ચુગલીખોર (બાળવાર્તા) – એનિડ બ્લાયટન, અનુ. હર્ષદ દવે 10


એક નાની છોકરી હતી. તે ચુગલીખોર હતી. તેનું નામ મીની હતું. તે કોઈને ગમતી નહીં કારણ કે તે હંમેશાં તેની મા અથવા તેની ટીચર પાસે દોડી જઈને બીજાં છોકરા-છોકરીઓની ચાડી-ચુગલી કર્યા કરતી હતી.

મીની કહેતી, “મમ્મી, તને ખબર છે પેલો બિહાગ મારી સામે જોઈ જીભડી કાઢતો હતો.”

અથવા તે તેની શિક્ષિકા પાસે જઈને કહેતી, “અરે ટીચર, માધુરીએ મારામાંથી જોઇને દાખલા ગણ્યા છે. અને તમે મુકતાને ચૂપ રહેવા કહેલું પણ તે તો વાતો કરતી’તી.”

મીની જયારે આ રીતે ચાડી ખાતી ત્યારે તેની શિક્ષિકા ગુસ્સે થઈને તેને કહેતા, “એ બધું હું મારી જાતે જોઈ લઈશ, તું ચાડી ન ખા. ચાડી ખાવી એ ખરાબ ટેવ છે.”

પણ મીનીએ ચાડી ખાવાનું છોડ્યું નહીં. તે કોઈને ગમતી ન હતી. તે પોતે કાંઈ સારી છોકરી ન હતી. મીનીએ કોઈની પેન્સિલ લઇ લીધી હોય કે રમત રમતાં તેણે કોઈને તમાચો માર્યો હોય તો પણ બીજાં બધાં એવી કોઈ વાત કદી પોતાનાં મા-બાપ કે શિક્ષિકાને નહોતા કરતાં. એ બધાં ધારત તો મીનીની કેટલીય વાર ચાડી ખાઈ શક્યા હોત પણ તેમને ચાડી-ચુગલી કરવાનું ગમતું ન હતું.

એક દિવસ મીની જયારે સ્કૂલેથી ઘર તરફ આવી રહી હતી ત્યારે તેણે એક નાના છોકરાને ખેતરમાં તાપણું કરતાં જોયો. તે ધારી ધારીને તેને જોઈ રહી હતી એવામાં વાડ પાસે તેને કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો. તેને થયું કે કોઈ ખેડૂત આવે છે. તે ખેડૂત ન હતો પણ તેણે માની લીધું કે તે ખેડૂત જ છે.

“સાંભળો”, મીનીએ તેને કહ્યું,”ત્યાં ખેતરમાં પેલો નાનકડો તોફાની છોકરો તાપણું કરે છે.”

જે નાના માણસ સામે મીની ચાડી ખાતી હતી તે મીની સામે તાકી રહ્યો અને પછી તેણે આનંદ માણતાં એકલા નાના છોકરા તરફ જોયું.

“શું તું ભૂલી પડી ગઈ છો?” નાના માણસે પૂછ્યું. મીનીએ હવે તેને નજીકથી જોયો. એનો દેખાવ જરા વિચિત્ર લાગતો હતો. તેણે લાંબો અણીદાર ટોપો પહેર્યો હતો અને એ ટોપામાં એક લાંબુ પીંછું ખોસેલું હતું. તેણે ઘૂંટણ સુધી પહોંચતો ઝભ્ભો પહેર્યો હતો અને કમર પર સોનેરી પટ્ટો બાંધ્યો હતો. મીની એકીટસે તેને જોઈ રહી. તે નાના માણસે ફરી મીનીને પૂછ્યું, “હું તને પૂછું છું કે શું તું ભૂલી પડી ગઈ છો?”

મીનીએ નવાઈ પામી સામું પૂછ્યું: “તમે એમ માનો છો કે હું ભૂલી પડી ગઈ છું?”

“અચ્છા, તું ચુગલખોરોના દેશમાંથી નથી આવી શું?” નાના માણસે કડક અવાજમાં પૂછ્યું.

“ના, હું ત્યાંથી નથી આવી”, મીની ગભરાતાં ગભરાતાં બોલી, “હું તો અહીં ગામમાં જ રહું છું.”

“ના…રે…ના, તારી ભૂલ થાય છે”, નાના માણસે તેનું બાવડું પકડતાં કહ્યું,”ચાલ મારી સાથે, તું ખરેખર જે દેશમાંથી આવી છે ત્યાં, તારા ઘરે, હું તને લઇ જઈશ.”

મીનીએ છટકવાનો પ્રયાસ કર્યો પણ તેના પુષ્કળ આશ્ચર્ય વચ્ચે તેની આસપાસની બધી વસ્તુઓ અદૃશ્ય થઇ ગઈ. તેણે જોયું તો તેની આસપાસ બધે રૂપેરી ધુમ્મસ હતું. થોડીવારમાં એ ધુમ્મસ સાફ થઇ ગયું અને મીનીએ આંખો પટપટાવીને ચારે તરફ જોયું. તે એક નાનકડા ગામમાં આવી ગઈ હતી. તેણે ગામમાં આમ-તેમ નાનાં-નાનાં મકાનો જોયાં. કેટલાંક નાનાં, પાતળા, ભાવહીન ચહેરા ધરાવતા પ્રાણીઓ પાતળા પગ પર ચારે તરફ દોડાદોડી કરતા હતા. તેમનાં ઊંચા, તીણા અવાજો તથા તેમનો વિચિત્ર દેખાવ મીનીને જરા પણ ગમતો ન હતો.

