જેલવાસના અનુભવો.. – કાકા કાલેલકર 10


લીમડાની લીંબોળીઓ હવે બરાબર પાકી અને ટપ ટપ નીચે પડવા લાગી, કેદીઓને આ ખાવાની છૂટ હતી. માંદા પડીને ઇસ્પિતાલમાં જવાની અને ત્યાં એકાદ દિવસ સાબુચોખાની કાંજી પીવાની શક્તિ કે યુક્તિ જેમનામાં ન હોય તેવાઓને આખા વરસમાં આટલો જ ગળ્યો મેવો મળે, એટલે તેઓ ધરાઇને લીંબોળીઓ ખાય.

ખિસકોલીઓનું કરુણ ક્રંદન હવે બંધ થઇ ગયું. હવે તેઓ મૂંગે મોઢે ઝાડ પર અને નીચે આંગણામાં રમવા લાગી. અત્યાર સુધીમાં ઘણી ખિસકોલીઓએ અમારી સાથે દોસ્તી બાંધી હતી. અમારી પાસે આવે અને મોઢું હલાવી હલાવીને રોટલાના ટુકડા માંગે. ઘઉંની રોટલી હોય તે દિવસે ખિસકોલી અમારી સામે બેસી અમારા હાથમાંથી કકડો લઇ જાય ને ઓરડીની અંદર આવીને ખાય.

એક દિવસ સુપરિન્ટેન્ડન્ટ આવી અમને કહે, ‘મેં સાંભળ્યું છે કે તમે ખિસકોલીઓને ખવડાવો છો?’ મેં હા પાડી, તેણે કહ્યું, ‘આને લીધે જ ખિસકોલીઓ બહુ આવે છે ને તડકે નાખેલા કાગળો કાતરી ખાય છે.’ ‘રિટ્રેન્ચમેન્ટ’ ના આ દિવસોમાં આટલું નુકસાન કેમ ખમાય? તમારે આજથી ખિસકોલીઓને ખવડાવવાનું બંધ કરવું જોઇએ, નહીં તો મારે પાંજરાં લાવીને ખિસકોલીઓ પકડવી પડશે ને મારવી પડશે.’ હિંદુને જેર કરવાનો અકસીર ઇલાજ ભાઇસાહેબના હાથમાં આવી ગયો છે એમ હું સમજી ગયો. સાચે જ બીજે દિવસથી મેં ખિસકોલીઓને ખવડાવવાનું બંધ કર્યું ! બિચારીઓ આવી આવીને મારી તરફ જુએ. આજે હું તેમને કેમ નથી ખવડાવતો તેનું કારણ તેઓ ક્યાંથી સમજે અને હું સમજાવી પણ કઇ રીતે શકું? મારી આંખ ભરાઇ આવી. યુરોપમાં મહાયુદ્ધ થયું, ઇંગલેન્ડનું લોહી સૂકાયું, માટે હિન્દુસ્તાનને અઢળક ખરચમાં ઊતરવું પડ્યું. તેથી બધાં સરકારી ખાતાંનાં ખર્ચ કમી કરવાનું નક્કી થયું — અને તેથી એક ગરીબડી ખિસકોલીને રોજ મળતો રોટલીનો કકડો બંધ થયો ! શી કારણ પરંપરા !

