ગ્રંથની ગરબડ – ચુનીલાલ મડિયા 2


કોઈ પ્રજાની સંસ્કારિતાનું માપ શી રીતે નીકળે? રાષ્ટ્રની ચેતના માપવા માટેનો માપદંડ કયો? કોઈએ કહ્યું છે કે અખબારોમાં છપાતી જાહેરખબરો ઉપરથી એ પ્રજા પ્રગતિશાળી છે કે પતનગામી એ જાણી શકાય છે. લોકો કેવા પુસ્તકો વાંચે છે અથવા કેવા પુસ્તકો નથી વાંચતા – એ ઉપરથી પણ પ્રજાની સંસ્કારિતાનો ખ્યાલ આવી શકે છે એમ કેટલાક સમાજશાસ્ત્રીઓ માને છે. પણ પ્રજાની સંસ્કારિતા જેવી ભારેખમ વસ્તુનું માપ કાઢવા માટે પુસ્તકો જેવા પાંગળા સાધનો ભાગ્યે જ આધારભૂત પારાશીશી બની શકે.

ઑસ્ટ્રેલિયામાં લોકોની વાચનરુચિ અંગે એક તપાસ હાથ ધરવામાં આવેલી. એને પરિણામે જણાયું કે દેશમાં ૯૦ ટકા જેટલા ઘરોમાં (સાચું કહીએ તો રસોડામાં) રસોઈકળાનાં પુસ્તકો વસાવવામાં આવ્યા છે; એથી ચાર ટકા ઓછાં ઘરોમાં બાઈબલ જોવા મળે છે, ત્યારે શબ્દકોશના દર્શન ૮૦ ટકા ઘરોમાં થઈ શકે છે. અને નકશાપોથીઓ (ઍટલાસ) ૭૦ ટકા જેટલા ઘરોમાં અસ્તિત્વ ધરાવે છે.

આ આંકડાઓને ઑસ્ટ્રેલિયન લોકની સંસ્કારિતા વિશેનો આખરી શબ્દ જ ગણી લઈએ તો સખેદ જાહેર કરવું પડે કે ૮૬ ટકા ઘરમાં જ બાઈબલ જેવો ધર્મગ્રંથ ધરાવનાર અને ૯૦ ટકા ઘરમાં રસોઈગ્રંથ વસાવનાર એ લોકો ધર્મ કરતા અન્નકોશમાં વધુ જીવનારાં છે. વળી શબ્દકોશ અને નકશાનો આટલો જાલિમ ઉપયોગ જોઈને કોઈ શિક્ષણશાસ્ત્રી એવો પણ અભિપ્રાય આપે કે ઑસ્ટ્રેલિયન લોકોનું ભાષાવિષયક અને ભૂગોળવિષયક જ્ઞાન બહુ કાચું છે, કે પછી ભાષા અને ભૂગોળમાં એ પ્રજા અત્યંત જીવંત રસ ધરાવે છે? આપણે ત્યાં ભારતમાં એક મોટામાં મોટું સુખ એ છે કે ભણેલાં લોકોની સંખ્યા જ બહુ ઓછી છે અને એ ભણેલાઓમાં પણ પુસ્તકો વાંચનાર અને વસાવનારની ઈન્દ્રજાળ દ્વારા આપણી સંસ્કારિતાનું માપ કાઢવાનું કોઈને ઝટ મન થાય એવું જ નથી.

સાચું કહીએ તો પ્રજાની સંસ્કારિતા કે અસંસ્કારિતા માપવા માટે પુસ્તકો તો કદાચ ગેરમાર્ગે દોરનારું સાધન છે. દાખલા તરીકે, રસોઈ વિશેના પુસ્તકોનાં બાહુલ્ય ઉપરથી પારસ્પરિક વિરોધી એવાં બે વિધાનો તારવી શકાય; કાં તો પ્રજા સ્વાદિષ્ટ વાનગીઓનો ચટાકો ધરાવનાર ‘ખાઉધરી’ પ્રજા છે, અથવા તો રાંધણકળામાં એ એટલી તો પછાત છે કે પુસ્તકોમાં જોઈ જોઈને એણે રસોઈ કરવી પડે છે. આપણે ત્યાં ‘સુરતનું જમણ કાશીના મરણ’ કરતાંય વધારે પંકાયું છે, પણ સુરત પ્રદેશનાં રસોડાંનો સર્વે કરવામાં આવે તો કતારગામની પાપડી કેવી રીતે ફોલવી કે ઉંધીયાનો અવેજ શી રીતે કરવો એ અંગેનું પુસ્તક ભાગ્યે જ હાથ આવશે.

જેવું રાંધણકળાના ગ્રંથોનું, એવું જ ધર્મગ્રંથોનું સમજવું. ભારતીય જીવનનું સૂત્ર તો છે – ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. ધર્મના અધ્યયન માટે આપણે ત્યાં પુસ્તકોની જરૂર જ નથી પડતી. ગમે તેવો અભણ માણસ નહાતા નહાતા પણ ધર્મસૂત્રો અને શ્લોકો ગગડાવી શકે છે. આપણાં દેશમાં કેટલા કુટુંબોએ ધર્મગ્રંથો વસાવ્યા છે એની તપાસ હાથ ધરવામાં આવે અને પરિણામે એકાદ ટકા ઘરમાંથી જ ભગવદગીતા હાથ આવે તો એ ઉપરથી એમ તો ન જ ઘટાવી શકાય કે ભારતવાસીઓ ધર્મવિમુખ છે.

ઊલટું એમ પ્રતિપાદન થઈ શકે કે આપણી પ્રજાને પોતાના ધર્મગ્રંથો એવા તો કંઠસ્થ છે કે એને પુસ્તકો વસાવવાની જ જરૂર નથી પડતી. ખરું પૂછો તો કોઈના ઘરમાં કયું પુસ્તક પડ્યું છે એની તપાસ ગેરમાર્ગે દોરનારી જ નહીં, અનેકાનેક અકલ્પ્ય જોખમોથી ભરેલી છે. ગુજરાતી વેપારીઓના ઘરમાંથી સ્ત્રીવાચક ‘ચોપડી’ ને બદલે પુરુષવાચક ‘ચોપડા’ જ (નામાંઠામાંના) વિશેષ સંખ્યામાં મળી આવવાનો સંભવ છે. છતાં વેપારીઓ છેક જ વાંચનવિમુખ છે એમ ન કહી શકાય. એ લોકોએ પણ હુંડી-પત્રી, તાર ટપાલ વગેરે ઘણું વાંચવુ પડતું હોય છે. અમુક વર્ગમાં ઘરોમાંથી નાટક-સિનેમાના ‘સાર-ગાયન’ની ચોપડીઓ મોટા પ્રમાણમાં મળી આવે તો એ લોકોને સંગીતમાં ઉંડો રસ છે એવો આરોપ ન મૂકી શકાય. મુંબઈમાં રેસકોર્સ ઉપર ઘોડાદોડની શરતો યોજાય છે અને એમાં સંભવિત વિજેતા ઘોડાઓ અંગેની ‘ટિપ’ આપતું સાહિત્ય અંગ્રેજી ઉપરાંત એકમાત્ર ગુજરાતી ભાષામાં જ પ્રગટ થાય છે. આપણા દેશમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે એકેક કુટુંબના ઘરની ‘તપાસ’ થાય અને તેમાં ગુજરાતીઓનાં જ ઘરમાંથી ‘રેસ-ટિપ’ વિશેનું સાહિત્ય મળી આવે એ ઉપરથી શું એમ ઘટાવી શકાય કે ગુજરાતીઓ જુગારી છે? અને એ જ રેસકોર્સના ખેલાડીઓના ઘરમાંથી, ભળતા જ નામને કારણે ભૂલથી ખરીદાઈ ગયેલું યશવંત પંડ્યા કૃત ‘શરતના ઘોડા’ નાટક મળી આવે તો શું એવો આક્ષેપ કરી શકાય કે ગુજરાતી વેપારીઓ નાટ્યરસિક છે?

પુસ્તક વસાવવું એ એક વાત છે, એ વસાવેલું પુસ્તક વાંચવું એ સાવ બીજી જ વાત છે. (અને વાંચેલા પુસ્તક પ્રમાણે વર્તન યોજવાની ત્રીજી વાત તો અહીં અપ્રસ્તુત ગણીને રહેવા જ દઈએ.) મારા એક મિત્ર વિદેશી સાહિત્યના એવા તો રસિયા છે કે કોઈ જાણીતા લેખકનું પુસ્તક હજી તો વિદેશમાં પ્રગટ થયાના સમાચાર મળે કે તુરત એની વરદી નોંધાવી જ દે. આ રીતે વરસો થયાં પુસ્તકો વસાવવા પાછળ તેઓ સારું એવું સંપત્તિદાન કરી ચૂક્યાં છે. તેઓ અમુક પુસ્તકના મોંફાટ વખાણ કરે અને હું એમની પાસેથી એ વાંચવા લાવું ત્યારે એ ગ્રંથની બાંધણી વેળાનાં કપાયા વિનાનાં રહી ગયેલા જોડિયાં પાનાં મારે કાપવા પડે છે – બે પૂંઠાની વચ્ચેનું લખાણ વાંચવા માટે.
એકાદ બે પેઢી પહેલા આપણા સાધનસંપન્ન વર્ગમાં ‘સરસ્વતીચંદ્દ્ર’ના ચારેચાર ભાગ વસાવવાની લગભગ ફરજિયાત જેવી ફેશન થઈ પડેલી. સાંભળ્યું છે કે પંડિતયુગમાં શેઠિયા લોકો પુસ્તકો અને થોડાં રમકડાં ભરવા માટે કાચનું કબાટ ઘડાવતા ત્યારે એ કબાટનાં ખાનાનાં પરિમાણોનો ખ્યાલ આપવા માટે પગરખાંની જેમ ‘સરસ્વતીચંદ્ર’ના પુસ્તકનું પરમાણું આપવામાં આવતું. શેલી અને વર્ડ્ઝવર્થના સોનેરી અક્ષરો વડે સુશોભિત બાંધણીવાળા રૂપકડા ગ્રંથો ભરેલાં આ કબાટોમાં જે ગ્રંથકીટો ફરે છે એ જીવડાંઓને રૉબર્ટ બન્સે પ્રાર્થના કરવી પડી છે કે હે કીટાણુઓ, આ ગ્રંથોના પાનેપાનાં ભલે કરકોલી ખાજો પણ કૃપા કરીને એના માલિકની રસવૃત્તિનો આદર કરીને પુસ્તકોની સોનેરી બાંધણી અકબંધ રહેવા દેજો.

Through and through the inspired leaves,
Ye maggots make your windings;
But, oh! Respect his lordship’s taste
And spare his golden bindings

માની લો કે માણસ પુસ્તક વસાવ્યા પછી કાચના કબાટમાં મૂકી રાખવાને બદલે એનો ઉપયોગ કરે છે, તો પણ એની પાછળનો ઉદ્દેશ જાણ્યા વિના માત્ર આંકડાઓ ઉપરથી કશો અભિપ્રાય ઉચ્ચારવામાં જોખમ છે. ઑસ્ટ્રેલિયાના ૮૦ ટકા જેટલાં ઘરોમાં શબ્દકોશ ઉપલબ્ધ છે એ ઉપરથી એ પ્રજાની ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિની ચીવટ બદલ જરૂર આદર ઊપજે. પણ આંકડાઓની આ ઈન્દ્રજાળ સર્વ સ્થળે અને સર્વ સંજોગોમાં લાગુ પાડીને એ ઉપરથી અનુમાનો તારવવા બેસીએ તો ગોથું જ ખાઈ બેસીએ. ઉદાહરણ તરીકે, આપણે ત્યાં છેલ્લા એકદોઢ દાયકામાં ભાતભાતના શબ્દકોશોની માગમાં એવો તો જાલિમ વધારો થયો છે કે ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ એવો રાષ્ટ્રપિતાનો સંસ્કાર આદેશ પ્રજાએ શિરસાવંદ્ય ગણીને સ્વીકારી લીધો છે એવો જ ખ્યાલ આવે. પણ વાસ્તવમાં તો ‘જોડણી’ અને ‘ખોદણી’ની બાબતમાં લોકો પોતાનું સ્વાતંત્ર્ય જરા પણ ગુમાવવા તૈયાર હોતા નથી, અને શબ્દકોશોની હોબ્બેશ ઉપાડ શબ્દરચના હરીફાઈના ‘હરીફો’ને વધુ આભારી હોવા સંભવ છે.

કોના ઘરમાં કેવી ચોપડીઓ, કેટલી ચોપડીઓ છે એની તલાશનું પરિણામ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું જ આવવાનો ભય છે અને એના ઉપરથી વળી અનુમાનો તારવવામાં તો એથીય વધારે ભય છે. પુસ્તકોની સંખ્યા કે ટકાવારીથી દોરવાઈ જવાથી તો ઓડનું ચોડ વેતરાઈ જવાનું જોખમ છે. ઉપર કહ્યું તેમ શબ્દરચના જેવા બીજા પણ કેટલાક એવા વિષયો છે કે જેના વાચન માટે એક ઘરના સહુ સભ્યોએ પોતપોતાની જુદી નકલ વસાવવી પડે. કોઈ નમૂનેદાર ઘરની ઝડતી લઈએ તો એમાં જુદા જુદા સભ્યોની માલિકીની અલગ અલગ અને એકબીજાહી અજાણી ચોપડીઓ નીકળી આવે. બાળકો પણ ના, ના, આ ગ્રંથપુરાણમાં વધારે ઉંડા ઉતરવામાં માલ નથી. પેલા ગાયકે સાચું જ ગાયું છે, ‘કિતાબેં ડાલ પાની મેં..’ પ્રજાની સંસ્કારિતાનું માપ લેવા માટે કિતાબોના ઉંડા પાણીમાં ઊતરવું સલામત નથી. ગુજરાતનો પેલો તત્વજ્ઞાની કવિ પણ બરોબર કહી ગયો છે કે, ‘ગ્રંથ ગડબડ કરી વાત કંઈ નહીં સરી’ તેથી સ્તો આપણે ગુજરાતમાં સંસ્કારિતાનું માપ કાઢવા માટે કુટુંબની ચેક-બુક અને બેંક પાસબુક સિવાય બીજી કોઈ બુકને દાદ નથી આપતા.

– ચુનીલાલ મડિયા

બિલિપત્ર

One god, one law, one element
And one far-off divine event
To which the whole creation moves
– એલ્ફ્રેડ લૉર્ડ ટેનિસન


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ગ્રંથની ગરબડ – ચુનીલાલ મડિયા

  • ashvin desai

    ચુનિલાલ મદિયા સાહેબ ખુબ જ ધારદાર કતાક્ષ લેખક હતા .
    એમ્નુ વ્યક્તિત્વ પન એવુ જ ધારદાર હતુ . એમના સમ્પર્ક્મા આવનાર વ્યક્તિએ એમનિ સાથે વાત્ચિત દરમિયાન પન ખુબ સતર્ક રહેવુ પદતુ . એમના કેતલાક નિરિક્ષનો વિશે આપ્ને ઘરે ગયા પચ્હિ , બિજે દિવસે પન વિચાર કરરતા કરિ મુકિ શકે . પ્રસ્તુત લેખ એનો એક ઉત્તમ નમુનો ચ્હે . ધન્યવાદ
    અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા