મોહ.. – રવીન્દ્ર પારેખ 3 comments


પૂરું થયું બધું….

છેવટે મેં દેહ છોડી દીધો.

મને બેડ પરથી જમીન પર ઉતારાયો. પુષ્પા ચોધાર આંસુએ રડતી હતી ને મારા બંને દીકરાઓ એકબીજાની આંખો લૂછતાં સ્વસ્થ થવા મથતા હતાં. મારા માથા નજીક દીવો થયો. હું હોલવાયો ને અજવાળું થયું. કોઈકે છેલ્લે છેલ્લે ગંગાજળ મૂક્યું. મોંમા પાનનું બીડું મૂકાયું ને વારાફરતી સંબંધીઓ મિત્રો આવવા લાગ્યા. તેમના પહેલાં તેમનું રૂદન વહેલું પહોંચતું હતું. અત્યાર સુધી મારી સાથે સૌ જોડાતા હતા ને હવે તેમણે મને છોડવાનો હતો.

એક ખોળિયું જે મારા નામે ઓળખાયું તે હવે શબ બની ગયું હતું. ખોળિયું છોડતાં બહુ વાર ન લાગી. આમ હતો ન હતો થઈ ગયો. આ શરીર પરથી જાણે રવીન્દ્રનો ટેગ નીકળી ગયો હતો. પણ નીકળ્યો કેવી રીતે ? શરીર હતું. ઘરની બહાર નેઈમપ્લેટ હતી. તેના પર નામ હતું. નેઈમપ્લેટ નીકળી ગઈ પણ ઘર તો હતું. શરીર પરથી નામ ખસ્યું ને હું ન રહ્યો. હું એટલે કોણ ? શી ઓળખ હતી હવે ? આ શરીર મારું હતું પણ હવે તેમાં હું ન હતો. જે હું છું તેને શરીર ન હતું. શરીર રવીન્દ્રનું રહ્યું ન હતું ને રવીન્દ્રને શરીર રહ્યું ન હતું. હું જે હતો તે પણ રવીન્દ્ર ક્યાં હતો ? હું રવીન્દ્ર છું એવું કહું તો માનવાનું કોણ હતું ? મને કંઈ વાગતું ન હતું , સંભળાતું ન હતું , જીવવું ન હતું. ઈચ્છું તો પણ આજુબાજુની હવાને શ્વાસ બનાવી શકું એવું કંઈ ન હતું.

નથી ખબર પડતી શું મહત્વનું હતું ? રવીન્દ્ર નામ મહત્વનું હતું ? હું જે છું તેનું મહત્વ હતું ? ના ત્રણે જુદાં હતાં. બધાં એકમાં હતાં ત્યાં સુધી કામનું હતું બધું. પણ હું જે કંઈ નથી તેણે નામ અને દેહને અલગ કરી નાખ્યાં હતાં. કેવી સિતિ હતી આ ? હું હવે કેવળ હોવાનો ભાવ હતો. કદાચ એક ફીલીંગ ! જેને શરીરમાં હોય ત્યારે નામ હોતું હશે , હવે નો ’તું. ભાવ , જે અભાવ નો’તો એવું કંઈક ! નામમાં કંઈ નથી , પણ ‘કંઈ નથી’ નામમાં હોતું હશે કે ? નહીં હોય. નહીંતર હું મને રવીન્દ્ર કહી શક્યો હોત ને ! હું મને રવીન્દ્ર કહું તો તેને કોણ જાણી શકવાનું હતું ? હું રવીન્દ્ર પણ નો’તો , કદાચ રવીન્દ્રનો ભાવ હતો ને તે મને જ હતો. તેની જોડે કોઈને કે મને લેવાદેવા નો’તી.

નામ વગર જન્મ્યો હતો. કોઈકે નામ આપ્યું ને તે શરીર સાથે આટલાં વર્ષ રહ્યું. હવે બંને નિરાધાર છે. અલગ છે ને બંને કંઈ નથી. એ કંઈ નથી તે હું છું. શરીર, મન, મગજ, જીવ બધું મહત્વનું છે. પણ તેને નામ જ ન હોય તો ? કઈ ઓળખ બને ?

શરીર પર નામની ચિઠ્ઠી હતી તો તેને આઈ કાર્ડ હતું, તેને સરનામું હતું, પી.એફ નંબર હતો, દરજ્જો હતો. રવીન્દ્ર નામ વાળા શરીરને સમાજ હતો. રવીન્દ્ર પતિ હતો, પિતા હતો, પુત્ર હતો, પૌત્ર હતો, હોસ્પિટલના વોર્ડ નંબરની તકતી હતો. રવીન્દ્રને ભૂખ હતી, રાગ હતો, રોગ હતો, નામ અને શરીર જુદા પડ્યાં ને પતિ મટી ગયો, પિતા મટી ગયો, પૌત્ર મટી ગયો, રાગ મટી ગયો, રોગ મટી ગયો, શરીર હતું તે ય હવે રહેવાનું ન હતું. ખાલી શરીર એટલે કંઈ નહીં. રવીન્દ્રએ હવે ખાવાનું નથી કે પચાવવાનું નથી. લોહી બનવાનું નથી કે ધબકવાનું નથી. ધૂમાડો ઉઠે ત્યાં સુધી શરીર છે. એ પછી અસ્થિવિસર્જનથી એક નામ બંધ થશે. હું રહી જઈશ શરીર વગરનો. મને કંઈ નથી. ન સ્થિતિ, ન ગતિ. હું છું, તે સિવાય કંઈ નથી. રવીન્દ્ર નામમાંથી હું નીકળી ગયો છું. એટલે કે ખરેખર શું નીકળી ગયું છે ? જેમ કોઈ બી ફોલીએ અને અંદરથી કંઈ ન નીકળે એવું કંઈક હું છું. એ કંઈ ને કારણે રવીન્દ્ર માણસ હતો, હવે શબ છે. હું હવે પૂરો થયો છું.

આ ધૂમાડો ઊઠ્યો ને હું અસ્થિ રહી ગયા. હવે દેહ ન હતો, રડવું હોય તો આંખ નથી, સ્પર્શવું હોય તો હાથ નથી, ચૂમવું હોય તો હોઠ નથી, ચાખવું હોય તો જીભ નથી. પણ રડવું આવે છે ! પુષ્પાને હાથ અડાડવો છે. કોઈના હાથથી અડાય નહીં. કોઈની આંખથી રડાય નહીં. હું કદાચ ઈચ્છા જ હતો હવે… પણ તે કદી પૂરી થવાની નો’તી. કારણ હું પૂરો થઈ ગયો હતો. ફિલ્મની પટ્ટી પૂરી થાય ને છેલ્લે રીલ ફરતું રહે તેવું જ કંઈક ! ફર્યા કરવાનું હતું ને ફરવાનું નો’તું.

મારા મરવાને બીજે દિવસે હું અત્ર, તત્ર, સર્વત્ર થઈ ગયો હતો. મારી દીકરી મોબાઈલ પર કોઈની જોડે વાત કરતી હતી ને તે જેની જોડે વાત કરતી હતી તે તેનો પ્રેમી હતો. આ હું હતો ત્યારે જાણતો ન હોતો. મને થયું કે દીકરીને કહું કે રેખા, આ છોકરો તારે લાયક નથી.

મારા વગરનું જગત નહાઈને તડકે સૂકાતું પડ્યું હતું ને હું ….

મારા બંને દીકરાઓ મેડિક્લેમની કેટલી રકમ મળશે તેનો દાખલો ગણવામાં પડ્યા હતાં. મારા મિત્રે મને નેટ પરથી ડીલીટ કરી દીધો હતો. મારા નામની ટપાલો મારી પત્ની રડતી આંખે વાંચતી હતી. હું નો’તો. શરીર નો’તું. ને નામ હતું.

થોડા દિવસમાં મોટા દીકરાએ મારી નેઈમ પ્લેટ કાઢીને તેની મૂકી દીધી હતી. મારા પૌત્રને પુષ્પા મારો ફોટો બતાવીને કહેતી હતી, અખિલ બેટા, આ તારા દાદાજી હવે ભગવાનને ત્યાં ગયા છે. તેમને પગે લાગ.

કોઈ ભગવાનને ત્યાં હું ગયો નથી તેવું કહેવાજ જતો હતો પણ બોલનારું મોઢું નો’તું. હું ભગવાનને ત્યાં શું શેતાનને ત્યાં પણ ગયો ન હતો. હું કંઈ હતો જ નહીં તો જાઉં ક્યાં ? જવા માટે એટલીસ્ટ બે પગ તો જોઈએને ! હવા થઈ ગયો હતો. ના, તેમ નહીં. કારણ, હવાને પણ ગતિ તો છે જ ! સ્થિર હોય તો પણ તે છે. હું તો તોય નથી. કોઈનેય દેખાયા વાગર તે દીવો હોલવી શકે છે. જ્યારે હું ?

મર્યા પછી પણ લાચારી ઘટી નથી.

નાના દીકરાના વિવાહ કરેલાં મહિના પહેલાં. પછી મને પહેલો એટેક આવ્યો. લગ્ન ઘોંચમાં પડ્યા. હવે છોકરી પરણવાની ના પાડે છે. હું હોત તો સમજાવી હોત એને, દીકરો દુખી છે. મને એટેક ન આવ્યો હોત તો કદાચ લગ્ન થઈ ગયાં હોત ! પણ…

ઘણાં ‘ઈશ્વરને ગમ્યું તે ખરું’ કહીને મારા મૃત્યુ બદલ હાથ ઊંચા કરી દે છે. એમને કેમ કહું કે આખું આકાશ ફેંદી વળ્યો કોઈ દેખાતું નથી. હું તો નક્કી જ નથી કરી શકતો કે હું છું ક્યાં ? અહીં ન તો આકાશ છે ન તો ધરતી ! ન હવા, ન પાણી, ન ધરતી, ન અગ્નિ, ન આકાશ. કદાચ બધું હશે પણ જોવું કઈ રીતે ? નથી પાણીનો સ્પર્શ, નથી અગ્નિનો પ્રભાવ !

મોટા દીકરાની વહુના પિયરિયાંઓ શોક મૂકાવવા આવ્યાં છે. દીકરાની વહુને મારી સાથે ખૂબ ફાવતું હતું. તે તેની બધી વાત મને કરતી. મારા દીકરાની ફરિયાદો પણ કરતી. મારો દીકરો તેને લાયક નો’તો તે હું જાણતો હતો. પણ મને હતું કે ધીરે ધીરે બધું થાળે પડી જશે પણ પડતું ન હતું. મિતા બહુ દુખી હતી મારી વિદાયથી. ખૂબ રડી હતી ને રડતી રહેતી હતી. પણ આંખો હોય તો ક્યારેક તો સૂકાય જ છે. તે સ્વસ્થ થઈ હતી. પુષ્પાને કહેતી હતી, “મમ્મી , પપ્પા લેવા આવ્યા છે !”

પુષ્પા રડી. નકાર ભણ્યો. પણ મિતા માની નહીં. “મમ્મી આમ ઘરમાં તો તમે ….”

એ પણ રડી.

એ લોકો હજી મારે માટે કંઈ ને કંઈ કરી રહ્યા હતા. ને હું ?

મને થયું કે , ‘પુષ્પા , ક્યાં સુધી આમ રડ્યા કરીશ તું ગમે તેટલું રડીશ પણ હું હવે આવી શકું તેમ નથી ને કશે જઈ શકું તેમ પણ નથી.’ પણ અગેઇન મોં ન હતું….

કેવું હતું આ ? બધું હતું. મારું હતું. મારો મોહ છોડવાનું કહેવું હતું, પણ કંઈ થઈ શકે તેમ નહતું.

મર્યા પછી પણ આટલો મોહ…

ગમે તેટલો મથું , પણ હું હવે આ જગતમાં માથું મારી શકું એમ હતું જ નહીં !

– રવીન્દ્ર પારેખ

મૃત્યુ વિશે અક્ષરનાદ પર અનેક કૃતિઓ પ્રસ્તુત થતી રહી છે, ‘પરમ સખા મૃત્યુ’ જેવું પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે અને એ વિશેની અનેક ધારણાઓ, વિચારો, ચિંતન અને કલ્પનાઓ સમયાંતરે પ્રસ્તુત થતાં રહે છે. આજે પ્રસ્તુત છે શ્રી રવીન્દ્રભાઈ પારેખની કલમે મૃત્યુ અને મોહ – એ બંનેને આવરી લેતો સ્વ વિચારનો એક અનોખો ઉપક્રમ. મૃત્યુ વિશેના પોતાના વિશેના ચિંતન વિશેનો આ લેખ ખરેખર વિચારપ્રેરક છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ શ્રી નિમિષાબેન દલાલનો અને તેને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રવીન્દ્રભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

મૌત ઈક દીખાવા હૈ, મરકે ભી નહીં મરતે,
જિંદગીકે દીવાને મૌત સે નહીં ડરતે.
– સતીશ શુક્લા ‘રકીબ’


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “મોહ.. – રવીન્દ્ર પારેખ

 • Dipak Dholakia

  શ્રેી રવ્ન્દ્ી પારેખે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. મૃત્યુ કરતાં પણ મહત્ત્વનો સવાલ એ છે કે ‘હું’ એટલે શું – અથવા કોણ?

  જીવતા હોઇએ ત્યારે જેને ‘મારું શરીર’ કહેતા હોઈએ તેના આ વિના ‘હું’ કેટલો પાંગળો છે! અને આ શરીર તો જન્મ સમયે મળ્યું ત્યારે છ ફુટનું નહોતું! એ જ વધતું ગયું. અને જન્મ થયો ત્યારે ;હું; એની અંદર હતો કે કેમ કે એ માત્ર ભાષાકેીય વ્યવસ્થા જ છે? તે સિવાય દરેક જણ પોતાને ‘હું’ કેમ કહી શકે?

  ખરેખર તો ‘હું’ એ શરીરનું જ નામ છે, એટલે શરીરની બહાર કશું નીકળતું નથી.

  ‘હું;નો ખ્યાલ ઘરના ખ્યાલ જેવો છે. જે ઘરમાં હું જન્મ્યો તે વખતે એમાં રહેનારા મોટા ભાગના આજે નથી. તેમ છતાં મારો ઘરનો ખ્યાલ યથાવત છે. – ‘મારું ઘર”. આ સ્મૃતિ સિવાય બીજું કશું જ નથી.

  એ જ રીતે ‘હું’ પણ શરીરની સાથે જોડાયેલેી સ્મૃતિઓના સંકલનનું જ એક નામ છે. એનું વાસ્તવિક અસ્તિત્વ નથી. હોત તો શ્રી રવીન્દ્ર પારેખ દેખાડે છે તેવું અર્થહીન અસ્તિત્વ હોત્.

 • ashvin desai

  ભઐ રવિન્દ્ર પારેખ આપ્ના અતિ – સમ્વેદન શિલ કવિ .
  એમનિ નવલકથાઓએ / વાર્તાઓએ પન એમના નાજુક
  સમ્વેદનોને જ વાચા આપિ ચ્હે .
  તાજો ગદ્ય – ખન્દ એતલા માતે વિશિસ્થ ચ્હે , કારન્કે એ ખુદ
  મરનને જ પાયામાથિ ‘ નેગેત ‘ કરે ચ્હે .
  તત્વ ગ્નાનિઓને પન વિચારતા કરિ મુકે એવો બારિક લેખ
  આપવા માતે તમે બધા ધન્યવાદ્ના અધિકારિ ચ્હો . બ્રેવો ……
  અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા