સાંજનો સૂર્યોદય (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 17


આથમતા સૂર્યના ત્રાંસા પડતાં કિરણોથી પોરબંદરના સમુદ્રકાંઠે આવેલું ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર ચળકી રહ્યું હતું. તેના પર ફરફરતી ધજા જાણે કે હાથ હલાવીને સૂર્યને વિદાય આપી રહી હતી. પોતાની મોતિયાવાળી આંખે એ ધજાની સામું જોઈ રહેલા હિમ્મતલાલ માસ્તર એક ઉદાસીન ભાવે હસ્યા. મંદિરની બરાબર સામે રહેલા સ્મશાનઘાટમાંથી કોઈ નનામી સાથે આવેલા કેટલાક ડાઘુઓને પગ છુટ્ટો કરવા બહાર આવતા જોઈને તેમને થયું કે બસ… આવતીકાલે મારી નનામી લઈને આવનારાં સગા સંબંધીઓ પણ આવી રીતે જ બહાર આવીને બેસશે ને !

હિંમતલાલે ઝભ્ભાંના ખિસ્સામાંથી છીંકણીની ડબ્બી બહાર હાઢી અને તેમાંથી ચપટી ભરી તે છીંકણી નાકમાં દબાવી સામે ઘૂઘવી રહેલાં સમુદ્રનાં મોજા અવિરતપણે કાંઠે આવી આવી અને માથા પછાડતા હતા. ડાબી બાજુ ચોપાટી જવાના રસ્તા પર ઠીક ઠીક ચહલપહલ હતી. જો કે આજે રવિવાર જેટલી ગીર્દી નહોતી છતાંયે સામે દેખાતા ‘યમુના રેસ્ટોરન્ટ’ તથા તેની સામે ઉપરની પાળી પર ઊભેલી ખાણીપીણીની રેકડીઓ પર દરિયાઈ હવાની ભીની ઠંડક માણવા આવતા સહેલાણીઓની ભીડ કાંઈ સાવ ઓછી નહોતી. વળી વેકેશનનો સમય હતો એટલે બહારગામથી આવેલા મહેમાનો સાથે ચોપાટી આવતા યજમાનો પણ લહેરાતા પવનની મજા માણી રહ્યા હતા.

અચાનક સમુદ્રમાં ઉઠેલું એક મોટું મોજું કિનારાના ખડક સાથે અફળાયું, તેના પાણીની હળવી છાલક પવન પર સવાર થઈ આવી અને હિંમતલાલના ચહેરા પર ઝીંકાઈ. તેમના આખા ચહેરા પર એ કહળવી ખારાશ ફેલાઈ ગઈ, પરંતુ જે ખારાશ હિંમતલાલની જિંદગીમાં વ્યાપી ગયેલી હતી તેની સાપેક્ષે આ ખારાશ તો કોઈ વિસાતમાં જ નહોતી. હિંમતલાલે પોતાના હોઠ પર બાઝેલી ખારાશને અનુભવવા તેના પર પોતાની જીભ ફેરવી અને તેમને તેમની પત્ની સંતોકબેન યાદ આવ્યા. હિંમતલાલે ઠેઠ યુવાન વયથી વારંવાર પોતાના હોટ પર જીભ ફેરવવાની આદત હતી જેની સામે તેમના પત્ની સંતોકબેન હંમેશા વિરોધ નોંધાવતા.

સંતોકબેનની યાદ આવતા હિંમતલાલની આંખો ભરાઈ આવી. હજુ ગયા વર્ષે દિવાળી પહેલા જ સંતોકબેને હિંમતલાલ સાથે ચાલીસ વર્અનું દાંપત્યજીવન ગાળી વિદાય લીધી ત્યારે હિંમતલાલ સાવ ભાંગી પડ્યા હતા. પરંતુ ઉંમરના ગૌરવને જાળવી તેઓ છૂટા મ્હોંએ રડી શક્યા નહોતાં. આંખના આંસુઓને હ્રદયમાં ધરબી રાખી નાના મોટા સૌને આશ્વાસન આપતા રહ્યા હતા. સંતોકબેને તેમને બે પુત્રો, પુત્રવધુઓ, પૌત્રો, પુત્રી, જમાઈ અને દોહિત્રોની લીલી વાડી વચ્ચે મૂકીને ગયા તે પહેલાં સુધી તો બધું જ બરાબર ચાલતું હતું પરંતુ સંતોકબેનના ગયા બાદ હિંમતલાલ એકલા પડી ગયા. પુત્રો અને પુત્રી સૌ પોતપોતાના સંસારમાં વ્યસ્ત હતા. સંતોકબેનના જવાથી સૌથી વધુ તકલીફ માત્ર હિંમતલાલને જ પડતી હતી.

હિંમતલાલ તેમના મોટા પુત્ર જયેન્દ્ર અને પુત્રવધુ નિતિજ્ઞા સાથે રહેતા હતા. તેમનો નાનો દીકરો ભાર્ગવ અને તેની પત્ની ઋચા પૂના રહેતા હતા. ઋચા પણ સારું એવું ભણેલી હોવાથી બન્ને જણા પૂનામાં નોકરી કરતા હતા. સંતોકબેનના અવસાન વખતે તેઓ પૂનાથી આવેલા ત્યારે પાછા જતી વખતે તેમણે હિંમતલાલને પોતાની સાથે આવવાનો આગ્રહ જરૂર કર્યો પરંતુ જે વડલો સાહીંઠ વર્ષથી પોરબંદરની ધરતીમાં મૂળીયાં ફેલાવીને બેઠો હતો તેને પૂના જઈ ત્યાંની નવી જમીનમાં મૂળિયા ઉગાડવાનું શક્ય નહોતું. અંતે તેમણે જયેન્દ્રની સાથે જ રહેવાનું નક્કી કર્યું.

સમય સરતા જતાં હિંમતલાલે એવું અનુભવ્યું કે સંતોકબેનના ગયા બાદ જયેન્દ્ર અને નિતિજ્ઞાના વર્તનમાં ફરક પડી રહ્યો હતો. તેમની સાથે તેઓ કોઈ રોજ ઝઘડતા નહોતા પરંતુ વર્તનમાં ઉપેક્ષા જરૂર ડોકાતી હતી. વાણીમાં તિખાશ નહોતી પરંતુ મીઠાશ જતી રહી હતી. ડાઈનીંગ ટેબલ પર જમવાનું આવી જતું હતું. પરંતુ આજુબાજુની ખુરશીઓ ખાલી રહેતી હતી. પૌત્ર સાથે થોડોક સંવાદ થાય ત્યાં તો કોઈને કોઈ બહાને પોતાની પાસેથી બોલાવી લેવાતો હતો. આજુબાજુ જાણે કે એકલતાની એક દિવાલ ચણાતી જતી હતી. પોતે જાણે આ ઘર માટે તદ્દન નકામી અને બિનૌપયોગી વ્યક્તિ હોય તેવું લાગવાનું શરૂ થયું હતું. હિંમતલાલ માટે આ પરિસ્થિતિ અસહ્ય બનતી જતી હતી. તેમાંયે આંખમાં આવેલો મોતિયો અને ઘૂંટણમાં અડ્ડો જમાવીને બેઠેલો ‘વા’ નો દુઃખાવો, એ બંને વૃદ્ધાવસ્થાની તકલીફ વધારતા રહેતા હતા.

હા, રોજ સાંજે દરિયાકિનારે આવીને બેસવું અને આથમતા સૂર્યના સાન્નિધ્યમાં ગાયત્રીમંત્રના જાપ કરવા એ દૈનિક ક્રમ તેમણે જાળવી રાખ્યો હતો. સંતોકબેન હતા ત્યારે તેઓ સાથે આવતા, તેમના ગયા પછી હિંમતલાલ એકલા આવતા. આંખ અને પગની તકલીફને કારણે તેમણે એક રીક્ષા કાયમ માટે બંધાવી હતી. એ રીક્ષાવાળો રોજ સાંજે છ વાગ્યે દરિયાકિનારે જવા તેમને ઘરેથી તેડી જતો અને રાત્રે આઠ વાગ્યે મૂકી જતો.

આજે સાંજે છ વાગ્યા તોયે રીક્ષાવાળો ન આવ્યો ત્યારે તેમણે નિતિજ્ઞાને કહ્યું, ‘નિતિજ્ઞા, બેટા રીક્ષાવાળાને મોબાઈલ પર પૂછી જુઓને કે તે હજુ સુધી કેમ આવ્યો નથી?’

‘તે હવે નહીં આવે’ સામેથી નિતિજ્ઞાનો સપાટ અવાજ આવ્યો.

‘કેમ?’

‘બસ, મેં જ તેને આવવાની ના પાડી છે બાપુજી.’

હિંમતલાલ આશ્ચર્યથી નિતિજ્ઞા સામે જોઈ રહ્યા અને પછી ધીમેથી પૂછ્યું. ‘કેમ? કેમ ના પાડી?’

‘બાપુજી, હવે તમારી ઉંમર થઈ છે. રોજ દરિયાકિનારે શું જવાનું હોય? હવે અહીં ઘરમાં બેસો તો સારૂ, રીક્ષાવાળો પણ ભાવ વધારવાનું કહેતો હતો એટલે…’

‘બેટા, હું આખો દિવસ ઘરમાં જ બેઠો હોઉં છું ને? આ તો સાંજ પડ્યે મારૂ મન મૂંઝાય એટલે થોડી વાર હવા ખાવા…’

”હવા જ ખાવી હોય તો ઉપર અગાશીમાં જઈને બેસોને… રોજ નકામા રીક્ષાભાડા નાંખવાનો શો અર્થ છે?’

હિંમતલાલ સમસમી ગયા. રોજની મૂક અપેક્ષા હવે બોલકી બની રહી હતી. આ અસહ્ય હતું, આખા દિવસનો મૌન એકાંતવાસ સાંજે થોડો હળવો થાય એ પણ જો આ લોકોને ન ગમે તો પછી આ જીવતરનો અર્થ જ શો છે? હવે જિંદગીને ટૂંકી કરવી જ રહી.

એક કઠોર નિર્ણય લેવાઈ ગયો. આજે તેઓ દરિયાકિનારે જશે ખરા, પરંતુ પાછા નહીં આવે. અંધારૂ થશે એટલે ઈન્દ્રશ્વર મહાદેવના મંદિરની આગળના સમુદ્રમાં તે પોતાની જાતને પધરાવી દેશે. સાઠ વર્ષ સુધી સ્વમાનભેર જિંદગી જીવેલા પોતે હવે પાછલી ઉંમરે થતા આવા વજ્રાઘાતો સામે ટકી નહીં શકે.

‘હલ્લો સર’ સામે ઊભેલી આકૃતિમાંથી આવેલા અવાજે હિંમતલાલને ચોંકાવ્યા. આથમી ચૂકેલી સાંજ પછીનું અંધારૂ અને આંખમાં ભરાયેલા મોતીયાની ઝાંખપ એ બન્ને સાથે મળી સામે રહેલી વ્યક્તિની ઓળખ પડવા દેતા નહોતા.

‘કોણ ભાઈ?’ હિંમતલાલે પ્રતિસાદ આપ્યો.

‘સર.. મને ન ઓળખ્યો? હું નીરવ… નીરવ ભટ્ટ, આજથી વીસ વર્ષ અગાઉ તમારા વર્ગમાં ભણતો સૌથી શાંત અને ડાહ્યો વિદ્યાર્થી’ કહેતાં કહેતાં નીરવ ભટ્ટે હિંમતલાલને ચરણસ્પર્શ કર્યા.

આરે… હા… ઓળખ્યો… અરે પણ હવે તું પગે શું કામ લાગે છે ભાઈ?’

‘તમને પગે ન લાગું તો કોને લાગું સર ?’ તમારૂ ઋણ ચૂકવવા મારું મસ્તક કાપીને તમારે ચરણે મૂકું તો પણ ઓછું ગણાય સર..’ નીરવના અવાજમાં સહેજ ભીનાશ ભળી.

‘ના ભાઈ ના, મેં વળી એવો શો ઉપકાર કર્યો છે ? મને ભણાવવાનો પગાર મળતો અને તમે સૌ મારી પાસે ભણતા. આમાં ઋણની વાત જ ક્યાં આવી?’

‘નહીં સર.. કદાચ તમે ભૂળી ગયા હશો પરંતુ મને હજુયે એ વાત યાદ છે સર… ચાલો હું જ તમને યાદ કરાવું, હું ત્યારે આઠમાં ધોરણમાં અને તમે વર્ગશિક્ષક હતા. એ વખતે મારા મમ્મી પપ્પા વચ્ચે ચાલતા કાયમી ઝઘડાને કારણે મારૂ ચિત્ત ભણવામાંથી હટવા લાગ્યું હતું. તેઓ બન્નેએ છૂટાછેડા નહોતા લીધા એટલું જ, બાકી તો બન્ને વચ્ચેનું અંતર વધતું જતું હતું. મારાથી મૂક સાક્ષી બનીને રહેવા સિવાય કશું જ થઈ શક્તું નહોતું. રોજ સવારથી રાત સુધી ચાલતુ રહેતુ ગૃહયુદ્ધ ધીમે ધીમે બાળપણને ગ્રસી રહ્યું હતું. આઠમા ધોરણની અર્ધવાર્ષિક પરીક્ષાના પરિણામનો એ દિવસ હતો. મારૂ એકદમ ખરાબ રિઝલ્ટ જોઈ તમે મને છેવટ સુધી બેસાડી રાખ્યો હતો. બધાના ગયા બાદ મને એકાંતમાં બોલાવી’આમ કેમ થયું?’ પૂછ્યું એટલે હું રડી પડ્યો હતો. રડતાં રડતાં મેં તમને મારા ઘરની તમામ વાતો કહી અને છેલ્લે મેં કહ્યું કે ‘સર, હું આજે આ પરિણામ લઈને મારા ઘરે નહીં જાઉં, મારે મરી જવું છે, હું આપઘાત કરી લઈશ.’ એ વખતે તમે મને છાતી સરસો ચાંપી અને કહ્યું હતું કે ‘બેટા, આપઘાત એ તો કાયર માણસનું કામ છે. ખરી બહાદુરી તો જીવનના પડકારોને ઝીલી લેવામાં છે. પ્રત્યેક મુશ્કેલી તેનો અંત સાથે લઈને જ આવતી હોય છે. ફક્ત આપણને તેના અંતનો સમય ખબર ન હોવાથી તે શાશ્વત લાગે છે. બાકી આ જગતમાં કોઈ જ સમસ્યા કાયમી નથી. આ દિવસોમાં પણ ભવિષ્ય બાબતે હંમેશા હકારાત્મક વિચારવું. તું હમણાં તો ભણવામાં જ ધ્યાન આપ બેટા. કાલ સવારે તું ભણીગણીને મોટો માણસ બની જઈશ ત્યારે તું મને યાદ કરજે.’

‘સર… તમારા એ લાગણીભર્યા શબ્દોએ મને જીવન સામે ઝઝૂમવાની તાકાત આપી અને મેં એ પછી ભણવામાં ધ્યાન પરોવ્યું. ઘરના કંકાસથી મેં મારી જાતને સાવ વેગળી કરી નાંખી અને સર… આપના એ શબ્દોના સહારે હું જીવી ગયો. આજે આ શહેરમાં હું એક સ્કૂલ ચલાવું છું અને સુખી છું. આ બધું આપના આશિર્વાદથી, આપની હકારાત્મક વિચારસરણીના પગલે ચાલવાથી થયું… એક રિકવેસ્ટ છે સર…’

નીરવ ભટ્ટને એકધારો સાંભળી શકેલા હિંમતલાલ માંડ માંડ બોલ્યા, ‘બોલ ભાઈ…’

‘સર, તમે મારી સ્કૂલમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સેવા આપશો પ્લીઝ?’

‘પણ ભાઈ નીરવ, હવે તો મને આંખે સાવ કાચું છે, વળી પગની તકલીફ…’

‘આપ એ ચિંતા ન કરો સર, તમને રોજ તેડવા મૂકવા માટે હું વાહનની વ્યવસ્થા કરી આપીશ. આપે સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું નથી, બસ ફક્ત દરરોજ સવારે પ્રાર્થનાસભા ખંડમાં વિદ્યાર્થીઓના દિવસે દિવસે તળીયે જઈ રહેલા આત્મવિશ્વાસને પુનઃ સ્થાપિત કરવાનો છે. આપ તો હકારાત્મક વિચારસરણીનું પાવરહાઊસ છો. આપની શાળામાં ઉપસ્થિતિ માત્રથી બીજો કોઈ નીરવ ભટ્ટ આત્મહત્યાનો વિચાર સુદ્ધાં ન કરે એવી મારી ભાવના છે. એ માટે આપ જે ઈચ્છશો તે માનદ વેતન પણ શાળા ચૂકવશે, પણ આપ ના ન કહેતા પ્લીઝ..’

હિંમતલાલની ડોક થોડી ટટ્ટાર થઈ, હવે આંખમાં રહેલી મોતિયાની ઝાંખપ થોડી ઓછી થઈ હોય તેવું અનુભવાયું. ‘આજે પણ જગતને મારી જરૂર છે, હું હજુ કાંઈ સાવ નકામો થઈ ગયો નથી’ એમ વિચારતા તેમણે નીરવને કહ્યું, ‘ભલે બેટા, કાલથી જ હું તારી સ્કૂલ જોઈન કરૂં છું.’

‘થેંક્યુ સર… થેંક્યુ વેરી મચ’ કહેતા કહેતા નીરવ ફરીથી હિંમતલાલના ચરણોમાં ઝૂક્યો ત્યારે તેમણે પોતાના બન્ને હાથોમાં નીરવને સમાવી દૂર સામે રહેલા સ્મશાનઘાટ તરફ જોઈ હળવેથી મનોમન બોલ્યા – ‘સોરી ડિયર સ્મશાન, હું આવતીકાલે તારે ત્યાં નહીં આવી શકું, આઈ એમ નોટ યૂઝલેસ બટ સ્ટીલ અ વર્કિંગ પર્સન.. ઓ.કે?’

સામે રહેલા સ્મશાનઘાટની ઈલેક્ટ્રીક અગ્નિદાહની ચેમ્બરની ચીમનીમાંથી નીકળતા ધુમાડાના ગોટા ઓછા થવા લાગ્યા, ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં થતી સાંજની આરતીનો ઘંટારવ જાણે કે હિંમતલાલને કહી રહ્યો હતો, ‘આયુષ્યમાન ભવ’.

– હરીશ થાનકી

લઘુકથાઓમાં પ્રસંગોને ગૂંથીને, પાત્રોને સાંકળીને તેને રસપ્રદ બનાવવાની હથોટી એક સિદ્ધહસ્ત લેખકનું લક્ષણ છે પરંતુ સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેવી રીતે વાર્તામાં એક કે તેથી વધુ હકારાત્મક સંદેશ વણી શકવાની ક્ષમતા તેને ખરેખર યાદગાર બનાવે છે. પોરબંદરના શ્રી હરીશભાઈ થાનકી જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. પ્રસ્તુત લઘુકથા વાર્તાના મૂળ તત્વ સાથે એક સુંદર સંદેશ પણ આપી જાય છે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “સાંજનો સૂર્યોદય (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી