બંસી કાહે કો બજાઈ?… – કિશનસિંહ ચાવડા 6


(‘અમાસના તારા’ – કિશનસિંહ ચાવડા, પાન: ૧૪૬ થી ૧૫૪ માંથી સાભાર)

હોય તેવું ન દેખાય તેનું નામ ભ્રમ. આવી ભ્રમણામાં એક વાર પડ્યો. પરિણામે પાંસળી ભાંગી. મસૂરીના આ દિવસો ઘણી વાર સાંભરે છે. પણ એમાં પાંસળી ભાંગ્યા પછીનો વિશ્રામ યાદ આવે છે ત્યારે તો અંત:કરણ આનંદથી ભરાઇ જાય છે. 1939ના ઉનાળામાં અમે ત્રણ મહિના મસૂરી રહ્યાં હતાં. એક રાતે રાજપીપળાનાં મહારાણી સાહેબને ત્યાંથી જમીને અમે નીકળ્યાં. સૌને રિક્ષાઓમાં રવાના કરીને મેં ચાલવા માંડ્યું. મને એમ કે આવી મનોહર રાતે રિક્ષામાં કેમ બેસાય? આકાશને જોતો જોતો હું ચાલ્યો જઇશ. બાગમાં એક લાંબો ક્યારો ખોદાયેલો પડ્યો હતો. અંધારું હતું, મને લાગ્યું કે આ નવો ટૂંકો રસ્તો છે. આપણે તો પડ્યા ખાડામાં. માંડમાંડ ઘેર પહોંચ્યો. સવારે ડૉક્ટરે કહ્યું કે પાંસળી ભાંગી ગઇ છે. પંદર દિવસ પથારીવશ રહેવું પડ્યું. આ અકસ્માત થયાને બેત્રણ દિવસો થયા ને મહારાજા અને એમનું આખું કુટુંબ હરિદ્વાર થઇને દિલ્હી જવા રવાના થઇ ગયું. વિશાળ મહેલ જેવા બંગલામાં હું, એક નોકર અને રસોઇયો એમ ત્રણ જ રહ્યાં. ભરપૂર વસતિવાળો બંગલો વસતિવિનાનો થઇ જતાં એકદમ એકલતા અને શૂન્યતા બન્ને લાગવા માંડ્યાં. અનિવાર્ય પરિસ્થિતિને અનુકૂળ બનાવી દેવાની અથવા અનુકૂળ થઇ જવાની માનવીમાં કેવી સ્વાભાવિક કલા છે !

ચોથે દિવસે સવારે એક મધુર સૂરના સ્પર્શથી જાગી ઊઠ્યો:

બંસી કાહે કો બજાઈ,
મૈં તો આવત રહી ! બંસી કાહે કો?

વરદાન પામેલા કોઇ નમણા કંઠમાંથી ગળાઇને સ્વર વહી આવતો હતો. ખરી રીતે એ ગીત નહોતું ગવાતું, માત્ર ગુંજનનો વિહાર હતો. ઊઘડતું સવાર, મસ્ત ઠંડી હવા, વાતાવરણની તાજગી, પ્રકૃતિની રમણીયતા અને એ સર્વમાં આળોટીને આવતા એ ગુંજને અંતરને તરબતર કરી દીધું. ત્યાં તો એ જ ગુંજારવથી ભરાયેલો અવાજ ઊંચો થયો:

“રામપ્રસાદ ! ભૈયા, પાનીકી બાલટી બહાર લે આના !”

મારાથી માણસની મદદ વિના બેઠા પણ થવાતું નહોતું. એટલે મેં ધીરેથી નોકરને બોલાવ્યો. રામપ્રસાદ આવ્યો. મેં પૂછ્યું :

“રામપ્રસાદ, હમણાં કોણ ધીરે ધીરે ગાતું હતું?”

“સાહેબ, એ તો આપણી ઝાડુવાળીની છોકરી ગુલબ્બો.” મને પથારીમાં બેઠો કરતાં કરતાં એણે કહ્યું,

“નામ તો એનું ગુલાબ છે. પણ લાડમાં એને સૌ ગુલબ્બો કહે છે.”

પલંગમાં તકિયે અઢેલીને બેઠો. સામે બારીમાંથી સવારના કોમળ સૂર્યનાં જીવનદાયક કિરણો ખોળામાં આવી પડ્યાં. કેટલાંક કિરણો એ સમગ્ર હસ્તીની સાથે ગેલ કરવા માંડ્યાં. ત્યાં એ સોનેરી કિરણાવલિને પોતાના પાલવમાં સંતાડતી બાર-તેર વર્ષની ગુલબ્બો સામે આવીને ઊભી રહી. ઊભી તો રહી પણ લજ્જાથી બેચેન થઇ રહી હતી. એની આંખોમાં, ચહેરા પર, અરે સમગ્ર દેહમાં એ લજ્જા લાવણ્ય બનીને જીવનનો અભિષેક કરી રહી હતી. હું તો પળ વાર એને જોઇ જ રહ્યો. મારી આ દૃષ્ટિએ એની લજ્જાનો ભાર વધારી મૂક્યો. એક બાજુ લચી પડીને એ કોઇ શિલ્પીએ કોરેલી ત્રિભંગી મુગ્ધા બની રહી.

મેં કહ્યું, “ગુલબ્બો, આ ગીત તને પૂરું આવડે છે?”

આંખો વડે એણે હા કહી. બોલી નહીં.

“તું અહીં પાસે બેસીને આખુંય ગીત ગાઇશ?” મારાથી બોલી જવાયું.

ડોકું હલાવીને હા કહી. ફરીથી બોલી નહીં. સામે રામપ્રસાદ જીવનની આ ઉજાણી માણતો ઊભો હતો. એની આંખોમાંય જુદો ચમકાર હતો.

“રામપ્રસાદ, ગુલબ્બોને આજે ચા અને ખાવાનું આપજે.” કહીને મેં એ છોકરીને કહ્યું,

”હમણાં નહીં તો પછી ગાજે હોં જા, રામપ્રસાદ તને બધું આપશે. તારી મા આજે કેમ નથી આવી?”

“એ બીમાર છે, સરકાર.” છોકરીની આંખોમાંથી લજ્જાને ધક્કો મારીને ચિંતા આગળ આવી. આંખોનો રંગ ફરી ગયો.

“કંઇ કામકાજ હોય તો કહેજે, જા.” મારા અવાજમાં અકારણ અનુકંપા ઊપસી આવી.

ગુલબ્બોના ગયા પછી મારા મનમાંથી પેલા ગીતનો ગુંજારવ હઠે જ નહીં. ગમે તે વિચાર કરું, ગમે તે પુસ્તક વાંચું, ગમે તેની સાથે વાત કરું. મને સદા એ જ સંભળાયા કરે,

બંસી કાહે કો બજાઈ,
મૈં તો આવત રહી ! બંસી કાહે કો?

અને સામે આવીને ઊભી રહે પેલી સુકુમાર કન્યા. એના જીંથરા જેવા અસ્તવ્યસ્ત વાળ, એનાં મેલાંઘેલાં કપડાં, એનો શ્યામ રંગ, એના જન્મકર્મની પરિસ્થિતિ, એ સર્વની ઉપરવટ થઇને મારી સામે પેલી લજ્જાના શીલથી અંજાયેલી બે નિષ્કલંક આંખો જ આવીને ઊભી રહે અને એની પાછળ વહી આવે અંતરની આરતીથી અજવાળાયેલો ગુંજારવ. સૂરમાંથી શબ્દ બેઠો થાય અને ભાવને ઊંચકીને મારા હ્રદય સુધી લઇ આવે.

રોજ સવારે સૂર્યનાં કિરણો આવીને મારી છાતી પર બેસે. હૂંફ આપે, મને જગાડે અને એની નીચે જીવનને જગાડે પેલા ગીતનું ગુંજન !