એક નાનું ટોળું મીનીને જોવાં ધસી આવ્યું, “આ કોણ છે?” તેઓ બધા એકસાથે બોલ્યા.

“એ મને જુદા જ ગામમાંથી મળી”, પીંછાવાળો ટોપો પહેર્યો હતો એ માણસ બોલ્યો, “મને લાગ્યું કે તે ભૂલી પડી ગઈ છે તેથી હું તેને અહીં લાવ્યો. તે અહિંયાની જ છે. તેને મકાન આપો અને તેની દેખરેખ રાખજો.”

“પણ હું અહિંયાની નથી!” પેલા માણસ તરફ જોઇને મીનીએ રડમસ અવાજે કહ્યું. પણ તે માણસ તો અદૃશ્ય થઇ ગયો હતો! આવું બધું વિચિત્રતા ભરેલું મીનીને ગમતું ન હતું. તે પોતાની આસપાસના તીક્ષ્ણ ચહેરાવાળા નાનાં પ્રાણીઓ તરફ જોઈ રહી. એ બધામાંથી તેને એક્કેય ચહેરો ગમતો ન હતો.

“અમે તમને સુંદર મકાન આપશું!” તેમણે કહ્યું, “આવો, તમે અમારી સાથે ચુગલાખોરોના દેશમાં રહેજો.”

તેઓ જ્યાં ઊભા હતા ત્યાં પાસે જ એક નાનાં વળેલાં અને વાંકાચૂકા મકાનમાં મીનીને લઇ જવામાં આવી. તે મકાનમાં બે નાના ઓરડા, રસોડું અને એક સૂવાનો ઓરડો હતો.

“આપણા બધાનાં મકાન એક સરખાં જ છે”, ડબ્બુ નામના એક ચુગલીખોરે કહ્યું, “તારું ઘર તારે જ સાફ રાખવાનું અને સાંજનું જમવાનું તારે જાતે જ રાંધવાનું. બાકી સવારે ભોજન અમારી સાથે લેવાનું.”

મીનીએ આ બધું પરાણે સ્વીકારવું જ રહ્યું. ભાગવાનો કોઈ અર્થ નહોતો કારણ કે ભાગીને ક્યાં જવું એની તેને ખબર નહોતી. તેને એ વિચિત્ર નાનકડા ગામમાં રહેવું જરાય નહોતું ગમતું. તેને ખબર પડી કે આ મકાનને તેણે જ વાળીચોળીને સાફ રાખવાનું હતું, સ્ટવ ચાલુ કરવો અને સાંજની રસોઈ બનાવવાની એવું બધું પણ તેણે જાતે જ કરવાનું. જાતે જ કપડાં ધોવાના હતા. સવારે બધા સાથે બહાર જમવાનું. પેલું નાનું ટોળું વારાફરતી એ બધામાં તેને મદદ કરતું હતું.

એ ગામના મુખીનું નામ ચતુર હતું. ચતુર એ ગામનો એકમાત્ર ગોળ ચહેરાવાળો માણસ હતો. તે દરેકને વઢતો, શિક્ષા કરતો, ઠપકો આપતો અને સારાં કાર્યો માટે ઇનામ પણ આપતો. ઇનામમાં ચોકલેટ અથવા પહેરવા માટે સારા ડ્રેસ મળતા.

મીનીને તેની મા ઘર કેમ સાફ રાખતી તેની ખબર હોવાથી આ નાનકડા મકાનને સાફ રાખવામાં તેને ખાસ મુશ્કેલી નહોતી પડતી. થોડા દિવસો સુધી તેણે પોતાનું ઘર વાળીઝૂડીને સારી રીતે સાફ રાખ્યું. એક સવારે તેને ઉઠવામાં મોડું થયું. તે પોતાનાં ઓરડાની સફાઈ પૂરી કરે તે પહેલાં જ તેને નાસ્તા માટેનો ઘંટ વાગતો સંભળાયો. તેથી તેણે વેઠ ઉતારી અને કચરો વાળીને સાદડી નીચે જ રહેવા દીધો અને નાસ્તો કરવા દોડી ગઈ.

“તને ખબર છે આજ સવારે મેં મીનીને શું કરતાં જોઈ?” ટેબલની સામે બેઠેલા એક ચુગલીખોરે એકાએક કહ્યું,”મે તેને કચરો વાળીને સાદડી નીચે નાખતા જોઈ! કેવી ગાંડી નાની છોકરી છે?”

“અરરર… કેટલી બધી આળસુ!” બધાએ સૂર પુરાવ્યો અને પોતાની ગોળ ગોળ આંખોથી મીની તરફ સહુ ટગર ટગર જોઈ રહ્યા.

મીની એકદમ ગુસ્સે થઇ ગઈ, તે બધા સામે ગુસ્સાથી જોવા લાગી. પણ તેણે કોઈને કાંઈ ન કહ્યું, પણ તેણે ખૂબ વિચાર કર્યો કે આ કેવી ક્ષુલ્લક વાતો છે!

બીજે દિવસે તેને પોતાનો ધોયેલો રૂમાલ ન મળતાં તેણે એક ગંદો રૂમાલ સાથે લીધો. તેને થયું કે બીજા રૂમાલ ધોવામાં ગયા હશે. પણ તેના ધ્યાન બહાર એ રૂમાલનો છેડો તેના ગજવામાંથી દેખાતો હતો. અને ડબ્બુ તે જોઈ ગયો. તેણે મીનીના ગજવામાંથી રૂમાલ ખેંચી લઇ બધાને બતાવ્યો.

“જુઓ! આ મીનીનો રૂમાલ છે! તે કેવી ગંદી છોકરી છે?” તેણે કહ્યું, “તે રોજ ધોયેલો રૂમાલ નથી રાખતી, આ તેની નિશાની છે!”

“અરરર …!” બધા એક સાથે ઘૃણાથી બોલ્યા. અને મીનીએ ક્રોધના આવેશમાં ડબ્બુને એક જોરદાર થપ્પડ લગાવી દીધી.

“તું …તું… ચુગલીખોર”, તે તમતમીને બોલી, “આજે પહેલીવાર એવું બન્યું કે મારી પાસે સ્વચ્છ રૂમાલ નથી અને મને એમ કે બધા રૂમાલ ધોવામાં ગયા હશે. તેં મારા ગજવામાંથી રૂમાલ કેમ ખેંચ્યો?”

“તેણે મને માર્યું, તેણે મને માર્યું…” રડતો અને ગાલ પમ્પાળતો ડબ્બુ બોલ્યો, “હું ચતુરજીને બધું કહેવા જાઉં છું.”

તે દોડતો ચતુરના ઘરે ગયો. મીનીએ સાંભળ્યું કે ડબ્બુ મીઠું-મરચું ભભરાવીને ચતુરજી પાસે પોતાની ફરિયાદ કરે છે. તે ડરતી, ગભરાતી ઘરે આવી. ચતુર તેની પાછળ પાછળ તેના ઘરે આવ્યો અને તેણે દરવાજો ખખડાવ્યો.

“ડબ્બુ કહે છે તેં એને થપ્પડ મારી”, તેણે સખ્તાઈથી મીનીને પૂછ્યું.

“હા, મેં તેને માર્યું છે”, મીનીએ કહ્યું,”કારણ કે તે એને જ લાયક હતો.”

“તું પણ તેને જ લાયક છો”, ચતુરે તરત કહ્યું અને મીની આગળ કાંઈ બોલે તે પહેલાં જ તેના ગાલ પર ધડ કરતી એક જોરદાર થપ્પડ પડી. તે ડઘાઈ ગઈ. ધડામ કરતો દરવાજો બંધ કરી તે પથારીમાં ફસડાઈ પડી. આ જગ્યા કેટલી ભયંકર છે!

ત્યારબાદ મીની કાળજીપૂર્વક પોતાની પાસે સ્વચ્છ રૂમાલ રાખતી થઇ ગઈ. તે હવે કચરો સાદડી નીચે નથી નાખતી. પણ તમે માનશો? પેલા નાના ચુગલખોરોએ મીનીની ચાડી ખાવા માટે બીજી બાબતો ફરી શોધી કાઢી હતી!

“તમને ખબર છે, મીનીના પગમોજામાં પાછળ એક કાણું છે? તેણે પોતાનાં તરફ આંગળી ચિંધી એક જણાને બીજા સાથે ગુસપુસ કરતા સાંભળ્યો.

“એને કહેવાને બદલે તું સીધેસીધું મને જ કેમ કહેતો નથી?” મીનીએ તેને પૂછ્યું, “મને મારું મોજુ ફાટી ગયું છે તેની ખબર નથી. જો મને ખબર હોત તો મેં તેને ક્યારનું સાંધી લીધું હોત.”

તેણે તરત જ મોજું સાંધી લીધું. તેણે મક્કમપણે એવું નક્કી કર્યું કે ચુગલખોરોને ચડી ખાવા મળે એવું કાંઈ ન કરવું. શનિવાર નજીક આવી રહ્યો હતો. મીનીને જાણવા મળ્યું કે શનિવારે ચતુરજી સજા અને ઇનામ અંગે ન્યાય આપતા હતા. મીનીને આશા હતી કે તેને ચોકલેટનો ડબ્બો અને કદાચ બીજા કેટલાંકે પહેર્યા હતા તેવા ચાંદીના બકલવાળા રૂપેરી બૂટની જોડ મળશે.

મીનીએ ઘણા દિવસો સુધી પોતાનું ઘર સ્વચ્છ રાખ્યું હતું. તેણે પોતાનાથી બનતી બધી જ કોશિશ કરી હતી. તેણે ચુગલખોરો પ્રત્યે મૈત્રીપૂર્ણ નહીં તો નમ્રતાયુક્ત વર્તાવ તો કર્યો જ હતો. હકીકતે મીનીને તો કોઈ ગમતા જ ન હતા.

આખરે શનિવાર આવ્યો. સોનાના બટનવાળો ભવ્ય કોટ પહેરીને ઉભેલા ચતુરજી સામે બધા હારમાં ગોઠવાઈ ગયા. એ અઠવાડિયામાં મોટા ભાગના ચુગલખોરોના સારાં વર્તનનાં સમાચાર હતાં તેમ જણાતું હતું. એક પછી એક – ચોકલેટનો ડબ્બો, પીંછાવાળો ટોપો કે રંગીન દુપટ્ટા પસંદગી મુજબ મેળવતા હતા. એક-બે જણને થપ્પડની લ્હાણી મળી તેથી તેઓ રડતા હતા. મીની ઉત્સુકતાથી પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહી હતી. કારણ કે સામે દેખાતા બૂટની એક જ જોડ હતી અને તે મેળવવાની તેની ખરેખર ઉત્કટ ઈચ્છા હતી. વળી તે બૂટ પોતાનાં માપના જ હતા. તેમાં ચાંદીના બકલ હતા અને તે એડીવાળા હતા. ખરેખર તે મજાના હતા.

“હવે મીનીનો વારો,” ચતુરજીએ કહ્યું, “શું તું આ અઠવાડિયા દરમિયાન સારી રીતે રહીછો અને તારે જે કરવું જોઈએ એ બધું તેં બરાબર કર્યું છે?”

“હા, હું એમ માનું છું,” જવાબ આપતી વખતે પણ મીનીનું ધ્યાન તો તે સુંદર બૂટ પર જ હતું.

“ચતુરજી, સાંભળો, મેં મીનીને મોં આડે હાથ રાખ્યા વગર બગાસું ખાતાં જોઈ હતી.” એકાએક એક ચુગલખોર બોલી ઉઠ્યો.

“એક દિવસ મીનીએ તૂટેલા બટનવાળું ફ્રોક પહેર્યું હતું,” ડબ્બુ બોલ્યો.

“અને ચતુરજી, બુધવારે જયારે તેનો વાસણ માંજવાનો વારો હતો ત્યારે એક થાળીમાં ભાતનો એક દાણો રહી ગયો હતો,” બીજા એકે કહ્યું.

“અને ગઈકાલે તેણે પથારી પાથરી ત્યારે ગાદલાની ખોળ બદલી નહોતી,” ઢબ્બુ નામના ચુગલીખોરે કહ્યું. ઢબ્બુ હંમેશાં આજુબાજુ છાનો-છાપનો ડોકિયાં કરતો રહેતો હતો.

“તને કેવી રીતે ખબર પડી?” મીનીએ ગુસ્સે થઇ પૂછ્યું, “તું જરૂર તારી કુટેવ મુજબ બારણાની તિરાડમાંથી જોતો હશે, તું નાલાયક ચોરીછૂપીથી આવી ક્ષુલ્લક બાબતોનું ધ્યાન રાખે છે. ચતુરજી, તે હંમેશાં છાનો-છાપનો ડોકિયા કરીને બીજાની ખામીઓ શોધ્યા કરે છે, સજા તો તેને જ થવી જોઈએ – મને નહીં.”

“ઠીક છે, સજા કોને કરવી એ નક્કી કરવાની જરૂર જ નથી,” ચતુરજીએ કહ્યું, “ઢબ્બુ તારો વાંક કાઢે છે, તું તેનો વાંક કાઢે છે. તમે બંને ચુગલીખોર છો તે મને દેખાય છે. આમ આવ ઢબ્બુ તને ડોકિયા કરવા બદલ ધબ્બો અને મીની તું ઘરે જઈ પથારીમાં સૂઈ શકે છે. તારા વિશે કોઈનો અભિપ્રાય સારો નથી.”

“તમે એ બધાની વાહિયાત વાતો શા માટે સાંભળો છો?” મીનીએ પિત્તો ગુમાવતાં મોટે અવાજે કહ્યું, “મારી મમ્મી કે મારા ટીચર ક્યારેય ચાડી પર ધ્યાન નથી આપતાં. તેઓ કહે છે કે કોઈપણ સારો માણસ ચાડી-ચુગલી પર ધ્યાન નથી આપતો.”

“તો પછી તું શા માટે અવરનવાર બધાની ચાડી ખાયા કરે છે?” પોતાની વિચિત્ર પીળી આંખે મીની તરફ જોતાં ચતુરજીએ કહ્યું,”મને જણાવવામાં આવ્યું છે કે તું એક પક્કી ચુગલીખોર છે અને તું અહીં ખુશખુશાલપણે રહી શકશે.”

“જયારે બધા મારા વિશે વાહિયાત વાતો કરતા હોય ત્યારે હું અહીં ખુશ કેવી રીતે રહી શકું?” મીનીએ રડમસ અવાજે બચાવ કર્યો.

“તું બીજાની ચાડી ખાય છે તેનું શું?” ગૂંચવાઈ ગયા હોય તેમ ચતુરજીએ પૂછ્યું, “બીજા શા માટે તારી ચાડી-ચુગલી નથી કરતા? તારા જેવી નાની છોકરી કે જેને પોતાનાં મિત્રોની ચાડી ખાવી બહુ ગમતી હોય તેને પોતાનાં જેવાં જ લોકો વચ્ચે રહેવું બહુ ગમવું જોઈએ.”

“ભલે એમ, પણ મને નથી ગમતું.” મીનીએ આંસુ લૂછતાં કહ્યું, “મારે ઘરે જવું છે.”

“ના…ના…નહીં”, તરત ચતુરજી બોલ્યા, “તું અહિયાની હો ત્યાં સુધી તું ઘરે ન જઈ શકે. ચુગલીખોરે ચુગલીખોરો સાથે જ રહેવું જોઈએ. ન રહે તે યોગ્ય ન કહેવાય. તું જયારે ઘરે હતી ત્યારે એવાં બાળકોની ચાડી ખાતી હતી કે જે તારી ચાડી બિલકુલ નહોતાં ખાતાં. તેઓ ધારે તો તારી ઘણી ચાડી-ચુગલી કરી શકે તેમ હતાં. છતાં તેં ચાડી ખાવાનું ચાલુ રાખ્યું. એ યોગ્ય નહોતું. અહીં બધા ચાડી-ચુગલી કરતા ફરે છે. તમે બધા એકબીજાની ચાડી ખાઓ છો. હવે રડવાનું બંધ કર અને જે કહેવામાં આવે તે પ્રમાણે કર. જા, અને બાકીનો દિવસ પથારીમાં પડી રહે.”

મીની ગઈ. પથારીમાં પડી તે ધ્રૂસકે ધ્રૂસકે રડતી રહી. કારણ કે તેને પારાવાર દુઃખ થતું હતું અને તે ઘરે જવા ઈચ્છતી હતી. તે વિચારવા લાગી: “જો મને ચુગલીખોરોના દેશ જેવો કોઈ દેશ છે એવી જાણ હોત તો મેં ક્યારેય કોઈની ચાડી ખાધી ન હોત. આજ સવારે ડબ્બુ અને ઢબ્બુ મારી ચાડી ખાતા હતા ત્યારે કેવા તુચ્છ લગતા હતા. અને મને લાગે છે કે હું જયારે ઘરે હતી ત્યારે હું બીજા છોકરા-છોકરીઓની ચાડી ખાતી’તી ત્યારે હું પણ એટલી જ તુચ્છ લાગતી હોઈશ. પણ તેઓ બધા તો એટલા સારા હતા કે મારા વિશે શિક્ષિકા પાસે એવી વાહિયાત વાતો નહોતાં કરતાં. હું તેમને ન ગમું તેમાં કોઈ નવાઈ નથી. હું જરૂર ચુગલીખોર નાની છોકરી હતી. કદાચ હજુ પણ છું.!”
બીજા દિવસે તેણે કરેલા નવા નિર્ણયો સાથે મીની ઊઠી. ધારો કે હું બધા ચુગલીખોરો સાથે ભાઈબંધી કરી લઉં તો? હું તેમને એમ કહું કે જો તે લોકો મારી ચાડી ન ખાવાનું વચન આપે તો હું પણ તેમની ચાડી નહીં ખાઉં…તો? તો પરિસ્થિતિ થોડીક સુધરશે.

બધા તેની યોજના સાથે સહમત થયા. તેઓએ પોતાનાં નાનાં માથા હલાવી ‘હા’ કહી. મીનીને આનંદ થયો. કોઈ તેની ચાડી ખાવાનું ન હોવાથી હવે તેને આવતા શનિવારે કદાચ ચોકલેટનો ડબ્બો અને સુંદર બૂટ મળશે. મીની તે અઠવાડિયે પોતાનાં કામમાં બહુ બેદરકાર રહી અને તેનું નાનું ઘર ઘણું ગંદુ અને ખરાબ થઇ ગયું. પણ મીનીને તેની પરવા ન હતી. ચતુરજીને ખબર જ નહીં પડે કારણ કે કોઈ તેણે જણાવશે જ નહીં!

જયારે શનિવાર આવ્યો ત્યારે બધા ચતુરજી સામે જઈ ઊભા રહ્યા. એક પછી એકના વખાણ થયા અને ભેટો અપાઈ કારણ કે કોઈએ કોઈની ચાડી ન ખાધી. છેવટે મીનીનો વારો આવ્યો. જેવી તે ચોકલેટ લેવા નીચી નમી કે એકાએક ડબ્બુએ રાડ પાડી, “તે ચોકલેટને લાયક નથી, ચતુરજી! તેનું ઘર ખૂબ જ ગંદુ છે!”

“તેણે એક અઠવાડિયા સુધી તેની પથારી સાફ નથી કરી.” ઢબ્બુ બોલ્યો.

“તેણે આખી દીવાલ શાહી શાહી ભરી મૂકી છે,” ત્રીજાએ કહ્યું.

મીનીએ તેમની તરફ તિરસ્કારથી જોયું.

“હું તમારી ચાડી ન ખાઉં તો તમે મારી ચાડી નહીં ખાઓ એવું વચન તમે મને આપ્યું હતું ને? તે ઊકળી ઊઠી.

“એ અમે જાણીએ છીએ,” ડબ્બુએ કહ્યું,”પણ અમને એમ કે તું સુધરી જશે, પણ તું સુધરી નહીં. તેથી ચતુરજીને તારા વિશે જણાવવું એ અમારી ફરજ છે.”

“ના, નથી!” મીની બોલી,”અરે…નાલાયક પ્રાણીઓ! તમને ચાડી ખાવી એટલી બધી ગમે છે કે તમે તમારું વચન પણ નથી પાળતાં! ઠીક છે, ચતુરજી, તમે મને ઠીક લાગે તે સજા કરો. આ અઠવાડિયે હું આળસુ અને દાંડ બની ગઈ હતી. પણ મહેરબાની કરીને મારી બધી ભૂલો વિશે મને જ કહેવા દો. મારા વિશે કરવામાં આવતી વાહિયાત વાતો પર ધ્યાન ન આપો. હું મારી જાતે જ તમને બધું સાવ સાચેસાચું કહીશ.”

“શું તારે ડબ્બુએ પોતાનું વચન ન પાળ્યું તે અંગે અને તેને સજા થાય તે માટે થોડી ચાડી નથી ખાવી?” ચતુરજીએ પૂછ્યું.

“ના, મારે ચાડી નથી ખાવી,” મીનીએ કહ્યું,”તેણે પોતાનું વચન ન પાળ્યું એટલા માટે હું મારું વચન નહીં તોડું. તેઓ તુચ્છ બન્યા છે પણ એ કારણે મારે તેમનાં જેવું નથી થવું. હું મારું વચન નહીં તોડું અને મારે ચાડી નથી ખાવી. બસ આટલું જ!”

અઠવાડિયા સુધી ઘર ગંદુ રાખવા માટે મીનીને ફરી ઘરે જઈ બે દિવસ સુધી ઘરની અંદર જ રહેવાની સજા થઇ. એ આખું અઠવાડિયું મીનીએ સખત કામ કર્યું. તેને ખાતરી હતી કે બધા ચુગલીખોરો પોતાનાં વિશે કોઈને કોઈ ક્ષુલ્લક વાત શોધી કાઢશે, પણ હવે તેને તેની પરવા ન હતી. ભલે ને ચાડી ખાય. તેઓ તુચ્છ અને દુષ્ટ પ્રાણીઓ છે અને તેઓ ગમે તેવી વાત ઉપજાવી કહી શકે છે. પોતે તો તેના તરફ ધ્યાન જ નહીં આપે, તેમની વાતોનો સારો કે ખરાબ કોઈ જવાબ જ નહીં આપે.
એ આખું અઠવાડિયું મીનીએ તેનું કામકાજ ઘણી સારી રીતે કર્યું અને બધા ચુગલીખોરો પ્રત્યે તે નમ્ર રહી. ફરી શનિવાર આવ્યો અને તે તેની જગ્યાએ હમેશની જેમ આવીને લાઈનમાં ઊભી રહી. તેણે મનથી નક્કી કરી લીધું હતું કે પોતાને હવે ક્યારેય ચોકલેટ કે બકલવાળા બૂટ મળવાના જ નથી.

ચુગલીખોરો મીની ઉપર ગુસ્સે ભરાણાં હતા કારણ કે મીનીએ પોતાનું બધું કામકાજ એટલી તો સરસ રીતે કર્યું હતું કે તેમની પાસે મીનીની ચાડી ખાવા માટે કોઈ બાબત જ નહોતી. તેથી તેમણે કોઈક વાત ઉપજાવી કાઢવા વિચાર્યું. એમાં મજા આવશે!

જયારે મીનીનો વારો આવ્યો ત્યારે તેમણે શું કહ્યું તે તો તમે સાંભળ્યું જ હશે! તે બધી વાતો સાવ ખોટી હતી, અને મીનીને ખબર હતી કે તે બધી વાતો તદ્દન ખોટી છે. તે નાનાં દુષ્ટ પ્રાણીઓએ જે કાંઈ કહ્યું તે સાંભળી મીની નવાઈ પામી, દુખી થઇ અને લાલ લાલ થઇ ગઈ. પણ તે કાંઈ ન બોલી.

“બીજે દિવસે મીનીએ રકાબી ફોડી હતી,” ડબ્બુએ કહ્યું. આ વાત ખોટી હતી, મીનીએ રકાબી ફોડી નહોતી.

“મીનીએ બુધવારે મારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું.” ઢબ્બુએ કહ્યું.

“મારું ધ્યાન નહોતું ત્યારે મીનીએ મારો પેંડો લઇ લીધો હતો.” એક ચુગલીખોરે કહ્યું.

“અરે…છોકરી!” ગંભીર દેખાતા ચતુરજીએ પૂછ્યું, “આ બાબતમાં તારે શું કહેવાનું છે મીની?”

“કાંઈ નહીં,” મીનીએ કહ્યું, “તેમની એક્કેય વાત સાચી નથી. એ ચુગલીખોરોની નફ્ફટાઈ છે – તેમને જયારે ચાડી ખાવા જેવી કોઈ વાત ન મળી ત્યારે તેમણે આવી વાતો ઉપજાવી કાઢી છે.”

“તારે એ લોકો વિશે કોઈ વાત કહેવાની છે?” ચતુરજીએ પૂછ્યું.

“કોઈ વાત કહેવાની નથી,” મીનીએ દૃઢતાપૂર્વક કહ્યું, “હું કદી નહીં કહું, મારી આખી જિંદગીમાં ચાડી નહીં ખાઉં. મને થાય છે કે મેં ક્યારેય ચાડી ખાધી જ ન હોત તો! અહીં આવી એ પહેલાં મને ખબર નો’તી કે ચાડી ખાવી એ કેટલું ભયંકર કામ છે – પણ હવે આ દુષ્ટ ચુગલીખોર પ્રાણીઓ જોઇને મેં મનથી નક્કી કર્યું છે કે હું ચાડી ખાવાનું છોડી દઈશ. ભલે બીજા લોકો મારે વિશે ફાવે તેમ બોલે!”

“મારી વહાલી મીની!” ચતુરજીએ મીની તરફ ફરીને એકવાર ખાસ રીતે જોયું,”મને લાગે છે કે તું અહિંયાની નથી.”

“પહેલાં હું હતી,” મીની લાલ લાલ થઇ ગઈ અને બોલી, “પહેલાં હું બીજા ચુગલીખોરો જેટલી જ ખરાબ હતી. પણ હવે નથી. તમે ઈચ્છો તો મને અહીં રાખી શકો છો પરંતુ હવે તમે મને ચાડી ખાતા ક્યારેય નહીં સાંભળી શકો.”

“તું અહીની ન હો તો અહીં રહી ન શકે,” બધા ચુગલીખોરો એકસામટા બોલી ઉઠ્યા, “અમારે તારી જરૂર નથી! હવે તું ચાડી નથી ખાતી. જતી રહે અહીંથી!”
“એ મને ગમશે,” મીનીએ કહ્યું, અને તેણે ચતુરજી સામે જોયું. તેણે ચોકલેટનો એક મોટો ડબ્બો અને સુંદર બૂટ લીધા અને રુઆબથી મીનીને આપતા કહ્યું, “હવે તું આને લાયક છો. તું એક સરસ ઉમદા પાઠ શીખી છે. તું ઘરે જઈ શકે છે – પણ, જયારે તને ચાડી ખાવાની ઈચ્છા થાય ત્યારે તું અહીં આવશે તો અમને ઘણો આનંદ થશે અને અમે તને બીજું એક નાનું મકાન આપશું.”

મીનીએ હરખાતા હૈયે ચોકલેટ અને બૂટ લીધા, “તમારો આભાર,” તેણે કહ્યું, “પરંતુ તમે મારા પાછા આવવાની જરાય આશા ન રાખશો. હું કદી પછી નહીં આવું!”
“તને અહીં લાવનાર માણસ ફરી ન આવે ત્યાં સુધી તારે અહીં રાહ જોવી પડશે,” ચતુરજીએ કહ્યું, “તે તને ઘરે લઇ જશે. તે આજે આવવાનો છે. તે બે નાનાં છોકરાઓને અહીં રહેવા માટે લાવી રહ્યો છે.”

“બિચ્ચારાં…,” મીનીએ વિચાર્યું, “અહીંથી કેવી રીતે બહાર નીકળી શકાય એ હું તેમને કહી શકું તો સારું!”
થોડીવારમાં પીંછાંવાળો ટોપો પહેરેલો એ માણસ તેની સાથે બે નાનાં બાળકો લઇ આવી પહોંચ્યો. તે બાળકો મીનીને જોઈ ખુશ થતા તેની તરફ દોડ્યા. “અમને આ દેશની વાત કરોને!” તેમણે આજીજી કરી.

“મારે મોડું થાય છે,” પીંછાંવાળો ટોપો પહેરેલા માણસે મીની માટે લંબાવેલો હાથ પકડતાં મીનીએ કહ્યું, “પણ સુખી રહેવું હોય તો એટલું યાદ રાખજો કે તમે કોઈની ચાડી ન ખાતાં!”

“પણ કોઈવાર તો ચાડી ખાવી એ આપણી ફરજ બની જાય છે,” બેમાંથી એક છોકરાએ પૂછ્યું.

“ચાડી ખાવી એ કોઈની ફરજ નથી.” મીનીએ બૂમ પડી જણાવ્યું. અને જેવી તે બોલી રહી કે તેણે પોતાનો જ અવાજ ધીમે ધીમે પડઘાતો અને ઓસરી જતો સાંભળ્યો. ચુગલીખોરોનું ગામ અદૃશ્ય થઇ ગયું અને આસપાસ રૂપેરી ધુમ્મસ ચમકવા લાગ્યું. જયારે તે ધુમ્મસ સાફ થયું ત્યારે પેલો નાનો માણસ ત્યાં ન હતો અને તેની આસપાસ તેનું જાણીતું ખેતર હતું. એક ખેતરમાં પેલો નાનકડો છોકરો તાપણું કરી રહ્યો હતો. મીની આશ્ચર્યથી તેને જોઈ રહી.

“મને આવું તે કેવું સપનું આવ્યું?” મીની નવાઈ પામી,”જયારે હું ગઈ ત્યારે પણ તે નાનકડો છોકરો એ જ જગ્યાએ તાપણું કરી રહ્યો હતો, હં… પરીઓના દેશમાં આપણા કરતા જુદી જ જાતનો સમય હશે, એટલે જ મને લાગે છે કે હું એ જ સમયે પાછી આવી છું કે જે સમયે ગઈ હતી. કેવું અદભુત!”

મીની નાનકડા છોકરાને અને તાપણાંને જોઈ રહી. પણ તમને ખબર છે તેના મનમાં એ છોકરાની ચાડી ખાવાનો વિચાર સરખો ન આવ્યો! જાણે ચાડી ખાવી એ મીનીના સ્વભાવમાં હતું જ નહીં. તે દોડતી ઘરે ગઈ. મીનીની મા તેનો ખુશ-ખુશાલ ચહેરો જોઇને અને તેની પાસેથી કોઈની ચાડી ન સાંભળતાં આનંદિત થઇ ગઈ. એવું તે શું થયું હશે કે મીની આમ એકાએક સાવ બદલાઈ ગઈ?

મીની સાવ બદલાઈ ગઈ હતી. હવે તે એક એવી સીધીસાદી નાની છોકરી હતી કે જે બધાને બહુ ગમતી હતી. અને હવે તે બધાની વિશ્વાસપાત્ર બની ગઈ હતી. અને મીની એટલા માટે ખુશખુશાલ હતી કે હવે તેને ક્યારેય ચુગલીખોરોના દેશમાં રહેવું નહીં પડે.
હું ધારું છું કે હું ત્યાં ક્યારેય નહીં જાઉં, શું તમે જશો?

– હર્ષદ દવે

એનિડ બ્લાયટન રચિત અને શ્રી હર્ષદભાઈ દવે દ્વારા અનુવાદિત આ સુંદર બાળવાર્તા ‘ચુગલીખોર’ બાળમનમાં ચાડી-ચુગલી જેવા દુર્ગુણો પ્રત્યે એક તિરસ્કાર ઉત્પન્ન કરી શકે છે. બાળકોને નર્યો ઉપદેશ આપવાને બદલે તેમને આવી વાર્તાઓ અને સરળ પાત્રો દ્વારા સંદેશ આપવામાં આવે તો એ તરત ગ્રહણ કરી શકે છે. એ પાત્રો દ્વારા અપાયેલ પરોક્ષ ઉપદેશ તથા એ દ્વારા જરૂરી સારી આદતો સરળતાથી બાળકમાં કેળવી શકાય છે. પ્રસ્તુત સુંદર વાર્તા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to R.M.AmodwalCancel reply

10 thoughts on “ચુગલીખોર (બાળવાર્તા) – એનિડ બ્લાયટન, અનુ. હર્ષદ દવે

  • Rajesh Vyas

    વર્તમાન સમયમાં તો બાળકો કરતાં મોટાઓ ને આ વાર્તામાંથી બોધપાઠ લેવાની જરૂર છે કારણકે બાળકો તો જે કાંઈ શીખે છે તે મોટાઓ પાસેથી જ શીખે છે. અર્થ સભર વાર્તા પ્રસ્તુત કરવા બદલ શ્રી હર્ષદભાઈ નો હ્ર્દય પુર્વક આભાર.

    રાજેશ વ્યાસ “જામ”

  • ashvin desai

    જો અનુવાદ ચ્હે એમ જનાવ્યુ ન હોત , તો આ મૌલિક ક્રુતિ જ
    લાગે એવો ભઐ હર્શદનો અનુવાદ ચ્હે . ગુજરાતિ શબ્દો એમને સહજ ચ્હે , અને બાલકોને સ્પર્શિ શકે તેવા ઉપયોગમા લેવાયા ચ્હે . ધન્યવાદ . અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

  • kalyani vyas

    અનુવાદ કરવામાં હર્ષદભાઈની હથોઠી ખુબ સારી છે. અનેક અનુવાદો તેમણે કરેલા છે. પ્રસ્તુત વાર્તામાં જાણે ગુજરાતી વાર્તા જ વાંચતા હોઈએ એટલી સરળ ભાષામાં તેમણે અનુવાદ કરેલ છે. બાળવાર્તા ખુબ જ સારી રીતે પ્રસ્તુત કરવા બદલ અભિનંદન.

  • Harsha vaidya

    બહુ સરસ રીતે આ વાર્તાનો અનુવાદ થયેલો છે.એકદમ બાળકના મનમાં ઠસી જાય એવો બોધ પાઠ પણ છે.