ચિંતનકણિકાઓ.. – સંકલિત 9


જીવનમાં કેટલાક અમૂલ્ય અને પરમ સદભાગ્યના સંબંધોમાં અહેતુક મૈત્રી અગ્રસ્થાને આવે, સન્મિત્ર મળવો એ જીવનની અનુપમ ઈશ્વરીય ભેટ છે.

સંભારવા તો તેને પડે જેને એક ક્ષણ માટે વીસરી ગયા હોઈએ, જે પ્રેમને સંભારવો પડ્યો તે તો એ વેળા જ નિરાધાર બન્યો અને ગયો.

જીવનમાં ઘણું બધું સરળતાથી વિસરી શકાય છે, એક માત્ર પ્રેમની સજીવતાનો સ્પર્શ વીસરી શકાતો નથી. ધબકતા હૈયામાં, રક્તના પ્રત્યેક કણની લાલીમા વચ્ચે પ્રેમ અમર થઈને જીવે છે.

સાધના, તિતિક્ષા, પુરુષાર્થ, સંઘર્ષ, સહન-તપન અને મથામણોથી મેળવેલા ‘સ્વલ્પ’નું મૂલ્ય આ બધા વગર મેળવેલા ભવ્ય કરતાં પણ ભવ્ય છે. જેણે આવી સાધનાથી કિંશ્ચિત પણ મેળવ્યું છે તે તૃપ્ત છે, સ્થિર છે, નિજાનંદ છે, મસ્ત છે, અન્યદ્વેષી નથી. તેને મળેલું કોઈ ઝૂંટવી શક્તું નથી. – વિજય શાસ્ત્રી

તમને ન ખપે તે બીજાને ન ગમે, તમને ન ગમે તે બીજાના હાથમાં ન ધકેલો. ઉલ્ટુ તમને જે ગમે, જે વિવેક રૂચે, લોકો તમારું માન, લાગણી અને વાત રાખે એ જે શિષ્ટાચાર અને સભ્યતા તમને ખુશ કરે એ જ બીજા પ્રત્યે તમે આદરો. સામા માણસનો ખ્યાલ કરીને, તેની જગ્યા પર આપણે હોઈએ એ મનમાં કલ્પીને અને એ વર્તનથી આપણને કેવી લાગણી થાય એ વિચારીને વર્તન કરવાનું છે.

ખરી સખાવત કૂતરાને ઘર આંગણે રોટલો ફેંકવામાં કે એકાદ ફાળામાં રૂપિયા નોંધાવવામાં નથી. ખરી સખાવત માણસના અંતઃકરણમાં ફેરફાર કરે છે અને એને હંમેશા મુશ્કેલીભર્યા જીવનમાં રસ લેતો કરી મૂકે છે. દેખાદેખીથી ભરાયેલ રકમ ઉપયોગી તો ચોક્કસ થતી હશે પણ માણસના પોતાના વ્યક્તિગત વિકાસ પરત્વે તેની કિંમત શૂન્ય છે.

વહાલ એ બુરી ચીજ નથી પણ જ્યારે વળગણ બની જાય છે ત્યારે એમાં વિષનું વાવેતર થાય છે.

આજકાલ સંસ્કૃતિનો કેટલાક લોકો બહુ છીછરો અને સાંકડો અર્થ કરે છે. સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા અને બહુ બહુ તો ઉત્સવો. એમાં અજ એમની સંસ્કૃતિ આવી જાય છે. ખરું જોતા મનુષ્યના સ્વભાવમાં જન્મતઃ જે પ્રવૃત્તિઓ રહેલી છે તે છે એની પ્રકૃતિ. જીવનની વ્યક્તિગત તેમજ સામુદાયિક ઉન્નતિ અને સફળતા માટે પ્રકૃતિમાં જે જે સુધારો કરીએ છીએ તે છે સંસ્કૃતિ. સંસ્કૃતિમાં કેટલીક પ્રવૃત્તિઓને રોકવાની અને કેટલીક પ્રવૃત્તિઓને પોષણ આપવાની જરૂરત રહે છે. સંસ્કૃતિ સર્વાંગ વિકાસમાં માને છે. તે બધી રીતે પ્રમાણબદ્ધ અને સમયાનુકૂળ હોવી જોઈએ.

જ્યાં ઉત્કટ પ્રેમ છે ત્યાં આસ્થા છે, ત્યાં માણસ વાત ભૂલી જતો નથી. વિસ્મરણ એ નૈતિક દોષ છે કેમ કે એની પાછળ પૂરતા પ્રેમ અને ઉત્કટ આસ્થાનો અભાવ હોય છે. – કાકાસાહેબ કાલેલકર

શું મૃત્યુ આપણું સ્વાગત કરવા આવે…
કે અંધકાર જીવનના કાટખૂણે જમા થઈ આપણને ખોતર્યા કરે..
કે કર્મની કામધેનુ એના આંચળમાંથી દૂધ દેવાનું બંધ કરે…
ત્યારે જ
આપણે જિંદગીનું સરવૈયું કાઢવા બેસીશું? આજને ઓળખીને આવતીકાલને ઉજાળવાના ઋતુકાર્યનો આરંભ આ ક્ષણથી જ ન કરી શકીએ?

ભેદમાંથી અભેદમાં જવા માટે, દ્વૈતમાંથી અદ્વૈતમાં જવા માટે આપણા પોતાના જેવો ગુરુ બીજો કોઈ નથી. જો આપણે પોતે જ આપણી જાતને નહીં ઓળખી શકીએ તો પછી જિંદગીનો કોઈ અર્થ નથી. બુદ્ધિ અને હ્રદયના દારીદ્રયને કારણે આપણે અસમતોલ અવસ્થામાં જીવીએ છીએ અને પછી ગુરુ શોધવા નીકળીએ છીએ. ખીંટી પકડવાથી જિંદગી જીવી શકાતી નથી. આચારમાં જ દંભ હોય તો કોઈ પણ ગુરુ તમને સન્માર્ગે નહીં વાળી શકે.

આત્મવંચના મોટામાં મોટું પાપ છે કારણકે જાત સાથે છેતરપિંડી કરીને આપણે જગતને છેતરવાનો પરવાનો મેળવી લઈએ છીએ. અનેક લોકો માટે જૂઠા મૂલ્યોને સત્ય ઠેરવતી ભ્રમ ગમે છે, મૃગજળ મીઠું લાગે છે. સ્વાર્થની સૃષ્ટી રચવી છે અને એને પરોપકાર ગણાવવો છે, આના કરતા તો એ લોકો સારા છે જેઓ જૂઠને જૂઠ તરીકે જીવે છે. શું જાતને છેતરીને આપણે જગતનિયંતાને છેતરવા ઈચ્છીએ છીએ?

જીવન એટલે પોતાના શરીરની મર્યાદામાં રહી, કુટુંબીઓ – સ્નેહીજનો અને સમાજ સાથેના સંબંધોમાંથી પસાર થતાં થતાં મૂળ ધ્યેય સુધી પહોંચવું.

અતૃપ્તિના દીર્ઘ જીવન કરતાં તૃપ્તિની એક ક્ષણ શી ખોટી? – દિનકર જોષી (તન ઝંખુ મન રોય)

નગ્ન સત્ય ક્રૂર જ હોય છે અને આત્મવંચના કેટલી મીઠી લાગતી હોય છે ! – હરિન્દ્ર દવે

આપણે જ્યારે એકમેકની પાસે આવીએ છીએ ત્યારે એકમેકની નિર્બળતાઓને વધારે જાણી શકીએ છીએ અને નિર્બળતાને જાણતા થઈએ છીએ ત્યારે એકમેકની શક્તિમાંનો વિશ્વાસ ઘટી જાય છે – શક્તિ નથી ઘટતી તોયે !

જગતથી આગવી એવી નજર અંગત મને આપો.
લૂંટાવી દો બધોયે બાગ, પણ રંગત મને આપો.

સંયમની પાળ કદી તૂટવા નદ એવી એ મહત્વનું નથી. એકવાર એ પાળ તૂટી હોય ને જીવનભર ન તૂટે એવી મનની ગાંઠ વાળી દેવાય – મહત્વની વાત તો આ છે. એના ઉપર પણ ગમે તેવા આકર્ષણના લોઢ પછડાય તોય વાંધો નથી આવતો એને જતને જાળવતા આવડી ગયું હોય છે.

આજના જીવનની કરુણતા – લોકો ઈન્ટરનેટ પર અજાણ્યાઓને ખુશ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે પણ એમાં પોતાના સ્નેહીઓ – મિત્રોથી દૂર થતા જાય છે એ બાબતનું તેમને ધ્યાન રહેતું નથી.

સિદ્ધિ પ્રાપ્ત થયા પછી બુદ્દિની ધારને સદાય સતેજ રાખવી પડે છે કારણકે સિદ્ધિ પ્રાપ્ત થયા પછી એને ધૂળધાણી કરી નાંખવા માટે એક જાતના દુશ્મનો નવા નવા સ્વાંગમાં હાજર થાય છે. પછી ભલે આ સિદ્ધિ અધ્યાત્મિક હોય કે પાર્થિવ. સુખના સમયમાં જેની વિવેકબુદ્ધિ ટકી રહે છે તે જ જીવનના અંત સુધી સુખની સુગંધ માણી શકે છે.

સાચો પ્રેમ ચાહે તેનો મુકાબલો કરી શકે છે, તેની શ્રદ્ધા, સહનશીલતા અને આશાની કોઈ સીમાઓ હોતી નથી.

બિલિપત્ર

મારો આ હાથ અને તારા એ હાથનો
રચાયો પુલ તે પ્રેમ છે
પછી શબ્દો પણ ઓગળ્યા ને વાણીમાં મૌન
અને આંખો પૂછે છે કે કેમ છે?

વિચારકણિકાઓ એ અનેક બાબતોમાં, વિચારોમાં અટવાયેલા મનને ક્ષણિક યોગ આપતી માનસિક રિફ્રેશમેન્ટ છે, પરંતુ સાથે સાથે એ મનને એક નવા અને અર્થસભર વિચાર સાથે હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. આજે પ્રસ્તુત છે વિવિધ સંકલનો અને પુસ્તકોમાંથી એકત્રીત કરેલી કેટલીક સુંદર વિચારકણિકાઓ, આપના વિચારતંતુને છેડવા માટે આ ચોક્કસ સક્ષમ થઈ રહેશે એવી આશા છે.


9 thoughts on “ચિંતનકણિકાઓ.. – સંકલિત

  • જયસુખ તલાવિયા

    જીગ્નેશભાઈ
    આપની ચિંતન કણિકાઓ ખુબ અદ્ભુત છે. ખરેખર ચિંતનાત્મક છે. સદાય સંઘરી રાખવી ગમે તેવી છે અને મનને હળવાશ આપનારી છે જાતને જાત સાથે જોડી રાખનારી છે . આટલું સુંદર લેખન આપવા બદલ આભાર

  • vijay joshi

    જિગ્નેશભાઈ,
    સુંદર રત્ન કણિકાઓ મુકી.

    યાદ આવ્યા મારા લખેલા હાયકુ….

    છેલ્લા યુધ્ધમાં,
    લડશો એકલા જ,
    મોતની સાથે!
    ————
    કહી જાય છે,
    દુખ દર્દની વાતો,
    અબોલ આંસુ!
    ————-
    શું છે મરણ્?
    અંતિમ પ્રવાસ કે,
    પુનર્જિવન્?
    ————-
    કિલ્લા હવામાં
    બાંધી, ન જિતાય યુધ્ધ્,
    જમીન પર!
    ————
    you are so right about too much dependence on the Net- it has become almost an addiction.
    I like to express this with an English Haiku.
    Fake faces
    on Facebook,
    faceless in reality!
    lreality
    life becomes a fantacy faceless.

  • vijay joshi

    જિગ્નેશભાઈ,
    સુંદર રત્ન કણિકાઓ મુકી.

    યાદ આવ્યા મારા લખેલા હાયકુ….

    છેલ્લા યુધ્ધમાં,
    લડશો એકલા જ,
    મોતની સાથે!
    ————
    કહી જાય છે,
    દુખ દર્દની વાતો,
    અબોલ આંસુ!
    ————-
    શું છે મરણ્?
    અંતિમ પ્રવાસ કે,
    પુનર્જિવન્?
    ————-
    કિલ્લા હવામાં
    બાંધી, ન જિતાય યુધ્ધ્,
    જમીન પર!