સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૩) 2સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૩)

મૂળ પુસ્તક – પુરાતન જ્યોત

પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૨ થી આગળ…

Courtesy Jhaverchandmeghani.com

Courtesy Jhaverchandmeghani.com

દોડ્યા આવતા આદમીએ દરિયાનાં પરસ્પર અફળાતાં મોજાં ઉપર ડોશીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોળાતો ને ટિપાતો જોયો. થોડી વાર ડોશીના દેહ ઉપર ને થોડી વાર નાસી જતાં મનુષ્યો ઉપર એની નજર દોડવા માંડી. એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે ‘કોઈ દોડો, આ બાઈને બચાવો !’ પણ સ્વપ્નમાં બૂમ પાડવા મથનાર સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ ચોંટી રહ્યો. બૂમ પાડીને જેને બોલાવે એવું કોઈ કરતાં કોઈ મનુષ્ય નજીક ત્યાં નહોતું. પછવાડે દોડ્યાં આવનારાં લોકો હજુ દૂર હતાં. દરમિયાન ડોશીના શરીરને દરિયાના ગગડતા લોઢ ખેંચી જતા હતા.

ના, ના, એણે ફરીથી નજર કરી ત્યારે સમજાયું કે ડોશીને ઝડપવા માટે મોજાંઓની વચ્ચે મારામારી ચાલતી હતી. એક દળ દરિયા બાજુ ખેંચતું ને બીજો સમૂહ પૃથ્વી તરફ જ કાઢી નાખવા ઇચ્છતો હતો. ધરતી બાજુ જતાં મોજાંએ વધુ જોર કર્યું. ડોશીને મારણ મોજાંની દાઢમાંથી છોડાવી, કળસારીના નેસ તરફને કિનારે ધકેલવા માંડી.

ભાઠા ઉપર ઊભેલ આદમી કાંઠે કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલિમા સામે હાથ જોડીને આરજ ગુજારી કે, ‘હે મહેરામણ ! જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યું નથી, ને ઓ રત્નાકર ! તારા નામનાં તો અમે અહીં ધરતી ઉપર બિરદ આપીએ છીએ. અમે મોટા મનનાં મનુષ્યોને સાગરપેટાં કહીએ છીએ. તું અગાધ દિલનો હો તો આ મનુષ્યને પાછું સોંપ. હે દાદા !’ બોલતો બોલતો એ કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને શાંતિથી પધરાવી પાછું વળ્યું.

આદમીએ ડોશીને લાલ મડદાલના લીલા વેલા ઉપર સુવરાવી દીધી, એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી. ડોશીના મોંમંથી પાણી નીકળી પડ્યું, પછી એણે ડોશીના હાથ ઝાલીને ચક્કર ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર તરફ જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી.

એકાએક દૂરથી આ અજાણ્યા માણસને સ્વર સંભળાયો : ‘મચ્છી ! મચ્છી ! મચ્છી !’

અવાજની પછવાડે જ બંદૂકધારી બે-ચાર માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપી હતો. એમના ચહેરા ગોરા હતા. એ ફિરંગીઓ હતા. કળસારની નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળ્યો દેખાય છે; ને એ નાળ્યો ને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ ઇમારતોના પાયા પણ સાફ દેખાય છે. પૂર્વે એ પોર્ટુગીઝોનાં મોટાં ગોદામો હતાં. દરિયો છેક ત્યાં સુધી પોતાના કેડા કંડારીને નાનાં વહાણોની આવ-જા થવા દેતો. કળસાર ફિરંગીઓનું ધીકતું બારું હતું. કળસાર ગામની વચ્ચોવચ ફિરંગીઓનું પ્રાર્થના-મંદિર આજે પણ લગભગ તૈયાર ઊભું છે. પણ રત્નાકર ત્યાંથી રિસાઈને ચાલ્યો જતાં અત્યારે ત્યાં જૂની જાહોજહાલીની મિટ્ટી જ રહી છે અને દરિયાઈ નાળ્યો નીલાં જલામ્બર વિનાની નગ્ન પડી પડી ધીકે છે.

નજીક આવીને નજર કરતાં જ ફિરંગીઓ મોં ફેરવી ગયા. એમનાં મોંમાં ચીતરી ચડી ગઈ. દૂરદૂરના દેવાલય તરફ દૃષ્ટિ માંડીને બેઉ શિકારીએ છાતી ઉપર હાથ વતી ચોકડીઓ દોરી.(કોઈ પણ ભયથી રક્ષા પામવાની એ એક ખ્રિસ્તી-ધર્મી ક્રિયા છે.) એ લોકોએ માલદાર માછલીને બદલે એક સડેલું માનવી જોયું તેથી મોટી નિરાશામાં પડી ગયા.

“ઉસકો છોડ દો. તુમકો લગેગા. ઉસકે ગલેમેં ટોકરા ક્યું પહેનાતા નહીં?”

એવી શિખામણો આપતા યુરોપિયનો આઘે આઘે ભેખડ ઉપર ચડી ગયા. યુરોપમાં પણ રક્તપિત્ત અને કોઢનો રોગ એક મહાશાપ ને ભયાનક માનવશત્રુ ગણાય છે. જૂના સમયમાં રક્તપિત્તિયાને ગળે, સંધીઓ બળદોને કંઠે બાંધે છે તેવો અક્કેક ટોકરો બંધાતો, અને એના મોંને કપડાથી ઢાંકી લેવામાં આવતું, કે જેથી દૂરદૂર ચાલ્યા આવતા પતિયાની છાયા તો શું, હવા સુદ્ધાં ન લેવાઈ જાય તે રીતે લોકો ટોકરાના નાદ સાંભળી તરી જતાં.

જીસસ, મૅરી અને બીજા અનેક સંતોને પોતાની વહારે બોલાવતા આ ગોરાઓ પછવાડે જોવાની હામ હારીને જ્યારે બારા તરફ દોડ્યા જતા હતા; રક્તપિત્તનાં જંતુઓ એમની પાછળ પડીને ગરદનમાં છિદ્ર પાડી રહ્યાં હોય એવો ગભરાટ જ્યારે તેઓને નસાડતો હતો; ત્યારે ડોશીના લદબદ ગંધાતા ખોળિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો; પ્ણ પોતાની રક્ષાને કાજે નહીં, ડોશીની શાતાને માટે.

એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરા-ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પાણકોરાની ધોળી બંડી હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમ્મરે કાછડી ઉપર એક પછેડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના ચડાણ- ઉતાર બહુબહુ ખૂંદીને એના પગના પહોંચા રાંટા થઈ ગયેલા ભાસતા હતા. પગનાં પગરખાં જૂની ઓખાઈ ઢબનાં, કોઈને માર્યાં હોય તો ગાલ ફાડી નાખે તેવાં મજબૂત ચૂંકદાર હતાં.

‘માડી !’ એણે ડોશીને દિલાસો દીધો: ‘રત્નાકરે ભોગ વાંદી લીધો. હવે ભે રાખશો મા.’

ડોશીને આ સ્વપ્ન લાગતું હતું, પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પા ગાઉની હવા પણ જીવતું માનવી ન લ્યે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથોહાથ પંપાળી રહેલ છે. પછેડી વતી રક્તપિત્ત લૂછી રહેલ છે, એ ન મનાય તેવી વાત હતી. ડોશી ચમકીને ચીસો પાડવા લાગી: ‘ઓય ! ઓય ! રત્નાકર ! ઓય મને ખાધી ! એ પૂજારી આવ્યો ! મને પાછી નાખે છે !’

‘મા !’ પુરુષ એને છાતીસરસી લઈને ખાતરી આપે છે : ‘કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તમને પખાળે છે. જુઓ તો ખરાં માડી એનાં રૂપ ! ને પૂજારી હવે આવે તોય શું !’ તમને ને મને ભેળાં બુડાડે તો ભલે. બાકી હવે તમને એકલાં તો નહીં મૂકું.’

ડોશીને આ સાચી સૃષ્ટિ વધુ ને વધુ અવાસ્તવિક લાગતી ગઈ. એનાથી એક જ બોલ બોલાયો – જે બોલ જનેતાના કલેજાના હજાર હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી ફૂંક સમો બનેલો છે, ‘બેટા !’

‘મા !’ પુરુષના મોં પર શ્રદ્ધાની છોળો છલકી : ‘મારનાર કરતાં જીવાડનાર મોટો છે. થોડા વખત પર સીમાડાની રેખા ઉપર જે માણસો તબકતાં હતાં તે બધાં રેતીના પણ્યાને ખૂંદતાં આવી પહોંચ્યાં. ભેખડ ઉપરથી આનંદના ધ્વનિ ઊઠ્યા કે, ‘એલા હેઈ ! આ રિયા, દેવીદાસ બાપુ આ રિયા.’

કિકિયારી પાડીને ટોળું આવી પહોંચ્યું. વિલક્ષણ લોકવૃન્દ હતું. કોઈ ખેડુ, કોઈ ગોવાળ, કોઈ ગામડિયો વેપારી, કોઈ દાતણ વેચનારો, વાઘરી; કમ્મરે પછેડીઓ બાંધેલી. કોઈના ગળામાં પખવાજ; કોઈના હાથમાં કાંસિયા, મંજીરા, એકતારો વગેરે સમૂહગાનનાં વાજિંત્રો હતાં.

‘અરે મા’રાજ !’ લોકોમાંથી એક જણે ઠપકો દીધો : ‘ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા? ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રિયું છે!’

‘શું કરું ભાઈ !’ ‘મહારાજ’ અને ‘દેવીદાસ બાપુ’ ના સંબોધને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો :’મારો ધંધો જ શિકારીના જેવો થઈ પડ્યો છે ને ! કોઇ લોધીને મોટા માછલાના વાવડ દ્યો, કોઈ શિકારીને રૂડો કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે, ભાઈઓ?’

બોલતા બોલતા જુવાન દેવીદાસ ડોશીનાં લોહીપરુ લૂછતા હતા. ગામડિયા ભાવિકો હતા. છતાં તેમનાં મન પણ સુગવાતાં હતાં. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાનામાના થૂંકી લેતા. જરા દૂર જઈને વાતો પણ કરી લીધી કે, ‘ભગત જેવો ભગત થઈને લોહીપરુ ચૂંથવાની લતે શીદ ચડ્યો હશે! ઈશ્વરભજનમાં આત્મા લીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો પણ સા’યબી માણતાં આવડવી જોઈએ ને ભાઈ ?’

‘ભાવિકો !’ દેવીદાસે મધુર વચને પૂછ્યું: “કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે ?’

‘ગાડું !’ ભાવિકોમાંથી એક જણે કહ્યું: ‘ગાડું તો આંહીં અંતરિયાળ ક્યાંથી મળે મા’રાજ !’

‘..ને આ બાબતમાં ગાડું આપેય કોણ?’ બીજાએ સત્ય સુઝાડ્યું.

‘ત્યારે કાંઈ ખાટલાની જોગવાઈ કરશું?’ સંતે પૂછ્યું.

‘હા, કરીએ તમે કહેતા હો તો. પણ—માળું—ઈ બધું આંહીં – આ ધંધો !… ‘ એમ ભાવિકોની જીભો તૂટક તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી.

‘ત્યારે ભાવિકો ! આપણે એકાદ પછેડી લાવજો તો !’ કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો.

‘મારી પછેડી તો ભાઈ, ફાટી ગઈ છે. ભાર નહીં ખમે.’ એમ સહુએ પોતપોતાની પછેડીની નિખાલસ નિંદા કરી નાખી.

‘કાંઈ હરકત નહીં ભાવિકો !’ કહેતાં જ દેવીદાસે પોતાની કમ્મર પરથી પનિયું છોડ્યું. જમીન પર પાથર્યું. રક્તપીતણીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું : ‘ભાવિકો, હવે ચાર સરખા જણ આવી જાઓ. અક્કેક ખૂણો ઊંચકી લ્યો.’ ભાવિકોએ ફરીથી એકબીજાની સામે જોયું. આંખના મિચકારા કરવા માંડ્યા. તૂટકતૂટક બોલ સંભળાયા, કે – ‘મને તો ભઈ, ત્રણ દીથી હાડકચર રે’છે.’

‘મારા પેટમાં તો બરલ વધી છે, તે પેમલા વાણંદે કાંઈ બોજ ઉપાડવાની ના કહી છે.’

‘મારાં તો આંગળાં છોલાણાં છે.’

આવી ગોળગોળ વાતોને અંતે એક ચોખ્ખાબોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું : ‘દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે છે. લ્યોને હું તમને પાધરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક ચૂંથો એ અમને નથી ગમતું. ને આ ડોશીને જિવાડીને તમારે ક્યો મોટો ગઢ પાડવો છે? નાહક રત્નાગરને શીદ છંછેડો છો? અમને આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામૈયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડોશીને બચાવવા દોડ્યા જાશો, તો અમે તમને અમારા ગામમાં પધરામણી જ દેત નહીં. ને આ રક્તપીતના હડકાયા રોગને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો. અમે તો ગામડે જઈને બધી વાત કહી દઈએ છીએ.’

‘ભલે ત્યારે, ભાવિકો, પધારો. કલ્યાણ થાઓ સહુનું.’

‘ચાલો ભાઈ સહુ’ – એમ કહીને એ સ્પષ્ટવક્તા માણસે સહુને પાછા વાળ્યા. એકલા રહેલા દેવીદાસે પછેડીના બબે છેડા બાંધી લીધા. પોતાના બેઉ ખભા ઉપર ઝોળી પરોવી લીધી. અને પીઠ ઉપર પારણું વાળીને બાળકને ઊંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા. સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગના ભાલાં ફેંકતો હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા.

(ક્રમશઃ)

– ઝવેરચંદ મેઘાણી

આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પરથી પણ, જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ વાંચી શકાશે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૩)