કોને કહું ? (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12


તાળીઓનાં ગડગડાટથી આખો હોલ ગુંજી રહ્યો હતો. આજે નંદિની પરીખનાં લેખનકાર્યને બિરદાવવા એનું સન્માન થઈ રહ્યું હતું. નંદિની ખૂબ જ સરળ ભાષામાં વાર્તાઓ લખતી. જેમાં રોજિંદા ઉપયોગમાં લેવાતી ભાષાનો ઉપયોગ વધુ થતો જેને કારણે દરેક વયજૂથના વાચકો એની વાર્તાઓ પસંદ કરતાં. ખૂબ જ ટુંકા ગાળામાં એ ખૂબ લોકપ્રિય લેખિકા બની ગઈ હતી.

“પ્રિય મિત્રો, આજે આપણે અહીં નંદિનીબેનનું સન્માન કરવા એકઠા થયા છીએ ત્યારે હું એમનો સામાન્ય પરિચય આપી દઉ. ગુજરાતનાં એક નાનકડા ગામમાં એમનો જન્મ થયો…..” સ્ટેજ પર નંદિનીની ઓળખવીધી ચાલી રહી હતી.

“નંદિની.. એ બેટા નંદુ… ઝો તો તાર મોટે માસ્ટરજીએ હુ મોકલ્યુ સે ?”

“શું બાપુ ?” બોલતા નંદુ બહાર આવી..

“ઝો એ શહેર જ્યાતા ત્યોંથી તારા માટ આ સોપડીઓ લાયા સે. મન રસ્તામોં મલ્યા તો કહે સે કે તમાર નંદુડીને વાંસવાનું બહુ ગમે સે ન હું શેર જ્યોતો તે આ સોપડીઓ લાયો સું. તમ એને આલી દેજો.” ચોપડીઓ જોઇને તો નંદુ ખુશ થઈ ગઈ.

“થેંક્યુ બાપુ..” બોલતી ચોપડીઓ લઈને એ અંદર જતી રહી. એના બાપુને સમજ નહી પડી નંદુ શું બોલીને ગઈ પણ અંગ્રેજીમાં કશુંક બોલી એટલી સમજ પડી.

“તે કહું સું આ સોડીને તમારે સોપડીઓ વંસાવીને હું કરવું સે. હવે કોઇ હારો સોડો ગોતી ન સોડીન પયણાઈ દો. આ સોપડીઓ લઈન આખો દાડો પડી રહેસ ને ઘરના કોઈ કોમ કરતી નથ. તે હાહરે જાહે ન તે હાહુ કાઢી મેલહે.” નંદિનીની બાએ એના બાપુને પાણીનું પવાલું આપતાં કહ્યું.

“તે મારી સોડી આટલી હુશિયાર સે તે એને ઓય ગોમડાનાં સોરા હારે નથ પરણાવવાની. એને મોટે તો સહેરનો કોઈ હાયેબ લાઈસ ને એટલો પૈહો અહે ક એને કોમ કરવાની ઝરુર જ નો પડે.”

“ઓ.. હો હો..! તે એવો હાયેબ તમને ચ્યોંથી મલહે ?”

“એ તારે હુ કોમ ? મેં માસ્ટરજીન કહી દીધું સે સહેરમાં મારી નંદુ ને લાયક કોઈ હોય તો કેઝો.” નંદિનીના બાપુએ ધોતિયાથી મોં લુછતાં કહ્યું. અને સાચેજ એક દિવસ માસ્ટરજી નીરવની વાત લઈને આવ્યા.

“નિરવ અનાથ છે. જાતે જ મહેનત કરી ધંધો ઉભો કર્યો છે. બીલ્ડર છે. મોટા મોટા મકાનો બાંધે ને એ. ખુબ પૈસો છે. ઘરમાં નોકરચાકર ગાડીઓ બધું જ છે. એને સુંદર દેખાવડી છોકરી જોઇએ છે તે મેં આપણી નંદુની વાત કરી છે. રાજ કરશે તમારી નંદુ.”

