નવજીવન – ભરત કાપડીઆ 10


મારો ગઈકાલનો દિવસ અત્યંત ખરાબ રહ્યો. થક્વીને ચૂર ચૂર કરી નાખનારો. મારી બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ. એકે સંકલ્પ પાર ન પડ્યો. ફક્ત ગઈ કાલ જ કેમ, છેલ્લા કેટલાય દિવસોથી આમ જ બને છે. દિવસે ને દિવસે હું વધુ ને વધુ હતાશ થતો જાઉં છું. જાણે મારું જીવન non-happening એટલે કે ઘટના-વિહીન બની ગયું છે. કાંઈ પણ નવું સારું બનતું નથી. માણસો ખરાબ મળે, ઘટનાઓ ખરાબ બને, લોકો મારી સાથે ખરાબ વર્તાવ પણ કરે. જાણે પથરા સાથે માથા પછાડતો હોઉં એવું લાગે. હવે બધી જ બાબતો ઉપર ગુસ્સો આવે છે. ઉપરવાળા પર પણ ગુસ્સો આવે. બધી જ તકલીફો મારા પર જ કેમ આવે છે, સમજાતું નથી. ચારે કોર નિષ્ફળતા, નિરાશા અને મારી સામે કટાક્ષમાં તાકતી આંખો જોવા મળે છે. હું શા માટે હવે કોઈ કોશિશ કરું? કોના માટે, શાના માટે ?

મારી આવી મન:સ્થિતિમાં જ મારી સામે આ નવો દિવસ ઉગી રહ્યો છે. સૂરજ અને તેના કિરણો મારી સન્મુખ પોતાનું સ્મિત વેરે છે. નજીકમાં ક્યાંકથી કોઈ પક્ષી ટહુકતું ઊડી આવે છે. હું લગાતાર અનિમેષ નયને તેની સામે મીટ માંડી જોયા કરું છું. અને મને ખયાલ આવે છે, આ સૂરજ તો કાંઈ મેળવતો નથી. કોઈ કાંઈ આપતું નથી. છતાં, રોજેરોજ તે કઈ આશાએ ઊગ્યે જાય છે? આ પક્ષીનું જીવન પણ non-happening જ છે ને ! છતાં, રોજ સવારે તે ચહેકતું ઊઠે છે. સાંજ પડે કોઈ મનોરંજનની અપેક્ષા / તમા વિના તે પોતાના માળામાં ગોઠવાઈ જાય છે. કાળમીંઢ પત્થરને ફાડીને કૂણી કૂંપળ કયા જોરે ફૂટી નીકળે છે. આ સામે રહેલું વૃક્ષ મોસમ-દર-મોસમ ફળ આપ્યે જ જાય છે. તે ફળ કોણ લઇ જાય છે, શા માટે લઇ જાય છે, કેવી રીતે લઇ જાય છે, તે બદલ લઇ જનાર કૃતજ્ઞતા રાખે છે કે નહીં, આવું કશું જ વિચાર્યા વિના પોતાનું અવતાર-કૃત્ય નિભાવ્યે જ જાય છે. અરે, આ બાજુવાળાનો કૂતરો – સવારે માલિક કદાચ ગુસ્સામાં તરછોડીને કે દંડો મારીને ગયો હોય તો પણ સાંજે માલિક ઘેર આવે ત્યારે કૂર કૂર કૂર કૂર કરતોક પગ ચાટવા દોડી જાય છે.

અને હું ? કામકાજમાં નિષ્ફળતા, મનપસંદ ન બનવાની ઉદાસી, અણગમતું બનવાનો ગુસ્સો, જોઈતું મળતું નથી અને મળે છે તે જોઈતું નથી. બસ, આવી બધી બાબતોથી વિચલિત થઇ તેના માટે આસપાસનાને, ઉપરવાળાને જવાબદાર ઠેરવી રોષે ભરાઉ છું. હતાશ થઇ જાઉં છું. સવારે મને મરાયેલા દંડાને જ યાદ રાખું છું. અન્ય રહેમો-કરમને નહીં.

શાંતિથી બેસીને વિચારું ત્યારે એહસાસ થાય કે મારી નિષ્ફળતા માટે બીજાં હોઈ શકે તેથી વધુ જવાબદાર હું છું. મારી આવડત, મારી સમજણ, કામ કરવા-કરાવવાની મારી ક્ષમતા, ધ્યેય નિર્ધારણની અસ્પષ્ટતા, અન્યો સાથેનો મારો વહેવાર, અન્યોને સમજવાની નિષ્ફળતા, રોજિંદા વહેવારમાં મધુરપનો અભાવ, નાની-મોટી નિષ્ફળતા વખતે ધૈર્ય ગુમાવી સહકાર્યકરોને ધૂત્કારવા અને વાતાવરણ બગાડવું, તે બધી વાતોનો રોષ ઘર સુધી લઇ જઈ ઘરનું વાતાવરણ પણ દૂષિત કરવું. મારી ટીમને, મારા પરિવારને પ્રેરણા પૂરી પાડવાને બદલે, હું હતોત્સાહ કરી મૂકું છું. અને છેવટે, આયનામાં મોં જોવાને બદલે ‘દોષિત કોણ’, તેની તલાશ હું બહાર ચલાવું છું.

આહ, મારાં દુ:ખોનું કારણ હું ખુદ જ છું, બીજું કોઈ નહીં. તો સફાઈ પણ મારી જ કરવી રહી. મારાથી વધુ નિષ્ફળ માનવીઓ ઇતિહાસમાં દર્જ થયા છે. અબ્રાહમ લિંકન અને થોમસ આલ્વા એડીસનના ઉદાહરણ તો જગજાહેર છે. બીજાં ન જાણીતા અને ન નોંધાયેલા તો અસંખ્ય હશે. તો હું હતાશ શા માટે થાઉં?

આજનો આ ચકચકિત સૂર્ય મલકાતા ચહેરે કદાચ એ જ કહેવા માગે છે. “ભાઈ, બધું જ પૂરું નથી થઇ ગયું. આ નવીનકોર આજ અને આ નવોનકોર તું. કર નવી શરૂઆત.”

“નવોનકોર હું ? એ કંઈ રીતે? “

“જો દોસ્ત, આ વિશાળ બ્રહ્માંડમાં એકાદ ક્ષણ પણ કશું એમ ને એમ રહેતું નથી. લગાતાર દરેક ચીજ, દરેક વ્યક્તિ ક્ષણના ખૂબ નાના ટુકડામાં, એક સમયમાં કેટકેટલી વાર વિસર્જિત થાય છે અને કેટકેટલી વાર નવસર્જન પામે છે. આ તું મને જુએ છે, એ પણ ગઈ કાલવાળો સૂરજ નથી. અરે કાલ છોડ, હમણાં થોડી ક્ષણ અગાઉ આપણે વાત માંડી ત્યારનો સૂરજ પણ હું નથી. તો પછી, નગણ્ય ખોટા રૂપિયા જેવી થોડી નિષ્ફળતાઓને ગાંઠે બાંધી રોદણાં રડી આસપાસ રહેલી નવતર તકોને શાને ગુમાવે છે? ચાલ, કર પ્રારંભ નવેસરથી.”

મારા મૂરઝાયેલા ચહેરા પર સ્મિત પાંગરે છે. મને હવે જીવનનો અર્થ કંઈક કંઈક સમજાય છે. જીવન અનવરત આશા, અવિરત સંઘર્ષ, અનપેક્ષિતપણે અન્યો માટે કંઈક કરી છૂટી અળગા રહેવાની વૃત્તિનું નામ છે. જીવન છે, ત્યાં સુધી ઉલ્લાસ છે, ઉમંગ છે. હર કોઈ હંમેશા સાથ આપે એ પણ જરૂરી નથી. કોઈ ક્યારે છૂટું પડશે તો કોઈ ક્યારે. આપણે નિત નવાં સપનાં, નિત નવી આશા સાથે સતત ગતિમાન જ રહેવાનું છે, ખુદમાંથી, પોતાની જાતમાંથી જ બળ પામતા રહી દેવહૂમા પક્ષીની માફક નવજીવન પામતા રહેવાનું છે. હર ક્ષણ ચિર-યૌવન પામતા આ જીવનની સાથે આપણે પણ ચિર યુવા અદાથી તેની સાથે જોડાયેલા રહીએ. આજે આ રૂપે તો કાલે કોઈ બીજા રૂપે !

– ભરત કાપડીઆ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “નવજીવન – ભરત કાપડીઆ