જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2


આસ્વાદોના તે ક્યાંય આસ્વાદ હોતા હશે?

ઉદયનના આસ્વાદ – પુસ્તક ‘જુગલબંધી’ વિશે કોઈ અક્ષર પાડતાં પહેલાં મેં ફરી એકવાર સ્ક્રીપ્ટ જોઈ ત્યારે પૃ. ’5 પરની શ્રી જયંત પાઠકની સોનેટની અંતિમ બે કાવ્ય પંક્તિઓ મારી આંખે વળગી પડીઃ

વરસી વરસી પ્રિય, વેરાયું વાદળ
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ

ઉદયન આ જીવતા વાયર જેવી બેઉ કાવ્યપંક્તિઓને કઈ રીતે સ્પર્શ્યો છે તે જોવાનું મને કુતૂહલ થયું. જોયું તો એણે લખ્યું છેઃ “કેટલાક ફેરિયા પાટિયું રાખીને બેસે, ‘એક જ ભાવ – રૂ. 6/-’ ઘરાક બહુ કસે તો હસતાં હસતાં અવળું ફેરવી દે, જ્યાં લખ્યું હોય – ֹએક જ ભાવ રૂ. 4/-’ ‘હું તને ભૂલી ગયો છું’ એવા પાટિયાની પાછળ કદાચ ચીતર્યું હોય, ‘હું તને ભૂલી કેમ શકું?’

(અનાયાસ જ એક લઘુકાવ્ય મારા સ્મરણમાં ઉમટે છે –
તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનોમાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.)

ઉદયને જીવતા વાયર જેવી બેઉ કાવ્યપંક્તિઓને કેવી સલુકાઈથી ને કેવી કુશતાથી ને અધિકારી પૂર્વક બત્તીના બલ્લ સાથે જોડી દીધી, જેણે અજવાળું અજવાળું કરી આપ્યું!
– આવી જ તાસીરને તરાહ છે ઉદયનના લગભગ બધા કાવ્ય – આસ્વાદોની. તે બહુશ્રુત છે, સ્મૃતિબળિયો છે અને કલમનો સ્વામી પણ છે પરંતુ જ્યાં ને જ્યારે કહેવાનું આવે ત્યારે વિવેકપૂર્વક મિતાક્ષરી બની જાય છે ને પોતાની શૈલીને લવચીક બનાવીને એવું કશું સુંદર ને અપૂર્વ કહી નાખે છે કે કાવ્ય, કવિ અને આસ્વાદકને પણ આપણો સલામ કર્યા વિના છૂટકો નહીં.

એક જગાએ તેણે લખ્યું છે – ‘દિલીપ ઝવેરીના મતાનુસાર તેમની પોતાની કવિતા ભાવકને સમજાય તે પહેલાં કોમ્યુનિકેટ થઈ જાય છે.’ પછી ઉદયન પોતાનું મંતવ્ય જણાવે છેઃ ‘આ સિદ્ધિ મને તો નથી સમજાતી કે નથી કોમ્યુનિકેટ થતી.’

અહીં એના મમાંતરમાં કડવાશ નથી એટલું જ મારે ઉમેરવાનું છે.

ઉદયને કરાવેલા કાવ્યાસ્વાદો વિદ્યાર્થીઓને શિક્ષક સમજાવે તે શૈલીના નથી, અરૂઢ છે ને કેટલાક વિશિષ્ટ અને અધિકારી ભાવકો માટે છે. ઉદયનની સર્જક કલમ કાવ્યની ‘જુગલંબધી’ કરતાં લખે છે ત્યારે તે (તબલાં પર થાપી, તોડા, મુખડા, પરણ એવી વિવિધ રીતે બજાવે છે કે) ભાવકે કાવ્ય અને એનો આસ્વાદ માણવા માટેની પોતાની અધિકૃતતાને અને સજ્જતાને પ્રત્યગ્ર કરવી પડે. આસ્વાદ લખતાં તે વાત અહીં-તહીંની ભલે કરે પણ ભાવક કાવ્યનો માર્ગ ન ચૂકે તેનું કુશળતાથી (અને ઉસ્તાદ તબલાંવાદકની પ્રતિભાથી) ધ્યાન રાખે છે. ભાવકનો આસ્વાદનો દોર તૂટતો લાગે તો ઉદયન ક્યારેક સૂર્યભાનુ ગુપ્તની, ક્યારેક સુરેશ દલાલની, મનોજ ખંડેરિયાની કે પ્રિયકાન્ત કે અનિલ જોશીની કાવ્યપંક્તિઓ વડે તે દોરને સાંધી આપે છે એટલે ભાવક રસભંગમાંથી ઊગરી જાય છે. ક્યારેક વળી તે નાનકડો ઇતિહાસ પણ આપી જાણે છે. જેમ કે (પૃ. ’4 પર) તેણે લખ્યું છે કે ‘પુષ્કર ચંદરવાકરે નોંધ્યું છે કે શમેળામાં જે જગ્યાએ વહુઆરુઓએ ભોગ આપ્યો હતો ત્યાં તળાવ મધ્યે દહેરી ચણવામાં આવી છે. ભાદરવા સુદ ‘‘ વામન જયંતીએ કેટલાક બ્રાહ્મણો પ્રતિવર્ષ એ દહેરી આગળ તરતાં જઈ સતીમાતાને ઘાટડી – મોળિયાં ઇત્યાદિ અર્પણ કરે છે.’ આ ઇતિહાસ પણ ભાવકને કાવ્યના પર્યાવરણમાં મૂકીને આસ્વાદમાં મદદજ કરે છે.

પૃ. ’8 પરના કાવ્ય પર ઉદયન ઉતાવળે વરસી પડેલો લાગે. એણે કૃતિની અભિધાને ય અવગણી નથી. તે લખે છે – ‘ખબરદારનાં કે પિનાકિન ત્રિવેદીનાં દેશગીતોમાં આવાં સરળ ગુણદર્શન હોય. જો કે આ ભગવાનને સંબોધન છે, પ્રાર્થના છે. તેમાં હૃદયનો આર્ત પોકાર હોય, ઇશારા ને અલંકાર ક્યાંથી હોય? આના સંદર્ભમાં અંતે તે રામાવતાર ત્યાગીજીની બે કાવ્ય પંક્તિઓ સુલભ કરી આપે છેઃ

મેરે સપનોં કો સૂલી પર લટકા દો તુમ બડી ખુશી સે
પર મૈં બેઈમાન સમય કો અપના અહમ નહીં બેચૂંગા

આસ્વાદોમાં એકધારાપણું ન લાગે તે માટે ઉદયન ક્યારેક તો પ્રશ્નોત્તરીરૂપે આસ્વાદકાર્ય ચલાવે છે (પૃ. 48), ક્યારેક સંવાદરૂપે (પૃ. 60, 85) તો ક્યારેક લઘુનાટ્યરૂપે આસ્વાદની તાસીર ફેરવીને તેણે ભાવકને કાવ્યપાશમાં બાંધી રાખવાના સ્તુત્ય પ્રયાસો કર્યા છે. પૃ. 5‘ પરનું એક કાવ્ય તો કાવ્ય, પણ આસ્વાદ સુદ્ધાં ઊંડે સુધી સ્પર્શી જાય છે ત્યારે ઉદયનને સલામ કરવી પડે છે.

ઉદયનના આ ‘જુગલબંધી’ આસ્વાદોની ખાસિયત એ પણ છે કે ગુજરાતી ભાષાનાં અનેક સંકલનોમાં વારંવાર પુનર્મુદ્રિત થતાં રહેતાં કાવ્યોને તેણે સ્પર્શ કર્યો નથી. એને કારણે એક જાતની પ્રફુલ્લ તાજગી યે અનુભવાય છે.

લાભશંકરની કૃતિ ‘એને વિષે કહો કોઈને કંઈ પૂછવું છે?’ વિષે લખતાં ઉદયન જણાવે છે કે, ‘વાછૂટકનું અર્થઘટન ન હોય. પાચન ક્રિયા છે, વાછૂટ આડપેદાશ છે. વરવી આડપેદાશ. સૃષ્ટિ જાણે ગેસ્ટ્રિક ટ્રબલમાંથી પેદા થઈ છે. (તો તમને સમજાઈ ગઈને બિગ બેન્ગ થિયરી?)’ લાભશંકરની ઉક્ત કવિતામાં ‘બ્રહ્માશ્ચના હણહણાટ જેવું (ફાર્ટિંગ)’ એમ એક જગાએ લખાયું છે તેના પરથી ઉદયન સૃષ્ટિની ઉત્પત્તિના એક કારણરૂપ મનાતી ‘બિગ બેન્ગ થિયરી’ સુધીની કલ્પના કરી કાઢે છે તે કોરું લૂગડું નીચોવવા જેવું લાગે છે, આગંતુક લાગે છે. આગળ ચાલતાં ચાલતાં ઉદયને ઉક્ત કવિતાના એક ફકરા (અ) સાથે લાભશંકરની બીજી લઘરા-કૃતિઓની પંક્તિઓ મનસ્વી રીતે ઉઠાવીને મૂકી છે ને વિધાન કર્યું છે કે ‘ઉપરના ફકરા (અ) અને (બ)માંથી કોઈપણ એકનો અર્થ જે ભાવક ગોઠવી શકશે, તે ચોક્કસ બીજાનો અર્થ પણ સમજી શકશે’ — અહીં તેની ને ભાવકની જુગલબંધી બેતાલ બની છે, એક વાત નક્કી કે લાભશંકરની પ્રસ્તુત કૃતિ અટપટી થછે ‘રે લોલ’નાં ગીતો જેવી (ઉદયનના શબ્દોમાં વેલ-લ્યુબ્રિકેટેડ ગીત-ગઝલ જેવી) સરળ નથી. ઉદયનને લાભશંકરના આ કાવ્યનો આસ્વાદ લખતાં ઘણી મથામણ થઈ હશે. પરંતુ જે કંઈ લખ્યું છે તે સ્વચ્છ નિર્ભિકતાથી લખ્યું છે, દિલચોરી વગર લખ્યું છે એ તો ચોક્કસ. તો પછી એ નિર્ભિકતાને સલામ નહીં ભરવાની? સાડી સત્તરવાર ભરવાની.

અગાઉ મેં અહીં લખ્યું છે તેમ ઉદયનની કલમ મિતાક્ષરી છે. મારા જેવા કોઈએ મહંમદ અલવીની ગઝલ વિશે આસ્વાદ લખવા પ્રયત્ન કર્યો હોત તો આ બે પંક્તિઓના શે’ર નીચે લાલચોળ અંડરલાઈન જરૂર કરી હોત ને વધુ પિષ્ટપેષણ કર્યું હોત —

તૂ મુઝ કો ભૂલ ગઈ હૈ મગર કભી ન કભી
મેં તેરા કૌન હૂં, મિટ્ટી, તુઝે બતાઉંગા

(અહીં મહંમદ અલવી સાહેબને, લખાણનો ચીલો ચાતરીને ય આ શે’ર માટે દાદ આપવાનું મન હું રોકી શકતો નથી.)

પૃ. 75 અને 78 પરના કાવ્યાસ્વાદો વાંચો તો એમાં આસ્વાદકે કેટલી બધી ઋજુ સ્પર્શક્ષમતા મૂકી છે તે અનુભવાશે. જાણે તેણે કવિતાને આપણા હૃદયની અડોઅડ મૂકી આપી છે.

વિનોદ જોશીના કાવ્યનો આસ્વાદલેખ લખતાં ઉદયને અંતે બળવાન હાથે લખ્યું છે — ‘અર્થસર્કરા ઝાલીને ડગુમગુ ચાલતી શબ્દની પિપીલિકાઓ તે આવા આદિમ ઉશ્કેરાટનું વહન શું કરી શકવાની? માટે કવિએ નાદથી કામ લીધું છે – નાડીમાં ધબકે તેવો, ભીલોના ઢોલમાં ધ્રબૂકે તેવો, વીર્યસ્રાવના લયમાંથી છટકે તેવો નાદ.

આ સ્વાદ લખતાં લખતાં ક્યારેક ઉદયનની ભીતરનો સાચ્ચુકલો કવિ પ્રબળતાથી કલમ દ્વારા સાદૃશ થઈ આવે છે ત્યારે મજા પડી જાય છે. તે કશુંક એવું લખી દે છે કે તમને લઘુકાવ્ય માણ્યાની તૃપ્તિ થાય. ઉ.ત.

ચાખ્યું હોય મધ પણ લાગે કે ફૂલોને ક્યાંક મળ્યા છીએ

રાવજીની કવિતા વિશે લખતાં – માખીમાત્રથી આનંદનું લખલખું આવી જાય

એ અસ્તિત્વ કેટલું એકલું હશે.

કવિએ જુઓ, ચાહી ચાહીને કરી મૂકી માખીમાંથી મેનક

ઉશનસના કાવ્યની વાત કરતાં અંતે તેણે સૂર્યભાનું ગુપ્તનો દિલપઝીર શે’ર ટાંક્યો છેઃ

પુખ્યા હોતે હી મર ગઈં ચીજે, બાત જબ તક થી બાત, કચ્ચી થી
ઘર બના કર બહોત મૈં પછતાયા, ઉસ સે ખાલી જમીન અચ્છી થી

મેઘાણી ‘ભાષા પૂરી થયા પછીની ભાષા’માં બોલ્યા હતા.
પ્રેમ માણસને ગુલાબીગોગલ્સ પહેરાવે છે.

ભાવક પર ભરોસો ન હોય તેણે હાઈકુના ધંધામાં પડવું નહી.
પ્રેમ મારા-તમારા જેવા માણસના ગુંજે નવગ્રહો સેરવી દઈને પૂછે છે– ‘હાથ ખર્ચી માટે ઓછા તો નહીં પડે?’

નાટક – કવિતા તો બહાનું છે. આપણે મોતી શોધવાનું છે.

આટલું લખ્યા પછી મને એકાએક પ્રશ્ન થયો કે અરે, શું કરું છું! આસ્વાદોનો વળી આસ્વાદ હોતો હશે? દળેલું ફરીથી દળવાની મિથ્યા પ્રવૃત્તિ કરવાની? એટલે મારું આ લખાણ એક ફરિયાદ સાથે ટંકવું છું કે સિતાંશુંની એકકેય રચનાનો આસ્વાદ અહીં કેમ નથી?

તો ભાવકો, તમને મારી શુભેચ્છા છે કે તમે ‘જુગલબંધી’નો સ્વાદ તમારી રીતે પામો અને થોડા વધુ સમૃદ્ધા બનો – જેવી રીતે હું બન્યો છું.

અચ્છી સંગત બૈઠ કર, સંગી બદલે રૂપ
જૈસે મિલ કર આમ સે, મીઠી હો ગઈ ધૂપ!

– રમેશ પારેખ
19-9-94, અમરેલી

સત્વશીલ, ભાવસભર, મર્મભેદી અને સાત્વિક સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે નિ:શુલ્ક ‘જાહેરાત મુક્ત’ ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશન યોજના હેઠળ જ્યાં અત્યાર સુધી 42 ઈ-પુસ્તકો પ્રસ્તુત થઈ ચૂક્યા છે એવી અક્ષરનાદની ઈ-પુસ્તક યોજનાને બહોળો આવકાર મળ્યો છે. ફક્ત અહીંથી જ આ પુસ્તકોના બે લાખથી વધુ ડાઉનલોડ્સ નોંધાયા છે, ઈ-મેલ અને અન્ય માધ્યમો મારફત તેનો પ્રસાર તો અલગ…

ઈ-પુસ્તક આજના સમયનું સૌથી હાથવગું માધ્યમ છે. અનેક ગુજરાતી પુસ્તકોની ઈ-આવૃત્તિ કરીને, તેમને ટાઈપ, વ્યવસ્થિત ફોર્મેટ અને અન્ય મોબાઈલ સાધનોમાં વાંચી શકાય તે રીતે મૂકવાનો પ્રયત્ન ખૂબ સફળ રહ્યો છે એ વાતથી પ્રેરાઈને જ અનેક ઈ-પુસ્તકો સતત અક્ષરનાદ પર મૂકાતા રહ્યા છે. અક્ષરનાદના અનેક ઈ-પુસ્તકો

વૈવિધ્યપૂર્ણ વિષયો, ખ્યાતનામ લેખકો અને ઉપયોગી વિષયવસ્તુ સાથે આંગળીને ટેરવે એક જ ક્લિકે આપણી ભાષાનું વાંચન ઉપલબ્ધ કરાવવાનો અવ્યવસાયિક અને તદ્દન બિનનફાકારક પ્રયત્ન છે. વાચકોનો પ્રેમ અને વાંચન એ જ તેની ઉપલબ્ધિ.

કાવ્ય આસ્વાદ ખૂબ વાંચન, ચીવટ અને વિચારપ્રવૃત્તિ માંગી લેતું ક્ષેત્ર છે. મનપસંદ કાવ્યો અને તેમનો સુંદર આસ્વાદ – એવા અનેક કાવ્યોના રસાસ્વાદની જુગલબંધીને ઉદયનભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં બખૂબી પ્રસ્તુત કરી છે. એક બેઠકે વાંચવુ અને પૂર્ણ કરવું ગમે તેવું આ પુસ્તક અક્ષરનાદને ઈ-સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાની તક અને પરવાનગી આપવા બદલ ઉદયનભાઈનો ખૂબ ખૂબ આભાર.

પુસ્તક ડાઊનલોડ કરવા અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં અહીં ક્લિક કરીને જઈ શકાય છે.

– જીજ્ઞેશ અધ્યારૂ (10 એપ્રિલ 2013)


Leave a Reply to Kaushik MakwanaCancel reply

2 thoughts on “જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર (ઈ-પુસ્તક ડાઉનલોડ)

  • Kaushik Makwana

    તમારા આ બધા લેખો વાન્ચિને બહુ આનન્દ થયો આવા લેખો મને વાન્ચવા બહુજ ગમે ચ્હે