ચારપાંચ દિવસ પછી મારી તબિયત કંઇક સારી થઇ, પણ હજી બિછાનામાંથી ખસવાની ડૉક્ટરની રજા નહોતી મળી. પાંસળી સંધાતી જતી હતી. દુ:ખ ઓઅસરતું જતું હતું. સપ્ટેમ્બરનો મહિનો હતો. એક સવારે ઊઠ્યો ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. વાતાવરણમાં ઠંડીનો કંપ હતો. સામે બારીમાંથી દૂરસુદૂર સુધી દેખાતી નયનમનોહર હરિયાળી વરસાદમાં નહાતી હતી. સ્નાન કરતી પ્રકૃતિનું આવું અભિનવ નિર્ભેળ સૌંદર્ય જીવનમાં પ્રથમ વાર સાક્ષાત કરીને અસ્તિત્વ ઓશિંગણ બની રહ્યું અને મારા એકલાનું અસ્તિત્વ જ નહીં, બાગના રમ્ય પુષ્પો પણ પોતાના ઐશ્વર્યને ભૂલી જઇને નિસર્ગના આ અભૂતપૂર્વ સ્વરૂપને વિનમ્રભાવે નમી રહ્યાં હતાં. પળવારમાં તો પ્રકૃતિ અને પુરુષ વચ્ચે સંકેત થયો. વરસતી વાદળીઓ વિખરાઇ ગઇ. આકાશ નિરભ્ર થવા માંડ્યું. પૂર્વમાં રંગાવલિ પ્રગટી. સોનેરી તેજની ટશરો ફૂટી. તેજકિરણો પર સવારી કરીને પૃથ્વી પર સુવર્ણમેઘ ઊતર્યો. સમસ્ત પ્રકૃતિ પ્રેમથી પાંગરી ઊઠી. પુષ્પોએ મસ્ત બનીને સુગંધ છલકાવી દીધી. આ સૌરભનો સાથ કરીને પેલું પ્રિય ગુંજન આવ્યું:

બંસી કાહે કો બજાઈ,
મૈં તો આવત રહી ! બંસી કાહે કો?

ધીરે ધીરે ગુંજન, ગીત અને ગુલબ્બો મારે માટે એકરસ થઇ ગયાં. પંદર દિવસનો મારો આરામ પૂરો થયો.ડૉક્ટરે ફરવાહરવાની રજા આપી. પાટો છૂટી ગયો. મસૂરીથી નીકળવાનો દિવસ પાસે આવ્યો. જવાને આગલે દિવસે મેં રામપ્રસાદને કહીને ગુલબ્બોની માને બોલાવી.

બપોરે ચાનો વખત હતો. રામપ્રસાદે આવીને ખબર આપ્યા કે સુરખ્ખી આવી છે, સાથે ગુલબ્બો પણ છે. સુરખ્ખીના મનમાં ભય પેઠો હતો કે મને ગુલબ્બોના કામથી અસંતોષ થયો છે એટલે કંઇક ઠપકો આપવા બોલાવી છે. મેં રામપ્રસાદને કહીને બન્ને મા-દીકરીને ચા ને ખાવાનું અપાવ્યાં અને થોડી વારમાં એમને બોલાવવાને બદલે હું જ એમની પાસે બાગમાં પહોંચી ગયો. મા-દીકરી બિચારાં ઊભાં થઇ ગયાં. હું કંઇક કહું તે પહેલાં જ માએ આજીજીભર્યા અવાજે કહ્યું,

“માલિક, ગુલબ્બોકી ગુસ્તાખી માફ હો. અભી બચ્ચી હૈ. કુછ સફાઇમેં કમી હો તો આપ સરકાર હૈં, મેં ઔર લડકી દોનો માફી માંગતે હૈ.” કહીને સુરખ્ખીએ નીચે વળીને ધરતીને હાથ લગાડી થોડી ધૂળ માથે મૂકી. ગુલબ્બોએ પણ માનું અનુકરણ કર્યું !

“નહીં નહીં સુરખ્ખી, ઐસી કોઇ બાત નહીં હૈ. હમ તો ગુલબ્બો કે કામસે બડે ખુશ હૈં. ઇસ લડકી કે કામમેં કોઇ નુખ્સ નહીં હૈ. તુમ્હારે જૈસા હી કામ કરતી હૈ. ગુસલખાને, પાયખાને, આંગન સભીકી સફાઇ તુમ્હારેસે ભી અચ્છી કરતી હૈ. ઇસી લિયે તુમ્હેં કુછ ઇનામ દેને હમને બુલાયા હૈ. કલ હમ જા રહેં હૈં.” હું છેલ્લો શબ્દ પૂરો કરું ત્યાં જ ગુલબ્બોથી બોલી જવાયું,

“આપ જા રહે હૈં? અબ આપ કભી નહીં આયેંગે?”

“નહીં ગુલબ્બો ! મકાન હમ છોડ રહે હૈં.” કહીને મેં પચ્ચીસ રૂપિયા સુરખ્ખીના હાથમાં મૂક્યા. કહ્યું કે એણે ત્રણ મહિના આ બંગલામાં સારું કામ કર્યું તેના પગાર ઉપરાંતનું આ ઇનામ છે.

પચ્ચીસ રૂપિયા પામીને સુરખ્ખીની સૂરત બદલાઇ ગઇ. એના મુખ પર ખુશીનો પાર નહોતો, પણ ગુલબ્બોના ચહેરા પરની ગમગીની ઓસરી નહીં.

બીજે દિવસે સવારે નીકળવાની વેળાએ ગુલબ્બો લપાતી લપાતી આવી, પણ સાથે ન હતું ગીત કે ન હતું ગુંજન. એની આંખોમાં આશ્ચર્ય અને રંજ બન્ને એવાં મળી ગયાં હતાં કે એમાંથી એની બિચારીની તો નિર્દોષતા જ પ્રગટ થતી હતી. મેં આગ્રહ કરીને એને આજે તો ઓટલા પર બેસાડી અને બહુ જ સમભાવ અને વાત્સલ્યથી પેલું ગીત ગાવાનું કહ્યું. આંખો નીચી, ચહેરો સ્તબ્ધ, હસ્તીમાં ક્યાંય હરખ નહીં. ગળું ગાય, આંખો રડે. વાતાવરણ ભરાઇ ગયું.

મારો સામાન નીચે ઊતરતો હતો. રામપ્રસાદને બોલાવીને મેં મારી એક ટ્રંકમાંથી લાલ ચૂંદડીભાતનો સાફો લાવવાનું કહ્યું અને ઓટલાનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં એ સાફો ગુલબ્બોના હાથમાં મૂક્યો. એનો ખભો થાબડીને કહ્યું, “લો બેટા, તુમ્હારી શાદીમેં ઇસકી ચુન્ની બના લેના.” અને એની સામે જોયા વિના જ હું પગથિયાં ઊતરી પડ્યો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ઈ.સ. ૧૯૫૩ ની શરૂઆતના બે-ત્રણ મહિના માટે દિલ્હી રહેવું પડ્યું હતું. એ વખતે સ્વામી આનંદની મુલાકાત એ મીઠો અકસ્માત હતો. એમને મળવા મારું મન ઝંખતું હતું. મળ્યા ત્યારે બહુ આનંદ થયો. તેમાંય એમના ઋષિકેશ જતાં પહેલાંનો અમારો સહવાસ ચિરસ્મરણીય રહેશે. સ્વામી જીવનના કસબી છે. એમની સાથે અંત:કરણનાં કમાડ ઉઘાડીને વાતો કરવી એ લહાવો છે. એમની મૈત્રી, એમનો સ્નેહ, એમનું વાત્સલ્ય પામવાં એ આ કળિયુગની એક સુમંગલ અનુભૂતિ છે. હૃષિકેશમાં મળીને મારે નિરાંતે એક રાત એમની સાથે ગાળવી હતી. ચૈત્રની પૂર્ણિમા મેં હરદ્વાર અને ઋષિકેશમાં ગાળી, પણ અમે મળી ન શક્યા.

ગયે વર્ષે અમારે દેહરાદૂન જવાનું થયું હતું. મિત્રો ગંગાસ્નાન કાજે હરદ્વાર જઇ આવ્યા હતા, પણ હું ગંગા પાસે જઇ શક્યો નહોતો. એને મળ્યાને ચૌદ વરસ લગભગ થયાં. ૧૯૩૯ માં મસૂરીથી પાછા વળતાં ગંગામાં નહાયો હતો. આ વખતે દિલ્હી હતો ત્યારે જ કોણ જાણે કેમ પણ ગંગાને મળવાની ખૂબ આતુરતા હતી. સ્વામીનું કારણ મળ્યું એટલે પહોંચ્યો હરદ્વાર.

ઘણા સમયનો વિખૂટો પડેલ પુત્ર જેમ માને મળવા અધીર થઇ જાય તેવી મારી મનોદશા હતી. વહેલી સવારે હરદ્વાર ઊતરીને સીધો પહોંચ્યો ગંગાની પાસે. એની ગોદમાં આજે જેટલું સુખ, જેટલો આનંદ મળ્યો તેનું વર્ણન થઇ શકે એમ નથી. એ ઉશાનો ઉદય, સોહામણા સવારનું જાગવું, સૂર્યના પ્રથમ કિરણનું ગંગામાં આળોટવું. સમીરનું ગંગાસ્થાન, જાહ્નવીની પ્રસન્નતાનો કલકલ ધ્વનિ; અને જાણે દેવોના આશીર્વાદથી મંગલમધુર બનેલું સભર સુગંધિત વાતાવરણ. જિંદગી પળ વાર તો દંગ બની ગઇ ! અંતરાત્મા મંત્રમુગ્ધ બનીને કૃતાર્થતા અનુભવી રહ્યો. એમ લાગ્યું કે સ્વર્ગમાંથી ગંગા એકલી આ પૃથ્વી ઉપર નથી ઊતરી, એની સાથે સ્વર્ગનો સદા અભિનવ આનંદ લેતી આવી છે. ગંગાજલ માત્ર જલ નથી, જીવનનું દૂધ છે, સમગ્ર અસ્તિત્વના મળ ધોનાર અનાવિલ અમૃત છે.

હરદ્વારથી ગંગાને કિનારે કિનારે ચાલીને હૃષીકેશ આવ્યો. ગંગાનું દર્શન જેમ જેમ વ્યાપક બનતું ગયું તેમ તેમ અંદરનો માનવ મસ્ત બનતો ગયો. અન્નછત્રમાંથી માગીને થોડું ખાઇ લીધું. બપોર આખી ગંગાના સાન્નિધ્યમાં ક્યાં ગઇ તેની ખબર ન પડી. સાંજની વેળા તો પાછી ‘હરકી પેડી’ આવી ગયો. ઓહો શું ભીડ હતી! ચૈત્રીપૂનમનું પૂણ્યસ્નાન કરવા ભાવિકોનો એવો તો માનવમેળો જામ્યો હતો કે એવું ગાંડપણનું દૃશ્ય માત્ર આપણા દેશમાં અને તેય ગંગાકિનારે જ જોવા મળે !

ઘાટની છેક ઉપર ઊભો રહીને નહીં પણ ભીડની વચ્ચે એક નાનકડા મંદિરની ભીંતને અઢેલીને હું આ અવર્ણનીય ચિત્ર વાગોળતો હતો. સમાજનું આવું અને આટલું વૈવિધ્ય મેં પહેલી વાર સાક્ષાત કર્યું. આટલી અપાર અશાંતિમાં હું શાન્તિથી ઊભો ઊભો ગંગાના વહેતા પ્રવાહને જોતો હતો.પળ વારના જંપ વિના એ વહેતી હતી: અગાધ, અસ્ખલિત, અનુપમ.

સાંજની વેળા હતી. રાત હજી પડી નહોતી, પડવાની હતી. ગંગાનાં નીર ઉપર ઊતરતાં એ અચકાતી હતી ! હું અનિમેષ નયને એની વાટ જોતો હતો. એટલામાં મારી પાસેથી એક પહાડી જુવાન હાંફળોફાંફળો નીકળ્યો. એનાથી ન રહેવાયું એટલે આમતેમ ગભરાયેલી દૃષ્ટિએ જોઇને એણે બૂમ પાડી,

“ગુલબ્બો ! ઓ ગુલબ્બો ! અરી ગુલબ્બો !”

અને ભીડમાંથી અવાજ ખેંચાઇ આવ્યો, “ઓ…. આઇ અમૂલો ! કહાં હો?”

અને પેલા પુરુષે આવેલા અવાજને પોતાના અવાજથી સાંધ્યો, “ચલી આઓ, મંદરકે પા…સ.”

અને એ અવાજની આંગળી પકડીને એક સ્ત્રી પોતાની આંગળીએ એક છોકરાને વળગાડીને ચાલી આવી.

છોકરાને છાતી સરસો ચાંપીને પુરુષે સ્ત્રીને પણ સોડમાં લઇ લીધી. સ્પર્શનું સાંત્વન મેળવીને હેઠે બેઠેલા એના શ્વાસે ઉચ્ચાર કર્યો, “કહાં ખોવત રહી !”

“હમ તોંહે દેખત રહે !” ધીરેથી બાઇએ ઉત્તર વાળ્યો.

બસ આ પળ બે પળમાં મારી સ્મૃતિ ચૌદ વરસ પાછળ ઠેલાઇને મસૂરી જઇ આવી. સાથે પેલા મધુરા ગુંજનને લેતી આવી અને એ ગુંજનને પેલી સ્ત્રીમાં પરોવીને અવાજ ઊંચકાયો, “ગુલબ્બો ! ગુલબ્બો, કહાં મસૂરીસે આઇ? અરે વહી સાફેકી ચુન્ની બનાઇ હૈ ! યે કૌન તેરા બેટા હૈ? ઔર યે તેરા આદમી !”

પ્રતિઉત્તરના અવાજમાં આશ્ચર્યનો આંચકો હતો, “માલક, આપ યહાં ! બરસોંકે બાદ !”

અને જરા રહીને એણે પોતાના દીકરાને કહ્યું, “બુલ્લો, બેટા માલક કે પાંવ પડો !” અને દીકરો કંઇ કરે તે પહેલાં તો એણે પોતે ચરણરજ લઇ લીધી. “અમૂલો, યે મસૂરીવાલે માલક હૈં ! યે ઈન્હીંકી તો ચુન્ની હૈ ! તું બી પાંવ લગ્ગ !” અને પેલો જુવાન પણ નમી પડ્યો.

મેં સૌને સાથે લીધાં. ઘાટ ચઢીને એક શિલા ઉપર જઇને બેઠાં. ગુલબ્બોએ નિરાંતે એના પતિ અમૂલોની અને દીકરા બુલ્લોની વિગતવાર ઓળખાણ કરાવી. એની મા સુરખ્ખીના અવસાનની વાત કરતાં એ રડી પડી. વળી પાછી બુલ્લોના જનમની વાત કહેતાં હસી રહી. ગુલબ્બોએ પોતાના એકના એક દીકરાને સાતમે વરસે ગંગાસ્નાન કરાવવાની બાધા રાખી હતી. એ બાધા પૂરી કરવાને બાળકને ગંગા નવડાવવા આ ચૈત્રીપૂનમે મસૂરીથી હરદ્વાર આવી હતી. મારા આપેલા સાફામાંથી બે ચુન્નીઓ ફાડી હતી. એક એણે લગ્ન પર પહેરી હતી અને બીજી આજે દીકરાની માનતા પર પહેરીને આવી હતી.

હું એમને ત્રણેને બેસાડીને હલવાઇને ત્યાંથી શાકપૂરી, દહીં અને મીઠાઇ લઇ આવ્યો. ત્રણચાર પતરાળાં પાથરીને અમે સૌ સાથે જમવા બેઠાં. મેં ગુલબ્બોને કહ્યું કે તારાં લગ્ન વખતે હું હાજર નહોતો એટલે આ ઉજાણી આપણે સાથે કરીએ છીએ. અમૂલો અને બુલ્લોના તો આશ્ચર્યનો પાર નહોતો. બુલ્લોને બરફીનું એક ચોસલું આપતાં મેં કહ્યું, “બુલ્લો, તું તો મારી છોકરીનો છોકરો થાય. તારા જન્મ વખતે હું હોત તો તારા હાથ ચાંદીથી ભરી દેત.” કહીને મેં બુલ્લોના હાથમાં ત્રણચાર રૂપિયા ને થોડું પરચૂરણ મૂકી એની મુઠ્ઠી વળાવી દીધી. બુલ્લોની ખુશી પર આશ્ચર્ય ચઢી બેઠું.

ગંગાના ઘાટ પર આ અકૃત્રિમ કુટુંબજીવનની લહાણી જિંદગીમાં અણધારી મળી એનો આનંદ મારામાં સમાતો નહોતો. આનંદનો એ જ રણકો મારા અવાજમાંથી નીકળ્યો.”ગુલબ્બો ! વો ગા… બંસી કાહે કો બજાઇ !”

