તુલસી ક્યારો.. – નિનુ મઝુમદાર 5


તુલસી ક્યારો રે બનાવ્યો મારે આંગણે,
બહાનાં કાઢી જોતી વાટ આવી બારણે.
પાણી સીંચતી વ્હાલમને સાંભારણે… તુલસી ક્યારો રે..

મારી આશાનું માપ મારે બેડલે
નયનો લૂછી રહેતાં નિત્ય ભીને છેડલે
રોપો વધ્યો, હાયે ! વેદનાને ભારણે… તુલસી ક્યારો રે..

છાની પાંદડી માંહીથી પંથે ડોકતી
બહેની વૃંદા ડાલીને આંખો ઝોકતી
એ પણ શોધે શાલિગ્રામ મારી પાંપણે… તુલસી ક્યારો રે..

વીરા છોડને અંતરે દીધાં નોતરાં
આવી મૂળ એનાં પેઠાં હૈયે સોંસરા
એને મળ્યા ખારાં નીર ઉર મ્હેરામણે… તુલસી ક્યારો રે..

એવા કેવા મોહે મોહ્યો મારો વ્હાલમો
ભાળ્યો કયહીં શું સોનાનો મૃગલો કારમો
મને રાંકડીને હરી વિરહ રાવણે
તુલસી ક્યારો રે બનાવ્યો મારે આંગણે.

– નિનુ મઝુમદાર

સાહિત્યમાં જેમને વ્રજ, અવધિ મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ જેમને સાંપડ્યો છે અને સંગીતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત અને રાગદારીનો સારો અભ્યાસ જેમને સાંપડ્યો તેવા શ્રી નિનુ મઝુમદારની ઉપરોક્ત રચના ‘તુલસી ક્યારો’ અનોખી છે. તેમના ૧૯૬૬માં પ્રસિદ્ધ થયેલ સંગ્રહ ‘નિરમાળ’ માંથી આ રચના લેવામાં આવી છે. વિરહગ્રસ્ત એવી નાયિકા તુલસીક્યારે પાણી સીંચે છે અને વ્હાલમની વાટ જુએ છે. તુલસીક્યારાને લક્ષમાં રાખીને વિરહની અભિવ્યક્તિ કરતા આ કાવ્યની રચના અદભુત છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “તુલસી ક્યારો.. – નિનુ મઝુમદાર

 • લા'કાન્ત

  પવિત્રતાનું એકપ્રતીક- ” તુલસીનું પાંદડું ” {મેં તો બીયરમાં નાખીને પીધું !. -અશુદ્ધિ દૂર કરવા જાણે! ( અનીલ જોષી ) }
  ..તેનો ક્યારો એટલે એક સર્વોત્તમ પૂજા સ્થાન…એક રક્ષા-ક્ષેત્ર ઘરનું… નવતર વધુને એક સાથ સધિયારો…
  સીતાનો રામથી વિયોગ …પણ અભિપ્રેત છે…નિખાલસ હૃદયી સર્જકને..
  શુચ્ગીત ભાવોને જગાડનાર કૃતિ…આભાર ..અને અભિનંદન પ્રસ્તુતકર્તાને…
  -લા’કાન્ત / ૧૪-૬-૧૩

 • Maheshchandra Naik

  તુલસિક્યારો આપણા ઘરોમા આગવુ સ્થાન ભક્તિસભર અને પ્રાર્થનામય બની રહે છે, સવારે જલઅર્ધ્ય વિધી માતા દ્વારા એક અનન્ય દર્શન બની રહે છે…….
  આપનો આભાર, સરસ રચના લઈ આવવા બદલ……

 • Rajesh Vyas

  તુલસી ક્યારો આપણા સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. જેને ઘરની દીકરી કે વહુની સાથે સરખાવવામાં આવે છે. પરંતુ આજના ફલેટ સિસ્ટમમાં ન તો તુલસી ક્યારો દેખાય છે કે ના દીકરા ભુખ્યા પરિવારો માં દીકરી કે પછી દહેજ ભુખ્યા સમાજમાં વહુઓ સુખી દેખાય છે.