૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ – હાર્દિક યાજ્ઞિક 34


(૧) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

(૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.

(૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..

(૪) ઓફિસના પાર્કિગમાં મહેશ ચેરમેન સાહેબની મર્સિડીઝ જોઈને મનમાંને મનમાં હસ્યો. એના મને આજે આ ગાડી એકદમ તુચ્છ હતી કારણકે આજે જ એણે નવુ લ્યુના ખરીદ્યું હતું.

(૫) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.

(૬) “એય, આજે હું ઘરે જઇશ. નાહીશ ડોલ ભરીને, સરસ કપડા પહેરીશ. કાલથી ભાઇની દુકાનમાં નોકરી કરીશ.. ભાભી હવે વઢશે તો કહી દઇશ કે હવે તો ડાહ્યો થઇ ગયો છું. ભાઇ હવે મને મારશે પણ નહિ. ડોકટર કહેતા હતા રોજ દવા પીશ તો ધરે જવા મળશે. હું રોજ દવા પીવુ છુ. એટલે હુ આજે ઘરે જઈશ.” પાગલખાનામાં બધાંને ભેગા કરીને મિતેશે જાહેર કર્યુ.

પાછળથી ડૉકટરે આવીને પીઠ થાબડીને કહ્યુ, “મિતેશ, તારૂ ઘરે જવાનુ પાકું પણ પછી આ લોકોને તારા વિના સૂનું લાગશે એનુ શું? આ તારી બાજુના બેડ વાળો રતનતો સવારનો રડે છે અને ૧૦ નંબરના બેડવાળા શાંતિકાકાએ તો કશું ખાધું નથી.”

મિતેશે જાહેર કર્યુ, “એમ, તો તો કોઇને દુઃખી શું કામ કરવા? હું અહીં જ રહી જઇશ.”

(૭) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.

ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”

એણે હસીને કહ્યું, હા મમ્મી..”

(૮) પરમાર સાહેબે એક પછી એક ફાઇલો ખોલીને તેમા વચ્ચે મૂકેલી ૫૦૦ની નોટને ભેગી કરીને પોતાના પાકીટમાં મૂકવા માંડી. એક ફાઇલમાંથી પૈસા ન નીકળ્યા. એ ફાઇલ એમણે પાસ કરી દીધી અને બાકીની કાલ માંટે પેન્ડિંગ રાખી. આજે એમને શ્રાવણ મહિનાના પહેલા સોમવારનો ઉપવાસ હતો.

(૯) “આ સાલા ભીખારીઓ વગર મહેનતે કમાવાના ધંધા માંડયા છે.” સુરેશભાઇ છણકો કરીને આગળ વધ્યા. કપાયેલા બન્ને પગ પરનું કપડુ સરખુ કરતા કરતા પ્રસરી ગયેલા કેન્સરનાં દર્દનો ઉંહકારો ભરીને તે બોલ્યો, “ભગવાન એનું પણ ભલુ કરજો.”

(૧૦) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાખ્યો. નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.”

ત્યાંજ મોબાઇલ રણકયો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં..”

(૧૧) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”

(૧૨) શાંતિલાલ ૭૫ વર્ષે પણ રોજ અચૂક મંદિરે જાય. ભજનમાં બેસે અને પાછા આવે. ગઇકાલે મુખ્ય ભજનિક સવિતાબેન ગુજરી ગયા.

શાંતિલાલે હવે મંદિરની જગ્યાએ ઘરેજ પૂજા કરવાનું ચાલુ કર્યું.

(૧૩) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. કાકાએ હસીને પેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”

(૧૪) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા ૩૫૦ રૂ. વધારે મળ્યા.

(૧૫) ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવી જોઇએ એમ માનનારાઓએ કંઇ જ કસર ન રાખી. પતિના મરણપ્રસંગે જમવાનુ તો કંયાથી હોય પણ કોઈએ પાણી સુધ્ધાનું પૂછ્યુ નહીં. સવારથી એ એકનીએક જગ્યાએ બેસી રહી. રાત સુધી અલગ અલગ વ્યક્તિઓએ આવીને હિંમત રાખવાની એકની એક વાત કર્યા કરી. લગભગ ૧૨ વાગ્યા સુધી સગાવ્હાલાઓએ એને ભવિષ્યમાં શું કરવુ તેના અભિપ્રાય આપી દીધા. અંતે ૧ વાગે તે એકલી રૂમમાં આવી અને સહજ રીતે બોલી ઉઠી… “હાંશ !”

(૧૬) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”

(૧૭) નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’

શહેર સ્વછતા અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “સિક્યોરીટી રીઝન.”

(૧૮) રજનીભાઈએ સ્વભાવ મુજબ આ વખતે પણ ટ્રેનની મુસાફરીમાં બાજુ વાળા મુસાફર સાથે મિત્રતા કરી દીધી. આ વખતે બાજુમાં હતો ૨૫ વર્ષનો મયંક.

રજનીભાઈએ પોતાનાથી ત્રણગણા નાના મંયક સાથે પ્રેમ અને છોકરીઓની વાતો શરૂ કરી. શરૂઆતમાં તો એ શરમાયો પણ પછી થયું કે કાકા પણ આપણા જેવા જ છે. બે કલાક સુધીની વાતો પછી ધીમેથી આંખ મીંચકારી રજનીભાઈએ ગર્લફ્રેન્ડ માટે પૂછ્યું, બિન્દાસ્ત મયંકે મોબાઇલમાં રહેલા પર્સનલ ફોટા બતાવ્યા. રજનીભાઇને જોરથી ઉધરસ આવી. ગળુ ખંખેરી એ બાથરૂમ તરફ વળ્યા અને ઘરે ફોન જોડીને કહ્યું, “આરતી, હું વળતી ટ્રેનથી ઘરે પાછો આવી રહ્યો છું.”

(૧૯) ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી કરીને નાનકડો મનુ બોલ્યો, “આ ફોટા કેમ લટકાવવાના?”

કામ ઉપર જતી માંએ કહ્યું, “બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચું હોય.”

માંની વાત સાચી માનીને ગઈકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડરની પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચડીને ગણપતિજીની જમણી બાજુ પડેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.

(૨૦) અંગ્રેજો સામેની લડાઈમાં શહીદ થનાર આઝાદ સ્વ. તિલકરામ જોષીના ફોટા સામે દીવો કરીને પ્રણામ સાથે તેમનો પ્રપૌત્ર અનિલ એરપોર્ટ જવા નીકળ્યો. એને બ્રિટનમાં સારી નોકરી મળી ગઈ. રહેવાનું, જમવાનું અને પરમેનેન્ટ રેસીડન્સી…

હાર્દિકભાઈ યાજ્ઞિક રચિત ૨૦ માઈક્રો ફિક્શન લઘુવાર્તાઓ અત્રે પ્રસ્તુત છે. એકથી પાંચ લીટીની સીમારેખામાં આવતી આ પ્રત્યેક વાર્તા પોતાનામાં એક આગવું ભાવવિશ્વ ધરાવે છે અને છતાંય તેના કદની લઘુતા તેની અસરકારકતાને જરાય અસર કરતી નથી એ જ તેની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

34 thoughts on “૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ – હાર્દિક યાજ્ઞિક