બે લઘુકથાઓ.. – આશિષ આચાર્ય 13


૧. બા ગઈ…?

“મોટાભાઈ, બધી તૈયારી થઈ ગઈ છે. તમામ સગાવહાલાને કહેવાઈ ગયું છે, ખાંપણની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ફોટો પણ મોટો કરાવવા આપી દીધો છે અને કલાકમાં તો આવી જશે. વકીલકાકાને પણ જાણ કરી દીધી છે. બસ, હોસ્પિટલમાંથી સુરેશનો ફોન આવે કે તરત તમામને પાકી જાણ કરી દઈશું.” બાની મરણોત્તર ક્રિયાની તૈયારી વિશે રમેશે મોટાભાઈ અતુલને માહિતગાર કર્યા.

અતુલે કહ્યું, “સારું કર્યું તેં. છેલ્લી ઘડીની દોડાદોડ ટળી ગઈ. સુરેશ ક્યારે ફોન કરવાનો છે, એણે કંઈ કહ્યું છે?”

“ના, પણ એકાદ કલાકમાં પાછો ફોન કરીશ, એમ કહ્યું હતું. મોટાભાઈ, બાના વિલ વિશે કંઈ જાણ છે? એટલે કે બાની મિલકતો કેટલી છે અને તેના કઈ રીતે ભાગ પડાયા છે, એવું બધું…” રમેશે કુતૂહલપૂર્વક અતુલને પૂછ્યું.

“ના, એક દિવસ વકીલકાકાને આડકતરી રીતે પૂછ્યુંતું, પણ તેમણે કંઈ કહ્યું નહીં.” 70 વર્ષનાં માલતીબહેન અઠવાડિયાથી બીમાર હતાં. ખાસ કંઈ નહીં પણ ઉંમર એનું કામ કરી રહી હતી.

“હેં! શું? ડોક્ટરે કહ્યું એ તેં બરાબર સાંભળ્યું તો છે ને?”

“રમેશ, સુરેશનો ફોન આવ્યો? શું કહ્યું એણે?” અતુલે પૂછ્યું.

“મોટાભાઈ, સુરેશ બાને લઈને ઘરે આવે છે. ડોક્ટરે કહ્યું, તમારાં બાને હવે સારું છે. ઘરે લઈ જઈ શકો છો.” ભારે હૈયે રમેશે જવાબ આપ્યો.

(“વાર્તા ઉત્સવ”, ગુર્જર પ્રકાશન, ઓક્ટોબર- ૨૦૦૯માં પ્રસિદ્ધ)

૨. બદલો

“સમીર, હું માનસીના ઘરે કીટી પાર્ટીમાં જાઉં છું. તારો કોઈ પ્રોગ્રામ છે?”

“ના.”

“હું સાતેક વાગ્યા સુધીમાં આવી જઈશ. રાત્રે ડિનર માટે બહાર જવાની ઇચ્છા છે. તું શું કહે છે?” પ્રીતિના મોબાઇલ ફોનના કી-પેડ પર હાથ ફેરવતાં-ફેરવતાં સમીર બોલ્યો, “ઓ.કે… ડાર્લિંગ…, આપસાહેબનો હુકમ હોય ત્યાં હું કઈ રીતે ના પાડી શકું! તું આવ પછી આપણે તારી ફેવરિટ હોટેલમાં જઈશું. ઠીક છે…?”

“ઓકે. તો…, હું જરા જઈ આવું. ફ્રિજમાં તારા માટે જ્યુસ રાખ્યો છે. ભૂલ્યા વિના પી લેજે.”

“નહીં ભૂલું.”

સમીર સોફા પર સૂતાં-સૂતાં પ્રીતિને જતી જોઈ રહ્યો હતો. પ્રીતિ કારની ચાવી લઈ બહાર નીકળી, દરવાજો બંધ કર્યો. પછી સમીર ઊભો થયો. બારી પાસે આવ્યો અને કારમાં બેસતી પ્રીતિને જોઈ રહ્યો હતો. પ્રીતિએ કાર સ્ટાર્ટ કરી પછી ગિયરમાં નાખીને કાર હંકારી બંગલાની બહાર નીકળી. જ્યાં સુધી જોઈ શકાતી હતી ત્યાં સુધી સમીરે પ્રીતિને જોઈ લીધી.

સમીર બારી તરફથી આવીને ડ્રેસિંગ ટેબલ સામે ઊભો રહ્યો અને અરીસામાં જાતનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેના ચહેરા પર યુદ્ધ જીતેલા કોઈ રાજાના ચહેરા પર હોય તેવું વિજયસ્મિત ફરકી રહ્યું હતું. પછી સમીર લુચ્ચું હસ્યો. ડ્રેસિંગ ટેબલ પર પડેલી પ્રીતિની તસવીર હાથમાં લીધી અને કહ્યું, “પ્રીતિ ડાર્લિંગ, આઇ મિસ યુ. રિયલી આઇ મિસ યુ! પણ હું શું કરું? ચાર વર્ષના લગ્નજીવનમાં તેં મને બહુ પ્રેમ આપ્યો, પરંતુ મારા જ મિત્ર અનિકેત સાથે તારા સંબંધને હું સહન નહીં કરી શકું. મને ખબર છે તારું ડ્રાઇવિંગ બહુ રફ છે. એટલે મેં તારી કારની બ્રેક ફેઇલ કરી દીધી છે. આજે આ સફર તારી જિંદગીની છેલ્લી સફર હશે. બાય બાય!”

