અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે 7


અડકીને ચાલો તોય અળગા, સાજન
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,

સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂલ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,

પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું.

વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,

સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.

એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

બિલિપત્ર

વનમાં વન નંદનવન સજની,
મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની,
રહી રહીને સંભારું.
– હરીન્દ્ર દવે

પ્રેમરસની, શૃંગારની વાતો વ્યક્ત કરવામાં આપણું સાહિત્ય આજે પણ એટલું જ સમૃદ્ધ અને સદ્ધર છે જેટલું એ સદાકાળ રહ્યું છે. જ્યાં આજના સર્જકો ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રસ્થાપિત બંધનો તોડીને આગળ વધી રહ્યા છે ત્યાં આપણા સદાબહાર કવિઓ-ગઝલકારોએ કરેલ કૃતિઓ હજુ તેમની સિદ્ધહસ્ત સર્જકતાનો પરિચય આપતી અડીખમ ઊભી છે. પ્રસ્તુત કૃતિ એક પ્રેમીકાની તેના પ્રિયતમ વિશેની લાગણીઓને ખૂબ સુંદર રીતે વાચા આપે છે, શ્રી હરીન્દ્ર દવેની સર્જકતાનું આ એક ઓછું જાણીતું પણ અતિશય સબળ ઉદાહરણ છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે