જેસલ જગનો ચોલટો હો જી.. – જેસલ તોળલ 1


ફળે મુંજા ભાઈડાનો ભાવ હાં રે હાં,
કાઠી રાણી તોળલ ! અમને તારજો હો જી;
હાં રે હાં, જેસલ જગનો ચોલટો હો જી.

જેસલ ખાતો ચારે ખંડનો માલ;
હાં રે હાં, સંગત્યું કીજે જેસલ સંતની હો જી.
વસિયે પુલા ભેળો વાસ હો જી.
હાં હાં, કાઠી રાણી તોળલ ! અમને તારજો હો જી;
હાં રે હાં, કાઠીરાણી મુખથી અમને ઓચર્યા હો જી.

જેસલ, કપડાં ધોઈ લાવ !
હાં રે હાં, ઈ રે મારગડે શૂરા મળે,
તેને પાછા વાળી ઘેર લાવ હાં હાં. – કાઠી રાણી.

હાં રે હાં જેસલ નથી પૂગ્યાં નીર ‘સરોવરે જી.
નથી બોળ્યો નીરમાં રે હાથ;
હાં રે હાં અધવચ ઊજળાં હોઈ રિયાં,
તોળી તારો સાયબો બતાવ !

હાં રે હાં જેસલ જામૈયો રચાવો હો જી,
તેમાં વરણ તેડાવો અઢાર;
હાં રે હાં મોટા મોટા મુનિવર આવશે હો,
જેસલ રે’જો હુશિયાર

હાં રે હાં, કળજગમાં જેસલ નિંદા ઘણી હો જી.
નિંદાની પડશે ટંકશાળ;
હાં રે હાં નિંદા સુનીને સાધુ નિર્મળા હો જી,
જેસલ ઊતરે શિરભાર.

હાં રે હાં જેસલને ઘરે ધણી મારો આવી મળ્યા,
સતી તોળલ કરે આરાધ;
હો રે હો જૂનો રે જાડેજો એમ બોલિયા,
તોળી તારો સાયબો સંચિયાત.

– જેસલ તોળલ

જેસલ જાડેજો હાલ્યો જાય છે, પાછળ આખુંય ગામ વાતોએ વળગ્યું છે, આ શું અચરજ? જેસલના માથે આ પોટલું શેનું? ખબર પડે છે કે ઓલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો તળાવ કિનારે.. આ શું? એક વખતનો ક્રૂર અને નરાધમ બહારવટીયો જેસલ આટલો બધો રાંક કઈ રીતે બની ગયો હશે? એ ચમત્કાર કોણે કર્યો જેના પ્રતાપે આ હિંસક માણસ આવો સાદગીભર્યો થઈ ગયો? સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલાં ને લૂગડાં ધુએ છે. લોકો નિંદા કરે છે ત્યારે તોળલ કહે છે, ‘જેસલજી, શરમાશો નહીં, આ કળીયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે, નિંદાનાં નીરથી જ સાધુજનો નિર્મળા બને છે. એનાથી જ શિર પરનો ભાર ઉતરશે.’ નિંદાતો નિંદાતો જેસલ નવાણે પહોંચ્યો – ન પહોંચ્યો ત્યાં તો તેનો દેહ ઊજળો બની ગયો… જેસલ પીર અને સતી તોળલની આવી જ વાતચીતનો પડઘો ઉપરોક્ત કૃતિમાં પડે છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “જેસલ જગનો ચોલટો હો જી.. – જેસલ તોળલ

  • Rajesh Vyas "JAM"

    વાત તો સાવ સાચી છે પરંતુ જેસલ સિદધાંતવાદી બહારવટિયો હતો તેથી જ તે વાલિયા માંથી બનેલાં વાલ્મિકી ની જેમ જેસલ જાડેજા માંથી જેસલ પીર બન્યો હતો.