદાદાને મેં જોયા છે, અને પછી એમના કુટુંબને ચલાવવા એમની છોકરી અમારી સાથે કામ પર આવતી થયેલી. મારે એ નથી થવા દેવું, હું તો કામ કરું જ છું, બે બહેનો ભણે અને બાબા સલામત રહે એટલે બસ.”

“પણ આનાથી વધારે શું કરીશ?”

“જરૂર હશે તો વધારે કામ કરીશ. એક પાળી વધારે કરીશ.”

“અત્યારે ઓછું કરે છે?”

પ્રશ્નએ વાતાવરણને થોડું ભારે કરી દીધું. પણ ઉત્તર બંનેને ખબર હતો. બંને રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલા પોતાના ઝૂંપડા તરફ ચાલ્યા.

ઝૂંપડામાંથી એકાદ કલાક પછી બંને બહાર નીકળીને નજીકના બસ સ્ટેન્ડ તરફ આગળ વધી રહ્યા હતાં. તમે તેમને જુઓ તો ઓળખો નહીં કે આ એ જ બે જણ હતાં જે કલાક પહેલા દરિયા કિનારે હતાં. લાલ ચટ્ટક સાડી, પાઉડરના થપેડા અને હોઠ પર ઘાટ્ટી લાલ લિપસ્ટીકમાં રગદોળાયેલી એ ખેડૂતપુત્રી અને એનાથી થોડેક દૂર ચાલી રહેલ, ખભે લાલ રૂમાલ, જરીવાળો શર્ટ તથા એક કાનમાં વાળી પહેરેલ પેલા યુવાનને જોઈને બસ સ્ટેન્ડ ચેતનવંતુ થઈ ગયું. હવે શરૂ થઈ રહી હતી પ્રેમ વગરની અભિવ્યક્તિ.

– જીજ્ઞેશ અધ્યારૂ
(શતાબ્દી એક્સપ્રેસ 19 મે 2012, 9.23 AM)

આજે મારી જ કલમે એકાદ વર્ષ પહેલા આકાર પામેલી એક વાર્તા પ્રસ્તુત કરી છે. પોતાની કૃતિ માટે પ્રસ્તાવના બાંધવી એ થોડુંક અજુગતું લાગે છે, ખાસ કરીને જ્યારે વાત કડવી સચ્ચાઈ તરફ આંગળી ચીંધતી હોય, અને અહીં બતાવેલ વાત તો…. ચાલો, વાચકમિત્રો પર જ એ છોડી દઈએ… આ અધૂરી પ્રસ્તાવના પ્રતિભાવમાં પૂરી થશે તો ગમશે…

બિલિપત્ર

એ મને ‘તું’ કહેતી,
પછી ‘તું’ નું ‘તમે’ થયું,
‘તમે’ થી ‘અમે’
‘અમે’ થી ‘આપણે’
અને બસ…
પછી પૂરું થયું…
પણ શું ?
દરેક પૂર્ણતા એક નવી
શરૂઆત હોવી જોઈએ !
આ બધાં જ સંબોધનોમાં
ઓગળેલા ‘હું’ ને
પામવાની…

– જીજ્ઞેશ અધ્યારૂ


19 thoughts on “અભિવ્યક્તિ Vs પ્રેમ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ

  • M.D.gandhi, U.S.A.

    આ પણ સમાજની એક નરવી વાસ્ત્વિકતા છે, એને નીવારી શકાય તેમજ નથી, કારણકે ન છુટકે મજબુરીથીજ આવું કામ કરવું પડે છે. અભણ માણસોને નોકરી મળે તો ઘરકામ કે ફેક્ટરી જોબ જેવું મલે, તેમાં પોતાનો ગુજારો પણ માંડ થતો હોય ત્યાં વધારાના પૈસા ક્યાંથી કાઢવા…..?????
    એક સમજવા જેવી વાર્તા છે….

  • Indu Shah

    જીજ્ઞેશભાઇ,
    પ્રેમની પરાકાષ્ઠાના મૌન બાદ વાસ્તવિકતાનું સત્ય…
    લાગણી સભર વાર્તા.

  • laxmi dobariya

    ખૂબ સરસ..ને સરળ શૈલી..માં વાસ્તવિક્તા દર્શાવતી વાર્તા.. સહજ અભિવ્યક્તિ..ભાવકને સ્પર્શે છે. અભિનંદન.

  • M.D.Gandhi, U.S.A.

    મનના ઘોડા-સ્વપ્ના અને વાસ્તવિકતા વચ્ચે બહુ તફાવત છે, તમે વધારે કે લાંબુ લાંબુ લખ્યા વગર નાની વાતમાં બહુ સચ્ચાઈભરી વાસ્તવિકતા લાવીદીધી છે. બહુ સુંદર પણ ખરેખર તો કરૂણતાભરી વાર્તા છે.

  • Harshad Dave

    સબળ/પ્રબળ રજૂઆત. વાસ્તવિકતાની ધરતી ઉપર સ્વપ્નોનું વાવેતર કઈ ફસલ ઉગાડી શકે? પ્રેમનો વરસાદ પણ જાણે ઓછો પડતો હોય તેમ લાગે…વ્યક્તિ અભિવ્યક્તિ વિભિન્ન પ્રકારે કરે અને એ ભિન્નતા છિન્નભિન્ન કરે તેવી પણ હોય…ભીતર/બહાર…!

  • નિમિષા દલાલ

    ખૂબજ સુંદર જિગ્નેશભાઈ અશ્વિનભાઈ અને રાજુભાઈ સાથે સહમત છું વધુ તો લખતા નથી ફાવતુ પણ બસ મજા આવી ગઈ.. આવી તમારી કૃતિઓ પણ વાંચવા મળે તો આનંદ જ આનંદ થાય.. આભાર અમારી સાથે આ કૃતિ વહેંચવા બદલ…

  • Raju Kotak

    જીજ્ઞેશભાઇ વાર્તામાં પ્રેમ અને અભિવ્યકિતનો મર્મ બખુબિ છતો થયો છે…. સા…લ્લુ… આ ઈશ્વરે આપણને પ્રેમની સાથે પેટ કેમ આપ્યું હશે!! પ્રેમથી પેટ ન ભરાય…. અણગમતી પ્રવૃતિમાં જોતરાવું જ પડે. સુંદર વાર્તા માણવાની મજા પડી.

  • ashvin desai

    ઘના લામ્બા સમય પચ્હિ એક આદર્શ – સમ્પુર્ન તુન્કિ વાર્તા
    વાચવા મલિ , તેથિ મેલબર્નના કદકદતા શિયાલાનિ વહેલિ સવારે અનોખિ હુફ્નો અનુભવ કરિ રહ્યો ચ્હુ .
    વાર્તાનિ શરુઆત ભાવક્ને કોઇ અલઓકિક- કપોલ્કલ્પિત ભાવવિસ્વમા પ્રવેશ કરાવિ , બન્ધારન્મા કથોર વાસ્તવિકતાનિ ધરતિ ઉપર પગ મન્દાવિ ,, અનધારેલિ ચમતક્રુતિ અન્ત્મા સાધિ લેખક્નિ ઉપલબ્ધિ – એક કલાક્રુતિ .ભાવક્ને માતે પરમ આનન્દ – સન્તોશનિ અનુભુતિ . ધન્યવાદ . – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા