સ્વસ્થ લોકતંત્રનો પાયાનો પથ્થર, સંવાદ – વંદિતા રાજ્યગુરૂ દવે 2


(અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રતિસ્પર્ધી ઓબામા અને રોમની વચ્ચે થયેલી ચર્ચાને આખી દુનિયાએ વખાણી તો ભારતીય રાજનીતીમાં આ સ્વસ્થતા અને પ્રમાણિકતા ક્યારે આવશે?)

ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા માનવામાં આવે છે, પરંતુ લોકતંત્રના વ્યવહાર બાબતે અમેરિકા આપણાથી ઘણું આગળ છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદના પ્રતિસ્પર્ધીઓ બરાક ઓબામા અને મીટ રોમ્ની વચ્ચે આમને સામને પ્રેસિડેન્શીયલ ડિબેટ થઈ. જગતભરના મીડીયાએ અમેરિકાની આ એક સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાની નોંધ લીધી અને વખાણી. લોકતાંત્રિક વ્યવસ્થા માટે એવું માનવામાં આવે એ કે જે લોકતાંત્રિક દેશમાં ચર્ચા પાટા પર ચાલે એટલો જ એ દેશ કે એ વ્યવસ્થા સાચા માર્ગે રહે. અમેરિકન ડિબેટને કેટલાક લોકો ભલે નિરર્થક ગણાવે પરંતુ તેનાથી એક કેડી તો કંડારાય છે જ. ઘણી સમસ્યાઓના ઉકેલ ચર્ચાથી લાવી શકાય છે. હવે વિચારવાનું એ છે કે અમેરિકામાં આવી ચર્ચાની ગાડી તેના નિશ્ચિત પાટા પર જ દોડે છે પરંતુ ભારતમાં એ ગાડી વારંવાર પાટા પરથી કેમ ઉતરી જાય છે?

ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે, પણ અમેરિકા વિશ્વનું સૌથી સ્વસ્થ લોકતંત્ર છે. સ્વસ્થ લોકતંત્રના પાયામાં રાષ્ટ્રીય ચરિત્ર અને રાષ્ટ્રવાદ રાજકારણના પાયામાં હોવું જરૂરી છે. હવે આ દ્રષ્ટિએ ભારત અને અમેરિકાના લોકતંત્રની તુલના કરીએ તો સંવાદ અને ચર્ચાના મામલે ભારત અને અમેરિકાના લોકતંત્ર વચ્ચે ઉત્તર – દક્ષિણ જેવો માહોલ છે. સંવાદ કે ચર્ચા માટે અમેરિકન રાજકારણમાં પૂરી તૈયારી થાય છે. તથ્યો અને તર્કની સાથે આમને સામને પાર્ટીની અંદર કે સાર્વજનિક રૂપે પણ સંવાદ થાય છે જ્યારે ભારતમાં આવા સંવાદો રોકવા માટેના યથાસંભવ બધા પ્રયાસો થાય છે. તેમાં મારપીટની પણ સંભાવના રહે છે. સંસદમાં પણ ચાલતી ચર્ચાઓને અટકાવવામાં આવે છે. રાષ્ટ્રવાદના મુદ્દે જોઈએ તો અમેરિકન નાગરિક અને નેતા દેશને સર્વોપરી માને છે. રાષ્ટ્રહિતના મુદ્દે તેઓને એક થઈ જતા વાર નથી લાગતી, તો ભારતમાં રાષ્ટ્રવાદને દક્ષિણપંથી શબ્દ માનવામાં આવે છે. રાષ્ટ્રપ્રેમ પ્રસંગ, ઘટનાઓ અને વાતાવરણ મુજબ વધઘટ થયા કરે છે.

લોકતંત્રના મૂલ્યાંકનની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકામાં કોઈપણ પ્રકારની યોગ્યતાનું પ્રમાણિકપણે મૂલ્યાંકન થાય છે. વિશેષજ્ઞ દરેક જગ્યાએ સન્માન મેળવે છે, ભારતમાં ભાઈ-ભત્રીજાવાદ, પૈસા, લાગવગ, બાહુબળ અને હવે તો અનામતને લીધે પણ મૂલ્યાંકન ખરાબ રીતે અસરગ્રસ્ત થાય છે. શાશકીય વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકામાં દેશના વ્યવહારિક સંવિધાનથી ઉપર કાંઈ જ નથી, ગમે તેવા ચમરબંધીને પણ ભૂલની સજા મળે છે, જ્યારે ભારતમાં કાયદા-કાનૂનથી બચવાની તરીબો નીકળે છે અને ઘણીવાર નિર્દોષો પણ અવ્યવસ્થાનો ભોગ બને છે. રાજનેતાઓના તાલમેલની તુલના કરીએ તો ત્યાં નેતાઓ વચ્ચે, રાજ્યો અને સંઘરાજ્ય વચ્ચે ખેંચતાણ ખૂબ ઓછી જોવા મળે છે જ્યારે ભારતીય નેતાઓ વચ્ચે, રાજ્યો અને સંઘરાજ્ય વચ્ચે નહિવત તાલમેલ જોવા મળે છે. રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર પ્રત્યે ઢગલાબંધ ફરિયાદો હોય છે અને એવું જ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારો તરફ પણ છે.

જે રીતે બરાક ઓબામા અને મીટ રોમ્ની વચ્ચે થયેલ ચર્ચા ચમકી છે તે દુનિયાના બીજા કોઈ દેશમાં ભાગ્યે જ થઈ શકે છે. અમેરિકન લોકતંત્રની ખૂબીઓ તેના ઐતિહાસિક અનુભવો અને ક્રાંતિનો વારસો છે. લોકતંત્ર વ્યવસ્થામાં અમેરિકા જેવા ન બનીએ, તો પણ આપણા લોકતંત્રમાં જે સંવાદયુક્ત અને સ્વસ્થ ચર્ચાના વાતાવરણનો જબ્બર અભાવ જોવા મળે છે તે અભાવ ઓછો કરી શકાય. કોઈ પણ સમસ્યાનો ઉકેલ ચર્ચા દ્વારા લાવી શકાય છે પરંતુ જ્યાં સ્વસ્થ રીતે ચર્ચા જ ન થઈ શકે એ સમસ્યાનું સમાધાન શું?

આઝાદીના પાંસઠ વર્ષ પછી પણ આપણા દેશના લોકતંત્રમાં જે મૂળભૂત ખામી દેખાય છે એ છે રાષ્ટ્રીય નેતૃત્વની અને રાષ્ટ્રીય ચારિત્ર્યની, પછી દેશ રસાતળ ન જાય તો શું થાય? આજે લોકતંત્રમાં પણ વિકાસનું વાતાવરણ મુક્ત નથી.નીતીઓના નામે દેશને વેચવા કે તોડવાના કામ થઈ રહ્યા છે, રાષ્ટ્રહિત અભરાઈએ ચડી ગયું છે અને સ્વહિત સર્વોચ બની ગયું છે પછી ભલેને પાર્ટીહિત પણ પાછળ રહી જાય, એ હદે સ્વાર્થની રાજનીતી પૂરજોશમાં ચાલી રહી છે. આઝાદી બાદની રાજનીતીના મૂલ્યો અને ગરિમામાં સતત ઓટ અને ઝાંખપ આવી રહી છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને જયપ્રકાશ નારાયણ વચ્ચે વિચારોનો વિરોધાભાસ હતો આમ છતાં નહેરૂજી પાસે જયપ્રકાશ નારાયણનું સન્માન એવું હતું કે તેમણે જયપ્રકાશજીને નાયબ વડાપ્રધાનપદની દરખાસ્ત કરેલી. પાંસઠ વર્ષ દરમ્યાન ભારતીય રાજનીતીનું એ હદે પતન થયું છે કે આજે એફ ડી આઈ ના મુદ્દે ભાજપે કોંગ્રેસ સામે રણશિંગુ ફૂંક્યુ છે એ જ ભાજપ એનડીએના શાસનમાં એફ ડી આઈને પૂર્ણ સમર્થન આપતું હતું, જેનો આજે એ વિરોધ કરે છે. તો છેલ્લા કેટલાક મહિનાઓમાં કોંગ્રેસે વિવેકહીન અને દિશાહીન કુશાસનનો નમૂનો પૂરો પાડ્યો છે. જે દેશમાં મતોની ખરીદી થાય છે, જાતિવાદ અને વંશવાદની બોલબાલા થાય છે, લોકપ્રતિનિધિઓની આવકના આંકડાઓનો કોઈ હિસાબ નથી અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ ના નારાને ધૂળ ચાટતો કરી દે એવી પ્રાંતવાદ, ભાષાવાદ, પક્ષવાદ અને કોમવાદની ખંડિતતા અટ્ટહાસ્ય કરે છે એ દેશમાં સ્વસ્થ લોકતંત્ર શક્ય છે ખરું?

ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ સુકર્ણોએ આપણા આજના વરવા રાજકારણની તસવીર જોઈને એવો ચાબખો માર્યો હતો કે ભારતને હજી ‘નિર્દેશિત લોકતંત્ર’ની જરૂર છે, તો તેમાં ખોટું શું છે? અનેક ભારતીયો પણ માને છે કે ભારતમાં જરૂરથી વધુ આઝાદી કે લોકતંત્ર છે જેના લીધે અનેકવાર અરાજકતા રસ્તાઓ પર કે મહોલ્લાઓમાં જોવા મળે છે. આપણા રાજકીય પક્ષો, ચૂંટણીપંચ અને સરકારે એવો ઉપાય કરવો જોઈએ જેનાથી ભારતીય રાજનીતીમાં રાજનૈતિક મૂલ્યોની વૃદ્ધિ થાય, લોકતંત્રના મીઠા ફળ ચાખવા માટે તત્કાલ ભ્રષ્ટાચારને રોકવો જરૂરી છે એવી જ રીતે યોગ્ય પ્રતિભાઓનું સન્માન પણ જળવાવું જોઈએ. સંવિધાનને પણ મૂળ ભાવના સાથે લાગુ કરવાની જરૂર છે. આપણે આપણા લોકતંત્ર સાથેનો વ્યવહાર સુધારી લઈએ તો આપણું લોકતંત્ર વિશ્વનું શ્રેષ્ઠ લોકતંત્ર બની શકે તેમ છે.

આપણી લોકશાહી નબળી પડી રહી છે કારણકે સંસદમાં ચર્ચાઓ ઘટી રહી છે, કરોડોના ખર્ચે યોજાતા સંસદસત્રના કલાકો શોરબકોર, નારાબાજી અને દેખાડાઓમાં વેડફાઈ જાય છે, વિધાનસભાઓનું સ્તર પણ કથળી રહ્યું છે, નાની નાની વાત પર હિંસક આંદોલનો અને દેખાવો પર ઉતરી આવવું એ ભારતીય રાજકારણનું લક્ષણ બની ગયું છે. રાજનીતીમાં શરાફત જરૂરી ચે, વિપક્ષને સત્તા પર આવીને જે મુદ્દો સમર્થન આપવા જેવો લાગે છે એ જ મુદ્દો વિપક્ષની પાટલીએ બેસતાની સાથે જ વિરોધ પ્રદર્શનનું શૂરાતન ચડાવે એ શાણપણની નિશાની નથી. અને એ જ કારણ છે કે વૈશ્વિકરણના નામે પ્રગતિના સપના જોતા જોતા નવી નીતીઓ બની ગઈ પરંતુ વિશ્વની સ્પર્ધામાં આપણું સ્થાન ક્યાંય બની શક્યું નથી, ન સમૃદ્ધિ વધી ન લોકતંત્રની ગરિમા. અમેરિકાની મદદ લઈને તાઈવાન અને દક્ષિણ કોરીયા જેવા ટબૂકડા દેશોએ અદભૂત પ્રગતિ કરી. મુક્ત વેપારની અર્થવ્યવસ્થા તેનું પ્રમુખ કારણ છે, પરંતુ સાથે રાજનૈતિક ઈમાનદારી પણ આવશ્યક છે. ભારતીય રાજનેતાઓ પાસે આવી અપેક્ષા ક્યારે રાખી શકાય?

– વંદિતા રાજ્યગુરૂ દવે

કડિયાવાડ, સ્વામીનારાયણ મંદિર પાસે, ધોરાજી ૩૬૦ ૪૧૦. જી. રાજકોટ.
મો. ૯૭૨૭૦ ૩૨૭૫૩


Leave a Reply to vijay joshiCancel reply

2 thoughts on “સ્વસ્થ લોકતંત્રનો પાયાનો પથ્થર, સંવાદ – વંદિતા રાજ્યગુરૂ દવે