૧૯૭૯ – દુનિયાનો ઇતિહાસ બદલનાર વર્ષ… – પી. કે. દાવડા 7


આમ તો ૧૯૭૯ વર્ષમા આંખોને દેખાયું હોય એવું કંઈપણ બન્યું હોવાનું સામાન્ય માણસને યાદ નહિં આવે, પણ આ વર્ષના ૭ બનાવો આજની પરિસ્થિતી માટે જવાબદાર છે. આપણે આ સાતે બનાવો ઉપર અછડતી નજર નાખીએ.

(૧) ૧૯૭૯ ના જાન્યુઆરી મહિનામા ઈરાનના શાહને આયાતુલ્લા ખોમેની અને તેના અનુયાયીઓએ પદભ્રષ્ટ કરી ઈરાનની સત્તા હાંસિલ કરી. આમતો આ ઈરાનની આંતરિક બાબત હતી, એનાથી દુનિયાને શું ફરક પડે? હકિકતમા ઈરાનનું સ્થાન ખનીજ તેલના ઉત્પાદનમા ખૂબ જ મહત્વનું હોવાથી તેલના ભાવમા સખત ઊછાળો આવ્યો, જે આજ સુધી દુનિયાના બધા દેશોને સતાવે છે.

(૨) ૨૮મી માર્ચ, ૧૯૭૯ ના અમેરિકાના ઈતિહાસમા ભયંકર અણુ હાદસો થતાં થતાં રહી ગયો. પેન્સિલવેનીયાના થ્રી માઈલ્સ ટાપુમા સ્થિત, એડીશન ન્યુક્લિયસ પાવર પ્લાંટના યુનિટ નંબર-૨ મા એક યંત્રે ખોટું રીડીંગ દર્શાવ્યું. હોવું જોઈએ એના કરતાં કુલંટ ઓછું હતું. રીએક્ટરની કોરનો એક ભાગ ૫૨૦૦ ડીગ્રી ફેરહેનાઈટના ઉષ્ણતામાન સુધી પહોંચી ગયું. જો સમયસર આની જાણ ન થઈ હોત તો રશિયામા થયેલા હાદસાથી પણ આ મોટો હાદસો થાત. વાત ઉપર તો ઢાંકપિછોડો થઈ ગયો, પણ અમેરિકામા ૧૯૯૬ પછી એક પણ અણુવીજળી સંયંત્ર ઉભું કરવામા નથી આવ્યું. કદાચ એટલે જ બુશ ભારતની સાથે અણુ સમજોતા માટે આતુર હતા.

(૩) ૪થી મે, ૧૯૭૯ ના માર્ગારેટ થાચર બ્રિટના વડા પ્રધાન બન્યા. એમણે અમેરિકાના પ્રમુખ રેગન સાથે મળીને “ફ્રી માર્કેટ ઈકોનોમી” નો પાયો નાખ્યો. વિશ્વમા ફરી સત્તા જમાવવાનો આ સૌથી સહેલો રસ્તો હતો. ઈસ્ટ ઈંડિયા કંપનીનો ઈતિહાસ આનો સાક્ષી છે. બર્લિનની દિવાલ ટુટ્યા પછી, એટલે કે કોમ્યુનિઝમની હાર પછી, એમનું આ સપનું સાકાર થયું.

(૪) ૨૦મી નવેમ્બર, ૧૯૭૯ ના સાઉદી અરેબિયામા મક્કા મસ્જીદ ઉપર સુન્ની આતંકવાદીઓએ હુમલો કરી ત્યાંના રાજકુટુંબની ધાર્મિક પાત્રતાને ચેલેંજ કરી.
રાજકુટુંબે મસ્જીદનો કબજો તો પાછો મેળવ્યો, પણ આ હુમલાથી એ એટલા બધા ડરી ગયેલા કે ફરી આવું ન થાય એટલા માટે આતંકવાદીઓ સાથે વાટાઘાટ શરૂ કરી. વાટાઘાટને અંતે એવું નક્કી થયું કે રાજકુટુંબ સુખે રાજ કરે પણ એના બદલામા સામાજીક કાયદા, જેવા કે સ્ત્રીઓ માટે બુરખામા રહેવાના નિયમો, સંગીત ઉપર પ્રતિબંધ, સમલૈંગિક સંબંધો અને મદ્રસાઓના નિયમો વગેરે આ આતંકવાદીઓ નક્કી કરે. આ કાયદા લાગુ કરવા જરૂરી ધન ઉપલબ્ધ કરાવવા પણ રાજકુટુંબે તૈયારી બતાવી. આના પરિણામ સ્વરૂપ સુન્ની અને શિયા મુસલમાનો વચ્ચે અથણામણો વધી ગઈ અને આતંકવાદ ઉપરનું અંકુશ હટી ગયું. મદ્રસામા ઝનુની ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ થયું. આજે દુનિયાભરમા જે મુસ્લીમ આતંકવાદ દેખાય છે તેના બીજ અહીં વવાયલા.

(૫) ૨૪મી ડીસેંબર ૧૯૭૯ ના રશિયાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો. આના જવાબમા, સાઉદી અરેબિયા અને અમેરિકાના પ્રોત્સાહનથી આરબ અને મુસ્લીમ મુજાહીદીન મોટી સંખ્યામા રશિયા સામે લડવા અફઘાનિસ્તાન પહોંચી ગયા. લડાઈમા મુસ્લીમ દળોએ જેહાદનું સ્વરૂપ લઈ લીધું. રશિયાને પીછેહટ કરવી પડી પણ મુજાહીદીનોએ અફઘાનિસ્તાનમા અડ્ડો જમાવ્યો, એમાનો એક ઓસામા-બિન-લાદેન પણ હતો. અમેરિકામા ૯/૧૧ નો ૨૦૦૧ નો હુમલો આનું જ પરિણામ હતું.

(૬) ૧૯૭૯ નું વર્ષ ચીન માટે યુગ પલ્ટાનું વર્ષ હતું. ચીનની સરકારે નાના ખેડૂતોને પોતાની જમીન રાખવાની, ખેડવાની અને વધારાનું અનાજ મંડીઓમા વેંચવાની પરવાનગી આપી. ચીનમા નીજીકરણની આ શરૂઆત હતી. ૧૯૭૯ માં જ ચીને એક ૧૯ વર્ષની છોકરીને પોતાની માલિકીની છત્રી બનાવવાની ફેકટરી બનાવવાની રજા આપી. ૧૯૭૯ સુધી કોઈ પણ ચીની નાગરિક પાસે પોતાની કાર ન હતી !

(૭) ૧૯૭૯ મા અમેરિકાની નેશનલ અકાદમી ઓફ સાયન્સે પહેલી જ વાર “ગ્લોબલ વાર્મિંગ” ની વાત કરી. આજે આ વાતની દુનિયાભરમા હાય તોબા છે.

આમ આપણી આજની પરિસ્થિતિ માટે આ સાત બનાવો મહદ અંશે જવાબદાર છે.

– પી.કે.દાવડા


Leave a Reply to subhash bhojaniCancel reply

7 thoughts on “૧૯૭૯ – દુનિયાનો ઇતિહાસ બદલનાર વર્ષ… – પી. કે. દાવડા