સાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે 9


હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક ક્યાંક દીઠો લાગે !

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો !

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો ક્યાં સૂરજ સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આ આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે !

– હરિન્દ્ર દવે

ગઈકાલે દૂરના એક સગાંના લગ્નમાં મહુવાથી સોમનાથ જતા રસ્તામાં અસંખ્ય લગ્નો થતાં, જાન જતી અને આવતી જોઈ અને આજે પણ અસંખ્ય યુગલો લગ્નના પવિત્ર બંધનમાં એકબીજાનો હાથ ઝાલીને બંધાશે, જીવનભર સાથે ચાલવાના વચન સાથે પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થશે. આ સમયે એ સર્વે નવપરણિતોને શ્રી હરિન્દ્ર દવેનું ઉપરોક્ત ગીત, ‘હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે !’ મદદરૂપ થશે.


Leave a Reply to a.r.jadavCancel reply

9 thoughts on “સાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે