પ્રભાવશાળી નેતૃત્વ માટેના ૧૦૧ ગુણો – તન્મય વોરા, અનુ. અશોક વૈષ્ણવ 9


નેતૃત્વના ગુણો કેળવવા એ આજના સંઘર્ષભર્યા જાહેર જીવનની એક આગવી અને અનોખી જરૂરીયાત છે, સમાજજીવનમાં હોય કે વ્યવસાય ક્ષેત્રે, દરેક સ્થળે તેની જરૂરત રહે છે, અને આ ગુણો દરેક ક્ષેત્રમાં પ્રગતિના માપદંડ નક્કી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રભાવશાળી નેતૃત્વ માટેના આવા જ ૧૦૧ ગુણો શ્રી તન્મય વોરાએ તેમના બ્લોગ qaspire.com પર મૂક્યા છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી અશોક વૈષ્ણવે કરીને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા ઉપલબ્ધ કરાવ્યો છે. આશા છે સર્વે વાચકમિત્રોને એ ઉપયોગી થઈ રહેશે.

૧. માનવતા-કેન્દ્રીત બનો. તમારા સહયોગીઓ જીવતાં જાગતાં માણસો છે, નહીં કે તમારા વ્યવસાયના સંકુલ આંકડા કે ન તો માત્ર ‘સંસાધનો’.

૨. સંબોધનમાં તેમનાં નામની ઉષ્મા ભેળવો.

3. તેમના સમયની કિંમત કરો. તેઓ જ્યારે કામમાં વ્યસ્ત હોય ત્યારે ખલેલ ન પહોંચાડશો. અને ખાસ તો, ‘તેઓ કામ નહીં કરતાં હોય’ એમ માની ન લેશો!

૪. તમારા સમયનું મૂલ્ય જાળવશો. તેનો જાળવીને ઉપયોગ કરશો.જો તમે તમારા સમય બાબતે શિસ્તબધ્ધ રહેશો, તો લોકો તમારા સમયને, અને પોતાના સમયને, મહત્વ આપશે.

૫.”આભાર” માનવામાં ઉદાર રહેજો. તેમનાં યોગદાન અને સહભાગિતાની કદર કરશો.

૬.શ્રેયની વહેંચણીમાં ટુંકો હાથ ન રાખશો. તેઓની સિધ્ધિઓ ખુલ્લાં દિલથી બીરદાવજો. નિષ્ફળતાઓની વહેંચણી પોતાની તરફ, અને સિધ્ધિઓની વહેંચણી તેમની તરફ ઝૂકતી રાખવામાં, શ્રેષ્ઠ નેતા થવાની ચાવી રહેલી છે.

૭. ચહેરા પર સદા હાસ્ય રમતું રાખો.

૮. “હું”ને બદલે “આપણે”નો પ્રયોગ કરો.

૯. મુશ્કેલ ઘડીમાં સ્વસ્થતા જાળવો. તમારી ટીમને ભરોસો કરાવો કે તેમના પ્રશ્નોના સમાધાન માટે તમે તેમની સાથે જ છો.

૧૦. દરેકને નિષ્પક્ષ અને સમાન દ્રષ્ટિથી જૂઓ. વહાલાંદવલાંની નીતિ રાજકારણને પોષે છે.

૧૧. ટીકા કે આલોચના જાહેરમાં ન કરશો. આલોચનાનાં હાર્દમાં સકારાત્મક અને વસ્તુલક્ષીતા દ્રષ્ટિગોચર થતી રહે તે પણ મહત્વનું છે.

૧૨. જ્યારે કોઇ સાચી વાત, કે અપ્રિય વાત, કહેતું હોય, ત્યારે ગુસ્સે થઇને તેને ધુત્કારી ન કાઢશો.

૧૩. જો તમે ખોટા હો તો તેનો ઉદાત્તપણે સ્વિકાર કરવામાં નાનપ ન અનુભવશો.”મારી ભૂલ છે” કહેવું તે નબળાઇની નહીં, પણ તમારાં સામર્થ્યની છડી પોકારશે.

૧૪. કદી જૂઠું ન બોલશો.

૧૫.ચુપકીદી જાળવતાં શીખો. દરેક વાતમાં આપણા ડબકા ઉમેરવાની કોઇ જરૂર નથી હોતી.

૧૬. ધ્યાનપૂર્વક સાંભળો. સામેની વ્યક્તિ જે કંઇ કહી રહેલ હોય, તો તે તેને પૂરૂં કરી લેવા દો.

૧૭. જલ્દીથી અભિપ્રાય બાંધવાનું ટાળો. બધાં વિષે અભિપ્રાય કહેતાં રહેવાથી તેઓ આપણને ટાળવાની વૃતિ કેળવે છે.

૧૮.વક્રોક્તિ ટાળો. આપણો આશય માત્ર હળવી મજાકમશ્કરી હોય, પણ સામેની વ્યક્તિ એ પસંદ ન પણ આવે.

૧૯.પ્રતિસાદ આપવામાટે કુદી ન પડો. ‘ના’ અને ‘પણ’નો પ્રયોગ વિચાર કરીને કરશો.

૨૦. વર્તમાનમાં રહો. “સામયિક સંદર્ભ” સમજો. આપણા ભવ્ય ભૂતકાળનાં ગાણાં સમુચિત માત્રામાં જ સારાં લાગશે.

૨૧. જ્યારે ગુસ્સો આવે, ત્યારે મૌન પાળો. તમારા પ્રતિભાવને પ્રદર્શીત કરતાં પહેલાં મઠારી લો. તમારી લાગણીઓને કાબુમાં રાખો.

૨૨. કામ સિવાયના સમયમાં નાની નાની વાતો માટે કોઇને ખલેલ ન પહોંચાડશો. કોઇની સાથે કામ સિવાયના સમયે વાત કરવી જ પડે, તો વાત શરૂ કરતાં પહેલાં, દિલગીરી જરૂર વ્યક્ત કરજો.

૨૩. મુશ્કેલીના સમયમાં લોકોએ મોડે સુધી રોકાઇને સામે આવી પડેલ સમસ્યાને પ્રાથમિકતા આપવી પડે છે. તમે તે વાતની કદર કરો છો તે તેમને સહૃદયતાપૂર્વક જાણ કરો. તેમને તે સમયની અવેજીમાં છૂટ્ટી પણ આપો.

૨૪. અન્ય સંસ્કૃતિ વિષે સંવેદનશીલ બનો.

૨૫. મિટીંગમાટે નિર્ધારીત સમય હંમેશ જાળવો.

૨૬. તમારી દરેક મિટીંગ નિર્ધારીત સમય પ્રમાણે પૂરી કરો. તે, તમે બીજાના સમયની કદર કરો છો, તેનું પ્રતિક છે.

૨૭. સ્પષ્ટ કાર્યસૂચિ હાથ ઉપર હોય અને અપેક્ષિત પરિણામ નજર સામે હોય, તે પછી જ કોઇપણ મિટીંગ બોલાવશો.

૨૮. મિટીંગ પતી ગયા પછી તેમાં નક્કી થયેલાં કામની, સમયબધ્ધ, યાદી સ્પષ્ટ સ્વરૂપે તૈયાર કરી લેશો.

૨૯. શક્ય હોય ત્યાં સુધી મિટીંગની સમાલોચના દરરોજ કરવાનું રાખો. પ્રગતિના અહેવાલ અને હવે પછીની અડચણો અને તેના ઉપાયોની તેમ જ નવી પ્રાથમિકતાઓની ચર્ચા પૂરતી, સમાલોચના સિમિત રાખવાથી પરિયોજનાનઓનો સંવેગ પ્રબળ બની રહેશે.

૩૦. નીતિમયતા જાળવી રાખવાની સહુથી મૂળભૂત રીત એ છે કે, તમે જે કંઇ કહ્યું હોય તેટલું તો જરૂર કરો.

૩૧. સંદેશાને માત્ર આગળ ધકેલી આપવાની વૃતિ ટાળો.”માત્ર જાણ માટે” કક્ષાના ઇ-મેલ જરૂર પૂરતા મર્યાદીત રાખો.

32. જ્યારે કોઇને કામ સોંપો, ત્યારે તે વિષેના પૂર્વાપર સંદર્ભ અને યથાર્થતા પણ પૂરાં પાડજો. બધું નિરાંતે સમજાવજો અને યોગ્ય માર્ગદર્શન આપજો.

૩૩. તે અંગે લાંબા ગાળાનો પરિપ્રેક્ષ્ય સમજાવી, ટીમના દરેક સભ્યને અલગથી તેમજ  સામુહિકરીતે,તમે શું સિધ્ધ કરવા ધારો છો, તે પણ સમજાવો તે  વધારે ઇચ્છનીય છે.

૩૪. સોંપેલું કામ પૂર્ણ કરવા માટે સમયની મર્યાદા વ્યાજબી અને વાસ્તવીક રાખશો. શક્ય હોય ત્યાં સુધી, ‘બને એટલું  ઝડપથી’નો પ્રયોગ ટાળજો. ‘બને એટલું ઝડપથી’ની કોઇ ચોક્કસ સીમા નથી હોતી. એનો અર્થ તો ‘ગઇકાલે’ પણ કરવો હોય તો કરી શકાય.

35. વાત યાદ રાખો. કોઇની ગઇકાલે કહેલી વાત ભૂલી જવી તે સામી વ્યક્તિમાટે દુઃખદ અને નિરાશાજનક પરવડી શકે છે. અગત્યની વાતની નોંધ ટપકાવી લેવાની ટેવ પાડો.

૩૬. અપેક્ષાઓ બાબતે, જરૂર પડ્યે, દેખીતી રીતે વધારે પડતી લાગતી માહિતિ આપવી તે ખોટું ન ગણાય. કામ અંગેના તમારા માપદંડ સ્પષ્ટ રાખો અને તે સામેની વ્યક્તિને પણ સ્પષ્ટપણે,વારંવાર, જણાવો.

૩૭. પારદર્શીતા જાળવો અને રાજકારણથી દૂર રહો.

૩૮.તમને લાગે વળગે છે ત્યાં સુધી, ઓછું કરવાનો વાયદો કરો, પણ કરી આપો [તેનાથી]વધારે.

૩૯. લોકોમાં રસ લો.તેમનાં કામ કે પરિણામો, માત્રમાં, જ નહીં.

૪૦. લોકોને પોતાના અંગત પ્રશ્નો પણ હોઇ શકે છે એમ સ્વિકાર કરો. તેઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવો.

૪૧. જે કામ કરવાથી તેમનાં પોતાનાં કાર્યક્ષેત્રમાં ખીલવા મળે તેવાં કામ તેમને જ કરવા દ્યો.

૪૨. કોઇ કાર્યદક્ષ છે તેથી તેને કામના ઢગલામાં જોતરી ન દેશો. તેમના પર કામનાં ભારણનું પ્રમાણ જાળવો.

૪૩. વખતોવખત, તેમને નવરાશની પળ મળે તેમ ગોઠવો. તે સમયમાં તેઓ પોતાની શક્તિઓ સંકોરે અને નવું નવું શીખતાં રહે તે માટે તેમને પ્રોત્સાહીત કરો.

૪૪. વધારે ને વધારે વાર, લોકો સાથે હાથ મેળવો. હાથ મેળવવા એ લોકો સાથે હુંફ વહેંચવાનું પ્રતિક છે.

૪૫. વાત કરતી વખતે,સામેની વ્યક્તિની આંખમાં તમારી આંખ મેળવીને વાત કરો.

૪૬. જ્યારે પણ મોકો મળે, ત્યારે લોકોનો પરિચય પૂરા વિશ્વાસથી કરાવો.તેમની સબળ બાજૂને પ્રાધાન્ય આપો!

૪૭. વાતાવરણ હળવું રાખો, વ્યવસાય એ કંઇ ભારે વજન ઉઠાવવાની રમત તો છે નહીં. હળવી પ્રસંગકથાઓ કે તમારા જાત અનુભવોનો યથોચિત પ્રયોગ કરતા રહો.

૪૮. તમે પોતા પ્રત્યે જે વર્તાવની બીજાં પાસેથી અપેક્ષા કરો, તે જ પ્રકારનો વર્તાવ તેમની સાથે કરવાની ચીવટ રાખો.

૪૯. કોઇ પણ ભોગે, નકારાત્મક ન બનશો. ટીમના બીજા સભ્યો વિષે ઘસાતું ન બોલશો. તમારી સંસ્થા વિષે પણ કદાપિ ઘસાતું વેણ ન કાઢશો.

૫૦. તેને બદલે, તમારા શબ્દો વડે હકારાત્મક ઉર્જા પેદા કરો. સિધ્ધિઓને બીરદાવો. મહત્વના સુધારાની ખાસ નોંધ લો. સારાં પરિણામોની કદર કરો.

૫૧. માયાળુ બનો!

૫૨.ઉપાયો વિષે ચર્ચાઓ કરજો, સમસ્યાઓ વિષે નહીં, કારણકે સમસ્યાઓપરની ચર્ચા અનંત નીવડે છે.

૫૩.તમારી ટીમમાટે નવું શીખવાની તક ઊભી કરતાં રહો. તેઓ નવું શીખતાં રહી શકે તે માટે અને તેમના વિકાસમાટે વિચારશીલ રહો. ટીમને નવું શીખવાને પ્રોત્સાહન મળે તેવાં ધ્યેય નક્કી કરતાં રહો.

૫૪. તે માટે તમે ખુદ પણ થોડું થોડું (ના..ના! ખાસ્સું એવું) શીખતાં રહો. સદા શીખતાં જ રહો!

૫૫. તમે આગેવાન છો, તે તો નિર્વિવાદ છે, પરંતુ તમારી મૂળભૂત જવાબદારી તમારી ટીમને ઉપયોગી થવાની છે.

૫૬. યાદ રહે કે સંચાલક તરીકે તમારી વર્તણૂક તમારાં નિયંત્રણમાં જ છે. તમારી વર્તણૂકની સીધી અસર તમારી ટીમની કામગીરી પર પડે છે.

૫૭. તમે જો બહુ મોટી ટીમનું સંચાલન કરતાં હો, તો થોડા થોડા સમયે હરતાંફરતાં રહો. તેઓને હળતાંમળતાં રહો અને ‘સલામ-નમસ્તે’નો શિષ્ટાચાર કેળવો, તેમ જ તેમની સાથેની ઓળખ વધારવા કોશીશ કરો. તેમને કોઇ મદદની જરૂર છે કે નહીં તે જાણવા પ્રયત્ન કરો.

૫૮. એક સાથે, મક્કમ તેમ જ વિનયી થવું એ કળા છે. મક્કમ થવું તેનો અર્થ અવિનયી થવું ન હોઇ શકે. વિનયી હોવું એટલે નબળાં ગણાવું એમ પણ નથી. ઊંચા અવાજે વાત કરવી એ તમારી તાકાતનું પ્રતિક નથી.

૫૯. પ્રતિભાવાત્મકતા  કેળવો. તમારી ટીમના સભ્યોની વાતનો ઉચિત પ્રતિઘોષ કે તમને ઉદ્દેશીને પાઠવાયેલા સંદેશાઓનો સમયસર પ્રત્યુત્તર ન પાઠવીને તમને તેઓમાં રસ નથી એવો સંદેશ પાઠવી રહ્યાં છો.

૬૦. જે કંઇ કરો તે, વિચારીને કરો. કંઇ જાણતાં ન હો, તો તે ઉદાત્તપણે સ્વિકારો. અધુરાં જ્ઞાન કે માહિતિને આધારે કંઇ પણ ન કહેશો.

૬૧. લોકો શિક્ષાના ભયથી કામ નથી કરતાં તેમ સ્વિકારો. તેઓ કંઇ અલગ કરવા માગે છે.દંડ એ બધા જ સવાલનો જવાબ નથી, હકીકતે , ક્યારે પણ, એ જવાબ હતો પણ નહીં.

૬૨. તમે તેમના પર વિશ્વાસ કરો છો એમ બતાવો. ચકાસો ભલે, પણ એ રીતે નહીં કે લોકો વિમુખ થઇ જાય. તેમને નિર્ણયો કરવા દો. તેમના નિર્ણયોની કદર કરો. તેઓ ભૂલો કરે તો કરવા દો અને તેમાંથી તેમને શીખવા દો.

૬૩. મહત્વના નિર્ણયો ઠેલશો નહીં. જ્યારે સહુથી વધારે જરૂરી હોય ત્યારે, અથવા તો તે પહેલાં, નિર્ણય લેવાય તેવો આગ્રહ રાખો.

૬૪. જો ધ્યાન આપવામાં ન આવે તો, સમસ્યાઓ વકરી જતી હોય છે. શરૂઆતના તબક્કામાં જ ઉપાય કરો.

૬૫.તમારી પ્રાથમિકતાઓને ખરા ક્રમમાં ગોઠવો. એક સાથે ઓછી પહેલ પર, વધારે કામ કરો. તેમ કરવાથી તમે બીજાઓમાટે પણ સાચો દાખલો બેસાડો છો.

૬૬.ઉત્સાહ દાખવો. તમે જે કંઇ કરો છો , તે વિષે જો તમે જ ઉત્સાહિત નહીં હો, તો બીજાં તો કદી ઉત્સાહ નહીં બતાવે.

૬૭. તમારાથી બનતું , જ્યારે પણ શક્ય હોય  ત્યારે, બધું જ સરળ બનાવો.

૬૮. તમારાં સહયોગીઓ તમારાં ગ્રાહકો છે – ભલે, આંતરિક ગ્રાહકો, પરંતુ, તે કારણે,  થોડાં પણ ઓછાં મહત્વનાં નહીં.

૬૯. પ્રક્રિયાઓમાં ખામી શોધો, લોકોમાં નહી. બધી જ નિષ્ફળતાઓ “ટીમની નિષ્ફળતાઓ’ હોય છે, કોઇ એકલદોકલ સભ્યની નહીં.

૭૦. બોધપાઠ યાદ રાખો. હંમેશાં ભૂતકાળની ભૂલોનાં ગાણાં ન ગાશો.

૭૧.”શા માટે“પર ધ્યાન કેન્દ્રીત કરો. તમારી ટીમની લગભગ બધીજ પ્રવૃતિઓ ‘શા માટે?”- મોટા બધા “શા માટે”- ને ઉદ્દેશીને થતી રહેવી જોઇએ.

૭૨. તમારી સંસ્થાની દરેક કક્ષાનાં લોકોનાં કામની ઓળખ કેળવો.કોઇ પણ કામની કદર કરવા માટે કે તેમાં મહત્વનું પ્રદાન કરવા માટે, તે કામને પહેલાં તો સમજવું જરૂરી છે.

૭૩.નવા વિચારોને બહાર આવવા દો. એ માટે સતત પ્રયત્નશીલ રહો. તમારી ટીમ જો તમને નવા વિચારો કહેતી રહેતી ન હોય, તો તેની ભીતરમાં કોઇ સમસ્યા હશે.

૭૪. એક વાર નિર્ણય લીધા પછીથી તમારા સહયોગીઓને તેના સફળ અમલ માટે છૂટા મૂકી દો. બહુ ઝીણું કાંતવાવાળી સચાલનશૈલિ જેટલી ઇચ્છનીય નથી, તેટલું ઇચ્છનીય નથી અપૂરતી વિગતોવાળું ઉપરછલ્લું સંચાલન. વ્યાજબી સંતુલન કેળવો.

૭૫. જરૂરથી વધારે મિટીંગ ન ગોઠવશો.

૭૬. વ્યય અટકાવો, સંસ્થાને ચુસ્ત રાખો. જરૂરી ન હોય તેવા ઇ-મેલ, મિટીંગ અને ચર્ચાઓ ટાળો.

૭૭. તમારી ટીમને બને તેટલો વધારે પ્રતિસાદ આપતાં રહો. તેઓ કેવું કામ કરી રહ્યાં છે તે જાણવામાં લોકોને રસ હોય છે. તેનાથી તેમને આગળ વધવા માટે ચોક્કસ દિશા મળે છે.

૭૮. જ્યારે નકારાત્મક પ્રતિસાદ કે સુધારણા માટેની તક માટે વાત કરવાની થાય , ત્યારે સામેની વ્યક્તિનાં આત્મસન્માનને ઠેસ પહોચે તેવી ભાષા કે અભિવ્યક્તિ ટાળો.

૭૯. એક પાયાનો સિધ્ધાંત: જેને લાગે વળગે છે તેની સાથે જ તમારો પ્રતિસાદની કે ચિંતાની ચર્ચા કરો, તેમના સહયોગીઓ કે અન્ય કર્મચારીઓ જોડે નહીં.

૮૦. અપ્રત્યક્ષ માધ્યમો (જેવાં કે ટેલીફૉન વાતચીત,વીડિયો પરિષદ)નો અસરકારક ઉપયોગ કરવાનું શીખો.

૮૧. અપ્રત્યક્ષ મિટીંગ માં પણ પ્રત્યક્ષ મિટીંગનો શિષ્ટાચાર પાળો.

૮૨. ધીમેથી અને સ્પષ્ટ બોલો. નામના સાચા ઉચ્ચારનો પ્રયોગ કરવાની ચીવટ કેળવો. (પ્રત્યક્ષ  તેમ જ અપ્રત્યક્ષ, કોઇપણ સહકાર્ય સમયે!)

૮૩.અન્ય સમય ક્ષેત્રમાંની વ્યક્તિનું અભિવાદન કરતી વખતે, ત્યાંના સમયને અનુરૂપ અભિવાદનનો પ્રયોગ કરવાની કાળજી કેળવો.

૮૪. તમારા લેખીત સંદેશા એ તમારા વિચારોના આલેખ છે. તમારા ઇ-મૅલ સ્પષ્ટ ભાષામાં હોય, તેમાં સાચાં વ્યાકરણના પ્રયોગ હોય અને ટાઇપીંગની ભુલો ન હોય તે ચીવટ રાખશો. સામેની વ્યક્તિ જાણતી ન હોય તેવાં ટુંકા શબ્દસ્વરૂપો ન વાપરશો. ટુંકા સંદેશાના ભાષાપ્રયોગ પણ ઇ-મૅલમાં વાપરવાનું ટાળશો.

૮૫. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ મિટીંગોમાં ચર્ચાને પ્રોતસાહન આપો. વિસ્તૃત જવાબ મળે તેવા સવાલો પૂછો. બધાના અભિપ્રાય જાણો.

૮૬. સાફલ્યદ્યોતક પોષાક પહેરો. જ્યારે લોકો તમને ઓળખતાં નથી હોતાં ,ત્યારે તેઓ તમારા પોષાકને આધારે તમને મૂલવે છે અને તે મૂલવણીને આધારે તેઓ તમારી સાથે પેશ આવે છે.

૮૭. તમે શેના પર ધ્યાન આપી રહ્યાં છો તેના પર ધ્યાન આપો. તમે જેની વધારે પરવા કરો છો તે તમને મળતું હોય છે. તમે જે વર્તણૂંકની કદર કરો છો, તેવી જ વર્તણૂક તમને બદલામાં મળે છે.

૮૮. બીનમહત્વની [અથવા જેને તમે મહત્વ નથી આપતાં] વાત (કે વસ્તુ)ને મહત્વ આપવું તે વ્યય છે.

૮૯. જો તમે લોકોની સમસ્યાઓનું નિવારણ ન કરી શકતાં હો, તો તે લોકો તમને માન આપે કે તમને માહિતગાર રાખે તેવી અપેક્ષા ન રાખવી જોઇએ. લોકોની અપેક્ષા હોય છે કે તમે તેમની સમસ્યાઓનું સમાધાન કરો અને તેમના માર્ગની અડચણો દૂર કરો.

૯૦. પૂર્વતૈયારીની શક્તિને કદાપિ ઓછી ન આંકશો. તમારા ગ્રાહક સાથેની વાતચીત કે આંતરીક મિટીંગ અને બીજી કોઇપણ બાબતમાં પાકે પાયે કરેલી તૈયારી તમારા વિશ્વાસમાં વૃધ્ધિ કરે છે, જેને કારણે તમારી ટીમનો વિશ્વાસ પણ વધે છે.

૯૧.તમારા ૬૦% દિવસનું જ સમયપત્રક આયોજિત કરો. તમે આગેવાન છો અને તમારે તાકીદની ઘટનાઓમાટે પણ તૈયાર રહેવું જોઇએ. તમારે તમારાં પોતાનાં કામ માટે પણ સમય ફાળવવો જોઇએ.

૯૨.દરરોજ એકલતાનો સમયખંડ” તારવો અને તેનો ઉપયોગ વ્યૂહાત્મક વિચારણા કરવા માટે કરો. પર્વતની ટોચ પરથી દ્રષ્ટિગોચર કરતાં હોઇએ તે નજરે તમારાં કાર્યક્ષેત્રની પ્રગતિને જૂઓ.

૯૩. તમારા દિવસની શરૂઆત ખરા સૂરમાં કરો. દિવસના એ સમયખંડમાં સહુથી વધારે માથાપચ્ચીવાળી સમસ્યાઓને હાથપર લો, જ્યારે તમે મહત્તમ ઊર્જા અનુભતાં હો.

૯૪. તમારે તમારી નિર્ણય પ્રક્રિયામાં ૧૦૦ % લોકશાહીને અનુસરવાની જરૂર નથી હોતી. તેમ જ તમારે ૧૦૦ %આપખુદ પણ ન થવું જોઇએ.બન્નેવચ્ચે સંતુલન જાળવવું તેમાં જ ખરી ખૂબી છે.

૯૫. રોજબરોજનાં કામો (જેમ કે, આયોજિત મિટીંગ્સ, ટીમ મિટીંગ્સ,સમાલોચના સત્રો)માટે આચારપધ્ધતિ ઘડી કાઢો.તેનાથી તમારાં આયોજનની પ્રક્રિયામાંની ઘણી પરેશાનીઓ દૂર થઇ જશે.

૯૬. કર્મચારીઓની કામગીરીનાં મૂલ્યાંકનને અભિપ્રાય-અભિવયક્તિનો મોકો ગણો. એ “તેઓ” માટે છે. મોટાભાગનાં કામગીરી-અવલોકન સત્રો કોઇનાં ને કોઇનાં સ્વમાનને ઠેસનાં કારણ બની રહેતાં હોય છે. એવું ન થવા દેશો.

૯૭. કોઇને પણ કામ પર રાખતી વેળાએ વિશેષ ધ્યાન આપો. તમારી ટીમમાં યોગ્ય લોકોની હાજરી તમારા ખેલનું સ્તર ઉંચું લઇ જશે.

૯૮.ઉતરતી ગુણવત્તા ચલાવી ન લેશો. ત્યારે ને ત્યારે નહીં તો લાંબે ગાળે પણ, તમે જે ગુણવત્તા માંગશો તે ગુણવતા તમને જરૂરથી મળી રહેશે.

૯૯.’સમગ્ર-તંત્ર’ દ્રષ્ટિ કેળવો. કોઇ ઘટના છૂટીછવાઇ થતી નથી, પણ કોઇને કોઇ તંત્રના હિસ્સારૂપે જ થતી હોય છે. કોઇપણ ઘટનાની યથાર્થ, વિસ્તૃત-સંદર્ભમાં, રજૂઆત તમારી ટીમમાટે બહુ જ મદદરૂપ પરવડતી હોય છે.

૧૦૦. દૂરંદેશી એ નેતૃત્વનો વિશિષ્ટ ગુણ છે. “સમગ્ર-તાંત્રીક” દૂરંદેશી તમને પ્રશ્નો, પરિવર્તનો અને જોખમોની આગોતરી જાણ કરે છે. તમારા પ્રતિભાવનું આયોજન વ્હેલાસર કરો.

૧૦૧. આગેવાનમાટે “સત્તા” અને”અંકુશ” એ ભ્રામક પરિકલ્પના માત્ર છે.”સામર્થ્યીકરણ ” અને ‘વિશ્વનીયતા’ એ વાસ્તવિકતાઓ છે.

[ શ્રી તન્મય વોરાના બ્લૉગ – http://QAspire.com પર, ઑગસ્ટ ૨,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ લેખ Graceful Leadership 101 (Free PDF)માં આસાનીથી ડાઉનલોડ થઇ શકે તે સ્વરૂપમાં, સરળ અંગ્રેજીમાં લખાયેલ વ્યાવહારીક સુચનોનો ગુજરાતીમાં અનુવાદનું ઇ-સંસ્કરણ અહિંથી ડાઉનલોડ થઇ શકશે.]

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “પ્રભાવશાળી નેતૃત્વ માટેના ૧૦૧ ગુણો – તન્મય વોરા, અનુ. અશોક વૈષ્ણવ

  • માંકડ મિત હેમેન્દ્રભાઇ

    ખૂબ જ સરસ, રસપ્રદ , અને આશિષ ભાઈ કે કહ્યું કે વાંચતી વખતે કોઈ એક વ્યક્તિ સાથે સરખામણી થઈ જાય છે તે મારી બાબત માં પણ લાગુ પડે છે

  • Ashish Tilak

    તન્મયભાઈનો બ્લોગ ફોલો કરતો હોવાથી આ પોસ્ટ વાંચેલી. અને એ સમયે એક પછી એક ગુણો વાંચતા અનાયાસે જ એક વ્યક્તિ સાથે સરખામણી થઇ જતી હતી.

    અમારી કંપની ભારતની મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે, અને બે વર્ષ પહેલાં અમે SAP ઈમ્પ્લીમેન્ટ કર્યું. ખૂબ મોટી કંપની હોવાના કારણે અને અલગ અલગ પ્રકારની અનેક પ્રોસેસ હોવાના કારણે આ ઇમ્પ્લીમેન્ટેશન ખૂબજ જટિલ હતું. ભારતના દરેક પ્રદેશના કર્મચારીઓ એક જગ્યાએ એકઠા થઈને આ પ્રોજેક્ટ પર કામ કરતાં હતા. એટલે સ્વાભાવિક રીતે આ બધું મેનેજ કરવા માટે બહુજ સક્ષમ વ્યક્તિની જરૂર પડે. અમારા સદનસીબે અમને એવા સફળતા પૂર્વક નેતૃત્વ કરનાર પ્રોજેક્ટ મેનેજર મળી ગયેલા. પ્રોજેક્ટ પર કામ કરનાર દરેક વ્યક્તિ એકમતે એવું કહી શકે કે આ પ્રોજેક્ટની સફળતાનું સંપૂર્ણ શ્રેય માત્ર તેમને જ જાય.

    એમણે ઉપરના દરેકે દરેક ગુણ એમનામાં મોજુદ હતા, અને અમારા વિશાળ પ્રોજેક્ટને મેનેજ કરવામાં એનો બાખૂબી ઉપયોગ કર્યો. આજે પણ જયારે હું આ મુદ્દાઓ વાંચું છું ત્યારે મારા મનમાં એમની જ છબી ઉપસી આવે છે, અને ક્યા ગુણનો એમણે ક્યારે અને કેવી રીતે ઉપયોગ કર્યો હતો એ યાદ આવે છે. ઘણી વાર હું પણ એમની હથોડીની નીચે આવી ગયો, તો ઘણી વાર તેઓએ મારી આગળ ઢાલની જેમ ઉભા રહીને મને સપોર્ટ આપ્યો. અને આવું ફક્ત મારી સાથે જ નહી પણ પ્રોજેક્ટમાં કામ કરનાર દરેક વ્યક્તિ સાથે થયું. એમના અદ્ભૂત નેતૃત્વ ની છાયામાં કામ કરવાથી જે શીખવા મળ્યું છે એ ખરેખર અમુલ્ય છે.

    અમારા એ પ્રોજેક્ટ મેનેજરનું નામ છે અશોક વૈષ્ણવ, જેમણે આ ગુણોનો માત્ર અનુવાદ જ નથી કર્યો, પણ આ બધા ગુણો આત્મસાત કર્યા છે.. અને મને એમની સાથે, એમના આશીર્વાદ હેઠળ કામ કર્યાનો ગર્વ છે.

    ધન્યવાદ વૈષ્ણવસર, ધન્યવાદ તન્મયજી, અને ધન્યવાદ જીગ્નેશભાઈ..

    -આશિષ

    • ASHOK M VAISHNAV

      ભાઈશ્રી આશિષ,
      તમારી ખુબ જ ભલી લાગણીઓ બદલ હું આપનો આભારી છું.
      પરંતુ, એક વાત યાદ રાખવી જોઇએ કે તાળી બે હાથે જ વાગી શકે. આપણા પ્રોજેક્ટની એ ટીમની ધ્યેયનિષ્ઠા અને પ્રતિબધ્ધતા આદર્શ કહી શકાય તેવી હતી.

      • Vipul Patel

        Dear Sir,

        After Reading Ashish feedback….I just read your name Ashok M Vaishnav….I am 100% right that you where with Ratnamani..
        My self Vipul Patel ( IT Department )…Hope you remember me.

    • Vipul Patel

      Dear Ashish

      Are you talking about Mr. Ashok Vaishnav who was work with Ratnamani Metal, If he was then I also salute to him because I got opportunity to work with him in year of 1995. At that time he was Director over there.

      If I am right by reading your feedback…pl. revert me on my Email ID patel.vipul.2007@gmail.com

      Regards

      Vipul Patel

  • Tanmay Vora

    અમેરિકા ના લેખક Seth Godin એ કહ્યું છે, “જે વિચારો ફેલાય છે તે જ જીતે છે”. પ્રભાવશાળી નેતૃત્વ વિષે લખેલ 101 વિચારો ગુજરાતી માં એટલી સરસ રીતે મુકાશે તેની કલ્પના ન હતી – અનુવાદ બદલ શ્રી અશોકભાઈ નો અને પ્રકાશિત કરવા બદલ શ્રી જીગ્નેશભાઈ નો ખુબ ખુબ આભાર

    તન્મય વોરા