પ્રીતિની તસવીર ટેબલ પર મૂકી સમીરે મોબાઇલ ફોન સામે નજર કરી. સમીરે પ્રીતિના મોબાઇલથી પોતાના ફોન પર મિસ-કોલ કર્યો હતો, એટલે જ્યારે કોઈ વ્યક્તિ પ્રીતિનો મોબાઇલ ચેક કરે ત્યારે “ડાયલ્ડ કોલ્સ”માં સમીરનો નંબર જ પહેલો જોવા મળે. પ્રીતિએ ફ્રિજમાં મૂકેલો જ્યુસ યાદ આવ્યો. તે રસોડા તરફ ગયો અને ફ્રિજમાંથી જ્યુસનો ગ્લાસ લઈ સોફા પર બેઠો. પ્રીતિના મોતનો ફોન આવશે, તેની રાહ જોતાં મોબાઇલ ફોન હાથમાં જ પકડી રાખી જ્યુસ પીધો.

કાર ડ્રાઇવ કરતાં કરતાં પ્રીતિ વિચારી રહી હતી, “સમીરે જ્યુસ પીધો હશે. અનિકેત અને મારા પ્રેમમાં એકમાત્ર નડતર છે – સમીર. એક વર્ષ સુધી અમે છાનીછાની મુલાકાતો કરી, પરંતુ હવે નહીં. બહુ વિચારીને આજે પ્લાન બનાવ્યો છે. જ્યુસમાં ઝેર ભેળવીને આવી છું. મને ખાતરી છે, સમીર જ્યુસ પીશે જ.” વિચારોમાં ખોવાયેલી પ્રીતિને સામેથી આવતી કારની મોડેથી જાણ થઈ. તેણે બ્રેક મારવાની કોશિશ કરી, પરંતુ મોડું થઈ ગયું હતું. બંને કાર ધડાકાભેર અથડાઈ અને પ્રીતિ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી.

ઘટનાસ્થળે જમા થયેલા લોકોમાંથી કોઈએ પ્રીતિના પર્સમાંથી મોબાઇલ ફોન લઈ ચેક કર્યો, “ડાયલ્ડ કોલ્સ”માં સમીરનો મોબાઇલ નંબર દેખાયો અને તેમણે સમીરના મોબાઇલ ફોન પર રિંગ કરી. સામે છેડે રિંગ વાગી રહી હતી. થોડી વાર પછી મેસેજ સંભળાયો, “ધ પર્સન યુ આર કોલિંગ, ઇઝ નોટ રિસિવિંગ યોર કોલ.”

– આશિષ આચાર્ય

(“વાર્તા ઉત્સવ”, ગુર્જર પ્રકાશન, ઓક્ટોબર-૨૦૦૯માં પ્રસિદ્ધ)

આશિષભાઈ આચાર્યની આ બે લઘુકથાઓ આપણા સંબંધોના મહત્વ અને આજના સમાજ જીવનની માનસીક કુરૂપતા છત્તી કરે છે. પ્રસ્તુત બે લઘુકથાઓ ગુર્જર પ્રકાશન દ્વારા ઓક્ટોબર ૨૦૦૯માં પ્રસિદ્ધ વાર્તા ઉત્સવમાં છપાઈ હતી. અક્ષરનાદને આ બે લઘુકથાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

બિલિપત્ર

આજના વિદ્યાર્થીઓજ આવતીકાલના શિક્ષક થવાના છે.
તેઓ જે ભણ્યા તેજ ભવિષ્યમાં ભણાવશે. જો સારા હશે તો સારું ભણાવશે,
પણ, ખાટલે મોટી ખોડ છે કે એવું ભણશે કોણ ?
કોઈ પણ જાતની મહેનત વગર, ટુંકા રસ્તે,
કોઈ પણ જાતના સંસ્કાર કે સદાચાર વગર,
દરેકને પ્રધાન, મેનેજર, અંબાણી, તાતા, સચીન તેંડુલકર,
ધોની, નારાયણમૂર્તિ જેવા પૈસાદાર થવું છે,
એમાં “શાંતિનિકેતન” કે “ગુરુકુળ-આશ્રમ શાળા”ની કોણ ઈચ્છા રાખશે ?
જોકે આશા રાખવી અસ્થાને તો નથી જ,
કદીક તો ભવિષ્યનો એકાદ શિક્ષણ પ્રધાન ભારતના તારણહાર તરીકે જાગશે ખરો….!

– કાર્તિક જોટંગિયા


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “બે લઘુકથાઓ.. – આશિષ આચાર્ય