નિરવે નંદિનીને જોઇ. નંદિની દેખાવે ખુબજ સુંદર હતી. ગૌરવર્ણી પાતળી નમણી કાયા, લંબગોળ ચહેરો. મૃગનયની કહી શકાય એવી અણિયાળી આંખો ગુલાબી પાતળા હોઠ અને લાંબા વાળ એનાં સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દેતા. ગામડાના સાદા કપડામાં પણ એનું રૂપ ખીલી ઉઠતું હતું. નિરવને નંદિની પસંદ આવી અને નિરવ સાથે પરણીને એ શહેરમાં આવી.

તાળીઓનાં અવાજથી ગામડાની નંદુ પાછી શહેરની નંદિની બની ગઈ.

“એમણે એમનાં ૪ વાર્તાસંગ્રહો માટે રાજ્ય સરકારનાં પુરસ્કાર મેળવ્યાં છે તેમજ એમના વાર્તાસંગ્રહ ‘તરસ’ ને તો ગયા વર્ષનો બેસ્ટ સેલીંગ એવોર્ડ પણ મળ્યો છે…
હવે હું પ્રમુખશ્રી અને જાણીતા લેખિકા શ્રીમતિ કુસુમબેનને શ્રીમતિ નંદિનીબેનનું સન્માન કરવા આમંત્રિત કરીશ. કુસુમબેન..” અને પ્રમુખશ્રીએ શાલ ઓઢાડી નંદિનીબેન નું સન્માન કર્યું. આખો હોલ ફરીથી તાળીઓનાં અવાજથી ગૂંજી રહ્યો. તાળીઓનાં અવાજ વચ્ચે પ્રમુખશ્રી કુસુમબેને માઈક સંભાળ્યું ને હોલમાં શાંતિ થઈ ગઈ.

“મિત્રો આજે મને ખુબજ આનંદ થાય છે. એક નારીનાં સહિત્ય ક્ષેત્રે પ્રદાન માટે એને સન્માનિત કરાઈ રહી છે. મને હંમેશા ખુશી થાય છે જ્યારે એક ગૃહિણિ કોઇ સાહિત્ય સર્જન કરે. નારી એ એક પત્ની – એક માતા.. હોય છે. એને ઘરને સાચવતાં સાહિત્યને માટે સમય કાઢવાનો હોય છે અને જે નારી આમ કરી શકે છે તે સન્માનને પાત્ર તો છે જ. હું પણ એક નારી છું ને જાણું છું કે સંસાર અને સાહિત્યમાં સંતુલન રાખવું કેટલું અઘરું છે. નંદિનીબેન આ કરી શક્યા છે. સાહિત્ય પરિષદનાં સામાયિકમાં મેં એમની વાર્તાઓ વાંચી છે. એ સમાજનાં પ્રશ્નોને ખૂબજ સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે આપણા વાચકો સમક્ષ મૂકે છે. એમની આ સિદ્ધિ માટે હું એમને ખુબ અભિનંદન આપું છું. આમ જ સાહિત્ય ક્ષેત્રે એ ખુબ પ્રગતિ કરે એવા એમને મારા આશિર્વાદ છે.” ફરી તાળીઓના અવાજો વચ્ચે પ્રમુખશ્રીએ પોતાનું વક્તવ્ય પુરૂ કર્યું અને સંચાલકે નંદિનીબેન ને એમના ચાહકોને કંઈક કહેવા વિનંતિ કરી.

“માનનીય પ્રમુખશ્રી, લેખકમિત્રો અને મારા પ્રિય પ્રશંસકો.

આજે જ્યારે મને આ સન્માન મળી રહ્યું છે ત્યારે પ્રથમ તો હું મારા બાપુ અને અમારા ગામનાં માસ્ટરજી નો આભાર માનીશ. એમણે મને નાનપણથીજ પુસ્તકોની વચ્ચે જીવવાની તક આપી. અને મારી બા, જેણે એની નામરજી છતાં મને વાંચવાની સગવડ કરી આપી. આ મંચ પરથી હું એમનો આભાર માનું છું. આજે સદેહે તો એ લોકો મારી સાથે નથી પણ જ્યાં હશે ત્યાં એમનો આત્મા જરુર ખુશ થતો હશે. બીજો આભાર મારા લેખકમિત્ર એવા મયૂરભાઈ ભટ્ટનો જેમણે મને લખવાની પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું……

છેલ્લે, મુખ્ય આભાર તો હું મારા વાચકોનો માનીશ જેમણે મારી દરેક વાર્તાઓને રસપૂર્વક વાંચી અને પસંદ કરી. મને આ સન્માન આપવા બદલ ફરીથી આપ સૌનો આભાર માનું છું.” તાળીઓનાં ગડગડાટથી હોલ ગૂંજી રહ્યો. કાર્યક્રમ પતાવી નંદિની બહાર નીકળી. મયૂર એની રાહ જોતા હતા.

“અભિનંદન નંદિની, આજે તેં મારું એક સપનું પુરૂ કર્યું. મેં કહ્યું હતું ને કે તું આ કરી શકશે !” મયૂરે હાથ મિલાવતાં નંદિનીને કહ્યું.

“હા. અને એની પાછળ તમારી પણ તો એટલીજ મહેનત છે ને !” નંદિનીએ મયૂરને કહ્યું.

“તો આજે સાંજની આપણી પાર્ટી પાક્કીને ?” મયૂરે પાર્ટી માગી.

“હા, પાક્કી. તો મળીએ સાંજે.” કહી નંદિની પોતાની ગાડીમાં બેઠી.. “ચાલો, હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઉ.”

“ના… ના.. હું મારી ગાડી લાવ્યો છું ને મારે એક કામ પણ છે. તું નીકળ. સાંજે તો મળીએજ છીએ ને !”

“Ok then.. see u in evening.. bye.”

નંદિનીનાં કાનમાં એ તાળીઓનો અવાજ ગૂંજી ઉઠ્યો જે વર્ષો પહેલાં મયૂરને માટે હતો. મયૂર સ્ટેજ પર વ્યક્તવ્ય આપતા હતાં ત્યારે પણ આમજ તાળીઓનો ગડગડાટ હતો પણ એ મયૂર માટે હતો. પ્રેક્ષકગણની છેલ્લી હરોળમાં નંદિની બેઠી હતી. એનાં હાથમાં હતું એક કાર્ડ જેમાં વક્તાઓની યાદી એમનાં વક્તવ્યનાં વિષયો સાથે લખેલ હતી. સ્ટેજ પર વક્તા તરીકે મયૂર હતા અને એમનો વિષય હતો ‘શિક્ષણ – એક ધંધો’ એ બોલી રહ્યાં ને નંદિની એમનાં વાણી પ્રવાહમાં તણાતી જતી હતી. નંદિની મયૂરની વાક્છટાથી ખુબજ પ્રભવિત થઈ ગઈ. આમ તો એક લેખક તરીકે એ એમને ઓળખતી જ હતી… એમની વાર્તાઓ.. એમની કવિતાઓ.. એમનાં નિબંધો.. એ અનેક વિષયો પર લખતાં ને મોટે ભાગે એમનું દરેક લેખન નંદિની વાંચતી પણ એમને રૂબરૂ સાંભળવાનો મોકો એને પહેલી વાર જ મળ્યો હતો. કાર્યક્રમ પૂરો થતાં એ મયૂરને મળવાની તક શોધતી બહાર એક કારને ટેકે ઉભી હતી. એના આશ્ચર્ય વચ્ચે મયૂર એની તરફ જ આવતાં હતાં. નંદિનીના ધબકારા એકદમ વધી ગયા.

“એક્સક્યૂઝ મી….” એને કાને અવાજ પડ્યો ને એ ચમકી. મયૂર ક્યારે એની પાસે આવી ગયા એની એને ખબરજ નહોતી પડી. એ મયૂરની જ ગાડીનો ટેકો લઈ ઉભી હતી.

“સોરી” બોલી એ ખસી અને મયૂરની સામે સ્મિત કર્યું, કારમાં બેસી ગયેલ મયૂરને કહ્યું, “ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું તમે. શિક્ષણનાં આવા મુદ્દા પર તો તમારા જેવા લેખક જ વિચારી શકે.”

“થેંક યુ. બાય ધ વે તમે….?”

“મારું નામ નંદિની છે. નંદિની નીરવ પરીખ. મેં તમારા બધાજ વાર્તાસંગ્રહો વાંચ્યા છે.”

“ઓ….હ ! થેંક્યુ. તો તમે શહેરનાં મોટા બીલ્ડર નીરવ પરીખનાં પત્ની છો ?” નંદિનીએ હકારમાં ડોકું હલાવી હા કહ્યું. “એક બીલ્ડરનાં પત્નીને સાહિત્યમાં પણ રસ છે. ગુડ.. ગુડ.”