વરસાદ આવ્યો અને અમારું બહાર સૂવાનું બંધ થઇ ગયું. અમે પાછા સાંજે કોટડીઓમાં પૂરાતા થયા. એ જ અરસામાં મારી ઓરડીમાં મંકોડાનો રાફડો ફાટ્યો. હવે કેમ સુવાય? ‘ભાષણવાળાઓ’ની ઓરડીઓ છેક છેડા પરની, એટલે વાછટથી વધારે પલળવાની, અને તેમાં મંકોડા પણ જરૂર થવાના. દહાડે ઓટલા પર સૂતા હોઇએ ત્યાં પણ મંકોડા આવે. રાત્રે ઓરડીઓમાં આવે, અને આવે ત્યારે દસપાંચ કે સો-પચાસ નહીં પણ આખી ઓરડી છવાઇ જાય એવડી કાળી ફોજ ત્યાં ખડી થાય. પતંગિયાની પેઠે મંકોડા પણ મૃત્યુ વિશે બેદરકાર દેખાય છે. જેલના મંકોડા હોજમાં પાણી પીવા કે નાહવા જતા, ચાલતા ચાલતા હોજના કિનારા સુધી આવે ત્યાં પગ લપસી જાય એટલે ટપ દઇને અંદર પડે. હું નાહતો હોઉં ત્યારે જેટલા પર ધ્યાન પહોંચે તેટલાને ઉપાડીને બહાર દૂર મૂકતો. પણ એ હઠીલા મંકોડા જમીન પર પગ મૂકે કે તરત જ ફરી હોજ તરફ હડી કાઢે અને ફરી પાણીમાં પડી જાય. મને તેમની બેવકૂફી પર ખૂબ ચીડ ચડી. મેં મનમાં કહ્યું, ‘આ કમબખ્ત પહેલી વાર પાણીમાં પડ્યા તે તો અજાણે પડ્યા, પણ પાણીમાં પડ્યા પછી તરફડિયાં મારતા અધમૂઆ થયેલા મેં એમને બહાર કાઢ્યા તે એમનો અનુભવ ક્યાં ગયો? હોજમાં બીજા કેટલાયે મરેલા મંકોડા પણ તેમણે જોયા છે, છતાંયે ડહાપણ ન આવે?’ કેટલાકને તો મેં ચીવટપૂર્વક ત્રણ ત્રણ વાર બહાર કાઢ્યા. છતાં અનુભવથી શીખે એવી એ જાત જ નહીં. મેં નક્કી કર્યું કે કબૂતરોની પેઠે આ મંકોડા પણ બેવકૂફ પ્રાણી છે. પણ વળી વિચાર આવ્યો, ‘માણસજાત પણ કેવી બેવકૂફ છે ! આપણે હિન્દુસ્તાનના લોકો પારકાની મદદ પર આધાર રાખીએ છીએ અને તેના જુલમને વશ થઇએ છીએ. ઇતિહાસકાળમાં અનેકવાર આ આ અનુભવ આપણે લીધો છે, છતાં એની એ જ વાત ફરી ફરી કરતા આવ્યા છીએ. ત્યારે મંકોડાની જ આ આત્મહત્યા જોઇ એ જાત બેવકૂફ છે એમ શા સારું માનવું?’

પાછલા આંગણાની દીવાલ પર દયાભાજન હોલાઓનું જોડું ઘણીવાર આવીને બેસતું. કહે છે કે તમામ પ્રાણીઓમાં હોલો અત્યંત નિષ્પાપ અને ભોળું જાનવર છે. આખો દિવસ ‘પ્રભુ-તુ’, ‘પ્રભુ-તુ’ એમ રટ્યા કરે છે. મહારાષ્ટ્રમાં હોલાને ‘કવડા’કહે છે. અહીંના અને ત્યાંના હોલાઓમાં નામભેદ છે એટલું જ નહીં પણ શબ્દભેદ પણ છે. મહારાષ્ટ્રના હોલા ‘પ્રભુ-તુ’ બોલતા નથી. તેમનો અવાજ લગભગ ‘કુટુર્ર’, ‘કુટુર્ર’, ‘કુટુર્ર’ એવો થાય છે. આ ઉપરથી ત્યાંના ગામડાંના લોકોએ એક લોકવાર્તા ઉપજાવી કાઢી છે:

કવડો પહેલાં માણસ હતો. તેના ઘરમાં એક તેની સ્ત્રી અને સીતા કરીને એક તેની બહેન હતાં. એક દિવસ તેણે બહેનને અને સ્ત્રીને શેર શેર ડાંગર આપી કહ્યું, મને આના પૌંઆ બનાવી આપો. સ્ત્રીએ ડાંગર ખાંડી એમ ને એમ પતિ આગળ ધરી દીધી. હેતાળ બહેને ડાંગર ખાંડી સોઇ ઝાટકી કુશકા જુદા કરી ચોખા બરાબર વીણી ભાઇ માટે પૌંઆ તૈયાર કર્યા. ભાઇએ જોઇ લીધું કે સ્ત્રીના પૌંઆ શેરેશેર છે અને બહેનના તો બહુ જ ઓછા છે. તેણે મન સાથે નક્કી કર્યું કે બહેન પાકી આપસ્વાર્થી ને પેટૂડી છે. સ્ત્રી તો આખરે સ્ત્રી. એને ધણીનું લાગે એટલું બીજાને ક્યાંથી લાગે? ભાઇ ક્રોધ ભરાયો અને શેરિયો ઉપાડી એણે બહેનના કપાળમાં માર્યો. બહેન બિચારી ત્યાં ને ત્યાં જ તરફડીને મરી ગઇ ! થોડી વારે ભાઇ સ્ત્રીએ તૈયાર કરેલા પૌંઆ ખાવા બેઠા. પૌંઆ મોઢામાં તો નાખ્યા, પણ કુશકાસોતા પૌંઆ ખાધા કેમ જાય? થૂ થૂ કરીને બધા કાઢી નાખ્યા, પણ પેલા બહેનના પૌંઆ ખાવા લાગ્યો. અહા, શી એની મીઠાશ ! દુનિયામાં બહેનના હેતની તોલે આવે એવી કઇ વસ્તુ છે? ભાઇએ એક જ કોળિયો ખાધો અને પશ્ચાતાપથી બહેનના શબ પાસે પડી પ્રાણ છોડ્યા. ત્યારથી એને હોલાનો જન્મ મળ્યો છે અને હજી તેની પશ્ચાતાપ-વાણી ચાલ્યાં કરે છે: ‘ઉઠ સિતે કવડા પોરપોર. પોહે પોહે ગોડ – ‘સીતે, (ક્ષમા કર ને) ઊઠ. કવડાએ તો છોકરવાદી કરી. તારા જ પૌંઆ મીઠા હતા, મીઠા હતા.’

કેટલું કરુણ કાવ્ય ! અને કેવો જનસહજ બોધ !

– કાકા કાલેલકર (‘ઓતરાતી દિવાલો’ માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “જેલવાસના અનુભવો.. – કાકા કાલેલકર

  • Vivek Tandel

    દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એટલે આપણા ‘કાકા કાલેલકર’
    એમનું જીવન ચરિત્ર રસપ્રદ છે. એમની વાર્તાઓમાં એક પ્રકારની ભીનાશ હોય છે. જેને શબ્દો દ્વારા જ સમજી શકાય છે. એમણે લખેલું પ્રવાસ નિબંધ હિમાલયનો પ્રવાસ એ મારો પ્રિય પ્રવાસ નિબંધ છે.
    આ પ્રસ્તુતિ માં કાકા સાહેબ કાલેલકર એ પોતાનો જેલવાસ નો સમય દર્શાવ્યો છે. જેલવાસ દરમિયાન એમણે લખેલી વાતો અહીં જોવા મળે છે.
    કાકાસાહેબ કાલેલકર હંમેશા કહે છે કે …. ધીરજ મારું વ્રત છે. શ્રદ્ધા મારી મૂડી છે.
    આ કૃતિ લખવા બદલ કાકાસાહેબ કાલેલકરને આભાર

  • Hitesh

    કાકા સાહેબના જેલ સમયના સાંભારાંણા દેશભકિત, કોમલ હદય અને તદન મમૅ સ્પૅશ આલેખન વાંચૈ આંનદ થયો. આભાર.

  • સુભાષ પટેલ

    આ લેખ વાંચીને મને લાગ્યું કે ભારતીય પ્રજા મંકોડા જેવી છે. ગમે તેટલી વાર તેને મત આપવાનો મોકો મળે તો પણ એવી સરકાર લાવે કે જે ભલું ન કરે. આ પણ એક જાતની આત્મહત્યા જ છે ને.

  • ashvin desai

    AS I COULDNT TYPE GUJARATI TODAY I HAVE TO COMPLIMENT U IN ENGLISH
    ITS 0 DEGREE COLD IN MELBOURNE BUT KAAKAASAAHEB THE GREAT WARMED ME WITH HIS DELIGHTFUL PEACE .
    HE COULD DO IT DURING MAHASANGRAAM OF FREEDOM STRUGGLE !WHAT AN APPROACH TOWARDS LIFE ! A SALUTE TO MAHAAMAANAV .-ASHVIN DESAI AUSTRALIA