”માલક, બડા અચ્છા ગાતી હૈ યે ગાના ! “ અમૂલોથી ન રહેવાયું.

”મા, ગા, બનસીવાલા !” બુલ્લોએ ટહુકો કર્યો.

થોડોક ગુંજારવ કરીને ગીત બહાર નીકળ્યું:

બંસી કાહે કો બજાઈ,
મૈં તો આવત રહી ! બંસી કાહે કો?

એ જ લજ્જાનું શીલ. એ જ લાવણ્ય ! મધુરતાની એ જ વેણુ ! અંતરની આરતીનો એ જ પ્રસાદ !

સૌ કહે છે માનવ બદલાય છે, જગત બદલાય છે ! શું બદલાય છે? માનવનું મન બદલાતું હશે ! અંત:કરણ નહીં ! અંત:કરણ જેની ખાણ છે એ આ જન્મ સંબંધ તો ઋણાનુબંધની ઋજુગરવી કવિતા છે.

– કિશનસિંહ ચાવડા

‘અમાસના તારા’ પુસ્તક પરિચયમાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ એ જિપ્સીની કૃતિ છે, જિપ્સી એટલે પ્રાણશક્તિના ઉદ્વેકવાળો બહિર્મુખ માણસ. પણ જિપ્સીઓને માત્ર બહિર્મુખ લેખવામાં કદાચ અન્યાય થશે. બ્રાહ્ય જગતમાં ખોવાઈ જતા દેખાતા માણસો ક્યારેક ભીતરની સૃષ્ટિને શોધી રહેલા અંતર્મુખ યાત્રીઓ પણ હોય છે એ વાતનો અણસારો આ પુસ્તક આપે છે. ભાતભાતના ને જાતજાતના પાત્રો આ પુસ્તકમાં મળે છે, તેમાંથી શાળાજીવન દરમ્યાન, પાઠ્યપુસ્તકમાંથી જ મને સ્પર્શી ગયેલ ગુલબ્બોની અવિસ્મરણીય છબી, જીવનના આનંદને વર્ણવતી સમગ્ર કૃતિ અને તેમાં સાથે સાથે કુદરતનું મનોહર વર્ણન સદાય સ્મૃતિઓમાં રહ્યું છે. એ આજે આપ સૌની સાથે વહેંચવાનો આનંદ લેવો છે. ‘બંસી કાહે કો બજાઈ..’ સદાય મારો પ્રિય પાઠ રહ્યો છે.

બિલિપત્ર

પહેલે મન કો મૂંડો,
ફિર આતમકો ઢૂંઢો…
– અજ્ઞાત


Leave a Reply to Harshad DaveCancel reply

6 thoughts on “બંસી કાહે કો બજાઈ?… – કિશનસિંહ ચાવડા

  • gopal

    DEAR SIR , I REQUEST YOU TO PLEASE SHARE MORE STORIES OF KISHANSINH JI. “HUN TO BAHU NAANO KEHVAUN UPAR NI VARTA NI COMMENTS LAKHAVA MAATE” !!

  • Jayendra Thakar

    કિશનસિંહ ચાવડાએ હ્રદય નીચોવી એક સહજતાથી કેટલો આનંદ પીર્સ્યો છે!

  • harshad joshi

    લેખકે જો ગીત પુરુ મૂકયુ હોત તો બહુ મજા પડત હજીયે કોઇને આવડતુ હોયતો
    મારા ઇમેઇલ પર મોકલશો તો આપનો ખૂબ આભારી થ ઇશ

  • Harshad Dave

    બંસી, ગુલબ્બો, અંતરનો સૂર ભીતરને સ્પર્શી જાય, એક માહૌલ રચાઈ જાય…હિન્દીમાં ‘સમા બંધ ગયા’. જ્યાં દિવ્ય તત્ત્વ હોય ત્યાં પ્રસન્નતાનું પાંદડું લહેરાય…મધુરતાની મીઠપ પ્રસરે…એવું સાન્નિધ્ય માનવું કોને ન ગમે? સહભાગી થયો, બડભાગી થયો… સાધુવાદ…. હદ.