શકુનીની રોજનીશી (ભાગ ૮) – હસ્તિનાપુર પ્રીમીયર લીગ 8


લાક્ષાગૃહમાંથી પાંડવોના બચી જવાની વાતને હસ્તિનાપુરના લોકલ તથા ઈન્ટરનેશનલ મીડીયાવાળાઓએ ખૂબ ચગાવી. એ ઘટના પાછળ કોનો હાથ હતો એ શોધવામાં ઘણી બધી ચેનલોના પ્રતિનિધિઓ ખણખોદ કરવા લાગ્યા હતા, કોઈકે બિલ્ડરને, કોઈકે પ્લાનરને તો કોઈકે કોલસાના સપ્લાયરને શોધી પણ કાઢ્યા, સમયસૂચકતા વાપરીને દુઃશાસને એ બધાયને થાઈલેન્ડની રાઉન્ડ ટ્રીપ પર મોકલી આપ્યા એટલે થોડાક દિવસ શાંતિ થશે એમ અમને લાગ્યું. પણ એ આશા ઠગારી નીવડી – ઘાતતક – ‘૨૪ કલાકની ચેનલ’ જેનું નામ, રોજેરોજ કોઈકને કોઈક મથાળા નીચે લાક્ષાગૃહ ચમકી જ જતું. અરે એક દિવસ તો લાક્ષાગૃહ જે જમીન પર બનાવાયું તે N.A થયેલી નથી અને એ પ્રોપર્ટીના ટાઈટલ ક્લિયર નથી એમ સાબિત કરીને એક ચેનલે એવી પણ માહિતી આપી કે એ જમીન હસ્તિનાપુર સૈન્યમાં શહીદ થયેલાઓની વિધવાઓ માટે સોસાયટી બનવાની હતી, પરંતુ વત્સ દુર્યોધને એ પચાવી પાડી. વત્સ દુર્યોધનને બ્રેકફાસ્ટ પચાવવા પણ જ્યાં ‘કાયમચૂર્ણ’ લેવું પડે છે ત્યાં આ વાત અમને કોઈને પચે એમ નહોતી, પણ પછી ખબર પડી કે એ પચાવવાનું કામ વત્સ દુઃશાસને કર્યું હતું. આખરે ગૃહમંત્રીએ આખીય ઘટનાની નિષ્પક્ષ તપાસ પાંચ કૌરવોના બનેલા ગૃપ ઑફ કૌરવાસ પાસે કરાવવાની જાહેરાત કરી, પછી ? પછી…. ખાધું પીધું ને રાજ કર્યું.

મગધમાં પ્રવાસનને ચમકાવવા અભિનેતા બમિતાભ અચ્ચને ‘કુછ મહીને તો ગુજારીએ મગધમેં’ ટૅગલાઈન સાથે ‘મેગ્નિફસન્ટ મગધ’ની જાહેરાતોનો મારો ચલાવેલો. એના આધારે લાક્ષાગૃહના સમાચારને ઠંડા પાડવા અમે દુઃશાસનને લીડ રોલમાં ચમકાવતી ‘હિસ્ટોરીકલ હસ્તિનાપુર’ ની જાહેરાત કરાવી, એમાં લોકોને કાંઈ રસ પડ્યો નહીં. આખરે માસ્ટરપ્લાનર મામા તરીકે મારી ફરજના ભાગ રૂપે મારા એગ્રીકલ્ચર્ડ ભેજામાં એક સરસ યોજના ઉભી થઈ.

એ અંતર્ગત દુર્યોધને ‘બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન હસ્તિનાપુર’ અને ‘ઓલ હસ્તિનાપુર સ્પોર્ટ્સ ફેડરેશન’ના સંયુક્ત નેજા હેઠળ એચપીએલ (હસ્તિનાપુર પ્રીમીયર લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જાહેર કર્યું. આ મહાકાય આયોજનમાં આસપાસના અનેક રાજ્યોની ટુકડીઓને રમવા માટે આમંત્રણ અપાયું, એ બહાને વત્સ દુર્યોધન, દુઃશાસન અને બીજા ૯૮ ભાણેજો એ રાજ્યોની કુંવરીઓને જોઈ શકે એવો અંગત હેતુ પણ ખરો..

ટીમમાં મગધ નરેશની ‘મગધ મીડીએટર્સ’, કાંપિલ્યની ‘કાંપિલ્ય કાઈટ કટર્સ’, વૈશાલીની ‘વૈશાલી વોરીયર્સ’, મદ્રની ‘મદ્ર મોડીફાયર્સ’ અને કર્ણની ‘અંગ અફિલીએટ્સ’ સાથે સાથે મારી ગાંધારની ‘ગાંધાર ગ્લેડીયેટર્સ’ બહારથી આવેલી ટીમ જ્યારે દુર્યોધનની – હસ્તિનાપુરની ‘હસ્તિનાપુર હીરોઝ’ એમ વિવિધ ટીમ રમવાની છે એમ નક્કી થયું. કૃષ્ણની ટીમ ‘દ્વારિકા ડિફેન્ડર્સ’ ને પણ આમંત્રણ અપાયેલું, પણ તેમણે ખેલાડીઓની ફિટનેસનો મુદ્દો આગળ કરીને એચપીએલમાં જોડાવાની નામરજી બતાવી. અને બધું ફાઈનલ થઈ રહ્યું હતું ત્યાં અચાનક પાંડવોની ‘પરફેક્ટ પાંડવાઝ’ ટીમ પણ મેદાનમાં ઉતરી જેમાં પાંડવો તથા તેમના સાળાઓ શામેલ હતા. કમને પણ એ ટીમને આયોજનમાં શામેલ કરવી પડી.

નાચગાન માટે આમ્રપાલીની વિખ્યાત નર્તકી ‘રસમાધુરી’ને તેની ટીમ સાથે બોલાવાઈ. હસ્તિનાપુર તાલુકાની બહાર આવેલા ગૌચરને સમથળ કરી સ્ટેડીયમ બનાવવાનું કામ દુર્યોધનની એચસીસી (હસ્તિનાપુર કન્સ્ટ્રક્શન કંપની)ને આપવામાં આવેલું, જેણે લગભગ ચારગણા ખર્ચમાં એ કામ સફળતાપૂર્વક નિષ્ફળ કરી બતાવ્યું, આખરે રમતગમત મંત્રાલયના પદ વગરના પ્રધાન ‘ઓય માડી’ને પદભ્રષ્ટ કરી એ પેમેન્ટ ક્લીયર કરાયું. છેલ્લે ભીષ્મ પિતામહની દરમીયાનગીરીને લીધે વિદુરજીએ જાતે દેખરેખ રાખીને સ્ટેડીયમ બનાવડાવ્યું.

પહેલી જ મેચ બાદ અચાનક ‘મેચ ફિક્સ છે’ એવી એક ચેનલે મૂકેલી બ્રેકિંગ ન્યૂઝની પટ્ટી થોડીક વારમાં અન્ય ચેનલો પર ચર્ચાનો વિષય બની ગઈ, ગાંધારના ત્રણ ઈંટરનેશનલ ખેલાડીઓના નામ પણ તેમાં આવ્યા, પરંતુ દ્યુત એ તો અમારી રાષ્ટ્રીય રમત છે, અને બધી મેચ પહેલેથી ફિક્સ જ હતી, છે અને રહેશે…. એ અમને પણ ખબર હતી, છે અને રહેશે… આશ્ચર્ય ફક્ત એ થયું કે મીડીયાના લોકો સુધી એ વાત કઈ રીતે પહોંચી ગઈ? બે દિવસમાં બધાય એ સમાચાર ભૂલી ગયા.

આવા નાના નાના છમકલાને બાદ કરતા એકંદરે વાતાવરણ અનુશાસનમાં રહ્યું. રાજ્યના દરેક જીલ્લા, તાલુકા, ગામ અને શેરીઓમાં મટકા કેન્દ્રો અને જુગારખાના ઉભા કરવામાં આવ્યા જેથી લોકો નિશ્ચિંત થઈને સગવડતા પૂર્વક શરત લગાડી શકે. જેની જીત પર શરત સૌથી વધુ લાગે તે ટીમ સરળતાથી હારી શકે એ માટે પૂરતી વ્યવસ્થા પણ કરી દેવાઈ.  બુકીઓ અને ખેલાડીઓના સરળ સંપર્ક માટે રોજ રાત્રે સ્નેહભોજનું પણ આયોજન રખાયું, તથા બુકીઓને વગર રોકટોકે છેક ડ્રેસીંગરૂમ સુધી જવાની પરવાનગી પણ અપાઈ ગઈ છે. ખેલાડીઓ ફિક્સીંગ ન કરે તો આખેઆખી ટીમને ફિક્સ કરવાનું પણ આયોજન કરાયું. રોજીંદા વપરાશની વસ્તુઓ જેવી કે ચા, ખાંડ, ગોળ, ઘી, મીઠું તથા તેલની સાથે મફતમાં એચપીએલની ટીકીટ આપવાની જાહેરાતો થઈ પણ ટીકીટો જીલ્લાથી બહારના અને અતિશય દૂર દૂરના સ્ટેડીયમની વહેંચાઈ કે જેથી એવી ટીકીટ મેળવનાર સ્ટેડીયમ સુધી પહોંચી ન શકે.

જીવનની રોજિંદી ઘટમાળથી, સાસુ વહુની સીરીયલ્સથી, બોસના તાયફા અને વાઈફના અત્યાચારથી બચવા લગભગ રાજ્યના બધા નાગરીકો ક્રૂરદર્શન પર આ મેચ જુએ છે એવા લૅટૅસ્ટ સમાચાર છે. સ્ટેડીયમમાં જવું છે કારણ કે કેમેરામેનને મેં મારા ક્લોઝઅપ્સ વારે વારે ટીવી પર દેખાદવાનું કહ્યું છે… આજે મારી ટીમ ‘ગાંધાર ગ્લેડીયેટર્સ’ની મેચ ‘મગધ મીડીએટર્સ’ સાથે છે. અને… અમે હારવાના છીએ કારણકે, ‘હાર કે જીતને વાલેકો ગ્લેડીએટર કહતે હૈ…’

(શકુનીજીની ડાયરીનું પૃષ્ઠ ૪૧૯)

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી ભૂતકાળમાં મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતીમાંથી મળી આવી હતી, તેના અમુક વિશેષ પાનાંઓ હું સમયાંતરે અહીં ઉપલબ્ધ કરાવતો રહું છું જેમાં શકુનીજીની સંમતિ ગણી લઊં છું કારણકે ડાયરી મને મળી આવી છે. આજે પ્રસ્તુત છે હસ્તિનાપુર પ્રીમીયર લીગના આયોજન અને કારણો વિશેનો શકુનીજીનો આત્મકથાનક વિચાર.. શકુનીજી માટે પ્રતિભાવો અહીં જ આવકાર્ય છે કારણકે રૂબરૂમાં તેમને મળવા ઘણે લાંબે જવુ પડે તેમ છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૮) – હસ્તિનાપુર પ્રીમીયર લીગ

 • M.D.Gandhi, U.S.A.

  તમે તો આજની તાજી વાતને ( RRના ૩ બોલરોવાળી) પણ આ ડાયરીમાં ચગાવી દીધી….. વાહ…..વાહ… કહેવું પડે….

  બહુ સરસ……તમારી instant કલ્પનાને ધન્યવાદ………

 • ashvin desai

  ભાઈ જિગ્નેશ , આજે તમે અનોખો ચમત્કાર કર્યો !
  શકુનિમામાનિ દાયરિ પન કેતલિ ભાગ્યશાલિ , કે તમારા
  જેવા મરજિવાને હાથે ચદિ , જે અહર્નિશ રત્નોનિ ખોજ કરે.
  ધન્યવાદ , મિત્ર . – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

 • Dipak Dholakia

  અરે. મહુવાનાં પાનાં તો હું ચૂકી ગયો છું. કહે છે કે ત્યાં ડાકલાં વાગ્યાં તોયે ભુવાએ ધૂણવાની ના પાડી દીધી હતી અને પછી નાળિયેર પણ – જ્યાં કેંકવું લાભકારક હોય અથવા નુકસાન થવાની શક્યતા નહિવત્ઁ હોય ત્યાં જ્ ફેંક્યું હતું? મને ખબર નથી પણ મોટા મોટા પત્રકાર અને લેખક ભાઈઓ-બહેનો કહેતાં હતાં.
  બસ યુધિષ્ઠિર હાર્યા અને રાજપાટ ગયું એવું સાંભળ્યું છે. હવે જેને તમે દુઃશાસન કહો તેને દુર્યોધન તો સુશાસન નામે જ બોલાવતો હતો. શકુનીમામાથી શું અજાણ્યું હશે? એમનેી ડાયરીનાં પાનાં મળી જાય તો જામે!