થોડીવાર મૌન રહ્યા પછી “ચાલો તો હું રજા લઉ ? ફરી કોઇ સાહિત્યનાં કાર્યક્રમમાં ભેગા થઈશું.” કહી મયૂરે કાર હંકારી મૂકી. મયૂરની કાર નજરથી ઓઝલ ના થઈ ત્યાં સુધી નંદિની એને જોતી રહી.

* * * * *

“આજે તો બહુજ થાકી ગઈ. હવેથી આવી પાર્ટીઓમાં મને ના લઈ જશો.” મોડી રાત્રે પાર્ટીમાંથી આવી બેડમાં પડતાં નંદિનીએ કહ્યું.

“અરે ! આવી પાર્ટીઓમાં મારો વટ પડે, મારી પાર્ટનર સુંદર હોય એ માટે તો તારી સાથે લગ્ન કર્યા છે અને તું મને મારી સાથે પાર્ટીઓમાં આવવાની જ ના પાડે છે ?” નીરવે એને આલિંગનમાં લેતાં કહ્યું.

“આજે નહીં નિરવ. બહુ થાકી ગઈ છું.” પણ નીરવ સાંભળે તો ને. એને માટે નંદિનીની મરજીનું કોઇ મહત્વ નહોતું. નંદિનીએ એને વશ થવું જ પડતું. નંદિનીનાં કાનમાં નિરવનાં શબ્દો ગૂંજતા રહ્યાં, “પાર્ટીઓમાં વટ પડે એટલે…….” શું નિરવે પોતાની સુંદરતા જ જોઇને એની સાથે લગ્ન કર્યા હતાં ? એને પોતાની નીરવ સાથે વીતેલી રાતો યાદ આવી. નીરવનો પોતાના દેહ પ્રત્યેનો જ લગાવ સમજાયો.

“નીરવ મને એક બાળક જોઇએ છે.” એક સવારે નંદિનીએ ગ્લાસમાં ફ્રૂટજ્યુસ રેડતાં કહ્યું.

“અરે નંદુ ડાર્લિંગ, આ તો આપણા મજા કરવાનાં દિવસો છે અત્યારે ક્યાં બાળક ને તું વચ્ચે લાવે છે. આપણે અત્યારે બાળક નથી જોઇતું.” જ્યુસ પીતાં પીતાં નીરવે કહ્યું.

“પણ નીરવ તમે સવારનાં જાઓ છો ને છેક રાતે આવો છો. મને ઘરમાં એકલાં નથી ગમતું. એક બાળક હોય તો મને પણ ઘરમાં ગમે.”

“તે તને કોણ કહે છે કે ઘરમાં પડી રહે. કોઇ કલબમાં જા.. શોપિંગ કર…” નીરવ થોડા ઉગ્ર સ્વરે બોલ્યો.

“પણ…”

“બસ, હવે કોઇ ચર્ચા નહીં. મેં કહ્યું ને કે બાળક નહીં જોઈએ એટલે નહીં જોઇએ. આટલા વર્ષ થયાં લગ્નને પણ હજુ તને સમજ નથી પડતી કે મને શું જોઇએ છે ? તારી આ કાયાને જ તો હું પરણ્યો છું. બાકી ગામડાંની છોકરી સાથે શું કામ પરણું ? બાળક લાવીને તારે તારી આ કાયા બગાડવી છે ?” મોં લૂછી નેપકીન ટેબલ પર પછાડી નિરવ ઉભો થઈ ગયો. ને નંદિની ભીની આંખે એને જતો જોઇ રહી.

પોતાની એકલતા દૂર કરવા નંદિની પુસ્તકો વાંચતી. એક વાર ‘નારી જગત’ નામના સામયિકમાં એક અધૂરી વાર્તા આપી હતી જેનો અંત લખવા વાચકોને કહેવામાં આવ્યું હતું. નંદિનીએ આમજ એક વાર્તાનો અંત લખીને મોકલી આપ્યો. એ પસંદ થયો ને સામયિકમાં છપાયો પણ ખરો. નંદિનીએ પોતાની ખુશી નિરવ સામે વ્યક્ત કરી તો એણે કહ્યું, “નંદિની, આ વાર્તા લખવામાં તને કેટલા રૂપિયા મળે.”

“૨૦૦—૨૫૦ કેમ આમ પૂછો છો ?” નંદિનીને નવાઈ લાગી.

“તને માત્ર ૨૦૦-૫૦૦ રુપિયામાંજ રસ છે ૨૦૦-૫૦૦ કરોડમાં નહીં ?” નિરવે સવાલ કર્યો.

“એટલે ? હું સમજી નહીં.”

“પેલી પાર્ટીમાં એક મીનીસ્ટર આવ્યાં હતાં. એને તું ગમી ગઈ. જો તું એમને ખુશ કરે તો એક ૫૦૦ કરોડનો સરકારી પ્રોજેક્ટ મને મળે એમ છે.” નીરવે ખંધાઈથી સ્મિત કરતાં નંદિનીનાં શરીરને રમાડતાં કહ્યું.

“નિ… ર… વ….” નંદિનીએ ગુસ્સામાં નિરવને ધક્કો મારતાં લગભગ ચીસ જ પાડી… “તમે મને સમજો છો શું ? હું તમારી પત્ની છું.”

“તો હવે સસ્તી વાતો મારી સાથે નહીં કરતી..” નીરવનો લાડ ગુસ્સામાં પરિવર્તિત થઈ ગયો અને એ બેડરૂમનો દરવાજો પછાડી રૂમની બહાર નીકળી ગયો. નંદિની અવાક બનીને એને જતો જોઇ રહી.

સામયિકમાં પોતાની વાર્તા છપાયાની એની ખુશી આંસુ બની ગઈ પણ નિરવ એની સામે પણ જોયા વિના ઘરની બહાર જતો રહ્યો. નિરવને મન પુસ્તકો એ પસ્તી હતી. એને સાહિત્યમાં કોઇ રસ નહોતો.

એક દિવસ કંટાળો દૂર કરવા નંદિની કોમ્પ્યુટર પર ફેસબુક ખોલીને બેઠી હતી. ત્યાં જ એની નજર સામે મયૂરની પ્રોફાઈલ આવી. એણે દોસ્તી માટે રિક્વેસ્ટ મોકલી ને એના આશ્ચર્ય વચ્ચે એમણે તરત જ એમણે એ સ્વીકારી લીધી. એ ઓનલાઈન જ હતાં. નંદિનીએ એમનો આભાર માન્યો ને મયૂરે પણ કહ્યું કે એને નવા મિત્રો બનાવવા ગમે છે. એ દિવસે વાત ત્યાંજ પૂરી થઈ ગઈ. બીજે દિવસે જ્યારે નંદિની કોમ્પ્યુટર પર વાર્તા લખવા બેઠી ત્યારે એને મયૂર ઓનલાઈન છે કે નહી એ જોવાનું મન થયું. અને મયૂર ઓનલાઈન હતાં.

“કેમ છો ?” નંદિનીએ મેસેજ મુક્યો.

“મઝામાં.. તમે ?”

“હું પણ મજામાં. ઓળખાણ પડી ?”

“ના.. સોરી….”

“હું નંદિની.. નંદિની પરીખ.”

“ઓહ… હા. બીલ્ડર નિરવ પરીખનાં પત્ની. બોલો બોલો કેમ છો ? શું ચાલે છે ? કંઈ નવું વાંચન ?”

“મને નંદિની તરીકે ઓળખશો તો વધુ ગમશે.” કહી નંદિનીએ નવા વાંચેલા પુસ્તકો વિશે વાત કરવી શરુ કરી.

“તમારા વિશે કંઈક વધારે જણાવો.” મયુરને નંદિનીની વાતોમાં રસ પડ્યો.

“હું તો એક ગૃહીણી છું. વાંચનનો શોખ ધરાવું છું ને હમણાં હમણાં લેખનનું ભૂત વળગ્યું છે. હું પણ કંઈક લખવા માગું છું.”

“સરસ. તમે આગળ કશું લખ્યું છે ?” મયૂરે પુછ્યું.

“હા. મેં ‘નારી જગત’ નામના સામયિકમાં ‘અધૂરી વાર્તાનો અંત’ વિભાગમાં વાર્તાનો અંત લખીને મોકલ્યો હતો અને એમણે એ પસંદ કરીને છાપ્યો પણ હતો.” નંદિનીએ કહ્યું.

“ઓ.. હો ! તો એ નંદિની તમે જ છો ? એ સામયિકમાં વાર્તાઓનાં અંત પસંદ કરવાનું કામ એમણે મને જ સોંપેલું હતું. તમારો લખેલો અંત વાંચ્યા પછી તમને મળવાની ઇચ્છા હતી પણ એમાં તમારા નામ સિવાય તમારી બીજી કોઇ માહિતી નહી હતી. સરસ, ચાલો આખરે મળી તો ગયા. મારે તમને મળીને કહેવું હતું કે આમ ટુકડામાં લખો એના કરતાં આખી વાર્તા લખો ને..”

“ખરેખર ?… પણ મને લેખનનો ખાસ અનુભવ નથી બસ લખવાની ખાલી ઇચ્છા માત્ર છે.” નંદિનીએ કહ્યું.

“કંઈ પણ મેળવવા માટે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા તો પહેલાં જ જોઇએ. માર્ગ તો પછી મળતાંજ રહે છે. તમે લખો અને જરૂર પડે હું માર્ગદર્શન આપીશ.” નંદિનીની ખુશી નો પાર નહોતો. એને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવુ થયું.

મયૂરે ફોન નંબર આપ્યો ને કહ્યું ગમે ત્યારે ફોન કરીને નંદિની એમના ઘરે આવી શકે છે. એક દિવસ નંદિનીએ મયૂરને ફોન કરી તેને મળવાનો સમય લીધો, પોતાની વાર્તાઓ લઈ મયૂરને ત્યાં પહોંચી ગઈ. મયૂરે કેટલાક સૂચનો કર્યા એ પ્રમાણે નંદિનીએ પોતાની વાર્તામાં સુધારા કર્યા અને આમ મુલાકાતો વધતી ગઈ.

મયૂર નંદિનીથી ઘણાં મોટા હતાં પણ દેખાવે લાગતાં નહોતાં. એમનાં વ્યક્તિત્વમાં, એમનાં શબ્દોમાં એક પ્રકારનું ખેંચાણ હતું. નંદિની હંમેશા એમાં ખોવાઈ જતી. વારંવાર મળવાને કારણે નંદિની મયૂરનાં વિચારોમાં જ ખોવાયેલી રહેવા લાગી. ક્યારેક એ મયૂરનાં શબ્દો વાગોળતી તો ક્યારેક એમનાં નામ લખેલા શબ્દો પર હાથ ફેરવતી.. ક્યારેક એમની તસવીર પર હાથ ફેરવતી તો કદીક એમની તસવીરને ચૂમતી તો ક્યારેક વળી એ તસવીરને છાતીએ વળગાડીને સૂઈ જતી. નંદિની મયૂર માટેનું પોતાનું આવું વર્તન સમજી નહોતી શકતી. હમણાં હમણાં તો પોતાનોજ હાથ પોતાના દેહ પર ફેરવતી ત્યારે કલ્પના કરતી કે એ મયૂરનો હાથ છે અને એના શરીરમાં એક અજબ ઝણઝણાટી અનુભવતી. હવે તો મયૂરને પણ નંદિનીની આંખોમાં પોતા માટેનું એ ગાંડપણ વંચાઈ રહ્યું હતું. સમજદાર મયૂરે નંદિનીથી થોડું અંતર વધારી દીધું તો નાના બાળકની જેમ નંદિની જાણી જોઇને ભૂલો કરી મયુરનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી. પોતાનું લક્ષ્ય લેખનની જગ્યાએ ક્યારે મયૂર થઈ ગયું એ નંદિનીને ખબર જ ન પડી. પણ મયૂરની સમજમાં આવી ગયું હતું. મયૂરના સૂચનોથી નંદિનીનું લેખન સુધર્યુ તો હતું. એટલે પોતાનો ધ્યેય ચૂકેલી નંદિનીને ફરી લેખનમાં કાર્યરત કરવા એક સાંધ્ય દૈનિકમાં નિયમિત વાર્તાઓ આપવાનું કામ મયૂરે અપાવ્યું. હવે નંદિનીએ ફરજિયાત વાર્તા લખવી પડતી. એને આ કામ નહી કરવાનો વિચાર આવ્યો પણ મયૂરની નારાજગીનો વિચાર કરી તેમ ન કર્યું. મયૂર નિયમિત તેની વાર્તાઓ વાંચવાનો સમય કાઢતો અને ફોન પર નંદિનીને સૂચનો કરતો. નંદિનીનું મન લેખન માં પરોવાઈ તો ગયું પણ મયૂરમાંથી હટ્યું નહીં. એ હંમેશા મયૂરને ઝંખતી. રાત્રે તો એની હાલત ખૂબ ખરાબ થતી. નિરવનો સ્પર્શ એ સહન નહોતી કરી શકતી. એક વાર એણે માંદગીનું બહાનું કરી મયૂરને પોતાને ઘરે બોલાવ્યા. આજે તો પોતે તેમનામાં સમાઈને જ રહેશે. મયૂરના આવતાં જ નંદિની એને વળગી પડી. એ ચમકી ગયા. એમણે પોતાની જાત સંભાળી ને નંદિનીને પોતાનાથી દૂર કરી.

“નંદિની, મારે તને એક સારી નામી લેખિકા તરીકે જોવી છે. હું તારી ભાવનાઓ નથી સમજતો એવું નથી. પણ હું આને તારી નાદાનિયત કહીશ. અત્યારે તું તારું લક્ષ્ય એક જ રાખ કે તારે સારું લેખન કરી નામના મેળવવી છે. હું તને બનતી મદદ કરીશ પણ હવે જ્યાં સુધી તું એક નામી લેખિકા બની નહી જાય ત્યાં સુધી આપણે મળીશું નહીં.”

નંદિનીએ વધુ ને વધુ સમય લખવામાં વીતાવવા માંડ્યો. શરૂઆતમાં મયુરને મળવાની લાલચે અને પછી જેમ જેમ નામના મળતી ગઈ એમ નંદિની લેખનને સમર્પિત થઈ ગઈ. મયૂર સાયકોલોજી જાણતા હતા. નંદિનીને એમણે લેખનમાં બીઝી કરી દીધી. એને પરિણામે આજે નંદિની એક સફળ લેખિકા તરીકે ઓળખાઇ રહી હતી.

સાંજે ડીનર પર બંને મળ્યાં ત્યારે નંદિનીએ ખૂબ વાતો કરી. લોકો, પ્રકાશક, પ્રશંશકો સાથેના પોતાના અનુભવો વિશે બસ એ બોલતી જ રહી, બોલતી જ રહી ને મયુર શાંતિથી એને સાંભળતા રહ્યાં. રોજ કલાક બે કલાક સાહિત્ય ચર્ચા કરવી એ નંદિની અને મયૂરનો નિત્યક્રમ બની ગયો.. કદીક ફોન પર તો કદીક રેસ્ટોરંટમાં. અને એક દિવસ સાંજે …

“નંદુ. ચાલ આપણે સાથે ચાર-પાંચ દિવસનાં વેકેશન પર જઈએ.” નંદિનીએ મયૂરની આંખોમાં જોયું. જે પ્રેમ એ વર્ષોથી ઝંખતી હતી એ જ પ્રેમ એણે મયૂરની આંખોમાં જોયો. એ કંઈ બોલી નહીં ને બસ મયૂરની સામે જોયા કર્યું. મયૂરે ટેબલ પર મુકેલા નંદિનીનાં હાથને પ્રેમથી દબાવ્યો. નંદિની મયૂરનાં વેકેશનનો અર્થ સમજતી હતી અને એક વખત હતો જ્યારે એની પણ તો એજ ઇચ્છા હતી. પણ કોણ જાણે કેમ આજે આ સાંભળી એને ખુશી નહોતી થતી. નંદિનીએ મયૂર પરથી નજર હટાવીને આમ તેમ જોયું ત્યાં એની નજર રેસ્ટોરંટનાં પ્રવેશદ્વાર પર પડી. નિરવ કેટલાક ક્લાયંટ્સ સાથે પ્રવેશ્યો…એણે નંદિનીને જોઇ અને જોયો નંદિનીનાં હાથ પર મયૂરનો હાથ….

– નિમિષા દલાલ

નિમિષાબેનની રચનાઓ અક્ષરનાદ માટે નિયમિતરૂપે મળે છે, પ્રસ્તુત થાય છે અને વાચકોના પ્રેમને પામે છે એ આનંદની વાત છે. એક સંપાદક તરીકે તેમની બળુકી રચનાઓને પ્રસ્તુત કરવાનો અનેરો આનંદ પણ છે. સ્ત્રીકેન્દ્રી સાહિત્યરચનાઓ આપણે ત્યાં ઘણી છે, પરંતુ સ્ત્રીઓની વાતને વાચા આપતી પ્રસ્તુત રચના જેવી કૃતિઓ જૂન છે. પ્રસ્તુત વાર્તા બદલ નિમિષાબેનને અભિનંદન અને શુભેચ્છાઓ.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

12 thoughts on “કોને કહું ? (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ

 • ashvin desai

  નિમિશા દલાલે આ વાર્તાને ભાવકના મનમા પન સમાન્તર દોદાવિને , વાચક પોત્ે પન એના મનમા એક જુદો અન્ત કલ્પિ શકે તેવિ જોગવઐ રાખિને વાર્તાને આધુનિક બનાવિ ચ્હે .હન્યવાદ
  -અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

 • Mansukhlal D.Gandhi, U.S.A.

  ખુબ સુંદર રચના. સાચી વાત છે, અંત અધુરો લાગે પણ તેજ તો લેખની સમાપ્તિનું ધ્યેય બની રહે છે. નારીની ઈચ્છા- અનીચ્છાને તો કોઈ ગણકારતું જ નથી, પછી એ પતિ હોય કે મિત્ર! નારીની ભીતરના મનને બહુ સુંદર રીતે રજુ કર્યું છે.

 • Ravi

  અદભુત વાર્તા પણ મને એવુ લાગે છે કે વાર્તામા કઈક ખૂટે છે.

 • vijay joshi

  નારીના મનનો સન્ઘર્શ અને દ્વિધા ખુબ સુન્દર રીતે વ્યક્ત કરી ઘણું બધું ટુંકા શબ્દોમાં વર્ણવેલું છે. It is more difficult to be succint and brief than ramblingly long and boring. Great job.

 • Harshad Dave

  જેમ પાણી પોતાનો રસ્તો કરી લે છે તેમ લાગણીઓ પણ વહેવાનો પોતાનો માર્ગ કરી જ લે છે. માત્ર ધન પ્રાપ્તિનું ધ્યેય જે ધરાવે તે લાગણીનું લાવણ્ય જોઈ ન શકે અને સમજી પણ ન શકે. પ્રેમ અને લાગણીમાં ખેંચાણ અને આકર્ષણનું પ્રાબલ્ય હોય છે જયારે ધન પ્રીતિ સંગ્રહ અને અસંતોષને આગળ કરે છે. સુંદર મનોભાવોને સમજીને વ્યક્ત કરવા માટે મનની સુંદરતા હોવી આવશ્યક છે. નિમિષાબહેને તેથી જ આવી ભાવના પ્રસ્તુત કરી…સ્પર્શી. -હદ.

 • ASHOK M VAISHNAV

  સ્ત્રીની અલગ અલગ પરિસ્થિતિઓમાંની મનોદશા પર દરેક ભાષામાં સુંદર અને મનનીય સાહિત્ય રચાતું રહ્યું છે.
  નિમિષાબહેનનું આ વિષય પરનું આ પ્રદાન સામાન્ય જણાતી પરિસ્થિતિઓમાંથી ઉપર ઉઠીને સ્ત્રીનાં સ્ત્રીત્વ અંગેનાં વ્યક્તિગત, કૌટુંબિક તેમ જ સામાજિક મુલ્યો વિષે જ નહીં પણ કોઇ પણ પુરૂષને પણ આ બાબતે વિચાર કરતા કરી મૂકે છે.
  થોડાં વર્ષો પહેલાં ડૉ. દર્શનાબહેન ધોળકિયાએ ગુજરાતી સાહિત્ય્માં નારી પ્ર્ધાન નવલિકાઓ પર મનનીય સંગ્રહ સંપાદિત કર્યો હતો તેની આ પ્રસંગે યાદ આવે છે.

 • Suresh Shah

  સુંદર – ભાવનાઓ ને ખૂબ જ સારી રીતે સુરુચી નો ભંગ કર્યા વિના રજુ થઈ. નિમિષાબેનને અભિનંદન.
  આસ્વાદ કરાવવા માટે આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર